નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં (Sabarmati River)અવાર-નવાર ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી (Chemical Water) બેફામપણે છોડવામાં આવતું હોય છે. આ અંગે અનેક વખત અહેવાલો પ્રસારિત થઈ ચુક્યા છે. સાબરમતી નદીમાં છેલ્લા કેટલાક સમયથી દાણીલીમડા, બહેરામપુરા અને પીરાણા સહિતના ધમધમતી ફેકટરીનું કેમિકલયુક્ત પાણી બેફામ નદીમાં ઠાલવામાં આવે છે. હાઈકોર્ટ (High Court)દ્વારા પણ આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને GPCBને ફટકાર લગાવામાં આવે છે. છતાં પણ કાર્યવાહી ન થતાં પર્યાવરણી પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તે વચ્ચે આજે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCBએ સંયુક્ત રીતે પીરાણા અને બહેરામપુરા ખાતે ધમધમી રહેલી ફેકટરી પર દરોડા પાડ્યા હતા અને ફેકટરીઓ દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાં છોડવામાં આવતા કનેકશન કાપી કાર્યવાહી હાથધરી છે.
આજરોજ સવારે 10 વાગ્યાના આસપાસ AMC અને GPCBના અધિકારીઓ SRP પોલીસના કાફલા સાથે પીરાણા, બહેરામપુરા અને દાણીલીમડામાં ધમધમી રહેલી ફેક્ટરીઓમાંથી સબારમતી નદીમાં ગેરકાયદેસર રીતે પાણી છોડતા હોય તેવા કનેકશનનું જોડાણ તોડી જવાબદાર ફેકટરીના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ માર્કેટ આવેલું હોવાથી અહીંના ફેકટરી માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે કનેકશન દ્વારા બેફામપણે નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવામાં આવી રહ્યું છે. જેના કારણે નદીઓની હાલત ગટરના નાળા સમાન બની છે. આ બાબતને લઈ અનેક વખતે AMC અને GPCBને રજૂઆત કરવામાં આવી છે. છતાં વિશાલા બ્રિજની નીચે આવેલા નાળામાં 24 કલાક કેમિકલયુક્ત પાણી અવિરત જોવા મળતું હોય છે. જો GPCB કાર્યવાહી કરતી હોય તો આ પાણી કયાંથી આવે છે. તે પણ એક પ્રશ્ન છે. જેને છેલ્લા ત્રણ દિવસથી AMC અને GPCBના અધિકારીઓ દ્વારા આ વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગેરાકાયદેસર પાણી છોડતા એકમોની કાર્યવાહી સામે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી જુદા-જુદા વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવ કરી અત્યાર સુધીમાં 251 જેટલા એકમો સિલ કરવામાં આવ્યા છે. સ્ટ્રોમ વોટર લાઈનમાં જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું, તે એકમો સામે સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. આવા એકમો સામે હજુ આગામી દિવસોમાં ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે.
આ મામલે GPCBના અધિકારીએ જણાવ્યું હતું કે, 251 જેટલા યુનિટો જે બંધ થયા છે, તેના વેરફિકેશન કરવામાં આવી રહ્યા છે. જે ઉધોગ હજી પણ ગેરકાયેદસર રીતે નદીમાં પાણી ડિસ્ચાર્જ કરતા પકડાશે તેમની સામે કાયદાકીય પગલા લેવાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં 186 જેટલા યુનિટોને કલોઝર નોટિસ આપવામાં આવી છે. 300 જેટલા એકમોને NOD આપવામાં આવી છે.








