નવજીવન ન્યૂઝ. અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં શુક્રવારે બપોરે શિવસેનાના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક પ્રદર્શન દરમિયાન સુરીને રસ્તા પર ગોળી મારવામાં આવી હતી. તેઓ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. હુમલા દરમિયાન અનેક રાઉન્ડ ફાયરિંગ થયાની ચર્ચા છે. માહિતી અનુસાર સ્થાનિક શિવસેના નેતા સૂરી મંદિરના મેનેજમેન્ટ વિવાદને લઈને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે એક દુકાનદાર દ્વારા કથિત રીતે તેમના પર ઓછામાં ઓછી પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમને પોલીસ પ્રોટેક્શન હોવા છતાં હુમલાખોર તેમને નિશાન બનાવવામાં સફળ રહ્યો હતો. હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ સુરીનું મોત થયું હતું.
પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલી પિસ્તોલ મળી આવી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. તપાસમાં જે પણ બાબતો સામે આવશે તે જાહેર કરવામાં આવશે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સુરી અને તેના સહયોગીઓનો આજે મંદિર પ્રબંધન સાથે જોડાયેલા લોકો સાથે વિવાદ થયો હોવાનું જાણવા મળે છે. તેઓ એક સાથીદાર સાથે રસ્તા પર શાંતિપૂર્ણ ધરણા પર બેઠા હતા ત્યારે તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.