નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં કાપડના વેપારીઓ સાથે અનેક વાર ઠગાઈની ઘટનાઓ બનતી હોય છે, આ અંગે વેપારીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અનેક વાર રજૂઆત પણ કરી ચૂક્યા છે. તે છતાં આવી ઠગાઈની ઘટનાઓ અવાર-નવાર બનતી જ રહે છે. આવી જ એક લાખો રૂપિયાની ઠગાઈની ઘટના સામે આવી છે. જેમાં એક ઠગે કાપડના વેપારીને પોતાની મલેશિયામાં કંપની હોવાનું જણાવીને 68 લાખ રૂપિયાનો માલ ઉધાર પર ખરીદ્યો હતો. પરંતુ ખરીદી કર્યા બાદ લાંબા સમય સુધી પૈસા ન ચૂકવતા વેપારીએ સુરતના સલાબતપૂરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી થઈ હોવાનની ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં કાપડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાજેશ કિરીટ ભાઇ પાસે રાંદેરનો યુવક અબ્દુલ ખાન માલ લેવાના બહાને આવ્યો હતો. મલેશિયામાં SBNBHD નામની કાપડની કંપની હોવાનું કહીને આ ઠગે વેપારીને વિશ્વાસમાં લીધો હતો. ત્યાર બાદ તમે અમારી સાથે વેપાર કરશો, તો સારો એવો નફો થશે. મલેશિયામાં આપણા ઇન્ડિયાના કપડાની ઘણી માગ છે, તેવું કહી કિરીટ ભાઇને વિશ્વાસમાં લીધા હતા. જેના કારણે કાપડ વેપારી કિરીટ પણ લાલચમાં આવી ગયા હતા. ઠગે વેપારી પાસેથી 68 લાખ રૂપિયાનો માલ લઈ 180 દિવસમાં પેમેન્ટ આપવાની વાત થઈ હતી. લાંબા સમય સુધી પૈસા પરત ન આપતા વેપારી ઠગ પાસેથી માલના પૈસાની માગણી કરી હતી. ઠગ બહાના કરીને ખોટા-ખોટા વાયદાઓ કરતો હતો. ત્યારબાદ વેપારીએ ફોન કર્યો તો ફોન પર અભદ્ઘ ગાળો આપી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ સુરતના કાપડ વેપારી સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઠગ વ્યકિત સામે છેંતરપિંડી અને જાનથી મારી નાંખવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઠગની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ વ્યકિત મલેશિયામાં કોઈ કંપની ધરાવતો નથી, પરંતુ ખોટું બોલીને લોકોને પોતાની વાતોમાં ભોળવી લે છે. આરોપી મૂળ સુરતના રાંદેરનો જ રહેવાસી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં અવાર-નવાર કાપડ વેપારીઓ ઠગ લોકોના ભોગ બનતા હોય છે. વધુ માલ લેવાનો ઓર્ડર મળતા લાખો રૂપિયાનો માલ આપી દે છે અને બાદમાં છેંતરપિંડીનો ભોગ બને છે.








