કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. કાશ્મીરના પહલગામ હૂમલા પછી પાકિસ્તાનમાં આતંકવાદીઓના ગઢ પર આપણું સૈન્ય ત્રાટક્યું. સામે પક્ષે પાકિસ્તાને આઠ તારીખના સાંજ પડતાં ભારતના સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોન દ્વારા હૂમલો કરી દીધો. એશિયાઈ મહાદ્વિપના આ બંને દેશો એક સમયે અભિન્ન હતા અને આઝાદી મળી ત્યારે બંને દેશોનું વિભાજન થયું. હાલની સ્થિતિમાં પાકિસ્તાન સામે કાર્યવાહી અનિવાર્ય થઈ પડી છે. આપણા સૈન્યએ આ અનિવાર્ય કાર્યવાહીને ખૂબ સંતુલિત રીતે કરી છે. વિદેશ સચિવ વિક્રમ સિકરીના શબ્દોમાં કાર્યવાહી કરવાની મક્કમતા ઉપરાંત તેમાં જવાબદાર દેશ તરીકેની ફીકર પણ દેખાતી હતી. પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી થઈ તે પછી વિદેશ સચિવ વિક્રમ સિકરીના અવાજમાં એક સૂર સ્પષ્ટ હતો કે અમારો ઉદ્દેશ માત્ર આતંકી ગઢોને ધ્વસ્ત કરવાનો છે, નહીં કે પાકિસ્તાનના સૈન્ય કે સામાન્ય જનતા પર હૂમલો કરવાનો. આ અંગે ભારતીય સૈન્ય દ્વારા પુરતા દસ્તાવેજ પણ રજૂ કરવામાં આવ્યા. આ તંગ માહોલ વચ્ચે ભવિષ્યવેતા તરીકે ખ્યાતિ મેળવનારા ઇઝરાયલના યુવાલ નોઆ હરારીના યુદ્ધ અંગેના વિચારો જાણવા જેવા છે. યુવાલ નોઆ હરારી હાલના યુદ્ધોને જે રીતે જુએ છે તે તેમણે ‘ટ્વેન્ટી વન લેસન્સ ફોર ધ ટ્વેન્ટી વન સેન્ચુરી’ પુસ્તકમાં વિગતે લખ્યું છે.

આ પુસ્તકમાં તેઓ યુદ્ધ વિશે લખે છે કે, “એકવીસમી સદીમાં મહાશક્તિઓ માટે સફળ યુદ્ધ કરવું પડકારસમું છે. તેનું એક કારણ અર્થવ્યવસ્થામાં આવેલું પરિવર્તન છે. ભૂતકાળમાં યુદ્ધમાં વિજય મેળવીને પોતાને સમૃદ્ધ બનાવવું સરળ હતું. જો તમે તમારા દુશ્મનને યુદ્ધભૂમિમાં પરાજિત કરો છો, તો તમે શહેરો લૂંટીને, તેમના નાગરિકોને ગુલામ બનાવીને, ઉપજાઉ ખેતરો અને સોનાની ખાણોનો કબજો લઈ શકાતો. રોમનોએ બંધક બનાવેલાં ગ્રીક અને ગાલોને વેચીને પોતાના કોઠારો ભર્યા હતા. અને ઓગણીસમી સદીમાં અમેરિકી કૅલિફોર્નિયામાં સોનાની ખાણો અને ટેક્સાસમાં પશુ-ફાર્મને તાબે લઈને ફૂલ્યાફાલ્યા હતા. હવે યુદ્ધથી નગણ્ય લાભ મળી શકે છે. આજની મુખ્ય આર્થિક સંપત્તિ ઉપજાઉ ખેતરો, સોનાની ખાણો કે ક્રૂડ ઑઇલના કૂવા જ નથી. બલકે તકનીકી અને જ્ઞાન છે. યુદ્ધથી જ્ઞાન જીતી શકાતું નથી. દાખલા તરીકે ઇસ્લામિક સ્ટેટ જેવું સંગઠન શહેરો મધ્ય પૂર્વીય દેશોમાં ક્રૂડ ઑઇલના કુવાને લૂંટીને સમૃદ્ધ થયા. તેમણે ઇરાકની બૅંકોમાંથી 50 કરોડ ડૉલર લૂંટ્યા હતા. પરંતુ ચીન કે અમેરિકા જેવી મહાશક્તિ માટે આ નાની રકમ છે. એવી કોઈ શક્યતા નથી કે 20 ટ્રિલિયન વધુ વાર્ષિક જીડીપી ધરાવતું ચીન થોડા અરબો રૂપિયા અર્થે યુદ્ધની શરૂઆત કરે. સમજો કે અમેરિકા સામેના યુદ્ધ પર ખરબો ડૉલર ચીન ખર્ચ કરે છે તો તેનાથી થતો લાભ ચીન કેવી રીતે મેળવશે? યુદ્ધથી થતી વ્યાપારિક તકોને તે કેવી રીતે ભરપાઈ કરશે. શું વિજેતા ‘પીપલ્સ લિબરેશન આર્મી’ સિલિકોન વેલીની સંપત્તિ લૂંટશે? એ સાચું છે કે એપલ, ફેસબુક અને ગૂગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ અરબો ડૉલરનું મૂલ્ય ધરાવે છે. પરંતુ આ સંપત્તિઓનો બળપ્રયોગ કરીને કબજો લઈ શકાતો નથી. નથી સિલિકોન વેલીમાં સિલોકોનની કોઈ ખાણ નથી.”

યુદ્ધમાં આ સ્થિતિ મહદંશે તમામ દેશોની થાય છે. યુદ્ધમાં મેળવવા કરતાં ગુમાવવાનું વધુ છે. યુક્રેન-રશિયાના યુદ્ધમાં મહાસત્તા ગણાતા રશિયાને અત્યારે તો યુક્રેન સાથે વાટાઘાટો કરવાની નોબત આવી છે. મતલબ કે રશિયા તેની જંગી તાકાત છતાં હજુ સુધી યુક્રેનને ઘૂંટણિયે પડવા મજબૂર કરી શક્યું નથી. આગળ નોઅલ હરારી લખે છે : “એક સફળ યુદ્ધમાં વિજેતા વેપારવ્યવસ્થાને પોતાના પક્ષમાં કરી શકે છે. જે રીતે બ્રિટને નેપોલિયન પર જીત મેળવી હતી અને અમેરિકાએ હિટલર પર. પરંતુ સૈન્ય ટૅક્નૉલૉજીના પરિવર્તને એકવીસમી સદીમાં આ કરતબોનું પુનરાવર્તન મુશ્કેલ બનાવી દીધું છે. ઍટમબૉમ્બે વિશ્વયુદ્ધમાં જીતને સામૂહિક આત્મહત્યામાં બદલી કાઢી છે. એ સંયોગ નથી કે હિરોશિમા પછી મહાશક્તિઓએ આમનેસામને યુદ્ધ નથી કર્યું. અને તેઓ દાવ પર ઘણું ઓછું લગાવવાનું આવ્યું. ખરેખર તો, ઉત્તર કોરિયા જેવાં બીજા દરજ્જાની પરમાણુ શક્તિ પર પણ હુમલો કરવા કોઈનું આકર્ષણ ન રહ્યું. જોકે એ વિચાર ભયભીત કરનારો છે કે જો કિમ પરિવારને સૈન્ય પરાજયનો સામનો કરવો પડે તો તેઓ શું કરે.”
નવા યુગમાં યુદ્ધ કેટલું બધું બદલાઈ ચૂક્યું છે આગળ તે વાત પણ નોઆલ હરારી કરી રહ્યા છે. પાકિસ્તાનનું જ ઉદાહરણ લઈને વાત કરીએ તો ડામાડોળ સ્થિતિમાં પણ પાકિસ્તાન અત્યાધુનિક શસ્ત્રો ખરીદતું રહ્યું છે. ભારત જેવાં સુરક્ષિત પાડોશી છતાં પાકિસ્તાન દ્વારા આ માહોલને સામાન્ય બનાવવાનો ક્યારેય પ્રયાસ થયો નથી. નવી રીતે લડાતાં યુદ્ધ વિશે નોઆલ હરારી કહે છે : “સાઇબર યુદ્ધે સામ્રાજ્યવાદ માટે વધુ ખરાબ સ્થિતિ લાવી દીધી છે. રાણી વિક્ટોરિયા અને મેક્સિમ બંદૂકના યાદગાર દિવસોમાં બ્રિટનના સૈન્ય મેનેજમેન્ટ બર્મિંઘમની શાંતિને ભયમાં મૂક્યા વિના દૂરસુદૂરના કોઈ રેગિસ્તાનમાં કબીલાઓનો નરસંહાર કરતી. જ્યોર્જ ડબલ્યુ. બુશના યુગમાંય અમેરિકા બગદાદ અને ફલ્લુજાહમાં તબાહી મચાવી શકતું હતું. ઇરાકીઓની પાસે સાનફ્રાન્સિસ્કો કે શિકાગો સામે બદલો લેવાનો કોઈ વિકલ્પ નહોતો. જોકે આજે અમેરિકા કોઈ દેશ પર હુમલો કરે, જેમની પાસે સાઇબર યુદ્ધની મર્યાદિત ક્ષમતા છે, તો તેઓ થોડીક ક્ષણોમાં કૅલિફોર્નિયા કે ઇલિનોયમાં યુદ્ધ શરૂ કરી શકે છે. માલવેયર અને લૉજિક બૉમ્બ ડલાસના હવાઈ ટ્રાફિકને ઠપ્પ કરી શકે છે. ફિલોડેલ્ફિયામાં ટ્રેનોની ટક્કર કરાવી શકે છે અને મિશિગનની ઇલેક્ટ્રિક ગ્રિડને ધ્વસ્ત કરી શકે છે.”
યુદ્ધની નિરર્થકતા વિશે પણ યુવાલ નોઆ હરારી લખે છે : “1939માં જર્મની, ઇટાલી અને જાપાન માટે યુદ્ધ અનાવશ્યક હતું. તેમ છતાં તેઓ યુદ્ધમાં સામેલ થયા. બીજા વિશ્વયુદ્ધમાં ચોંકાવનારી વાત એ હતી કે યુદ્ધ પછી પરાજિત દેશોએ મેળવેલી સમૃદ્ધિ અગાઉ તેમણે ક્યારેય મેળવી નહોતી. તેમના સામ્રાજ્યનો ધ્વસ્ત થયા બાદ માત્ર વીસ વર્ષમાં જર્મન, ઇટાલી અને જાપાનની સમૃદ્ધિ અદ્વિતિય સ્તરે પહોંચી. તો પછી તે યુદ્ધમાં ફરી કેમ સામેલ ન થયા? તેમણે લાખો લોકોને અનાવશ્યક મૃત્યુ તરફ કેમ ધકેલ્યા? આ મૂર્ખતા હતી. 1930ના દાયકાના જાપાનના જનરલ, ઍડમિરલ, અર્થશાસ્ત્રી અને પત્રકારો એ વાતે એકમત હતા કે જો કોરિયા, મંચુરિયા અને ચીનના કિનારાઓને નિયંત્રિત ન કરવામાં આવ્યા તો જાપાન આર્થિક રીતે કોઈ પ્રગતિ સાધી નહીં શકે. તે તમામ પદાધિકારીઓ ખોટી રીતે વિચારી રહ્યા હતા. ખરેખર, તો જાપાનની જાણીતી આર્થિક પ્રગતિની શરૂઆત થઈ ત્યારે જાપાને પોતાના ઘણાખરા ભૂભાગને ગુમાવી દીધો હતો.”
‘ટ્વેન્ટી વન લેસન્સ ફોર ધ ટ્વેન્ટી વન સેન્ચુરી’માં જે ઉદાહરણ આપવામાં આવ્યા છે તે વૈશ્વિક સ્તરના છે અને તેમાં આપણી સ્થાનિક સ્થિતિ મૂકીને જોવી જોઈએ તો એ સ્પષ્ટ થઈ જાય કે યુદ્ધનો વિકલ્પ સ્વીકારવો સહેલો નથી. ભારતે પણ નાછૂટકે પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરી છે. સામે પક્ષે પાકિસ્તાને જે મૂર્ખતા કરી છે તે સંદર્ભે જે વાત આગળ યુવાલ હરારી લખે છે : “મનુષ્યની મુર્ખતા ઇતિહાસની સૌથી મહત્ત્વની બાબત છે. પરંતુ આપણે તેને નકારવા હંમેશા તૈયાર હોઈએ છીએ. રાજનેતા, જનરલ અને આગેવાનો દુનિયાને શતરંજની મહાન રમતની જેમ જુએ છે. જ્યાં દરેક ડગ સાવધાનીપૂર્વક ભરવાનું હોય છે. એક હદ સુધી તે યોગ્ય છે. પરંતુ ઇતિહાસમાં કેટલાક એવા નેતા થઈ ગયા જેને પાગલ કહી શકાય. તેઓ પ્યાદા અને ઘોડાની ચાલ ક્યાંય પણ ચાલી નાખે છે. સદ્દામ હુસૈન અને કિમ જોંગ ઇલે જે રીતે ડગ માંડ્યા, તેમ કરવાનાં તેમનાં પોતાનાં તર્કસંગત કારણો હતા. જોકે સમસ્યા એ છે કે દુનિયા શતરંજની રમતથી વધુ જટિલ છે. અને મનુષ્યની તર્કબુદ્ધિ તેને સમજવા અર્થે સક્ષમ નથી. એટલે ઘણી વાર વિવેકભાન ધરાવતો નેતા પણ મૂર્ખતા કરી બેસે છે.”
યુવાલ નોઆ હરારીએ આ પુસ્તકમાં વર્તમાન સમય-સ્થિતિને અનુલક્ષીને અનેક એવી વાતો લખી છે; જેનાથી આપણે વ્યાપક ચિત્ર જોઈ શકીએ.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796