નવજીવન ન્યૂઝ. સુરત: આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર મનીષા કુકડિયા થોડા સમય પહેલાં પાર્ટી પર આરોપ લગાવ્યા અને ભાજપમાં જોડાયા હતા. પરંતુ હવે તેમણે ફરી ઘરવાપસી કરી લીધી છે. ભાજપ પાર્ટીમાં પ્રવેશ કર્યાના એક જ મહિનામાં મનીષા કુકડીયા ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં પાછા ફર્યા છે. જોકે તેમના આમ તેમ રાજકીય પક્ષોમાં કરવામાં આવેલી ગુલાંટબાજીને કારણે લોકો બોલી ઉઠ્યા હતા કે આખરે કરવા શું માગે છે?
ગુજરાતમાં માત્ર સુરત શહેરમાં આમ આદમી પાર્ટી 27 સીટો પર વિજય મેળવીને સુરત મહાનગર પાલિકામાં વિરોધ પક્ષ તરીકે સામે આવ્યું હતું. થોડા સમય અગાઉ જ આમ આદમી પાર્ટીના કુલ છ કોર્પોરેટર સંપર્ક વિહોણા બનતા આપ મુશ્કેલીમાં મુકાયું હતું. જો કે આ છ કોર્પોરેટેર્સ પોતાની જ પાર્ટી પર આક્ષેપો કરીને ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીના વિપુલ મોવલિયા, મનીષા કુકડીયા, ઋતા દુધાગરા, ભાવના સોલંકી, જ્યોતિકા લાઠીયા અને કુંદન કોઠિયાએ ભાજપનો ખેસ પહેરી લીધો હતો.
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તે દરમિયાન ઘર વાપસી કરનાર મનીષા કુકડિયાને આપનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. મનીષા કુકડિયા આભાર વ્યક્ત કરતા જ રડી પડયા હતા. તેમના પતિ જગદીશ કુકડિયાએ જણાવ્યું હતું કે, તેમની પત્ની કે પરિવારનું કોઈ સભ્ય અત્યાર સુધીમાં રાજનીતિમાં આવ્યું નથી. ઈમાનદાર પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને આપમાં જોડાયા હતા. 10 મહિના સુધી તેની પત્ની દ્વારા લોકો માટે કામ કરવા છતાં કરતા કોઈ કામો થતા ન હતા. જેથી મનીષાબેનને વિચાર્યુ કે સત્તા પક્ષમાં હોઈશું તો લોકોના કામ કરી શકીશું. વિરોધ પક્ષમાં બેઠા હોવાને કારણે શાસકોની તાનાશાહી થતી હોવાથી તેઓ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. ભાજપમાં જોડાયા દોઢ મહિનામાં જ તેઓને પાર્ટી સાથે અને કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાનો અહેસાસ થયો અને ભાજપમાં જોડાયા બાદ પણ તેણીએ ધારેલા કામો થતા નથી.
વઘુમાં જણાવતા કહ્યું કે અમે જે ભુલ કરી છે તેનો પશ્ચાતવો થતો હતો. જેથી મનીષાએ રાજકારણને છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ જગદીશે તેમણે હિમ્મત આપી મનોજ સોરઠિયાને મળ્યા હતા અને ભુલ માફ થઈ શકતી હોય તો પુનઃ પાર્ટીમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપનો હવે અમને કોઈ ડર નથી, જીવના જોખમે નિર્ણય લીધો છે. આપણે કોઈના ગુલામ નથી અને હવે ભાજપની તાનાશાહી સામે લડવાનો મક્કમ નિર્ણય કરી લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ વધુ એક જિલ્લામાં પોતાની પકડ બનાવી દીધી છે. આવા સમયે રાજકીય ફાયદા માટે પક્ષપલટો થઈ રહ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
![]() |
![]() |
![]() |











