નવજીવન ન્યૂઝ.મોરબી: મોરબી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પ્રદીપ દૂધરેજીયા પાસેથી ચાર્જ આંચકી લેવાયો છે. મહત્વની વાત છે કે, મોરબીમાં સર્જાયેલી ઝુલતા પુલ દૂર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલની સક્ષમતા પર સવાલ પેદા થયો હતો. કારણ કે પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા નવા વોટર ફિલ્ટર, રંગરોગાન કરવા પડ્યાં એટલું જ નહીં પણ જામનગરથી બેડશીટ અને તકીયા લાવવા પડ્યા હતા. આ સ્થિતીનો ચિતાર નવજીવન ન્યૂઝે આપ્યો હતો અને એક પત્રકારના દાવાને આરોગ્ય વિભાગે ખોટો પાડ્યો તે મામલે પણ સવાલ પેદા કર્યો હતો.
મોરબી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પ્રદીપ દૂધરેજીયાનો ચાર્જ લઈ લેવાયો છે. તેમના સ્થાને આ ચાર્જ મોરબી મેડિકલ કોલેજના ડીન ડૉ. નીરજ બિસ્વાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી મોરબી સિવિલ હોસ્પિલટના ઈન્ચાર્જ તરીકે ડૉ. પ્રદીપ દૂધરેજીયા ફરજ પર હતા. પરંતુ મોરબીની દૂર્ઘટના બાદ સિવિલની સ્થીતીની ગંભીર હાલત લોકોને જોવા મળી હતી. જેના કારણે ડૉ. પ્રદીપ દૂધરેજીયાનો ચાર્જ પરત લઈ મેડિકલ કોલેજના ડીનને સોંપવામાં આવ્યો છે તેવી લોકમુખે ચર્ચા જાગી છે.