Sunday, April 26, 2026
HomeGeneralપોતાના ધર્મનો વિરોધ છતાંય ખ્રિસ્તી ધર્મનાં ઉંચા સ્થાને બિરાજનાર આ વ્યક્તિ કેવી...

પોતાના ધર્મનો વિરોધ છતાંય ખ્રિસ્તી ધર્મનાં ઉંચા સ્થાને બિરાજનાર આ વ્યક્તિ કેવી રીતે મહાન બન્યા….

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન.અમદાવાદ): દક્ષિણ આફ્રિકાના ડેસમન્ડ ટુટુનું 26 ડિસેમ્બરના રોજ અવસાન થયું. તેઓની જાણીતી ઓળખ ‘આર્ચબિશપ’ની હતી, જેનો અર્થ પ્રધાન પાદરી એવો થાય છે. ખ્રિસ્તી ધર્મમાં ઊંચા પદે બિરાજેલા હોવા ઉપરાંત તેઓ રંગભેદ નીતિ સામે આજીવન લડતા રહ્યા. માનવઅધિકાર એક્ટિવિસ્ટ તરીકેની તેમની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી હતી અને સાથે-સાથે તેઓ આફ્રિકાના અશ્વેતો પર ખાસ્સો પ્રભાવ પાડી શક્યા હતા. જીવનભર ડેસમન્ડ રંગભેદ સામે લડ્યા અને તેને દૂર કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી.



રંગભેદ લાગુ કરવામાં દક્ષિણ આફ્રિકા કેન્દ્રસમુ રહ્યું છે. ઓગણીસમી સદીના આરંભમાં યુરોપિયનોના પ્રવેશ સાથે રંગભેદની નીતિ ત્યાં અમલી બની અને પછી આ દૂષણ દક્ષિણ આફ્રિકામાં સર્વવ્યાપી બન્યું. 1893માં ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવાનું થયું ત્યારે તેઓ પણ તેના શિકાર બન્યા. ગાંધીજી આવ્યાના પૂર્વે અને પછી પણ આ ભેદનીતિ દૂર કરવા માટે સતત લડત ચાલતી રહી છે અને તેમાં લાંબા સમય સુધીની લડત ડેસમન્ડ ટુટુના આગેવાની હેઠળ થઈ છે.

ટુટુના નિધન પછી રંગભેદ સામે લડવાનો એક અધ્યાય પૂરો થઈ ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકાની વાત આવે ત્યારે હંમેશા સ્મૃતિમાં નેલ્સન મંડેલા આવે છે, પણ ટુટુ એટલાં જ અગત્યના આગેવાન છે. પ્રથા મુજબ આપણી સામે કોઈ દેશના નાયકની છબિ સામે મૂકાય; પછીથી તે સિવાય અન્ય કોઈનું નામ આવતાં વર્ષો લાગી જાય. ટુટુના કિસ્સામાંય એવું થયું. નેલ્સન મંડેલા પછી તેમનું નામ ક્યારેય આવ્યું નહીં અને એટલે ટુટુનું અવસાન થયું ત્યારે સ્થાનિક અખબારોમાં વૈશ્વિક છબિ મુજબ તેમને સ્થાન ન મળ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટુટુના નિધનની નોંધ સોશિયલ મીડિયા પર આ રીતે લીધી : “આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ વિશ્વભરમાં અનેકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. ગૌરવપૂર્ણ અને સમાનતા માટેની તેમની લડત હંમેશા યાદ રહેશે. હું તેમના નિધનનો શોક વ્યક્ત કરું છું.”

- Advertisement -

માનવઅધિકાર માટે ડેસમન્ડ ટુટુનું નામ વિશ્વભરમાં કેમ જાણીતું બન્યું તેના અનેક કારણો છે. તે સફરની શરૂઆત દક્ષિણ આફ્રિકાના ક્લર્ક્સડોર્પ નામની જગ્યાએથી થઈ હતી, જે ડેસમન્ડનું જન્મસ્થળ છે. અહીંયા તેઓ 1931માં ગરીબ પરિવારમાં જન્મ્યા. સરેરાશ શિક્ષણ લઈને શિક્ષકની નોકરી સ્વીકારી અને ચોવીસ વર્ષે તેઓ એક્ટિવિસ્ટ નોમાલિઝો લેહને પરણ્યાં. શિક્ષકમાંથી ધર્મ તરફ વળ્યા અને 1960માં પ્રિસ્ટ બન્યા. 1962માં ફરી શિક્ષણ લેવાનું ઠરાવ્યું અને થિયોલોજીના અભ્યાસ માટે લંડનના કિંગ્સ કોલેજમાં એડમિશન મેળવ્યું. દક્ષિણ આફ્રિકાથી લંડન ગયા. લંડન ગયા ત્યારે પણ મૂળ ધ્યેય દક્ષિણ આફ્રિકામાં સેવાકીય પ્રવૃત્તિ કરવાનો હતો, તેથી ત્યાંથી પાછા ફર્યા અને દક્ષિણ આફ્રિકામાં વિવિધ યુનિવર્સિટી સાથે થિયોલોજિકલ શિક્ષણ આપવા માટે સંકળાયા. આ દરમિયાન આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો અને બિશપ બન્યા. ધર્મમાં પોતાનું ઊંચું સ્થાન બનાવ્યા બાદ જાહેરમાં પોતાના મત વિશે મુખર થતા ગયા અને જોરશોરથી તેમણે રંગભેદની નીતિનો વિરોધ કર્યો. 1980ના અરસામાં તો તેઓ દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોના હામી બનીને ઊભર્યાં. આ વિરોધ માટે અહિંસક રીત અપનાવી. દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોની સામે શ્વેત વસતી નહીવત્ છે, તેમ છતાં તેમનું શાસન વીસમી સદીના અંત સુધી ચાલતું રહ્યું અને તેમાં હિંસક બનાવો ઓછા બન્યા તેમાં ડેસમન્ડ ટુટુ જેવાં આગેવાનોનું પણ યોગદાન છે.



દક્ષિણ આફ્રિકામાંથી 1994માં રંગભેદની નીતિ નાબૂદ થઈ અને તેની પહેલ કરનારાં તત્કાલીન રાષ્ટ્રપતિ એફ. ડબલ્યુ. ડી. ક્લેર્ક હતા. તેઓ દક્ષિણ આફ્રિકાની શ્વેત સરકારના અંતિમ રાષ્ટ્રપતિ રહ્યા અને તેમના જ પ્રતાપે રંગભેદની નીતિને જાકારો મળ્યો. અને પછીથી થયેલા ચૂંટણીમાં ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ની જીત થઈ અને નેલ્સન મંડેલા રાષ્ટ્રપતિ બન્યા. આ પરિવર્તન લાવવામાં ડેસમન્ડ ટુટુએ અશ્વેતો તરફથી મધ્યસ્થી કરી હતી. 1994માં જ્યારે નેલ્સન મંડેલાની આગેવાનીમાં સરકાર રચાઈ ત્યારે ડેસમન્ડ ટુટુ ‘ટ્રુથ એન્ડ રિકન્સાઈલેન્શન કમિશન’ના અધ્યક્ષ થયા. આ કમિશન હેઠળ રંગભેદ વિરુદ્ધના પ્રદર્શનોમાં જે હિંસા થઈ તેની તપાસ કરવામાં આવી હતી. આમ ધાર્મિક રીતે વ્યાપક અસર ધરાવનારાં ડેસમન્ડનું રાજકીય કદ પણ વધ્યું.

1994 પછી રંગભેદ નાબૂદ થયેલાં દક્ષિણ આફ્રિકાને તેમણે ‘રેઇનબો નેશન’ નામ આપ્યું. ટુટુ ‘રેઇનબો નેશન’ને એ રીતે વ્યાખ્યાયિત કરતા હતા કે ‘એક સમયે જ્યાં રંગભેદ લાગુ હતી ત્યાં હવે અનેક દેશ અને સંસ્કૃતિના લોકોની એકતા જળવાશે’. ડેસમન્ડની લોકશાહીની ધારણા વ્યાપક હતી, જેમાં પછીથી તેમને નેલ્સન મંડેલાની પણ મર્યાદા દેખાઈ. સૌપ્રથમ તો તેમણે નેલ્સન મંડેલાના વસ્ત્ર ‘માડિબા શર્ટ્સ’ની ટીકા કરી. તેમનું કહેવું હતું કે આ શર્ટ્સ અયોગ્ય છે. જોકે મંડેલાએ તે વખતે તુરંત પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારા શર્ટ્સની ટીકા કરનાર પોતે જ ડ્રેસ(બિશપનો પહેરવેશ) ધારણ કરે છે. આ પછી પણ ડેસમન્ટ ટુટુની ટીકા અટકી નહીં. મંડેલાના આગેવાનીમાં જે રીતે શસ્ત્રનીતિ રહી તે પણ ટુટુને જચ્યું નહીં અને ચૂંટાયેલા પ્રતિનિધિને આપવામાં આવેલી રાશિથી પણ તેમને વાંધો હતો. આ બાબતે મંડેલાએ ટુટુને ‘લોકપ્રિય’ થવાની લાલસા ધરાવનારા કહ્યા અને સાથે એમ પણ કહ્યું કે આ સૂચનો તેમણે વ્યક્તિગત કરવાની જરૂર હતી. જોકે એકબીજાના ટીકાકાર છતાં બંને પોતપોતાના સ્થાને દેશની સેવામાં રહ્યા.



‘ટ્રુથ એન્ડ રિકન્સાઈલેન્શન કમિશન’માં ટુટુની ભૂમિકા નેલ્સન મંડેલાના પક્ષ માટે અકળાવનારી રહી. ટુટુએ એમ સુદ્ધા કહ્યું હતું કે, નેલ્સન મંડેલા જે પક્ષની આગેવાની કરે છે તે સત્તાનો દૂરોપયોગ કરે છે અને એમ પણ કહ્યું હતું કે, ‘ગઈકાલનું શોષણ આજનું બનતાં વાર લાગતી નથી.’ શોષણનો આ સંદર્ભ અશ્વેતોનું શાસન આવ્યા બાદ શ્વેત રાખવામાં આવેલી નીતિ હતી. 1998માં આ કમિશનનો અહેવાલ એક જાહેર કાર્યક્રમમાં ટુટુએ મંડેલાને સોંપ્યો હતો. ટુટુ કમિશને જે કાર્ય કર્યું હતું તેનાથી બેહદ ખુશ હતા, તેમને વિશ્વાસ હતો કે લાંબા ગાળે દક્ષિણ આફ્રિકામાં તેની સારી અસર થશે. આ રીતે એક હદ સુધી દક્ષિણ આફ્રિકામાં રંગેભદ દૂર કરી શકાયો અને પછીથી ટુટુએ અન્ય મુદ્દા તરફ પોતાનું કાર્ય આગળ ધપાવ્યું. રંગભેદ પછી તેઓ ગે કોમ્યુનિટીના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો. તેમણે એવું નિવેદન સુદ્ધા આપ્યું કે હોમોસેક્સુઅલ પ્રત્યેનો ભેદભાવ તે અશ્વેત ભેદભાવ સરીખો જ છે. અને 1998માં ખ્રિસ્તી ધર્મની એક શાખા એગ્લિકેનના કોન્ફરન્સમાં એવું જાહેર કરવામાં આવ્યું કે ‘સજાતિય જાતિય સંબંધોનો તેઓ વિરોધ કરે છે’ ત્યારે ટુટુએ નિવેદન આપ્યું કે, “હું એગ્લિકેન તરીકે શરમ અનુભવું છું.” આ સંબંધિત ટુટુના કેટલાંક નિવેદનોએ ખાસ્સો વિવાદ જગાવ્યો. જેમ તેમણે 2007માં ચર્ચ સંબંધિત એમ કહ્યું કે, “તેમના કહેવા મુજબ જો ઈશ્વર સજાતિય પ્રત્યે ભય રાખતા હોય તો હું ઈશ્વરને ન પૂજું.”

- Advertisement -

સમાનતા માટે તેઓની ઉદારતાએ ખ્રિસ્તી ધર્મ પર અનેક પ્રશ્નો ખડા કર્યા. જેમ કે દક્ષિણ આફ્રિકામાં પાદરી તરીકે મહિલાઓની વરણી થતી નહોતી. ટુટુએ મહિલા પાદરી બને તે માટે પ્રયાસ આદર્યા. 2005માં પોપ બેનેડિક્ટ સોળમાની ચૂંટણી થઈ હતી. તત્કાલિન પોપના જાતિ અને જાતિયતના રૂઢીચુસ્ત વિચારો અંગે ટુટુએ નિવેદન આપ્યું હતું કે તે કમનસીબી છે કે રોમન કેથલિક ચર્ચ એઇડ્સ સામે લડાઈ માટે કોન્ડોમના ઉપયોગનો વિરોધ કરવાનું કે મહિલા પાદરી પ્રત્યેના વિરોધનું વલણ બદલતું નથી.

ધર્મની જેમ રાજકારણમાં પણ ટુટુનું વલણ મુખર રહ્યું. ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દામાં તેઓ શાંતિદૂતની ભૂમિકામાં રહ્યા, પણ 2002માં જ્યારે અમેરિકાના મધ્યસ્થીથી ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતી થઈ ત્યારે ટુટુએ પોતાનો વિરોધ નોંધાવ્યો. પેલેસ્ટાઇન પ્રત્યેની ઇઝરાયલની નીતિને લઈને તેમણે ઇઝરાયલ પર પ્રતિબંધની માંગણી પણ કરી હતી. ઇરાક યુદ્ધ છેડાયું ત્યારે તેમણે અમેરિકા સામે વિરોધ દર્શાવ્યો હતો. અમેરિકાના દાવા મુજબ આંતકવાદી પ્રવૃત્તિને ડામવા ગ્વાન્ટાનામોમાં નિર્માણ કરેલાં ડિટેન્શન કેમ્પનો પણ તેમનો વિરોધ કર્યો હતો. તેમની વાત એક જ હતી કે ટ્રાયલ વિના ડિટેન્શન ગેરકાયદેસર છે. આંતરરાષ્ટ્રિય સ્તરે જ્યાં પણ અન્યાય દેખાયો ત્યાં તેઓએ વિરોધ જતાવ્યો. તિબેટની આઝાદી તરફેણમાં તેઓ રહ્યાં છે, એઇડ્સની જાગ્રતિ માટે તેમનું કાર્ય વ્યાપક બનતું ગયું. 2008માં ઝિમ્બામ્બ્વેમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિસેના મોકલી આપવા માટે પણ તેમણે પ્રયાસ કર્યા હતા.



નિવૃત્તી પછી પણ તેમના ધ્યાનમાં અન્યાય આવ્યો ત્યારે તેઓએ પોતાનો મત વ્યક્ત કર્યો. પોતાના જીવનકાર્ય માટે તેમને નોબલ સહિત અનેક સન્માન મળ્યાં છે. આખરે નેવું વર્ષે તેમનું કેન્સરના કારણે અવસાન થયું.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular