આમ તો મુળ અમદાવાદ એટલે કોટ વિસ્તારની અંદરનો ભાગ હતો, પણ વસ્તી વધવા લાગી તેના કારણે કોટ વિસ્તાર નાનો પડવો લાગ્યો, અમદાવાદ અને અમદાવાદીઓને વિસ્તરવુ હતું, એટલે ધીરે ધીરે અમદાવાદીઓએ કોટ વિસ્તારની બહાર આવવાની શરૂઆત કરી,જો કે કોટ વિસ્તારની બહાર રહેવાની આર્થિક ક્ષમતા બહુ ઓછા લોકો પાસે હતી, 1960ના દસક પછી અમદાવાદની આસપાસના ગામો જેવા વાડજ, પાલડી, ઉસ્માનપુરા, નારણપુરા ગામોની આસપાસ સોસાયટી થવાની શરૂઆત થઈ હતી, જો કે સોસાયટીમાં કોઈ મધ્યમ વર્ગનો માણસ મકાન બનાવી શકે તેવી હેસીયત ન્હોતી, એટલે આ સોસાયટીઓ શ્રીમંત લોકોની જ ગણાતી હતી, અમદાવાદનો આશ્રમ રોડ આજે લાખો વાહનોથી ધમધમે છે, પણ ત્યારે દિવસે પણ આશ્રમરોડ ઉપરથી પસાર થતાં બીક લાગે એટલા આંબલીના ઝાડ હતા. શહેરની સીજી રોડ ઉપર માત્ર અમદાવાદના મિલ માલિકોના બંગલાઓ હતા,આજે માત્ર સમખાવા પુરતો એક લાલ બંગલો ઉભો છે, બાકી આખો રોડ કોર્મશીયલ બની ગયો છે.
જેમ આભ ફાટે ત્યારે જે સ્થિતિ થાય તે રીતે અમદાવાદને ફેલાઈ જવુ હતું,જો કે અમદાવાદને ચારે તરફ ફેલાઈ જવા માટે કોઈએ પવન ફુંકયો હોય તો બે સંસ્થાઓનું મોટુ યોગદાન છે, પહેલું અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કારણ ફેલાઈ રહેલા અમદાવાદને સુધી જવા માટે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તો હોવી જોઈએ, ત્યારે કોઈ અમદાવાદીના ઘરમાં સાયકલ હોય તો પણ તે શ્રીમંત ગણાતો, અને સ્કુટર( ત્યારે માત્ર બજાજ સ્કુટર જ મળતા, આજે બુક કરવો તો પાંચ વર્ષે સ્કુટર મળતુ હતું)હોય તે તો અતિ શ્રીમંત ગણાતો, કારવાળા તો કરોડપતિ હોય તેવુ લાગતુ હતું. અમદાવાદનો વિસ્તાર બન્યો તેમાં એએમટીસના પદાધિકારીઓ અને અધિકારીઓની સુઝ મહત્વની હતી, એટલે નવા વિસ્તારમાં કોઈ સોસાયટી બને તો તરત ત્યાં નવી બસ સેવા શરૂ કરી દેતા હતા,જેના કારણે અમદાવાદીઓએ કોટ વિસ્તાર છોડવાની હિમંત કરી કારણ ટ્રાન્સપોર્ટ સેવા મળી રહેતી હતી.,
બીજો મોટો ફાળો ગુજરાત હાઉસિંગ બોર્ડનો હતો, સામાન્ય માણસ સોસાયટીમાં મકાન લઈ શકતો ન્હોતો, આવક પણ ટુંકી હતી,ત્યારે આજે જેમ બેન્કો લોન આપવા ઉતાવળી થાય છે તેવી સ્થિતિ ન્હોતી, ત્યારે માણસને લોન લઈ આપણે કઈ લઈ શકીએ તેવુ સ્વપ્ન પણ આવતુ ન્હોતુ, અને કર્જ તો લેવાય જ નહીં તેવી માનસીકતા હતા,આ સ્થિતિમાં માણસ પોતાનું ઘર બનાવે તો કેવી રીતે તે મોટો પ્રશ્ન હતો, અમદાવાદમાં કોઈ પાસે સરકારી નોકરી હોય અને કોઈ મિલમાં કામ કરતો હોય તો માન મિલમાં કામ કરનારને મળતુ કારણ સરકારી નોકરી કરતા મિલના પગાર સારા હતા. તત્કાલીન સરકારે જેઓ ઘરનું સ્વપ્ન જેવુ છે તેમના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની શરૂઆત કરી, હાઉસિંગ બોર્ડે અમદાવાદના નારણપુરા, નવા વાડજ , સોલા બાપુનગર જેવા વિસ્તારોમાં જયારે ખુલ્લા ખેતરો અને દિવસે પણ કોઈ જવાની હિમંત કરે નહીં, તેવા વિસ્તારમાં ખેતરો ખરીદી ફલેટ બનાવવાની શરૂઆત કરી( ખેડુતોની જમીન સંપાદન થતાં ખેડુતો પણ તે જમાનામં લાખોપતિ થઈ ગયા)
1970ના દસકમાં અમદાવાદના પશ્ચીમ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હજારો ફલેટ બનાવવાની શરૂઆત કરી, પરંતુ બીજી તરફ અમદાવાદીઓ પણ ફલેટમાં રહેવાય તેવી માનસીકતા માટે તૈયાર ન્હોતા, અમદાવાદીઓના મનમાં ઘરની કલ્પના એટલે ઘરની આગળ એક આંગણુ હોય, તુલસીનો કયારો હોય,ઝાડ પાન હોય વેગેરે, પણ આ અમદાવાદીઓ માટે ઘરના ઘરની કલ્પના હતી તેમની પાસે ફલેટ સિવાય કોઈ વિકલ્પ પણ ન્હોતો, પશ્ચીમ અમદાવાદમાં નારણપુરા વિજયનગરમાં હાઉસિંગ બોર્ડ દ્વારા સૌથી પહેલા ફલેટ બાંધવામાં આવ્યા, પણ ફલેટ બાંધ્યા પછી હાઉસિંગ બોર્ડની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ કારણ ફલેટનો લેવાલ જ કોઈ ન્હોતુ, એક તો આટલે આઘે થોડુ રહેવા જવાય અને બીજુ ફલેટમાં કોણ રહે છે,આ બે માનસીકતાને લઈ વિજયનગરના ફલેટ લેવા જ કોઈ તૈયાર ન્હોતુ.
વિજયનગરના ફલેટ બંધાઈ ગયા છે, હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ગ્રાહકોની શોધ માટે ફરતા હતા, મેં પહેલા કહ્યુ તેમ પૈસાનો મિલમાં નોકરી કરનાર પાસે હતા, એટલે બોર્ડના અધિકારીઓ ફલેટના બ્રોશર લઈ મિલના દરવાજે ઉભા રહેતા હતા અને પોતાની સ્કીમ કેટલી આકર્ષક છે તેની વાત કહી માર્કેટીંગ કરતા હતા પણ તેમની દાળ મિલના કર્મચારીઓ પાસે ગળી નહીં, આજે તમને કદાચ આશ્ચર્ય લાગે એટલી કિમંત હતી એકસો વારના ફલેટની કિમંત રાખી હતી 26000( છવ્વીસ હજાર) પરંતુ છવ્વીસ હજારમાં પણ કોઈ ફલેટ લેવા તૈયાર ન્હોતા, એક હજાર કરતા વધુ ફલેટ બંધાઈ ગયા પછી કરવાનું શુ, આખરે એવો નિર્ણય લેવાય કે માત્ર હજાર રૂપિયા હમણાં આપો બાકીની રકમ માસીક એકસો રૂપિયાના હપ્તે ચુકવે,કોઈ ગેરેંટરની અને આવકના પુરાવાની જરૂર નથી.
આ સ્કીમ કામ કરી ગઈ, વિજયનગરના ફલેટ વેચાવા લાગ્યા, એટલે વિજયનગથી દોઢ કિલોમીટર દુર બાર્ડે બીજી સ્કીમ મુકી જેમાં એકસોવારના ફલેટ જેને પ્રગતીનગર નામ આપ્યુ અને બીજી 55 વારના ફલેટ તેને નવનિર્માણનગર નામ આપ્યુ, પણ પહેલા અનુભવમાંથી અધિકારીઓ શીખી ગયા હતા એટલે તેમણે પહેલા હપ્તાની સ્કીમ મુકી,પ્રગતીનગરના ફલેટની કિમંત 30 હજાર, પણ પ્રારંભમાં માત્ર બે હજાર આપો બાકીની રકમ એકસોનો હપ્તો અને નવનિર્માણ 18 હજારમાં તેમાં માત્ર હજાર રૂપિયા આપો એકસોનો હપ્તો આપી ઘરના માલિક બનો, મને બરાબર યાદ છે ત્યારે મારી ઉમંર નવ વર્ષની હતી, અમે મેઘાણીનગરમાં સરકારી કર્વાટરમાં રહેતા હતા, અમારૂ પણ એક ઘર હોય તેવી પિતાની ઈચ્છા હતી,એટલે હું મારા પિતા અને દાદા સાથે ફલેટ આખરી તબ્બકામાં હતા ત્યારે જોવા આવ્યો.
બસનો વિજયનગર સુધી જ આવતી હતી, વિજયનગર બસમાંથી ઉતરી ખેતરોના કાચા રસ્તે અમે પ્રગતીનગર પહોંચ્યા હતા, ત્યારે મારે મન પોતાનું ઘર હોય તેવી કોઈ કલ્પના જ ન્હોતી, પણ મારા દાદાએ ફલેટ જોઈ કહ્યુ આટલે દુર મકાન લેવાનું, પણ મારા પિતાએ પોતાની આર્થિક મર્યાદા રજુ કરતા કહ્યુ આપણી પાસે વિકલ્પ નથી, આમ તો પ્રગતીનગરનું એકસો વારનું ઘર લેવુ હતું પણ ત્યારે મારા પિતા પાસે બે હજાર રૂપિયાની વ્યવસ્થા થઈ નહીં,જેમ તેમ કરી હજાર રૂપિયાનો મેળ પડયો એક 55 વારનો ફલેટ લીધો, આખા વિસ્તારમાં એક પણ સ્કુલ ન્હોતી આ વિસ્તારના બાળકો ભણશે કયાં તે એક મોટો પ્રશ્ન હતો, એક વર્ષ પહેલા જ વિજયનગરમાં રહેવા આવેલા અધ્યાપક કનુભાઈ શાહને મન શિક્ષણનું ખુબ મહત્વ હતુું,તેમણે વિજયનગરના રહીશો સાથે મળી એક ટ્રસ્ટ બનાવી સ્કુલ બનાવવાનો વિચાર કર્યો, પણ સવાલ હતો, પૈસા કયાંથી આવશે
આવા પણ શિક્ષણ પ્રેમીઓ હતા,અધ્યાપક કનુભાઈ શાહે પોતાના પ્રોવીડંડ ફંડમાંથી પૈસા ઉપાડી વિજયનગર ટ્રસ્ટને આપ્યા અને વિજયનગર સ્કુલનો પ્રારંભ એક વિજયનગરના જ એક ફલેટમાં થયો, મારા શિક્ષણની શરૂઆતમાં પણ વિજયનગર સ્કુલમાં થઈ, પ્રગતીનગરથી રોજ ખેતરોમાંથી પસાર થઈ સ્કુલે આવવાનું, રસ્તામાં લીમડાના ઝાડ,આંબાઓ આવે ઉનાળામાં પથ્થર મારી કેરીઓ તોડવાની મઝાના દિવસો હતો, ઉનાળા અને શિયાળામાં તો વાંધો ન્હોતો આવતો પરંતુ ચોમાસામાં પગની પાની આખી કાદવમાં ખુચી જાય એટલા કાદવમાંથી પસાર થઈ વિજયનગર પહોંચવુ પડતુ હતું, જો કે બાળકોને કાદવનો પણ વાંધો ન્હોતો, પરંતુ નોકરી ધંધે જતા તમામને પ્રગતનીનગરથી ચાલતા વિજયનગર આવી બસ પકડવી પડતી હતી પણ આ સમસ્યા લગભગ દોઢ વર્ષ રહી કોર્પોરેશને ત્યાર પછી પ્રગતીનગર સુધી પાકો ડામરનો રોડ બનાવી આપ્યો
રસ્તો બની ગયો એટલે હવે બસનો માર્ગ મોકળો થયો બે વર્ષ પછી પ્રગતીનગરના બસ સ્ટેન્ડ ફાળવવામાં આવ્યુ અને 64-3 નંબરની એએમટીએસ બસ આપવામાં આવી,જે દિવસ બસ સર્વીસનો પ્રારંભ થવાનો હતો ત્યારે નાના મોટા સ્ત્રી અને વૃધ્ધો મળી આશરે પાંચસો લોકો બસ સ્ટેન્ડ ઉપર ભેગા થયા હતા, લાલ બસ આવતી જોઈ લોકોએ ચીચીયારીઓ પાડી, પ્રગતીનગરની સ્ત્રીઓ બસને ચાંદલા કર્યા, કોઈ નારીયણ લઈ આવ્યુ હતું તો ડ્રાઈવરે બસના આગળના વ્હીલ નીચે નારીયળ ફોડી શકન કર્યા, જાણે પ્રગતીનગરના લોકોએ પોતે બસ ખરીદી હોય એટલે હરખ તેમના મનમાં હતો, એએમટીએસના અધિકારીઓ પણ ત્યા હતા,તેઓ પણ લોકોના આનંદમાં હિસ્સેદાર બન્યા તેમણે પ્રગતીનગરના લોકો ઉત્સાહ જોઈ કહ્યુ આજે તમે ટીકીટ વગર મુસાકરી કરી શકશો, અને અને મારા જેવા ટાબરીયા બસમાં ચઢી બેઠા.
બસમાં આનંદનો કોલાહલ હતો, હું બસની સીટમાં બેસવાને બદલે ડ્રાઈવરની પાછળની જગ્યા ઉભો કરી આગળના કાચમાંથી જોઈ રહ્યો હતો, ત્યારે મારે મન ડ્રાઈવર કોઈ સુપરમેનથી ઓછો ન્હોતો, મને લાગતુ કે ડ્રાઈવર એટલી મોટી બસ કેટલી કુનેહપુર્વક ચલાવે છે,તેને સ્ટીયરીંગ વ્હીલ ફેરવતા જોઈ લાગતુ કે ગજબની તાકાત છે આ ડ્રાઈવર કાકામાં, આજે વિચાર આવે છે ત્યારે આપણુ કઈ જ ન્હોતુ, છતાં રસ્તાઓ, રસ્તા ઉપર દોડતી સરકારી બસ, લીમડા અને આંબાના ઝાડ, રસ્તામાં આવતા ખેતરો,ચોમાસાનો કાદવ, સ્કુલ,અને સ્કુલની બહાર દસ પૈસાની પીપરમીટ વેચતા કાકા આ બધુ જ જાણે પોતાનું હોય તેવુ ભાસતુ હતું હું નહીં અમદાવાદમાં રહેનાર પ્રત્યેક અમદાવાદી આ અનુભુતીમાંથી પસાર થયો છે, અફસોસ એટલો જ આજે માલિકી ભાવ દાખવી શકાય એવુ ઘણુ બધુ આ અમદાવાદીઓ પાસે છે નથી તો બસ હવે પોતાનું કઈ લાગતુ નથી