નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રિંગ રોડ પર બેફામ ગતિએ વોલ્વો કાર દોડાવી બિલ્ડર પુત્રએ અકસ્માત સર્જ્યો (Builder’s son causes accident in Rajkot City) છે. ચાર કાર અને એક બાઈકને અડફેટે લેતા પાંચ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની આ ઘટના બાદ એકઠાં થયેલા ટોળાએ કાર ચાલકને ભારે મેથીપાક આપ્યો હતો. બિલ્ડર પુત્રએ નશો કર્યો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.
રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશભાઈ પીપળીયાના પુત્ર ધવલે આજે બપોરે 150 રિંગ રોડ પર પોતાની વોલ્વો કાર બેફામ સ્પીડે દોડાવી આતંક સર્જ્યો હતો. એક બાદ એક પાંચ વાહનોને અડફેટે લીધા બાદ રસ્તાની સાઈડમાં કાર અથડાતા અટકી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જનારા ધવલને એકઠાં થયેલા ટોળાએ કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.








