Expired chocolate seizure: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડ રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ ચોકલેટના એક મોટા ગોડાઉન પર કરવામાં આવેલા દરોડા દરમિયાન મોટી માત્રામાં વાસી, અખાદ્ય અને એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. ફૂડ વિભાગે સ્થળ પર જ અખાદ્ય જથ્થાનો નાશ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ફૂડ વિભાગ દ્વારા પ્રથમ કાર્યવાહી કાલાવડ રોડ પર આવેલા “બીટ એન્ડ બાઈટ ફૂડ ઝોન” અને “જીજે5 સેન્ડવીચ એન્ડ પીઝા” સહિતના એકમોમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાસી ટમેટા સોસ, વાસી ચટણી અને વાસી સેન્ડવીચ મસાલો મળી આવ્યો હતો. વિભાગે કુલ 28 કિલોગ્રામ જેટલો અખાદ્ય ખાદ્ય જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો.
આ દરમિયાન કુલ 21 ધંધાર્થીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી છ ધંધાર્થીઓને લાયસન્સ સંબંધિત ખામીઓ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતીની ચકાસણી માટે 15 એકમોમાંથી નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
ફૂડ વિભાગે વધુ એક મોટી કાર્યવાહીમાં શહેરના ચોકલેટના એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 250 કિલોગ્રામથી વધુ અખાદ્ય અને એક્સપાયર્ડ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આ ચોકલેટ્સ જાણીતી બ્રાન્ડના નામે વેચવામાં આવતી હતી. જથ્થામાં મોટી સંખ્યામાં એક્સપાયરી તારીખ પૂર્ણ થઈ ગયેલી ચોકલેટ્સ મળી આવી હતી.
તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે કેટલીક વસ્તુઓમાં ઇન્જેક્શન મારફતે જેલી જેવું પ્રવાહી ભરીને વેચાણ કરવામાં આવતું હતું. આ પ્રકારના ઉત્પાદનો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વેચાતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
ગોડાઉનના માલિકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ઝડપાયેલો એક્સપાયર્ડ જથ્થો એક મહિનાથી લઈને ચારથી પાંચ મહિના જૂનો હતો. કુલ 200થી 250 કિલોગ્રામ જેટલો સમયમર્યાદા પૂર્ણ થયેલો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ફૂડ વિભાગે જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ અખાદ્ય અને એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરવામાં આવશે તેમજ જવાબદાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરાશે. વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે.








