હરેશ ભટ્ટ (નવજીવન. સુરત): ધનાઢ્ય માણસનું અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણી વસૂલતી અને રકમ ન મળે તો અપહૃત વ્યક્તિની હત્યા કરી નાખતી પ્રોફેશનલ ગેંગને ઝબ્બે કરવામાં પોલીસને કાળા રંગનો પીળી ડિઝાઇનવાળો થેલો કામે લાગ્યો હતો. આ ગેંગ એટલે ચંદન સોનાર ગેંગ. આ ગેંગના સાગરીતોએ વાપીના એક ઉદ્યોગપતિનું અપરણ કર્યું હતું. જેની મુક્તિના બદલામાં રૂ. 30 કરોડની ખંડણી માગી હતી. આ ગેંગ સુધી પહોંચવા સુરત રેન્જના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ ઉપરાંત સુરત શહેર પોલીસના ચુનંદા અધિકારીઓ, એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડના કર્મચારીઓ મળી કુલ આશરે 500 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કામે લાગ્યા હતા. આખરે પોલીસને સફળતા સાંપડી. એક પણ રૂપિયો આપ્યા વગર અપહૃત ઉદ્યોગપતિને મુક્ત કરાવવામાં પોલીસને સફળતા સાંપડી હતી. આ ગુનાનો ભેદ ઉકેલનારી પોલીસની ટીમને રાજ્ય સરકારે રૂ. 10 લાખનું ઇનામ આપ્યું હતું.

વલસાડ જિલ્લાના ઉમરગામ, સ્ટેશન રોડ પરથી ગઈ તા. 22-3-2021ના રોજ વાપીના એક ઉદ્યોગપતિનું હોન્ડાસિટી અને ફોરચ્યુનર કારમાં આવેલા અજાણ્યા ગુનેગારો અપરણ કરી ગયા હતા. બાદમાં તેમની મુક્તિ માટે રૂ. 30 કરોડની ખંડણી માગતા ફોન અપહૃત યુવાનનાં પત્નીના ફોન પર આવવા લાગ્યા. મામલો પોલીસ સુધી પહોંચ્યો. પોલીસે પણ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અત્યંત ગુપ્ત રીતે તપાસ આરંભી. પોલીસને ખ્યાલ આવી ગયો કે આ બિહારની ખૂંખાર ચંદન સોનાર ગેંગના સારગીતોનું કૃત્ય છે. પ્રોફેશનલ ગેંગ હોવાથી પોલીસની કામગીરી પણ એટલી જ કપરી બની ગઈ.
બીજી તરફ રેન્જ આઇજીપી ડો. એસ.પી. રાજકુમાર (રાજકુમાર પાંડિયને) તપાસની બાગડોર સંભાળી. અલગ અળગ ટીમો બનાવી. જેમાં સીસી ટીવી કેમેરા ચેક કરવાનું કામ એક ટીમને સોંપાઈ. આ ટીમે સતત 20 કલાક સુધી સતત ફુટેજ જોવાનું કામ કર્યું. જેમાં અલગ અલગ રેલ-વે સ્ટેશન પર બે વ્યક્તિ જેવા મળે છે. જેમાંથી એખ વ્યક્તિ પાસે કાળા રંગનો પીળા રંગની ડિઝાઇનવાળો થેલો સતત જોવા મળે છે.

હવે આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ રીતની રહી કે બન્ને ઇસમો ખંડણીની રકમ માટે ધમકીભર્યા ફોન આપવા માટે અલગ અલગ રેલ-વે સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરી ધમકી આપી તુરંત જ ટ્રેનમાં રવાના થઈ જતા હતા.
પરિણામે રેન્જ આઇજીપી ડો. એસ.પી. રાજકુમારે એક એક ટીમને પ્રત્યેક રેલ-વે સ્ટેશન પર સ્ટેન્ડ ટુ રાખી દીધી. છેક ભરૂચથી લઈ બોરીવલી રેલ-વે સ્ટેશન પર આ રીતે પોલીસની ટીમ ગુપ્ત રીતે ગોઠવાઈ ચૂકી હતી. બન્યું એવું કે બોરીવલી રેલ-વે સ્ટેશન પર આ થેલા સાથે બે વ્યક્તિ એક ટ્રેનમાંથી ઉતરી બીજી ટ્રેનમાં બેસવા જતી હતી એ સાથે જ પોલીસે તે બન્નેને દબોચી લીધા. જેની આગવી ઢબે આકરી પૂછપરછ કરતા બન્નેએ ગુનાની કબૂલાત કરી હતી અને અપહૃત યુવાનને મહારાષ્ટ્રના રત્નાગિરિમાં બંધક બનાવ્યાની કબૂલાત કરી હતી. એ સાથે જ પોલીસની ટીમે ત્યાં પહોંચી જઈ અપહૃત યુવાનને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.
આ ગુનામાં પોલીસે પપ્પુ ઉર્ફે ગૌરવમદન ચૌધરી ઉર્ફે લાલજી અવધનારાયણ પટેલ, ઇસરાર ઉર્ફે મોબીન ઉર્ફે ટકલુ મુખ્તાર શેખ, અયાઝ કુતબુદ્દીન મુંજાવર, અરવિંદ ઉર્ફે દીપક દેવેન્દ્રરાયલ યાદવ, જીતનેશ ઉર્ફે રાજુ ઉર્ફે બબલુ ડોમનરાય યાદવ અને અજમલહુશેન અબ્દુલકલામ અન્સારીને પકડી પાડ્યા હતા.
પકડાયેલા તમામની પૂછપરછમાં સપાટી પર આવેલી હકીકત મુજબ પશ્ચિમ બંગાળની એક જેલમાં બેઠા બેઠા ચંદન સોનાર ચંદ્રમોહન ઉર્ફે ચંદનકુમાર ઉર્ફે ચંદન સોનાર ઉર્ફે રાહુલ શ્યામનાથ ગુપ્તા ગેંગ ઓપરેટ કરી રહ્યો છે. જેનો અન્ય એક સાગરીત રાકેશકુમાર ઉર્ફે કરણસિંગ ઉર્ફે શ્યામનાથસિંગ પણ ચંદન સોનાર સાથે પશ્ચિમ બંગાળના સાલનપુર પોલીસના હાથે પકડાયા બાદ જેલમાં હતા. જે બન્નેનો કબજો મેળવી સુરત રેન્જ પોલીસે તપાસ આગળ ધપાવી હતી. હાલ તમામ ગુનેગારો મધ્યસ્થ જેલ લાજપોરમાં છે.
પોલીસ અધિકારીઓએ ઇનામની રકમ કોરોના ફંડમાં જમા કરાવી
આ ગુનાનો ભેદ ઉકેલનારી પૂરી ટીમને રાજ્ય સરકાર તરફથી રૂ. 10 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમનાથી ઉપરી અધિકારીઓએ ઇનામની રમક મળી કુલ રૂ. પાંચ લાખ કોરોના ફંડમાં જમા કરાવ્યા હતા.
– ડો. એસ.પી. રાજકુમાર
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












