નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકા અને તેના સાથી ઇઝરાયલે અનેક ભીષણ હુમલાઓ કર્યા હોવા છતાં ઈરાનની સૈન્ય તાકાત (Iran Military Strength) સંપૂર્ણપણે નષ્ટ નથી થઈ. અમેરિકાના એક ગુપ્તચર વિભાગના રિપોર્ટ (US intelligence report) અનુસાર હોમુર્ઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક વિસ્તારમાં હજુ પણ ઈરાનની અનેક મિસાઈલ સાઈટ્સ સક્રિય (Several Iranian missile sites active in Strait of Hormuz) છે. આ રિપોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ સામે સવાલ ઉભા કર્યા છે. અત્રે નોંધનીય છે કે, હોમુર્ઝ સ્ટ્રેટ એ જ વિસ્તાર છે જ્યાંથી વિશ્વનો 20 ટકા ક્રૂડ ઓઈલ પુરવઠો પસાર થાય છે. જેનો અર્થ છે કે અમેરિકન જહાજો પરનો ખતરો હજુ ટળ્યો નથી.
હોર્મુઝ સ્ટ્રેટ પાસેની 33 મિસાઈલ સાઈટ્સમાંથી 30 સાઈટ્સ હજુ પણ ઓપરેશનલ અથવા આંશિક રીતે સક્રિય છે. યુદ્ધ પહેલાંની 70 ટકા મોબાઈલ મિસાઈલ લોન્ચર અને 70 ટકા મિસાઈલ સ્ટોક બચાવવામાં ઈરાન સફળ રહ્યું છે. અંદાજે 90 ટકા અંડરગ્રાઉન્ડ મિસાઈલ સ્ટોરેજ ફરીથી સક્રિય થઈ ગયા હોવાનું મનાય છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો હતો કે, ઈરાનની સેના સંપૂર્ણપણે તબાહ થઈ ચૂકી છે અને તે વર્ષો સુધી લડી શકે તેમ નથી. રિપોર્ટ મુજબ આ હુમલા દરમિયાન ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો નાશ કરવાને બદલે માત્ર એન્ટ્રી પોઈન્ટ્સ જ બંધ કરાયા હતા. વ્હાઇટ હાઉસના પ્રવક્તા (White House spokesman) એ આ રિપોર્ટને નકારી કાઢતા જણાવ્યું છે કે, ઈરાનની તાકાત વિશેના આવા અહેવાલો માત્ર ભ્રમ અથવા ઈરાનનો પ્રચાર છે. જો કે, આ રિપોર્ટે મિડલ ઈસ્ટની રાજનીતિ અને આગામી લશ્કરી વ્યૂહરચના અંગે નવી ચર્ચા છેડી દીધી છે.








