નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના (Sanjay Kumar Mishra) કાર્યકાળના વિસ્તરણને ગેરકાયદેસર જાહેર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેમને 31 જુલાઈ, 2023 સુધીનો સમય આપ્યો છે જેથી તેઓ તેમના પેન્ડિંગ કામને પૂર્ણ કરી શકે. ઉપરાંત, જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેંચે ED ડિરેક્ટરનો કાર્યકાળ મહત્તમ પાંચ વર્ષ સુધી લંબાવવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે સરકાર કાયદો બનાવીને કાર્યકાળ લંબાવી શકે છે, પરંતુ વટહુકમ લાવીને આવું કરવું માન્ય નથી.
નોંધનીય છે કે સંજય કુમાર મિશ્રાને નવેમ્બર 2018માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંજય મિશ્રા 1984-બેચના ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ઈન્કમ ટેક્સ કેડરના અધિકારી છે. તેમની અગાઉ તપાસ એજન્સીમાં મુખ્ય વિશેષ નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. EDમાં તેમની નિમણૂક પહેલા સંજય મિશ્રા દિલ્હીમાં આવકવેરા વિભાગના ચીફ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
2020માં, કેન્દ્ર સરકારે પ્રથમ તેમને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. ત્યાર બાદ તેમને 18 નવેમ્બર, 2021 સુધી એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. પછી 2021માં, તેમનો કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલા, તેમને ફરીથી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે બીજી વખત હતું. તે જ સમયે, 17 નવેમ્બર, 2022 ના રોજ સંજય કુમાર મિશ્રાનું બીજું એક્સટેન્શન પૂરું થાય તે પહેલાં, કેબિનેટની નિમણૂક સમિતિએ ત્રીજા એક્સટેન્શનને એક વર્ષ (18 નવેમ્બર, 2022 થી 18 નવેમ્બર, 2023 સુધી) માટે મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકારે ગયા વર્ષે એક વટહુકમ લાવ્યો હતો, જેમાં ED અને CBIના નિર્દેશકોનો કાર્યકાળ બે વર્ષના ફરજિયાત સમયગાળા પછી ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નિયામકના કાર્યકાળના એક્સટેન્શનને પડકારતી વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમનું સર્વિસ એક્સટેન્શન ગેરકાયદેસર ગણાયું હતું. અગાઉ, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટરના કાર્યકાળના વિસ્તરણને પડકારતી વિવિધ અરજીઓ પર 8 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની બેંચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
8 મેના રોજ સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર તરફથી હાજર થયા હતા, તેમણે કોર્ટને માહિતી આપી હતી કે, એસ. કે. મિશ્રા પોલીસ મહાનિર્દેશક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી સંસદે સભાન નિર્ણય લીધો. મહેતાએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે એસ. કે. મિશ્રા નવેમ્બરથી નિવૃત્ત થઈ રહ્યા છે. કોર્ટ 17 નવેમ્બર 2022ના રોજ કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ડાયરેક્ટર એસ. કે. મિશ્રાની ત્રીજી મુદત લંબાવી હતી.
સુનાવણી પહેલા સુપ્રીમ કોર્ટે ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને આપવામાં આવેલા ત્રીજા સર્વિસ એક્સટેન્શન પર કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, શું તેઓ એટલા મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના ઇનકાર છતાં તેમનો કાર્યકાળ વધારવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, શું કોઈ વ્યક્તિ આટલો મહત્વપૂર્ણ હોઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે, તેના 2021ના ચુકાદામાં, સ્પષ્ટ કર્યું હતું કે નિવૃત્તિની ઉંમર પછી અમલ નિયામકનું પદ ધરાવતા અધિકારીઓની સેવામાં કોઈપણ વિસ્તરણ ટૂંકા ગાળાની હોવી જોઈએ. સંજય મિશ્રાને વધુ એક્સ્ટેન્શન આપવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.
જસ્ટિસ બી. આર. ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની બેંચ સમક્ષ કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, મિશ્રાનું એક્સટેન્શન વહીવટી કારણોસર અને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ભારતના મૂલ્યાંકન માટે જરૂરી હતું. આના પર, બેંચે શ્રેણીબદ્ધ પ્રશ્નો પૂછ્યા કે, શું EDમાં અન્ય કોઈ વ્યક્તિ નથી જે તેમનું કામ કરી શકે. શું એક વ્યક્તિ આટલી મહત્વની હોઈ શકે? તમારા કહેવા પ્રમાણે EDમાં અન્ય કોઈ સક્ષમ વ્યક્તિ નથી? 2023 પછી જ્યારે મિશ્રા નિવૃત્ત થશે ત્યારે આ પદનું શું થશે?
તુષાર મહેતાએ કહ્યું હતું કે, મની લોન્ડરિંગ પરના ભારતના કાયદાની આગામી પીઅર સમીક્ષા 2023માં થવાની છે. ભારતનું રેટિંગ નીચે ન જાય તેની ખાતરી કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં નેતૃત્વનું સાતત્ય મહત્વપૂર્ણ છે. મિશ્રા સતત વર્કફોર્સ સાથે વાત કરી રહ્યા છે અને તેઓ કામ માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. કોઈ પણ સંપૂર્ણપણે જરૂરી નથી, પરંતુ આવા કિસ્સાઓમાં સુસંગતતા જરૂરી છે.
કોર્ટે તેના નિર્દેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 16 નવેમ્બર, 2021થી આગળ વધારવા પર રોક લગાવી હતી. કેન્દ્રની દલીલ એવી હતી કે એક્સટેન્શન સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટમાં કરવામાં આવેલા સુધારા હેઠળ કરવામાં આવ્યું હતું, જે ED ડિરેક્ટરના કાર્યકાળને પાંચ વર્ષ સુધી વધારવાની મંજૂરી આપે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








