નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: દેશમાં અને ગુજરાતમાં ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને પકડવા પોલીસ પોતાનો જીવ રેડી દેતી હોય છે. પોલીસ ગંભીર પ્રકારનો ગુનો આચરી ભાગતા ફરતા ગુનેગારોને પકડવા રાત દિવસ એક કરી નાખે છે. જેથી સામાન્ય વ્યક્તિ ગુનેગારનો ભોગ ન બને. ગુનેગારને લાગતું હોય છે કે, તે પોલીસને છેતરવામાં સફળ રહ્યો છે. પરંતુ તે એ વાતથી અજાણ છે કે, પોલીસની ચાંપતી નજર તેને પકડવા સતત કટિબદ્ધ છે. આ જ પ્રકારનું એક દિલધડક ઓપરેશન સુરત પોલીસ (Surat Police) દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 27 વર્ષ બાદ સુરત પોલીસે ફિલ્મી રીતે હત્યાના આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ઘટનાની ટૂંકી વિગત જોઈએ તો આજથી 27 વર્ષ પહેલા 1997માં ચાર શખ્સોએ ભેગા મળી દેહવ્યાપાર કરાવતા દલાલ અસલમની હત્યા કરી નાખી હતી. હત્યા કરનારા ચારેય આરોપી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. તે સમયે CCTV કેમેરા જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી નહીં. પરંતુ ઘટનાને પોતાની આંખે જોનાર મણિબેન કોળી પટેલે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અસલમને સારવાર અર્થે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો. જેથી આરોપીઓ પર 307 મુજબ ગુનો નોંધવામાં આવ્યો. ટૂંકી સારવાર બાદ અસલમનું મૃત્યુ થતાં 307 મુજબનો ગુનો 302માં ફેરવાઈ ગયો હતો. પોલીસ તપાસમાં મણિબેનના નિવેદનને આધારે જાણવા મળ્યું કે, જે ચાર આરોપીઓ દ્વારા અસલમની હત્યા કરવામાં આવી હતી, તે ઓડિશાના હતા. આરોપીના નામ, ફોટા કે એવી કોઈ બીજી વિગત ન હોવાના કારણે આરોપીઓ ફરાર થવામાં સફળ થઈ ગયા હતા.
સુરત CP અજય તોમર દ્વારા દરેક પોલીસ સ્ટેશનને હુકમ કરવામાં આવ્યો છે કે, 10 વર્ષ કે તેથી વધુ સમયના કેસ જે સોલ્વ કરવાના બાકી છે તેને કોઈપણ રીતે સોલ્વ કરો. CP અજય તોમરના આદેશ મુજબ ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન થયા. આર. એસ. સુવેરા જે પીસીબીમાં પીઆઈ તરીકેની ફરજ બજાવે છે તે તથા ASI સહદેવ દેસાઈ તથા હેડ કોન્સટેબલ અશોક લૂણીએ મણિબેનના નિવેદન આધારે આરોપીઓ જે જગ્યા પર કામ કરતાં હતા તે જગ્યાની જાણ થતાં પોલીસ ત્યાં પહોચી. આરોપીઓ સાથે કામ કરતાં લેબરોના નિવેદન લેતા આરોપીઓ ઓડિશાના સામા ગામના હોવાની વાત સામે આવી. જેથી પોલીસ આરોપીને પકડવા ગામ સમા સુધી ગઈ પણ છ સાત માસનો સમય થઈ ગયો હોવાથી આરોપીઓ પોલીસના હાથે પકડાઈ જવાના ડરે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હેડ કોન્સટેબલ અશોક લૂણી દ્વારા બાતમીદારોનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. જેથી કોઈ આરોપી ફરાર થઈ જવામાં સફળ ન થઈ શકે. હેડ કોન્સટેબલ અશોક લૂણીએ ઓડિશાના સામા ગામે પણ બાતમીદારો બનાવ્યા હતા. આરોપી ડાક ઉર્ફે ડાકટર ઉર્ફે ડાકા વનમાળી સતત ફરાર થઈ જવામાં સફળ રહ્યો. પરંતુ સમય સાથે ડાકને એવું લાગ્યું હશે કે, પોલીસ હવે 27 વર્ષ સુધીમાં કેસને ભૂલી ગઈ હશે પરંતુ ડાક એ વાતથી અજાણ હતો કે, પોલીસ 70 વર્ષે પણ કેસની ફાઈલ છોડતી નથી. આ પ્રકારના વિચારમાં આરોપી ડાક ફરીથી 27 વર્ષ બાદ સુરત આવ્યો.
27 વર્ષ પહેલા જ્યાં તે કામ કરતો હતો ત્યાં જ કામ કરવા લાગ્યો. એક બે માસના સમયગાળામાં જ ASI અશોક લૂણીના બાતમીદાર દ્વારા જાણવા મળ્યું કે આરોપી સુરતમાં છે. બાતમીને આધારે આરોપીને પકડવા પીઆઈ આર. એસ. સુવેરાની સૂચના મુજબ પ્લાન બનાવવામાં આવ્યો. 27 વર્ષ અગાઉ બનેલી હત્યાની ઘટનામાં આરોપીના નામ, ફોટા કે સરનામા વગર આરોપીને પકડવા કેટલું મુશ્કેલ છે તે પોલીસ જ જણાવી શકે. બાતમી મુજબ પોલીસ આરોપી જે જગ્યા પર છે તે જગ્યા પર પહોંચે છે. પોલીસ “ડાક” બોલતાની સાથે જ આરોપી જવાબની ભાષામાં જુએ છે. જેથી આરોપી ડાક હોવાની પોલીસને ખાતરી થઈ જાય છે. આરોપી જમવા બેસેલો હોઈ પોલીસ આરોપીને છેલ્લી વાર ઘરનું જમવાનું જમવા દે છે. ત્યારબાદ પોલીસ આરોપી ડાકને લઈ નીચે આવે છે. આરોપી સામેથી જ પૂછે છે કે, તમે મારી 27 વર્ષ જૂની મેટર માટે આવ્યા છો ને? આમ પોલીસ સત્યાવીસ વર્ષ બાદ પણ સુરત પોલીસ દ્વારા આરોપીને પકડી જેલ હવાલે કરવામાં આવે છે.
એક નિયમ પ્રમાણે 7 વર્ષ સુધી ગુમ રહેનાર વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવે છે પણ ગુનાની દુનિયામાં પગ મૂકનાર માટે ચોક્કસ પુરાવા વગર મૃત જાહેર કરવામાં આવતો નથી. ગમે તેટલા સમયે પણ આરોપીને પકડી શકાય છે તેવું શ્રેષ્ઠ ઉદાહરણ સુરત પોલીસ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.