નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : સાયબર ક્રાઈમ થકી મેળવેલા કરોડો રૂપિયાની હેરફેર કરતી એક ટોળકીને સ્ટેટ સાયબર ક્રાઈમે (CCoE) ઝડપી પાડી છે. અમદાવાદ અને આણંદ ખાતે સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સની ચાર ટીમે ઑપરેશન હાથ ધરી 10 શખસોને ઝડપી લઈ 11 મોબાઈલ ફોન, 3 ચેકબુક, 3 પાસબુક અને 3 ક્રેકિટ કાર્ડ કબજે કર્યા છે. પકડાયેલી ટોળકીમાં સામેલ મ્યૂલ એકાઉન્ટ હેન્ડલર સાહીલમીંયા શબ્બીરમીંયા મલેકના મોબાઈલ ફોનમાંથી મળેલી માહિતીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સાહીલ મલેકની ભૂમિકા મુંબઈના ચકચારી બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીને ભાડાનું બેક એકાઉન્ટ આપવામાં (Baba Siddiqui murder case accused) નીકળી છે. Gujarat Police આગામી દિવસોમાં આરોપી સાહીલ મલેકને મુંબઈ પોલીસને સોંપશે.
સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સના સિનિયર એસપી રાજદીપસિંહ ઝાલા (Rajdeepsinh Zala) એ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, મ્યૂલ એકાઉન્ટ હંટ 2.0 પ્રોગ્રામ હેઠળ 10 આરોપીઓ ઝડપાયા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 197 બેંક એકાઉન્ટની માહિતી મળી છે. જે બેંક એકાઉન્ટ પૈકી 60 બેંક ખાતા દેશમાં નોંધાયેલા 132થી વધુ સાયબર ક્રાઈમમાં વપરાયા છે. જેમાં 53.55 કરોડની ઠગાઈ આરોપીઓએ આચરી છે. પકડાયેલા આરોપીઓમાં મ્યૂલ એકાઉન્ટ હેન્ડલર સાહીલ શબ્બીરમીંયા મલેક (રહે. કલાલ પિપલ, પેટલાદ,જિ. આણંદ) મળી આવ્યો છે. બાબા સિદ્દીકીની હત્યા કરનારા આરોપીઓને સલમાન વ્હોરાનું કર્ણાટક બેંકનું એકાઉન્ટ આપવામાં મુખ્ય ભૂમિકા સાહીલ મલેકે ભજવી હોવાના પુરાવા હાથ લાગ્યા છે. આથી સાહીલ મલેકને મુંબઈ પોલીસ (Mumbai Police) ને સોંપવામાં આવશે.








