Thursday, April 16, 2026
HomeNavajivan CornerLink In Bioભારત-પાકિસ્તાનના ભાગલાની પીડા બયાન કરતી ક્લાસિક ફિલ્મ ‘તમસ’

ભારત-પાકિસ્તાનના ભાગલાની પીડા બયાન કરતી ક્લાસિક ફિલ્મ ‘તમસ’

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): નેવુંના દાયકામાં દૂરદર્શન પર પ્રથમ વાર પર રજૂ થયેલી ‘તમસ’ ફિલ્મના પ્રસારણથી વિવાદ ઊભો થયો હતો અને તેના પ્રસારણ પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. વિભાજન સમયનું નજીકનું ચિત્રણ રજૂ કરતી ‘તમસ’ ફિલ્મ ક્લાસિકલે ઢબે નિર્માણ થઈ છે. ભીષ્મ સહાનીના કૃતિ ‘તમસ’ના આધારે દિગ્દર્શિત થયેલી આ ફિલ્મ આઝાદી કાળની વ્યથા, દર્દ અને હેવાનિયતને આપણી સામે મૂકે છે…

હિન્દુસ્તાનના વિભાજનના કિસ્સાઓ કહેતા અનેક પુસ્તકો, ડોક્યુમેન્ટરીઝ અને ફિલ્મો છે, જેમાંની કેટલીક ફિલ્મો માઈલસ્ટોન બની છે, જે દેશને લઈને આપણા સપનાઓને જીવંત રાખે છે, આપણને પાઠ શીખવે છે, દેશની બદહાલી માટે જવાબદાર કોણ છે તેના ઠોસ પુરાવા આપે છે અને આપણને વિચારતા કરી મૂકે છે. આમાં સૌથી ટોચ પર મૂકી શકાય તેવી કોઈ ફિલ્મ હોય તો તે ‘તમસ’ છે. ભીષ્મ સહાનીની આ જ નામની નવલકથા અને અન્ય બે વાર્તાઓ પરથી બનેલી ફિલ્મ ‘તમસ’નું ગોવિંદ નિહલાની દ્વારા નિર્દેશન થયું છે. ૯૦ના દાયકામાં દૂરદર્શન પર પ્રસારીત થયેલી આ ફિલ્મથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે વાતાવરણ તંગ બન્યુ હોવાની વાતો પણ વહેતી થઈ હતી. એક સમયે તો તેના પ્રસારણ પર સ્ટે પણ મૂકી દેવો પડ્યો હતો. અરે, ફિલ્મોના કેટલાક દૃશ્યો પર તો રાજકીય પક્ષોએ પણ વાંધો ઊઠાવ્યો હતો. ફિલ્મોમાં કટ્ટર હિન્દુવાદીઓના હિંસક દૃશ્યોથી ભાજપ, શીવસેના અને સાથી પક્ષો દ્વારા દૂરદર્શના તમામ કેન્દ્રો પર વિરોધ પ્રદર્શન થયેલું અને ‘તમસ’નું પ્રસારણ તાત્કાલિક બંધ કરવાની માગણી ઊઠાવી હતી. એવી જ રીતે કેટલાક મુસ્લિમોને પણ આ ફિલ્મથી વાંધો પડ્યો હતો અને તેને બંધ કરાવાની જાહેર હિતની અરજી કરી હતી. ‘તમસ’નો વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે, છેવટે તેના લેખક ભીષ્મ સહાની અને દિગ્દર્શક ગોવિંદ નિહલાનીને સુરક્ષા પૂરી પાડવી પડી હતી !

- Advertisement -

સાચી વાત અને વાસ્તવિકતાઓ તરફ ખેલાતા રાજકારણ અને પોતાની પોલ પકડાઈ જશે એ ડરે રાજકારણીઓ અને ધર્મના કટ્ટરપંથીઓએ ભલે ફિલ્મને લઈને વિરોધ ઉઠાવ્યો હતો, પણ હકિકતે જોઈએ તો એ ફિલ્મ તો ૧૯૪૭માં ભાગલા વખતે જે થયેલું એનું એનું વાસ્તવિક અને સચોટ દસ્તાવેજીકરણ માત્ર હતું. ન તો તેમાં કોઈ એક વર્ગને નીચો પડાયો હતો ન બીજાની બૂરાઈ કરાઈ હતી. પરંતું, કટ્ટર માનસિકતા ધરાવનારાઓને આ વાત ન પચી અને તેનો જોરશોરથી વિરોધ થયો. જોકે આ પૂરી ફિલ્મના ઉદ્દેશને લઈને ભીષ્મ સહાની અને ગોવિંદ નિહલાનીએ અગાઉથી જ સ્પષ્ટિકરણ આપી દીધું હતું. ભીષ્મ સહાનીએ તો વાત આ કથા અંગે સરસ રીતે માંડીને કહી છે અને ‘તમસ’ ફિલ્મ નિર્માણનો ઉદ્દેશ અંગે પણ તેમણે કહ્યું હતું કે: “તમસની પૃષ્ઠભૂમિમાં દેશના વિભાજનના સમયની ઘટનાઓ છે. હું પોતે તે પણ તેનો શિકાર બન્યો હતો. તે સમય આપણા દેશના ઇતિહાસનો દુઃખદ અધ્યાય છે. જ્યારે વિવિધ ધર્મોમાં શ્રદ્ધા ધરાવનારા લાખો લોકો મોતને ભેટ્યા હતા, કાં તો બેઘર થયા. હિન્દુ, મુસ્લિમ અને શીખો વચ્ચે ધૃણા, દ્વેષ અને શંકા ફેલાવીને, તેમની વચ્ચે ભાગલા પડાવીને પોતાના રાજકીય સ્વાર્થ સાધવાની પ્રયાસ કરવામાં આવ્યો. તે સમયે સમજદાર લોકો નાસમજ બની અવિશ્વાસની વાતો કરવા લાગ્યા હતા અને બીજી તરફ સીધાસાદા લોકો સાહસ અને માનવતાની મિસાલ આપી રહ્યાં હતાં.

એક તરફ દેશભક્તિની ભાવનાથી આઝાદી માટે લોકો કુરબાની આપી રહ્યાં હતા, જ્યારે બીજી તરફ સાંપ્રદાયિકતાનું ઝેર પણ ફેલાઈ રહ્યું હતું અને આનું પરિણામ શું આવ્યું. લોહી વહ્યું, એકબીજા પ્રત્યે અવિશ્વાસ વધ્યો જેનાથી આપણે સારી રીતે પરિચિત છીએ. તો પ્રશ્ન થાય ‘તમસ’ ફિલ્મ બનાવાનો ઉદ્દેશ શું હોઈ શકે ? ‘તમસ’નો ઉદ્દેશ દફનાવી દીધેલા મડદાને ખોદીને બહાર કાઢવાનો નથી. ‘તમસ’નો અર્થ જૂની યાદોને કોઈ કારણ વિના વર્તમાનમાં રજૂ કરવાનો પણ નથી. ચાલીસ વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકતા મિટાવી શક્યા નથી. આજે પણ ધાર્મિક અને જાતિય અવિશ્વાસ ફેલાવનારા તત્ત્વો આપણી વચ્ચે સક્રિય છે. ‘તમસ’નો ઉદ્દેશ છે કે આ સાંપ્રદાયિક તત્ત્વોના ચરિત્રોને સમજવું, તેમની ચાલને સમજવી, તેમને બેનકાબ કરવા. આમાં કોઈ વિશેષ જાતિના પ્રતિ કોઈ નિર્ણય સંભળાવાનો પ્રયાસ નથી કરવામાં આવ્યો. પરંતું, તેના દ્વારા આપણી વચ્ચે માથુ ઊંચકી રહેલા આ સાંપ્રદાયિક તત્ત્વોની પ્રવૃત્તિને અને તેમની રીતભાતને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘તમસ’નો ઉદ્દેશ ધર્મનિરપેક્ષતા અને સેક્યુલિરીઝમના સિદ્ધાંત દ્વારા દેશની એકતા અને અખંડતામાં વધુ વિશ્વાસ અને આસ્થા પ્રગટ કરવાનો છે અને આ આસ્થામાં માત્ર હું અને ‘તમસ’ના દિગ્દર્શક ગોવિંદ નિહલાની જ જોડાયેલા નથી, પણ દેશના લાખો લોકો તેમાં સંકળાયેલા છે.”

જોકે તમસના સર્જનના ઉદ્દેશ અંગે સ્પષ્ટિકરણ આપવાનો મુદ્દો મૂળ કૃતિ લખાઇ ગયાના દોઢ દાયકા બાદ આવ્યો હતો. તમસ નામની નવલકથા તો ૧૯૭૪માં લખાઈ હતી અને સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ થઈ હતી. પરંતુ ત્યારે તેને લઈને કોઈ જ વિવાદ ઊભો થયો નહોતો. લોકોએ આ કૃતિને વખાણી હતી, પરંતુ તમસને માસ લેવલ સુધી પહોંચાડવાનું કાર્ય ગોવિંદ નિહલાનીએ કર્યું. જ્યારે સામાન્ય લોકોએ પણ વિભાજનની એ ભયાનક તસવીર જોઈ. જેમાં એકતરફ કેટલાંક રાજકીય નેતાઓ આઝાદી મેળવવાના ઓથા હેથળ લોકો વચ્ચે દ્વેષ ફેલાવતા હતા તે સત્ય પણ નવલકથામાં ઉઘાડુ થાય છે. નવલકથામાં ભીષ્મ સહાનીએ કોંગ્રેસ, મુસ્લિમ લીગ, હિન્દુ સંસ્થા અને કોમ્યુનિસ્ટ પાર્ટીનાં ચરિત્રોને ખૂબીથી પ્રગટ કર્યાં છે અને તેમના વચ્ચે વારંવાર થતી અસંગતિને કથામાં ઝીણવટપૂર્વક આલેખી છે. આઝાદી મેળવવાના ઉદ્દેશ સાથે દેશમાં લડત તો ચાલી રહી હતી પરંતુ તે દરમિયાન ગલી મહોલ્લામાં કેવું વાતાવરણ હતું અને તેમની વચ્ચે કેવી હુંસાતુંસી થતી તે દર્શાવ્યું છે.

- Advertisement -

આઝાદીની ચળવળના પ્રકાશ તળે કેવો ‘અંધકાર’ છવાયો હતો, તેનું બખૂબી ચિત્રણ કરતી તમસના ચોટદાર સંવાદો તે સમયના માહોલને બરાબર પકડે છે. ફિલ્મના પ્રથમ ભાગમાં આવતા એક દૃશ્યમાં આપણને તેની અનુભૂતિ થાય છે, જ્યારે ગાંધીને વરેલા એક સ્થાનિક કોંગ્રેસી નેતા બખ્શીજી(એકે હંગલ) તેમના સાથીઓ સાથે પ્રભાતફેરી માટે નીકળે છે. તે સમયે મસ્જિદ સામે સૂવર મારવાની ઘટનાથી શહેરમાં વાતાવરણ તંગ બની જાય છે અને રસ્તાઓ સૂમસામ ભાંસે છે. બખ્શીજીને વાતાવરણ પારખીને કહે છે કે, “લગતા હૈ શહેર પર ચીલે ઊડેગી, આસાર બહુત બુરે હૈ.” આવા સંવાદોથી તમસની પૂરી કહાની વણાઈ છે.

સમાંતરે ચાલતી તમસની અલગ-અલગ કહાની એક શહેરની ઘટનાઓ સાથે જોડાયેલી છે, જેમાં બધા જ એકબીજાથી ટકરાયા કરે છે. બખ્શીજીનું પાત્ર ગાંધીને વરેલા એક કોંગ્રેસી નેતાનું છે, જેઓને શહેરમાં એકતા જાળવી રાખવી છે. ગાંધીજીના રચનાત્મક કાર્ય કરવા છે, પણ તેમની સાથે જોડાયેલા સાથીઓ સાથે સતત તેમની રકઝક થયા કરે છે. બખ્શીજીને આ લોકોને વારંવાર સમજાવવા પડે છે કે રચનાત્મક કાર્યોથી પણ આપણે સ્વરાજ મેળવવા તરફ આગળ વધી રહ્યાં છે. બખ્શીજીના એક પ્રશ્નના યોગ્ય જવાબથી આ કાર્યકર્તાઓ તેમની સામે બીજા પ્રશ્નો વરસાવે છે સાથે તેઓની અંદર અંદર બોલાચાલી તો ચાલતી જ રહે છે. આવી જ એક અન્ય વાર્તામાં શહેરમાં રહેતા નત્થૂ(ઓમપૂરી) જે મૃત પ્રાણીઓની ચામડી ઉતારવાનું કામ કરે છે, પણ વધુ પૈસા માટે તેણે મારેલા એક ડુક્કરથી શહેરમાં કેવી રીતે માહોલ તંગ બની જાય છે અને છેવટે નત્થૂને ભારોભાર પસ્તાવો થાય છે કે તેના હાથથી આ કેવું પાપ થઈ ગયું. વિભાજન દરમિયાન ગલી મહોલ્લામાં વિવિધ ધર્મોના આગેવાનો દ્વારા એકબીજા પ્રત્યે દ્વેષ કેવી રીતે પાળતા હતા અને લોકોને ઉકસાવવાનું તે કાળથી જ કેટલું સરળ રહ્યું છે તે પણ દર્શાવામાં આવ્યું છે.

ગોવિંદ નિહલાનીને તમસના પ્રસારણને લઈને જ સંઘર્ષ કરવો પડ્યો હતો તેવું નહોતું. બલ્કે તેના પ્રોડક્શનમાં પણ તેઓને મુશ્કેલી પડી હતી. દૂરદર્શન પર ફિલ્મ પ્રસારીત કરવાની મંજૂરી મળવા માટે છ મહિના જેટલો સમય લાગ્યો હતો અને આઝાદી સમયને જીવંત કરવા માટે મુંબઈમાં સેટ બનાવવા પણ જંગી બજેટ જોઈતું હતું. જેના માટે પણ ગોવિંદને ત્રણથી વધુ પ્રોડ્યુસર્સ પાસે હાથ મિલાવવા પડ્યા. જો કે ગોવિંદ નિહલાની જાણતા હતા કે, આ ફિલ્મથી ચર્ચા છેડાવવાની છે અને તેઓને તેનું વળતર પણ મળશે. ફિલ્મમાં પાત્રોનું કાસ્ટિંગ પણ સારું થયું છે, એક એક પાત્ર તેના કિરદારને ન્યાય આપ્યો છે. જોકે ઓમ પુરી, દિપા સાહિ, દિના પાઠક, એકે હંગલ, સઈદ ઝાફરી, પંકજ કપૂર, સુરેખા સિકરી અને અમરીશ પુરી જેવા કલાકારોથી તો આવી જ અપેક્ષા હોય. પરંતુ મુંબઈમાં જ શૂટ થયેલી આ ફિલ્મનો સેટ ખૂબ ચિવટતાથી તૈયાર થયો છે જેમાં તે વખતના પંજાબની પૃષ્ઠભૂમિ તૈયાર થાય છે. આશા રાખીએ કે જે દૃષ્ટીથી ભીષ્મ સહાનીએ તમસનું સર્જન કર્યું હતું એ દૃષ્ટીએ આપણે પણ એ કડવી વાસ્તવિકતાઓને પારખીએ અને પચાવી જાણીએ અને તેમાંથી બોધપાઠ લઈએ.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular