નવજીવન ન્યૂઝ. રાજકોટ: છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટનો સટ્ટો અને જુગાર પણ ઓનલાઈન થઈ ગયા છે. આવી રીતે ઓનલાઈન સટ્ટો અને જુગાર રમાડતી વેબસાઇટોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ વેબસાઇટમાં ક્રિકેટ સટ્ટાથી લઈને અલગ અલગ પ્રકારના જુગાર રમાડવામાં આવે છે. આવી વેબસાઇટની જાહેરાતો અખબારો, તવી ચેનલો અને હોર્ડીંગ્સ પર પણ મોટા પ્રમાણમાં થાય છે, તેમ છતાં તેમના સુધી પહોંચી શકતું નથી અને કોઈ કાર્યવાહી થતી નથી. હવે આ વેબસાઈટો દ્વારા જાહેરાત માટે નવી મોડેસ ઓપરેન્ડી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં (Rajkot) ટી-પોસ્ટ (Tea Post) નામના કાફેમાં ચા અને કોફીના કપ પર આવી વેબસાઇટની જાહેરાત અને સટ્ટો રમવા માટે એક QR કોડ પણ દર્શાવવામાં આવ્યો છે, જેની મદદથી ગ્રાહક આ વેબસાઈટમાં સરળતાથી જોડાઈ શકે.

રાજકોટમાં ટી-પોસ્ટ કાફેમાં કપ પર ઓનલાઈન ગેમ્બલિંગ અને બેટિંગ વેબસાઇટની જાહેરાત (Online Gambling and Betting Advertisement) અંગે રાજકોટ ક્રાઇમ બ્રાંચ (Rajkot Crime Branch)હાલ તપાસ કરી રહી છે. જાહેરાત અંગે વાત કરવા નવજીવન ન્યૂઝ (Navajivan News) દ્વારા ટી-પોસ્ટના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ હોવાના કારણે સંપર્ક થઈ શક્યો ન હતો. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ટી-પોસ્ટના માલિક દર્શન ઠક્કરે જણાવ્યું હતું કે, અમે માત્ર જાહેરાતના ઇરાદાથી આ કપનો ઉપયોગ કર્યો હતો અને હાલ અમે આ કપ વાપરવાનું બંધ કરી દીધું છે.
દર્શન ઠક્કરે જણાવ્યુ હતું કે, “અમે જે MG Lion વેબસાઇટની જાહેરાત લીધી છે તેના વિષે તપાસ કરી હતી. તેના બ્રાન્ડ એમ્બેસેડર જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય છે. આવી જાહેરાતો અખબારોમાં પણ આવે છે, જો ગેરકાયદેસર હોય તો સરકાર આવી જાહેરાતો બંધ કેમ નથી કરાવતી? અમે માત્ર 15 દિવસથી આ જાહેરાતવાળા કપનો ઉપયોગ કરતાં હતા. જે અમે બંધ પણ કરી દીધું છે, કારણ કે કપને લઈને કોઈ વિવાદ થાય તેવું અમે ઇચ્છતા નથી. આવી જેટલી પણ વેબસાઇટ છે તેમાં આખરે તો જુગાર અને સટ્ટો જ હોય છે. જો આ ગેરકાયદેસર હોય તો સરકારે આ જાહેરતોને બંધ કરાવવી જોઈએ.”
નવજીવન ન્યૂઝ દ્વારા આવી ગેરકાયદે ચાલતી વેબસાઈટ અંગે અનેક વાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, તેમ છતાં પોલીસ કે સરકાર દ્વારા આ જાહેરતોને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વેબસાઇટ દ્વારા એવી જગ્યાઓએ જ જાહેરાત કરવામાં આવે છે, જ્યાં મોટા ભાગે યુવાનોની અવર-જવર હોય છે. જેમાં કોલેજની આસપાસ મોટા ભાગે આ જાહેરાતો જોવા મળે છે, ઉપરાંત અખબારોમાં, ટીવી ચેનલોમાં અને રસ્તા પરના હોર્ડીંગ્સ પર પણ આ જાહેરાતો જોવા મળે છે. ત્યારે હવે તો કાફેમાં પણ કપ પર આ જાહેરાતો થવા લાગી છે. ત્યારે હવે જોવું રહ્યું કે, સરકાર અને પોલીસ આ વેબસાઇટ સામે કાર્યવાહી કરશે કે પછી ગુજરાતનું યુવાધન આવી રીતે જ ગેરમાર્ગે દોરાતું રહેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








