નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા ગ્રામ્ય પોલીસે (Vadodara Rural Police) નોંધેલા ગુજસીટૉકના ગુનામાં લિસ્ટેડ બુટલેગરની પત્ની અને ભાભીના ફ્રીઝ થયેલા એકાઉન્ટ ખોલવા માટે થયેલી અરજી અદાલતે ફગાવી (Court refuses to reopen freeze bank accounts in GujCTOC) દીધી છે. બુટલેગરની પત્ની અને ભાભીના નામે ચાલતા સચિન પેટ્રોલિયમના ત્રણ બેંક એકાઉન્ટમાં 40.42 કરોડ રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હતા. પોલીસ તપાસમાં પેટ્રોલિયમ પ્રોડક્ટનું વેચાણ અને બેંકમાં થયેલા વ્યવહારો વચ્ચે મોટો તફાવત આવતો હોવાથી પોલીસે એકાઉન્ટ સ્થગિત કરવા બેંકમાં રિપોર્ટ કર્યો હતો.
વડોદરા જિલ્લામાં મોટાપાયે દારૂનો ધંધો કરતા લિસ્ટેડ બુટલેગર રાકેશ જયસ્વાલ ઉર્ફે લાલો, તેની પત્ની સહિત પાંચ લોકો સામે ગ્રામ્ય પોલીસે ઑક્ટોબર-2025માં ગુજસીટૉક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસમાં બુટલેગરની પત્ની સીમાબહેન અને ભાભી કવિતાબહેનની સંયુક્ત માલિકીના પેટ્રોલ પંપના નાણાકીય વ્યવહારો વચ્ચે લાંબુ અંતર હોવાથી તપાસનો દોર આગળ ધપાવવા બેંક એકાઉન્ટ સ્થગિત કર્યા હતા. તપાસ દરમિયાન વર્ષ 2022 થી 2024 દરમિયાન સચિન પેટ્રોલિયમ દ્વારા નાયરા કંપની પાસેથી અંદાજે 14.93 લાખ લિટર ડીઝલ અને 7.70 લાખ લિટર પેટ્રોલની ખરીદી કરાઈ હતી. ડીઝલ અને પેટ્રોલ વેચાણની કુલ અંદાજિત આવક રૂપિયા 19.83 કરોડ જેટલી થતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ જુદાજુદા બેંક એકાઉન્ટમાં 40.42 કરોડના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે, દારૂના ગેરકાયદેસર ધંધામાંથી કરવામાં આવેલી કાળી કમાણીને ધોળી (Game of laundering black money) કરવા આ નાણાકીય વ્યવહારો થયા છે.








