નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં (Surat) વાહન ચોરીની સતત ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે સુરત પોલીસે (Surat Police) એક વાહન ચોરી કરતી ટોળકીને (Vehicle Theft Gang) ઝડપી પાડી છે. જેમની ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે જે વાહન ચોરનારી ટોળકીને ઝડપી છે, તેમાં ભણેલા ગણેલા યુવાનોનો પણ સમાવેશ પણ થાય છે. આ ટોળકી સુરતમાં વાહન ચોરી કરીને દમણમાં (Daman) મોજશોખ પુરા કરતાં હતા. પોલીસે આરોપીઓની આકરી પુછપરછ કરતાં એક બાદ એક 10 વાહન ચોરીની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. ટોળકીએ ચોરીના વાહનો જ્યાં છુપાવ્યા હતા, ત્યાંથી પોલીસે વાહનો કબ્જે કર્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાં ઉધના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ઉધના રોડ નંબર ચાર પરથી નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે ચાર લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ તમામ લોકોને અટકાવીને પોલીસે પુછપરછ કરી હતી. પોલીસે મોટર સાયકલ અંગેના દસ્તાવેજી પુરાવા માગતા બાઈક ચાલકો પાસેથી સંતોષકારક જવાબ ન મળતા પોલીસને તમામ બાઈક સવાર પર શંકા ગઈ હતી.
જેથી પોલીસે તમામ બાઈક ચાલકની ઊંડાણપૂર્વક તપાસ કરતાં બાઈક સવાર લોકોએ આ બાઈક ચોરીની હોવાની કબુલાત કરી હતી. પોલીસે વધુ પુછપરછ કરતાં આ ચાર બાઈક સિવાય અન્ય 6 બાઈક ચોરી હોવાની કબુલાત કરી હતી. જે બાઈકને અન્ય જગ્યા પર સંતાડીને સાખવામાં આવી હતી. આરોપીઓએ જણાવેલા સ્થળ પર પોલીસે તપાસ કરતાં ચોરીની એક બાદ એક એમ કુલ 10 બાઈક મળી આવી હતી.
ઉધના પોલીસે સુરતના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 વાહન ચોરીનો ભેદ આ ટોળકીને ઝડપીને ઉકેલ્યો છે. જે પૈકી ઉધનાના 3, ગોડાદરાના 1, ડીંડોલીના2, લીંબાયતના 2, ઉધના રેલવે અને સચિન પોલીસ સ્ટેનના એક-એક ગુનાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ વાહન ચોરીની ટોળકીમાં રહેલો આરોપી આદિનાથ ઉર્ફે ગોલીયા યુવરાજકુમાર બોરસે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેની સામે મહારાષ્ટ્રના આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ત્રણ ગુના નોંધાઈ ચુક્યા છે. જે કેસમાં તેણે સજા પણ ભોગવી લીધી છે. સાથે જ તેને મહારાષ્ટ્રમાંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે.
આ ટોળકીનો અન્ય આરોપી શ્યામકાંત ઉર્ફે શ્યામ અનિલ વૈરાડે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે અન્ય આરોપી અમૃત ઉર્ફે ભરત ઠાકરે હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે અને નિતીન ઉર્ફે આબા ઉખા બાગુલની ડીંડોલી વિસ્તારનો રહેવાસી છે જેની પત્ની હાલ ગર્ભવતી છે. આ આરોપીઓ દમણમાં જઈને પાર્ટી કરવા અને મોજશોખ પુરા કરવાની ટેવ ધરાવે છે. જેથી પોતાની જરૂરિયાત પુરી કરવા માટે આ આરોપીઓ વાહન ચોરી કરતા હતા. હાલ પોલીસે આ ટોળકી પાસેથી 10 વાહનો જપ્ત કરીને રૂપિયા 2.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








