Sunday, October 13, 2024
HomeGujarat‘ચોટોદેર ચોબી’ હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત!

‘ચોટોદેર ચોબી’ હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત!

- Advertisement -

આપણાં પુરાણોમાં વર્ણવાયેલા ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંનો એક મહત્ત્વનો અવતાર છે વામન અવતાર. દેવોને પરાસ્ત કરી ત્રણેય લોકની સત્તા મેળવી દૈત્યરાજ બલી જ્યારે મહાયજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાને વામન અવતાર ધારણ કર્યો. બલીના યજ્ઞમાં જઈ ચતુરાઈથી ત્રણ ડગ જમીન માગીને ત્રણેય લોક પાછા મેળવ્યા. આ કથામાં જે વામન ભગવાન હતા એ ઠીંગણા હતા. મતલબ, કે ઈશ્વરે પણ ઠીંગણા હોવાની લીલા ભજવી છે. આ ઠીંગણા બનીને જ ઈશ્વર ત્રણેય લોકને દૈત્યની સત્તામાંથી પાછા મેળવી શક્યા હતા.

આપણી આસપાસ અનેક એવા લોકો છે જેમની ઊંચાઈ સરેરાશ લોકો કરતાં ઘણી ઓછી હોય છે. આપણે એ લોકોને ‘સોપારી’, ‘ટબુડી’, ‘ઢેબલો’, ‘ઢેબલી’, ‘અંગુઠો’, ‘દોઢ ફૂટિયો’ કે આવા બીજા અનેક નામથી સંબોધીએ છીએ. કોઈ કૌતુક હોય એ રીતે આપણે લોકો એમની સામે જોઈ રહીએ છીએ. એની ઊંચાઈ અને એના દેખાવ પર ઠઠ્ઠામશ્કરી કરીએ છીએ. આપણા ટી.વી. શોસ અને ફિલ્મ્સમાં ઠીંગણા લોકોનો ઉપયોગ કરીને કોમેડી સીન્સ ફિલ્માવાય છે. લોકો પેટ પકડીને હસી શકે છે. સર્કસ જોવા જઈએ તો ઠીંગણા જોકરોને જોઈ બચ્ચાપાર્ટી ખુશખુશ થઈ જાય છે. રોજબરોજના આપણા જીવનમાં આવા ઠીંગણા લોકોને જોઈને આપણે તુરત એની અણઆવડતોને ધારી લઈએ છીએ. કાં તો એકદમ દયા જતાવીએ છીએ અથવા હસી લઈએ છીએ. આખરે આ ઠીંગણા લોકોની શું કથા કે વ્યથા હોઈ શકે?પોતાની હાઈટને લઈને એ લોકોનાં મનમાં કેવા કેવા વિચારો સતત ચાલતા રહેતા હશે? પોતાની હાઈટના લીધે એમનાં મનમાં કુદરત કે સમાજ સામે કોઈ આક્રોશ હશે કે બેપરવાહ મિજાજ હશે?આ દરેક પ્રશ્નોના જવાબ બંગાળી ફિલ્મ ‘ચોટોદેર ચોબી’ (2015)માંથી મળ્યા

- Advertisement -

કવિશ્રી રમેશ પારેખનું ખૂબ સુંદર ગીત, “હરિ પર અમથું અમથું હેત, હું અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત!”આ આખું ગીત બંગાળી ફિલ્મ ‘ચોટોદેર ચોબી’ (ઠીંગણા લોકોની કથા) જોતી વખતે વારંવાર યાદ આવતું હતું. કૌશિક ગાંગુલીએ લખેલી અને ડિરેક્ટ કરેલી આ ત્રીજી ફિલ્મ છે. કૌશિક ગાંગુલીએ આ અગાઉ ‘ઉશનાતર જાનયે’ (2003) અને ‘અરેકતી પ્રેમેર ગોલ્પો-જસ્ટ અનધર લવસ્ટોરી’ (2010) નામની બે ફિલ્મો બનાવી છે જે લેસ્બિયન અને ગે રિલેશનશીપ પર આધારિત છે. સામાજિક મુદ્દાઓને લઈને સુંદર ફિલ્મો બનાવનાર આ ડિરેક્ટરે અત્યાર સુધી અનેક ટીવી શોસ અને ફિલ્મો કરી છે પણ એ બધામાં ‘ચોટોદેર ચોબી’ અનોખી ભાત પાડે છે.

ફિલ્મની કથા કલકત્તામાં લાગેલા સર્કસથી શરુ થાય છે. સર્કસ ચાલી રહ્યું છે અને એક ઠીંગુજી જોકર ‘શીબુ’ ઊંચાઈ પરથી અકસ્માતે નીચે પટકાય છે. લોકો પેટ પકડી પકડીને હસે છે પણ નીચે પડેલા શીબુના શરીરમાં અનેક ફ્રેક્ચર થાય છે. ઓપરેશનનો બહુ મોટો ખર્ચો છે. કલકત્તાની બાજુમાં આવેલાં ગામડામાં શીબુ એની વાઈફ અને એક નાનકડી દીકરી સોમા સાથે રહેતો હોય છે. (શીબુ, એની પત્ની અને દીકરી સોમા ત્રણેય ઠીંગણાં છે.) શીબુની પત્ની મંદિરોનાં મુગટ અને કપડામાં મોતી અને સ્ટોન લગાવતી દુકાનમાં કામ કરે છે અને શીબુ સર્કસમાં જોકર તરીકે કમાય છે એના આધારે ઘર માંડ ચાલે છે. આખરે ઘર માથે આટલો મોટો આર્થિક ફટકો પડ્યો. આખરે ભણવામાં હોશિયાર એવી શીબુની દીકરી સોમા કલકત્તાની ટ્રેનમાં વંદા અને ઉંદર મારવાની દવા વેચવાનું ચાલું કરે છે. સોમાએ એના પપ્પા શીબુને આ વાતની જાણ થવા નથી દીધી. સર્કસનો મેનેજર બધા ઠીંગુજીઓને પગાર આપે છે અને શીબુ માટે પંદર હજાર મોકલાવે છે. અત્યાર સુધીની આખી કથા ફિલ્મનો ઠીંગુજી હીરો ‘ખોકા’ દ્વારા કહેવાતી રહે છે. ખોકા જ્યારે સર્કસમાંથી આવેલા પંદર હજાર રૂપિયા શીબુને આપે છે ત્યારે એની પત્ની અને શીબુ રોઈ પડે છે, કે જે સર્કસમાં આખી જિંદગી કાઢી અને આવી પથારી આવી એ સર્કસે મદદના નામે પંદર હજારની ભીખ આપી. આખરે શીબુ એક રાત્રે દીકરીના થેલામાંથી વંદા અને ઉંદર મારવાની દવા ખાઈને આત્મહત્યા કરે છે. કંપારી છૂટી જાય એવી ઠીંગુજીની સ્મશાનયાત્રા છે.

- Advertisement -

ગુસ્સે થયેલો નાયક ખોકા સર્કસના મેનેજર સાથે ઝઘડો કરે છે અને શીબુના ઘરે મદદ માટે આવે છે. અહીંથી ખોકા અને શીબુની દીકરી સોમાની લવસ્ટોરી સ્ટાર્ટ થાય છે. સોમાને ઘર માથે આવી પડેલું લેણુ દૂર કરવાનું છે, બાપના અવસાન પછી રડતી કકળતી માને ફરી કામધંધે લગાડવાની છે, કેમકે એની એકલીની કમાણીથી ઘર નહીં જ ચાલે. ખોકા આર્થિક મદદ કરે છે તો સોમાની અંદરની ખુમારી જાગી જાય છે અને એ ખોકા સાથે ઝઘડો કરે છે અને પછી બંને પ્રેમમાં પડે છે. સર્કસની નોકરી છોડીને ખોકા પણ સ્ટેશન પાસે પાર્કિંગની નોકરીમાં લાગી જાય છે. સોમા સાથેના લગ્નજીવનનું સપનુ એણે આંખોમાં આંજી રાખ્યું છે. પરંતુ સુખરૂપ સંસાર શરું થાય એ પહેલા સોમાનાં મનમાં સવાલ ઊભા થાય છે, કે બાપ ઠીંગણો અને મા ઠીંગણી તો પોતે પણ ઠીંગણી જન્મી. હવે જો પોતે તો ઠીંગણી છે જ અને હવે ઠીંગણા ખોકા સાથે લગ્ન કરશે તો એની આવનારી પેઢી પણ ઠીંગણી થશે?સોમા મનમાં ગાંઠ બાંધે છે કે, જગતને હવે બહુ વધારે ઠીંગણા લોકોની જરૂર નથી. હું જે યાતનામાંથી પસાર થઈ છું એમાંથી મારી આવનારી પ્રજા પસાર ન થવી જોઈએ. આખરે સોમા ખોકાને પરણવાની ના પાડી દે છે. એક સુંદર પ્રેમકથા મધ્યાહ્ને પહોંચ્યા પહેલાં જ પડી ભાંગે છે. ફાઇનલી નાયક ખોકા સોમાને વિનંતી કરે છે કે એ હવે પરણવાની જીદ નહીં કરે પણ એક પ્રોમિસ તો આપ, રોજ બપોરે એક દોઢ કલાક મળીશ તો ખરીને? હું દરરોજ બપોરે બે વાગ્યે રેલ્વે સ્ટેશન દોડી આવીશ. તું પણ આ વંદા ઉંદર મારવાની દવાના વેચાણમાંથી બે વાગ્યે સમય કાઢી લે જે. હું તને પરણવાનું ક્યારેય નહીં કહું પણ રોજેરોજ મળી તો શકાયને?ભીની આંખે સોમા સંમતી આપે છે.

અહીં સુધી પહોંચતા તો દર્શકની આંખ ભીની ભીની થઈ જશે. આખી ફિલ્મમાં એવા અનેક દૃશ્યો છે જે આપણી કલ્પના બહારની વાત રજૂ કરે છે. નાનકડી ચાલીમાં સર્કસના જોકર, બર્થડે પાર્ટીમાં સિંહ બનતા વૃદ્ધ આર્ટિસ્ટ અને કાર્ટુન બનતા લોકો આ બધા નાનકડી ખોલીમાં સાથે રહેતા હોય છે એ લોકોની જીવન પ્રત્યેની ગુંગળામણ, પોતાનાં કામ બાબતની અકળામણ, ખોકાને રાત્રે વારંવાર જોકરના ટોળાઓના આવતાં સપના, કલકત્તાની શેરીઓ, સર્કસની અંદર થતા પોલિટિક્સની વાત, સોમા ખોકાની ખોલીમાં એની સાથે ઝઘડો કરવા આવે અને બાથરૂમમાંથી નહાઈને નીકળેલા ખોકાને પાઉડર લગાડતો જોતી હોય એ સમયનું દૃશ્ય, શીબુની સ્મશાનયાત્રા, શીબુની પત્ની શીબુના મૃતદેહ પર મુકાયેલા અંજલીરૂપ જોકરના કપડાને ફેંકી દે એ સમયનું કરુણ દૃશ્ય, સોમા ખોકાને લગ્ન માટે ના પાડે એ ચા–નાસ્તાની હોટેલનું દૃશ્ય, ફિલ્મના અંતમાં સોમા અને ખોકા કઈ રીતે દરરોજ એક કલાકનું જીવન જીવી રહ્યાં છે એ સિમ્બોલિક દૃશ્યો તમારાં દિલોદિમાગ પર કાયમ માટે અકબંધ થઈ જશે. ફિલ્મમાં દર્શાવાયેલા અનેક શ્રેષ્ઠ દૃશ્યોમાં બપોરના સમયે સર્કસમાં થતી પ્રવૃત્તિઓ, વરસાદી કલકત્તાની સાંજ, દુર્ગાની મૂર્તિઓ બનાવતી શેરીઓ, નાનકડી ખોલીમાં પડ્યો રહેતો પ્રાણીઓના માસ્કનો સામાન, શીબુના શ્રાદ્ધ સમયે નદીનો ઘાટ આ બધી પૃષ્ઠભૂમિએ વાર્તાને હોંશે હોંશે પોંખી છે.

ડિરેક્ટર કૌશિકે આ ફિલ્મ માટે જેટલા પણ કલાકારોને કાસ્ટ કર્યા છે એ બધા કલાકારો ઠીંગણા છે અને નોન એક્ટર છે. નોન એક્ટર્સ પાસેથી પણ અનુભવી કલાકારોને ટક્કર મારે એવું કામ કરાવી શકનાર આ ડિરેક્ટર ખરેખર ધન્ય છે. દુલાલ સરકાર અને દેબલીના રોય બંને કલાકારો આ ફિલ્મને જીવી ગયા છે.એક કલાક અને અઠ્ઠાવન મિનિટની આ ફિલ્મને શોર્ટ ફિલ્મ કેમ કહેવાય છે એ મને નથી સમજાયું પણ આ બંગાળી ભાષામાં બનેલી ભારતની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular