પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નિલમ મકવાણાએ ગુજરાત પોલીસના ગ્રેડ પે અંગે શરૂ કરેલા આંદોલનના પગલે તેણે નિલમે આ અમરણાંત ઉપવાસ શરૂ કર્યા, નિલમ અને તેના બીજા કેટલાંક સાથીઓએ શરૂ કરેલી ચળવળનું જ્યારે પણ પરિણામ આવશે તેનો લાભ ગુજરાત પોલીસના એક લાખ કરતા વધુ જવાનોને થવાનો છે, પરંતુ નિલમ મકવાણાને આ દરમિયાન મળવાનું થયું ત્યારે સમજાયું કે નિલમ માટે નારો લગાવો અને તું લડતી રહે તે કહેવું બહુ સહેલુ છે, પરંતુ આ પ્રકારની લડાઈ લડતા લોકોની વેદના અને તકલીફો મોટી હોય છે, પણ તું લડતી રહેજે તેવું કહેનારા પૈકી કેટલા નિલમની ખરેખર મદદે આવ્યા તે અગત્યનું છે.
નિલમ મકવાણા અને તેમના જેવા બીજા યોધ્ધાને પોરસ ચઢાવવાનું સહેલુ છે, મેં આ અગાઉના પણ અનેક આંદોલનો બહુ નજીકથી જોયા છે, પણ મારા અનુભવે સમજાયુ કે આંદોલનની સપાટી ઉપર દેખાતા સત્યની આડમાં અનેકોના અનેક એજન્ડા હોય છે. નિલમ મકવાણા અને તેના જે સાથીઓ જાહેરમાં આવી લડી રહ્યા છે. તેમની માગણી અને અભિવ્યક્તિ અંગે મતમતાંતર હોઈ શકે છે. પોલીસની પોતાની સમસ્યા છે તેને કોઈ નકારી શકે નહીં, પોલીસ તો રસ્તા ઉપર ઉભી રહી કમાઈ લે છે, તેવી ટીકા કરી જે લોકો રસ્તા ઉપર કમાઈ લે છે તેમને કાયદેસરતા આપી શકાય નહીં, પોલીસનું પગાર ધોરણ બહુ જુનુ છે. જેના કારણે તે અંગે પુનઃવિચારણા પણ થવી જોઈએ લાલ લાઈટવાળી સરકારી કાર કમાન્ડો અને સરકારી બંગલામાં રહેતા સિનિયર અધિકારીઓ પૈકી ભાગ્યે જ કોઈને આ તકલીફ સમજાય છે.
આવા શબ્દો સાંભળવા ગમે પણ…
નિલમને મળવાનું થયું ત્યારે સમજાયુ કે નિલમની પરેશાનીનો પાર નથી, સાત વર્ષ પહેલા પોલીસ દળમાં જોડાનારી નિલમને ત્યારે અંદાજ નહીં હોય કે તેને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે. નિલમ મકવાણાના ઉપવાસ શરૂ થયા ત્યાર બાદ અનેક પોલીસ મિત્રો ખાનગીમાં નિલમનું અભિવાદન કરતી પોસ્ટ મુકતા હતા. અનેકો તેને સિવિલ હોસ્પિટલમાં મળવા પણ જતા હતા. બધા જ નિલમને કહેતા કે તું સાચી છે અને અમને હવે તારી ઉપર ભરોસો છે, ગુજરાત પોલીસની તું આશા છે, આ પ્રકારના શબ્દો કોઈને પણ સાંભળવા ગમે, કારણ હું પણ આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થયો છું, તમે બહુ સારા છો, તમે બહુ બહાદુર છો, તેવું કહેતા પણ મારી તકલીફોમાં કોઈ ફેર પડતો ન્હોતો.
ગુજરાત પોલીસના એક લાખ જવાનોનો નિલમ અવાજ બની જેની તેણે કિંમત પણ ચુકવી, અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ત્યાંથી તેને બદલી કે કંપનીમાં કરવામાં આવી, ત્યાર બાદ તેની બદલી ભાવનગર કરી, ત્યાં તેની સામે ખાતાકીય તપાસ શરૂ થઈ, ગુનો નોંધાયો, સસ્પેન્ડ થઈ અને પગાર પણ બંધ કરી દેવામાં આવ્યો. નિલમ તુમ આગે બઢોના નારા વચ્ચે કોઈને પુછવાની ફુરસદ ન્હોતી કે નિલમ તારો પગાર બંધ છે તો તારૂ ઘર કેમ ચાલે છે. નિલમ મકવાણા સીંગલ મધર છે, તેનો દિકરો બાલાછડીમાં દસમા ધોરણમાં આવ્યો છે. ઘરે વૃધ્ધ માતા પિતા છે. આમ નિલમ ઘરનો આધાર છે, આ બધી જવાબદારી અને પરેશાની વચ્ચે તેણે ઉપવાસ શરૂ કરી દીધા.
જે રાજ્યનો સેવક દુખી હોય તેના રાજાને રાત્રે ઉંઘ આવવી જોઈએ નહીં
ઉપવાસ કરનાર નિલમની પીઠ થાબડવી સહેલી છે, પણ નિલમ અને તેના પરિવારને જીવાડવો અઘરૂં છે, મેં નિલમને કહ્યું તે જીવનનો સૌથી સહેલો રસ્તો પસંદ કર્યો છે, આમરણાંત ઉપવાસ કરી જીવનનો અંત આણવો તે સહેલુ કામ છે. મરવા કરતા લડવુ અને લડવા માટે મેદાનમાં ઉભા રહેવું અગત્યનું છે. નિલમને પોરસ ચઢાવતા સાથીઓ ભુલી ગયા કે નિલમ કોઈ સંતાનની માતા અને તે પોતે પણ કોઈનું સંતાન છે. નિલમને આવતીકાલે કઈ થાય તો તે બહાદુર છે તેવું કહેનાર ટોળું ધીરે ધીરે વીખેરાઈ જશે. એકલા પડી જશે તો નિલમનો દિકરો અને નિલમના માતા પિતાની પરેશાની વધશે. સદ્દનસીબે આઈજીપી ગૌતમ પરમારની વાત માની નિલમે ઉપવાસ છોડયા, પણ આ પ્રશ્ન પુરો થતો નથી, જે રાજ્યનો સેવક દુખી હોય તેના રાજાને રાત્રે ઉંઘ આવવી જોઈએ નહીં, આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી જરૂર જલદી કઈક કરશે તેવી ગુજરાત પોલીસની અપેક્ષા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











