હિન્દુસ્તાન અને પાકિસ્તાન એટલે ધરતીની છાતી પર પડેલો એક લોહિયાળ ચીરો. એક માનાં ધાવણે વળગેલાં બે બાળકો. એક મેળામાં ખોવાયું છે અને બીજું ભૂખે ટળવળે છે. આંગળીથી વિખુટાં પડેલાં બાળકને શોધતી માનાં ધાવણમાંથી નિરાંતનાં રસકસ ખૂટ્યાં. હવે જે છાતીએ વળગ્યું છે એને નસીબ પણ કંઈ નથી ને જે મેળામાં ટલ્લે ચડ્યું છે એને નસીબ પણ કંઈ નથી. વિભાજનનો સમય જે તે સમયે ભારતીય સાહિત્ય અને સિનેમામાં એવો તો ગોરંભાયો કે, એની પીડાની ચીચીયારીઓ આવનારા યુગો સુધી સંભળાતી રહે. વિભાજન સમયે જેમણે જેમણે સહન કર્યું છે એમની પીડાની કલ્પના પણ કરવી શક્ય નથી. ભારત-પાકિસ્તાનનાં વિભાજન પર આજ સુધી કેટલીય ફિલ્મો બની ચૂકી છે, પરંતુ એમાંથી સૌથી સંવેદનશીલ ફિલ્મ તરીકે ‘ગર્મ હવા’ (1973) આજે પણ શ્રેષ્ઠ છે. આ ફિલ્મમાં કોઈપણ કોમ કે ધર્મ પર ચાબખા વિંઝવામાં આવ્યા નથી પણ વિભાજનની અસર એક સામાન્ય માણસ પર પર કેટલી અને કેવી પડી છે એ ગુંગળામણ, એ પીડા અને એ છાતીમાં અટવાયેલી ચીસ અહીં બખૂબી દર્શાવવામાં આવી છે.
ભારત-પાકિસ્તાનના ભાગલા પડી ચૂક્યા છે, લાખો લોકોએ હિજરત કરી છે. એ પરિસ્થિતિમાં એક મુસ્લિમ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા કપરી પરિસ્થિતિમાં મુકાયો છે. આ પરિવાર પોતાની જુતાની ફેક્ટરી પર નભે છે, પરંતુ વિભાજન પછી આ ફેક્ટરીનું કામકાજ મંદ પડ્યું છે. ઘરનો મુખ્ય સદસ્ય સલીમ મિર્ઝા (બલરાજ સહાની) પોતાની ફેક્ટરીનાં કામકાજ અને મજૂરોના પગાર માટે નાણાંની જોગવાઈ કરવા બજારમાં આમથી તેમ આંટા ફેરા મારે છે, પણ વેપારીઓ એ ભયથી નાણાં ધીરતા નથી કે, મુસલમાનો તો ગમે ત્યારે પાકિસ્તાન ભાગીને જતાં રહે અને અહીં પોતાના નાણાં ડુબે. આખરે કંટાળીને સલીમ મિર્ઝાનો મોટો દીકરો પોતાની પત્ની અને દીકરાને લઈ પાકિસ્તાન કમાવવા જતો રહે છે. સલીમ મિર્ઝાનો નાનો દીકરો સિકંદર (પહેલીવાર રૂપેરી પડદે ચમકેલો ફારુખ શેખ) ગ્રેજ્યુએશન તો પૂરું કરી નાખે છે, પણ બાપડાને નોકરીના ફાંફાં છે. ધર્મ અને જાતના ભેદભાવના લીધે સિકંદર હંમેશા નોકરી મેળવતાં મેળવતાં રહી જાય છે. આખરે સલીમ મિર્ઝા પોતાની હવેલી હિન્દુ વેપારી (એ.કે.હંગલ)ને વેચીને ભાડાનાં મકાનમાં આવી જાય છે. પોતાની હવેલી ન છોડવા માટેના સલીમ મિર્ઝાની ઘરડી મા (ઝુબેદા)ના ધમપછાડા એક દર્શક તરીકે આપણને ભીતરથી હચમચાવી નાખે છે. પોતાનું પુશ્તેની મકાન નહીં છોડવા બાબતે ઘરડી બાનો વલોપાત આંખો ભીની કરી દે છે. નવાં ઘરમાં બા ખૂબ બીમાર પડે છે અને તેનો જીવ પોતાની હવેલી જોવા તરફડિયા મારે છે. આખરે પેલા હિન્દુ વેપારીની મંજૂરી લઈ સલીમ મિર્ઝા અને સિકંદર બાને ઉંચકીને જૂની હવેલી બતાવવા લાવે છે. જેવા એ લોકો પોતાની જૂની હવેલીએ પહોંચે છે કે તરત વૃદ્ધાની આંખો પોતાની જૂની હવેલીને ચકળવકળ નજરે નીરખે છે. એકસાથે કંઈ કેટલાય અવાજો સ્મૃતિપટ પર ઝિલાય છે અને ખુશીના એક ચમકારા સાથે એની આંખો બંધ થઈ જાય છે! ભાગલાના પાપે સલીમ મિર્ઝાની દીકરી અમીના (ગીતા સિદ્ધાર્થ) પ્રણયભંગનો ભાર વેઠ્યા પછી પ્રેમીની રાહ જોઈ જોઈને કંટાળીને આત્મહત્યા કરે છે. આ બધી ઘટનાની માનસિક અસર સલીમ મિર્ઝાની પત્ની (શૌકત આઝમી) પર બહુ ઊંડી થાય છે. આખરે કંટાળીને, હારી-થાકીને સલીમ મિર્ઝા પણ પોતાના મોટા દીકરા અને ભાઈઓની જેમ પાકિસ્તાન જવાનું નક્કી તો કરે છે, પણ સામાન સાથે તેઓ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે સ્ટેશને જતી વખતે એ એક રેલી જુએ છે. કોમ-ધર્મના ભેદભાવ વિનાની એકતા વ્યક્ત કરતી અને પોતાના હક માગતી એ રેલી જોઈને સલીમ મિર્ઝા પાકિસ્તાન જવાનું માંડી વાળે છે અને પોતાના દીકરા સિકંદર સાથે જુવાનીયાઓની જોશીલી રેલીમાં જોડાઈને એ સૌમ્ય વૃદ્ધ ધીમાં ડગલે ચાલી નીકળે છે. ભારતમાં ભળી રહેવાની પોતાની મક્કમતાને કુમાશપૂર્વક વ્યક્ત કરે છે.
ઇસ્મત ચુગતાઈની વાર્તા પરથી ડિરેક્ટર એમ.એસ.સથ્યુએ આ ફિલ્મ બનાવી છે. ૧૪૬ મિનીટની આ મેચ્યોર ફિલ્મમાં એક જ ગીત છે જેના શબ્દો છે, ‘મૌલા સલીમ સિશ્તી…’. ફિલ્મમાં બહાદુર ખાન અને અઝિઝ અહમદનુ સંગીત છે, પણ એ બાબત ખરેખર પ્રશંસનીય છે કે, એમણે આ ફિલ્મમાં ગંભીર સંગીતનો ઓવરડોઝ કરવાને બદલે વીણાના કરુણ આલાપ કયાંક ક્યાંક જ મુક્યા છે અને ફિલ્મને સાયલન્ટ મ્યુઝિક્માં રહેવા દઈને કથાને ન્યાય આપવાનો સફળ પ્રયત્ન કરી શક્યા છે. અહીં સન્નાટો સૌથી મોટું મ્યુઝિક છે. વિભાજનની અસરથી ખાલી પડેલી ગલીઓ, ખંડેર લાગતાં ઘરો જોઈને કંપારી છૂટી જશે. કલાત્મક શેડ્સ સિનેમેટૉગ્રાફર ઇશાન આર્યાની કમાલ છે. આ ફિલ્મના કેટલાક દૃશ્યો એટલા કરુણ છે કે, તમે એની અસરમાંથી નીકળી જ ન શકો. ઇસ્મત ચુગતાઈની વાર્તાને સ્ક્રિનપ્લેમાં ઢાળવાનું કામ કૈફી આઝમી અને શમા ઝૈદે (આ જ ફિલ્મના ડિરેક્ટર એમ.એસ.સથ્યુના વાઈફ) કર્યું છે. ફિલ્મના ભાવુક સંવાદો કૈફી આઝમીએ જ લખ્યા છે. આ ફિલ્મને ૧૯૭૪નો બેસ્ટ ફોરેન લેંગ્વેઝ માટેનો એકેડમી એવોર્ડ અને ૧૯૭૪માં શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ડાયલોગ્સ માટે કૈફી આઝમીને, બેસ્ટ સ્ટોરી માટે ઇસ્મત ચુગતાઈને અને બેસ્ટ સ્ક્રિનપ્લે માટે શમા ઝૈદને ૧૯૭૫નો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
વિભાજનના સમયે ભારતીય મુસ્લિમની વેદના વ્યક્ત કરતી આ ફિલ્મમાં નથી કોઈ કડવાશ, નથી કોઈ વિદ્રોહ, નથી કોઈ નાટ્યત્મકતા કે નથી કોઈ ઊપદેશોના ઢગલા. આ એક પરફેક્ટ માસ્ટરપીસ છે. એક ફિલ્મ કેટલી વાસ્તવિક અને કેટલી પરિપક્વ ઊંડાણ ધરાવતી હોય, તે જોવા-જાણવા માટે આ ફિલ્મ અચૂક જોવી. ફિલ્મના અંતમાં જ્યારે પોતાના હક માટે જતી એકતાની રેલીના દૃશ્યમાં બેકગ્રાઉન્ડમાં કૈફી આઝમીના જ અવાજમાં એમનો એક શેર સંભળાય છે…
“જો દૂર સે તુફાન કા કરતે હૈ નઝારા,
ઉન કે લીયે તુફાન વહાં ભી હૈ, યહા ભી…
દારે મેં જો મીલ જાઓગે, બન જાઓગે દારા,
યે વખ્ત કા એલાન વહાં ભી હૈ, યહાં ભી હૈ…”