Wednesday, April 29, 2026
HomeGujaratBhavnagarવ્યાજખોરથી પીડિત ખેડૂતને સોનગઢ પોલીસનો કડવો અનુભવ, પોલીસ પણ પૈસાની ઉધરાણી કરતી...

વ્યાજખોરથી પીડિત ખેડૂતને સોનગઢ પોલીસનો કડવો અનુભવ, પોલીસ પણ પૈસાની ઉધરાણી કરતી હોવાનો આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ તાજેતરમાં જ વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકદરબારો (Lok Darbar) યોજીને પીડીત લોકોને રજૂઆત સાંભળીને વ્યાજખોરો (Usury) સામે ગાળીયો કસ્યો હતો. પરંતું ભાવનગર પોલીસ (Bhavnagar Police) ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રીના (Harsh Sanghavi) આદેશોને ઘોળીને પી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. જગતનો તાત કહેવાતા ખેડૂત વ્યાજખોરોના ત્રાસથી પોલીસની મદદ લેવા માટે પહોંચે છે. પરંતું પોલીસ તેની મદદ કરવાને બદલે ખેડૂતને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમની સામે છેતરપિંડીની ફરિયાદ કરવાની ધાકધમકી આપીને પૈસા આપવા બાબતનું લખાણ કરાવીને તેની સહી કરાવી લીધી હોવાનો આક્ષેપ ખેડૂતે કર્યો છે.

શું છે સમગ્ર મામલો

ભાવનગર (Bhavnagar) જિલ્લાના સિહોર (Sihor) તાલુકામાં રહેતા ભુપતભાઈ કથીરીયા રામધરી ગામમાં રહે છે અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના બે સંતાનોમાં મોટો પુત્ર અક્ષય સુરતમાં રહે છે. જ્યારે નાનો પુત્ર ઈલેશ ભુપતભાઈ પાસે રહે છે. ઈલેશ મનસ્વી સ્વભાવનો હોવાથી તેની મરજી મુજબ જીવતો અને ગમે તે લોકો પાસેથી વ્યાજે પૈસા લઈને અવાર-નવાર લેણા કરતો હતો. જે બાબતથી પિતાએ કંટાળીને વર્ષ 2014માં ન્યૂઝપેપરમાં નોટીસ આપી હતી કે, ઈલેશ અમારા કહ્યામાં નથી, તેની સાથે અમારો કોઈપણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર નથી. મારી મીલકતમાંથી તેને બેદખલ કર્યો છે. જેથી તેની સાથે કોઈ પણ વ્યક્તિએ નાણાકીય વ્યવહાર કરવો નહીં, આમ છતાં કોઈ વ્યવહાર કરશે તો તેની જવાબદારી વ્યવહાર કરનારાની રહેશે.

- Advertisement -

ખેડૂત ભુપતભાઈ પાસે અઠવાડીયા પહેલા દિપક જોશી અને લાલા જોશી નામના બે વ્યક્તિઓ આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તમારા પુત્ર ઈલેશને અમે ગાડી આપાવી છે. તેના રૂપિયા 3 લાખ તમારે આપવાના છે. જેથી ભુપતભાઈ જણાવ્યું હતું કે, તેમના પુત્ર સાથે વર્ષ 2014થી જ સંબંધો પુરા કરી નાખ્યા છે. આ લેણા માટે તેમણે જવાબદાર નથી, તેવુ કહેતા જ દિપક અને લાલો ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે, તમારે પૈસા તો ગમે તેમ કરીને આપવા જ પડશે, જો પૈસા નહીં આપો તો પરિણામ સારૂ નહીં આવે અને તમારો છોકરો ખોઈ બેસશો તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. ત્યાર બાદ દિપક ભુપતભાઈને વારંવાર ફોન કરીને પૈસાની ઉધરાણી કરી ધમકી આપતો હતો.

સમગ્ર મામલે ભુપતભાઈ ભાવનગરના સોનગઢ પોલીસ સ્ટેશનમાં (Songadh Police Station) લેખિતમાં અરજી આપી હતી કે, તેમણે ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, દિપક અને લાલાને અમે પૈસા ચુકવી શકીએ તેમ નથી, આ લોકો જમીન વેચીને અથતા તેમને લખી દેવાની ધમકીઓ આપે છે. પુત્રએ જે રકમ લીધી હશે તે અંગે મને કોઈ જાણકારી નથી, તેમ છતાં આ બંને લોકો ધમકીઓ આપીને પૈસા પડાવા માટે દબાણ કરે છે.

જો કે આ મામલે વ્યાજખોરોથી પીડીત ભુપતભાઈ સોનગઢ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. ભુપતભાઈનો આક્ષેપ છે કે, પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ PSI ડાંગરે મને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો, જ્યાં PSIએ કહ્યું હતું કે, ક્યાં છે તમારો છોકરો તમે બાપ દિકરો ચીટીંગ કરે છે, ચીટીંગની અરજી લઈને આને બેસાડી દો, ત્યારબાદ પોલીસની હાજરીમાં મારે એક લાખ રૂપિયા આપવાના છે, તેવું લખાણ કરાવીને મારી સહી લીઘી હતી, આ લખાણ કરાવ્યા પછી મારા ફોન પર પોલીસવાળોનો ફોન આવ્યો હતો કે, સાંજ સુધીમાં દિપકના પૈસા આપી દો.

- Advertisement -

આ મામલે નવજીવન ન્યૂઝે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભુપતભાઈ પાસે પોલીસે કોઈપણ પ્રકારનું લખાણ કરાવ્યું નથી, સોનગઢ પોલીસ સ્ટેશનમાંથી ભુપતભાઈને ફોન કરીને પૈસા આપવા અંગેની જે વાત છે. તેવા અવાજવાળું અમારા પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ જ નથી, જો કોઈ વ્યક્તિએ પોલીસની ઓળખ આપીને ભુપતભાઈને ધમકી આપવામાં આવી હશે, તો તેની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. ભુપતભાઈને પોલીસ સ્ટેશન બોલાવીને આ અંગેની વધુ તપાસ કરવામાં આવશે.

વ્યાજખોરોના ત્રાસથી ભુપતભાઈ ત્રાહિમામ પોકારી જતાં અંતે આત્મવિલોપનની તૈયારી બતાવી હતી. જે અંગેની જાણ સમાજના અગ્રણી વીજયભાઈને થતાં ગઈકાલ રાત્રે સુરતથી ભાવનગર પહોંચ્યા હતા. સોનગઢ પોલીસનો સહકાર ન મળતા આખરે ભુપતભાઈ અને સમાજના અગ્રણીઓ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ અંગે અગ્રણી વિજયભાઈએ જણાવ્યું હતું કે, ભુપતભાઈ જોડે સોનગઢ પોલીસે અંગ્રેજોની પોલીસ જેવો વ્યવહાર કર્યો છે, પોલીસની મદદ લેવા માટે તેમણે ગયા ત્યારે તેમની પર જ કેસ કરી દેવાની પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી અને પૈસા આપવા માટેનું લખાણ પણ કરાવી બળજબરીથી સહી કરાવી લીધી. સોનગઢ પોલીસ સ્ટેશનમાં બનેલા બનાવ અંગેની જાણ ભાવનગર SPને કરવામાં આવી હતી. જેથી તેમણે સમગ્ર કેસની તપાસ માટે LCBની ટીમને સોનગઢ મોકલી આપી હતી અને ગણતરીના કલાકોમાં વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે તેવું આશ્વાશન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાય અને કડક કાર્યવાહી થાય તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોક દરબાર યોજી રહ્યા છે, બીજીબાજુ જગતનો તાત વ્યાજખોરના ત્રાસથી આત્મવિલોપન કરવા મજબુર હોવા છતાં પોલીસ ખેડૂતની મદદ કરવામાં આખ આડા કાન કરી રહી છે. જેથી સામાન્ય માણસની પોલીસ ફરિયાદ નોંધાય તે માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવી પડે છે. જો આવી પરિસ્થિતી હોય તો સામાન્ય માણસને પોતાની ફરિયાદ નોંધાવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના બદલે જિલ્લા પોલીસ વડાને જ આપવી પડતી હશે?

- Advertisement -

ઈનપુટ: હઠીસિંહ ચૌહાણ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular