Friday, December 1, 2023
HomeNavajivan CornerLink In Bioમધુમિતા હત્યાકેસ: સાહિત્ય, રાજકારણ અને પ્રેમ!

મધુમિતા હત્યાકેસ: સાહિત્ય, રાજકારણ અને પ્રેમ!

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Madhumita shukla murder case: બે દાયકા પહેલાં મીડિયાના ખૂણે ખૂણે છવાયેલા બે નામોની ચર્ચા હાલમાં થઈ રહી છે. આ બે નામ છે અમરમણી ત્રિપાઠી (Amarmani tripathi) અને મધુમિતા શુકલા (madhumita shukla) . અમરમણી ત્રિપાઠી એટલે એક સમયના ઉત્તર પ્રદેશના મંત્રી. મધુમિતા શુકલા કવિયત્રી હતી અને અમરમણી ત્રિપાઠી સાથેના લગ્નેતર સંબંધ બાદ તેની હત્યા થઈ હતી. 24 વર્ષની મધુમિતા શુકલા તેના લખનઉ સ્થિત ઘરે હતી ત્યારે બે બંદૂકધારીઓએ આવીને તેની હત્યા કરી હતી. મધુમિતા તે વખતે સાત મહિનાનો ગર્ભ ધરાવતી હતી. 9 મે 2003ના રોજ બનેલી આ ઘટનાના પડઘા ઉત્તર પ્રદેશમાં તો પડ્યા જ; પણ સાથે સાથે દેશભરના મીડિયામાં આ કેસની ખૂબ ચર્ચા થવા માંડી હતી. આ ચર્ચાનું કારણ હતું ઉત્તર પ્રદેશના તત્કાલીન મંત્રી અમરમણી ત્રિપાઠી મધુમિતાના હત્યામાં આરોપી તરીકે શંકાના ઘેરામાં આવ્યા. તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ આ કેસમાં અનેક એવી કડીઓ ખૂલી જેના કારણે આ કેસ પર સૌ કોઈની નજર મંડાયેલી રહેતી. અમરમણી ત્રિપાઠીની ધરપકડ ન થઈ ત્યાં સુધી આ કેસથી દેશભરના છાપાંઓમાં થોકબંધ લખાતું રહ્યું અને નવાં નવાં જન્મી રહેલાં ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ પણ આ કેસથી ખૂબ વ્યૂઅરશીપ મેળવી.

madhumita case
madhumita case

આજે આ કેસ મધુમિતા હત્યાકાંડના નામથી જાણીતો છે અને તેના મુખ્ય આરોપી અમરમણી ત્રિપાઠી છે. અમરમણી ત્રિપાઠી ઉત્તર પ્રદેશના બાહુબલિ નેતા છે. આ દબંગ નેતાનું તે વખતે કોઈ પણ નામ ન લેતું. જે કોઈ તેની સામે પડતું તેની સામે જોખમ તોળાતું. આ કેસમાં ત્રિપાઠી પરિવારમાંથી અમરમણી તો હતા જ, પણ સાથે-સાથે તેમના પત્ની પણ આ હત્યામાં સામેલ હતા. અમરમણીના પત્નીનું નામ મધુમણી છે અને તદ્ઉપરાંત તેમાં એક ઓર કિરદાર અમરમણીના દીકરા અમનમણી પણ છે. આ પૂરો કેસ સમજીએ તે પહેલાં એક અગત્યની વાત એ નોંધવી રહી કે અમરમણી ત્રિપાઠીને આજીવન કેદ થઈ હતી. પરંતુ ઉત્તર પ્રદેશના સરકારની માફીથી તેમની હવે જેલમુક્તિ થઈ રહી છે. અમરમણી ત્રિપાઠીની એકાએક જેલમુક્તિનું કારણ આગામી ચૂંટણીનું અપાઈ રહ્યું છે, કારણ કે જેલમાં હોવા છતાં ત્રિપાઠી પરિવારનો દબદબો ઉત્તર પ્રદેશના રાજકારણમાં રહ્યો છે અને 2017ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અમરમણીનો દિકરો અમનમણી પણ વિધાનસભ્ય રહ્યો હતો.

- Advertisement -
madhumita case
madhumita case

કેસનો પ્રથમ બિંદુ છે લખનઉના નિશાદગંજમાં આવેલું મધુમિતા શુકલાનું ઘર, જ્યાં તેની હત્યા થઈ. પોર્સ્ટમોર્ટમ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે મધુમિતા ગર્ભવતિ હતી. કલાકોમાં જ મીડિયામાં ગાજી ચૂકેલાં આ કેસમાં મધુમિતાની બહેન નિધી શુકલા એક નિવેદન આપે છે કે તેની બહેનના સંબંધ ઉત્તર પ્રદેશના મંત્રી અમરમણી ત્રિપાઠી સાથે હતાં. તે વખતે અમરમણી ત્રિપાઠી ‘બહુજન સમાજ પાર્ટી’માં હતા અને રાજ્યના મુખ્યમંત્રી માયાવતી હતાં. પહેલાં તો અમરમણીએ આરોપોનું ખંડન કર્યું અને પણ ન્યૂઝમાં રોજેરોજ આવતી ખબરોથી માયાવતી પર એવાં આરોપો લાગ્યા કે તેઓ અમરમણીને બચાવી રહ્યાં છે. જોકે છેલ્લે આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી અને પછી શરૂ થયો આ કેસમાં એક પછી એક ઘટનાઓનો ખુલાસો. પહેલાં તો એ વાતની ચર્ચા થઈ મધુમિતાના ગર્ભવતિ હોવાની. તે અંગે અમરમણીએ નિવેદન આપી દીધું કે મધુમિતાના ગર્ભવતિ હોવાની સાથે તેમનો કોઈ સંબંધ નથી. જોકે અમરમણીની આ વાત વધુ દિવસો સુધી ન ટકી કારણ કે, સીબીઆઈએ ગર્ભનો ડિએનએ ટેસ્ટ કરાવ્યો અને તે ટેસ્ટ અમરમણી સાથે મેચ થઈ ગયો. તપાસ થઈ તેમાં આરોપી તરીકે પહેલું નામ ખુલ્યું તે અમરમણી ત્રિપાઠીની પત્ની મધુમણીનું. ત્રિપાઠી પરિવારની સંડોવણી મધુમિતા હત્યા કેસમાં તો આવી ચૂક્યું હતું પરંતુ તેમ છતાં એક વાત નક્કી હતી કે અમરમણી કેસને પ્રભાવિત કરશે, તેથી સુપ્રીમ કોર્ટે આગળ જતાં કેસને ઉત્તર પ્રદેશની જગ્યાએ ઉત્તરાખંડમાં ચલાવવા નિર્દેશ કર્યો. આખરે 2007માં કેસમાં અમરમણી ત્રિપાઠી, તેમના પત્ની અમરમણી અને ભત્રીજા રોહિત ચુતુર્વેદી સહિત ચાર લોકોને મધુમિતાની હત્યા માટે 26 વર્ષની કેદની સજા થઈ. આ સજા થઈ ત્યારે તેમાં જે મુદ્દા ઉત્તરાખંડ હાઇકોર્ટે નોંધ્યા તેમાં મુખ્યત્વ બાબત છે કે આ ચારેય મધુમિતાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને આ પહેલાં આ ચારેય મળીને મધુમિતાના ગર્ભને નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પ્લાન ઘડાયો હતો તે અમરમણી ત્રિપાઠીનું ઘરે જ અને મધુમિતાની હત્યા શક્ય એટલાં વહેલા કરવાનું પણ ત્રિપાઠી પરિવારનું જ ફરમાન હતું કારણ કે, કોઈ પણ હિસાબે મધુમિતા ગર્ભવતિ છે તે વાત બહાર ન આવે.

madhumita case
madhumita case

સાહિત્ય અને એક નેતાનો આ સંબંધ અહીં સુધી પહોંચ્યો તે પણ લાંબી કહાની છે. મધુમિતા કવિયત્રી તરીકે ઓળખ બનાવી ચૂકી હતી, પરંતુ તેનો સિતારો ત્યારે વધુ ચમક્યો જ્યારે તે મોટાં મોટાં સંમેલનો યોજવા માંડી. આ સંમેલનોમાં નેતાઓ પણ આવવા લાગ્યા. આવાં જ એક સંમેલનમાં અમરમણી ત્રિપાઠી આવ્યો. આ રીતે તેમની મુલાકાતો વધતી ગઈ. પહેલાં તો એકબીજાના ક્ષેત્રની ઓળખથી વાત શરૂ થઈ અને તે દોસ્તી લાંબી ચાલી, પ્રેમ પાંગર્યો. આ સંબંધ પછી તો એટલો વિકસ્યો કે તે મધુમિતા માટે વિશેષ ભેંટ આપતો. આ બધી ભેંટ મોંઘેરી હતી અને તેની સાથે પ્રસિદ્ધી પણ મળતી ગઈ. આ પછી અમરમણી અને મધુમિતા ભારતમાં અને વિદેશોમાં પણ સાથે પ્રવાસ કર્યા. આ સમય એવો હતો જ્યારે અમરમણીનો સિતારો ઉત્તર પ્રદેશમાં ચમકી રહ્યો હતો. અમરમણી જે કહે તે સરકારમાં થઈ શકતું અને તે કારણે મધુમિતાને પણ તેનો લાભ મળ્યો અને જે ઘર મધુમિતાનું હતું તે ઘર પણ અમરમણી ત્રિપાઠીએ જ અપાવ્યું હતું. હવે આ સંબંધો વિશે અમરમણીની પત્ની વાકેફ હતી અને તે વાકેફ કરનારો વ્યક્તિ હતો પ્રકાશ પાંડે, જેણે જ મધુમિતા પર ગોળીઓ ચલાવી હતી. અલગ-અલગ રિપોર્ટ એવું કહેવાય છે કે મધુમિતા આ સંબંધોમાં બે વાર ગર્ભવતી બની. પરંતુ આ બંને વખતે અમરમણી ત્રિપાઠી મધુમિતાને સમજાવી શક્યો કે તે પરણિત છે અને રાજકારણમાં છે, જો તેના વિશે આ માહિતી બહાર આવશે તો તેની બદનામી થશે. આ રીતે તેમની વચ્ચે સંબંધો સામાન્ય ચાલતાં રહ્યાં. પરંતુ જ્યારે તે ત્રીજી વાર ગર્ભવતી થઈ ત્યારે અને આ વખતે તેણે નક્કી કરી લીધું હતું કે તે કોઈ પણ હિસાબે એબોર્શન નહીં કરાવે. આવું બન્યું ત્યારે અમરમણી ત્રિપાઠી તેમનાં સંબંધોથી પાછો હટવા માંડ્યો. મધુમિતા ગર્ભવતી છે તે ખબર હવે અમરમણી ત્રિપાઠીના પત્ની સુધી પણ પહોંચી ગઈ હતી. અમરમણી ત્રિપાઠીની પત્ની મધુમણીને આ પૂરા કિસ્સામાં એમ વિચાર્યું કે જો મધુમિતાને સંતાન થયું તો સંજોગાવશત્ અમરમણીને મધુમિતા સાથે લગ્ન પણ કરવું પડે અને તેમ થયું તો તેનું લગ્નજીવન પૂરું થઈ જશે. આ રીતે પૂરા કેસમાં બે મહત્વના પાસાં ઉપસી આવે છે. એક છે કે તેના પત્નીનો ડર જેમાં તેને એમ લાગતું હતું કે જો મધુમિતા સાથે તેનો પતિ પરણશે તો તેનું લગ્નજીવન જોખમાશે અને બીજું અમરમણીનો પોતાનો ડર, જેમાં આ વિગત જાહેરમાં આવે તો તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. આ રીતે બંને દ્વારા મળીને આ હત્યાનું પ્લાનિંગ થયું અને બે શૂટરોએ મધુમિતાના ઘરે જઈને તેની હત્યા કરી. આ કેસમાં ચાર વ્યક્તિને સજા થઈ એ શૂટરને પુરવાના અભાવે છોડી દેવામાં આવ્યો. પરંતુ ત્રિપાઠી પરિવારનું પ્રકરણ અહીંયાથી જ ખતમ નહીં થતું. બલકે તે પછી અમરમણી ત્રિપાઠીના દિકારો અમનમણી ત્રિપાઠી પણ તેની પત્નીના હત્યા કેસમાં ધરપકડ થાય છે. જોકે અત્યારે આ ત્રિપાઠી પરિવાર પર એકાએક સરકાર મહેરબાન થઈ છે અને અમરમણી અને તેના પત્ની મધુમણી બંનેને માફી મળી ચૂકી છે. તેમનો દિકરો પણ હત્યા કેસમાં સંડોવાયો હોવા છતાં અત્યારે મુક્ત છે.

madhumita case
madhumita case

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular