Sunday, April 26, 2026
HomeGeneral13 વર્ષની ગરીબ બાળકી સાથે દુષ્કર્મ થયુ પછી હત્યાઃ તેના માટે...

13 વર્ષની ગરીબ બાળકી સાથે દુષ્કર્મ થયુ પછી હત્યાઃ તેના માટે કોઈ કેંડલ માર્ચ ન થઈ છતાં ભરૂચ પોલીસે 85 દિવસ મહેનત કરી જાણો આરોપી કઈ રીતે પકડયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.ભરૂચ): આપણા દેશમાં ગરીબની જીંદગીની કોઈ કિમંત નથી તેવુ મોટો વર્ગ માને છે પરંતુ ભરૂચ જિલ્લાના સરભાણ ગામની સીમની ઘટના છે આમોદ પોલીસ સ્ટેશનમાં તા 8 નવેમ્બર 21માં એક 13 વર્ષની ગરીબ બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકીના પિતાનું થોડા સમય પહેલા અવસાન થયુ હતું, આદીવાસી પરિવારમાં જન્મેલી બાળકીની માતાએ દિકરીના મોતને પ્રારબ્ધ સમજી અંતિમક્રિયાની તૈયારી પણ કરી હતી, પરંતુ ગામના કેટલાંક લોકોએ પોલીસને જાણ કરતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પારખુ નજર પારખી ગઈ કે મામલો હત્યાનો છે કારણ બાળકની લાશ ગામની સીમમાંથી મળી ત્યારે તેના શરીર ઉપર કપડુ ન્હોતુ. પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો હતો, પણ જયારે મેડીકલ રીપોર્ટ આવ્યો ત્યારે અમોદ પોલીસ ચૌંકી ઉઠી, આમોદ પોલીસે તુરંત બનાવની ગંભીરતા ધ્યાનમાં લેતા ભરૂચનાના ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાને જાણ કરી હતી.



ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા પણ ગંભીરતા સમજી ગયા એક ગરીબ દિકરી ઉપર બળાત્કાર થયો અને તેની હત્યા કરી દેવામાં આવી, મામલો ભરૂચ જિલ્લાના એક આંતરિયાળ ગામનો, ગરીબ પરિવારનો હતો, આ ઘટનાની નોંધ મિડીયા પણ લેવાનું ન્હોતુ અને આ દિકરી માટે કોઈ કેંડલ માર્ચ પણ થવાની ન્હોતી, છતાં તે કોઈની દિકરી હતી, રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તરત ભરૂચ ક્રાઈણ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર જે એન ઝાલા અને તેમની ટીમને બોલાવી અમોદ જવાનો આદેશ આપ્યો, અમોદ પોલીસની મદદમાં ક્રાઈમ બ્રાન્ચ આવી, વર્ષોથી ઈન્વેસ્ટીગેશન કરતા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં કામ કરી ચુકેલા પીઆઈ ઝાલા માની રહ્યા હતા કે કેસ ગણતરીના કલાકમાં ઉઇકેલાઈ જશે.

પણ બધી ગણતરી ઉલટી પડતી જણાઈ, કારણ ગામમાં એક પણ સીસી ટીવી ન્હોતુ, પોલીસે પુછપરછનો દૌર શરૂ કર્યો, તા 8મી નવેમ્બરના રોજ આ બાળકી પહેલા પોતાના માતા સાથે મરચાના ખેતરમાં મજુરી કરવા જાય છે, બપોર થતાં મા-દિકરી પાછી ફરે છે, ત્યાર બાદ આ દિકરી સીમમાં જાય છે, કારણ સીમમાં તેની દાદી બળતણ માટે લાકડા વીણી રહી હતી, દિકરી થોડીવારમાં લાકડાનો ભારો લઈ ઘરે પાછી ફરે છે, ત્યારે દિકરીની મા પોતાની વ્હાલી દિકરીને કહે છે ચ્હા પીને જા, દિકરી જવાબ આપે છે, દાદી પાસે હજી એક ભારો છે, લઈને હમણાં આવુ છુ દિકરી ભારો લેવા ફરી સીમમાં જાય છે લગભગ કલાક વિતી જાય છે દિકરી પાછી ફરતી નથી, એટલામાં દાદી ભારા સાથે ઘરે આવે છે દિકરીની માતા પુછે છે છોડી કયાં છે, દાદી જવાબ આપે છે તે તો આવી જ નથી.

- Advertisement -

મા માને છે કે દિકરીની રમવાની ઉમંર છે કયાંક ગામમાં રમવા બેસી ગઈ હશે, પણ ત્યારે ગામના કેટલાંક છોકરાઓ ઉતાવળે દોડતા આવે છે, દિકરીની માતાને પોતાની સાથે લઈ જાય છે, મા સીમમાં પહોંચે છે જુવે છે તો પોતાની દિકરી એક શેઢામાં પડી હતી, તેના શરીર ઉપર કોઈ કપડુ ન્હોતુ તેનો દેહ નીશ્વાસ હતો, દિકરીની માતા ભાંગી પડે છે, પહેલા પતિનું મોત થયુ હવે માનસીક આધાર હતી તે દિકરી પણ રહી ન્હોતી, ગામના જ લોકો દિકરીની લાશ લઈ ઘરે આવે છે, અત્યંત ગરીબ મજુરોની વસાહત છે, ગામમાં ખેતરો પટેલોના અને મજુરો તરીકે આદિવાસીઓ કામ કરે , તે પૈકીનું આ એક પરિવાર હતું, માતાએ અંતિમ સ્ંસ્કાર કરવાનો નિર્ણય કર્યો, પણ ગામના કેટલાંક સમજુ માણસોને લાગ્યુ કે મામલો સાધારણ મોતનો નથી, પોલીસને જાણ કરવી જોઈએ એટલે આમોદ પોલીસ ગામમાં આવી હતી.



ઘટનાને સમજયા પછી ઈન્સપેકટર ઝાલાએ સીમનું નિરીક્ષણ કર્યુ, પણ આશ્ચર્ય તે બાબતુનું હતુ કે બનાવના સ્થળની થોડે દુર મજુરો કામ કરતા હતા કેટલીક સ્ત્રીઓ લાકડા વીણી રહી હતી છતાં આ ઘટના તરફ કેમ ધ્યાન ગયુ નહીં. ત્યાર જે માણસો હતા એક પછી એક નિવેદોન નોંધવામાં આવ્યો, બાળકીની માતા, તેની દાદી અને સગાસંબંધીઓ સહિત પોલીસે 200 કરતા વધુ નિવેદનો નોંધ્યા, દિકરીની માતાનું વિડીયો રેકોર્ડીંગ કરી નિવેદન નોધ્યુ, આકરી પુછપરછ પછી કોની ઉપર શંકા છે તેવા પ્રશ્નના ઉત્તરમાં પાંચ નામ પોલીસ પાસે શંકાસ્પદ તરીકે આવ્યા, ગામમાં પોલીસે તે પાંચ શંકાસ્પદ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યા પણ તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા, આ પાંચ પૈકી એકનું નામ રાહુલ હતું, પણ પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા તા 8 ડીસેમ્બરના રોજ રાહુલે ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી, પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ કારણ રાહુલ શંકાસ્પદ હોવા છતાં તેનો રીપોર્ટ નેગેટીવ હતો તો પછી તેણે કેમ આત્મહત્યા કરી લીધી તેનો ઉત્તર મળતો ન્હોતો.

દિવસો અને અઠવાડીયા પસાર થઈ રહ્યા હતા, ડીએસપી ચુડાસમા રોજે રોજ તપાસની જાણકારી મળેવી રહ્યા હતા, આમોદમાં કેમ્પ કરી બેઠેલી ક્રાઈમ બ્રાન્ચે એક હજાર કરતા વધુ મોબાઈલ ડેટા ચેક કર્યો પણ બધુ વ્યર્થ સાબીત થયુ કારણ આરોપી સુધી લઈ જાય તેવી કોઈ કડી મળી રહી ન્હોતી. આ મામલે ગરીબનો અને ગામડાનો હોવાને કારણે મિડીયોનો દેકારો પણ ન્હોતો, પણ ડીએસપી ચુડાસમાં કહી રહ્યા હતા કે દિકરી ભલે ગરીબનો હોય આપણી તપાસમાં કોઈ કચાશ ચાલે નહીં તપાસના 80 દિવસ થઈ ગયા, ત્યારે એક મેહુલ નામના યુવકે આપેલી માહિતી મહત્વની સાબીત થઈ મેહુલના નિવેદનમાં બહાર આવ્યુ કે બનાવના સમયે ગામમાં મુકારદમ તરીકે કામ કરતો વસંત રાઠોડ સીમમાંથી ગામ તરફ આવી રહ્યો હતો. આ જાણકારી મળતા પીએસઆઈ પી એસ બરંડા, જે એમ જાડેજા, એ એસ ચૌહાણ અને વાય જે ગઢવીને વસંત રાઠોડની શોધી કાઢી તેની માહિતી એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવી.



પોલીસની અલગ અલગ ટીમે વસંત રાઠોડને એક સરખા પ્રશ્ન પુછવાની શરૂઆત કરી પણ તે બધાને જ એક સરખા જવાબ આપી રહ્યો હતો, વસંત રાઠોડનો દાવો હતો કે બનાવના દિવસે તે સીમમાંથી આવી રહ્યો હતો ત્યારે તેણે આ દિકરીને સીમમાં જતી જોઈ હતી તેણે તેને પુછયુ પણ ખરૂ કે કયાં જાય છે દિકરીએ જવાબ આપ્યો દાદા સીમમાં લાકડા લેવા જાઉ છુ, બસ આટલી જ વાત હતી, ત્યાર પછી વસંત કયાં ગયો તેવા સવાલના જવાબમાં વસંતે ગામના કેટલાંક લોકોના નામ આપ્યા હતા પણ પોલીસે જયારે તેમની પુછપરછ ખબર કરી તો ખબર પડી કે વસંત તેમને તે દિવસે મળ્યો જ ન્હોતો. આમ વસંત ઉપર શંકા મજબુત બની એટલે વસંત રાઠોડનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને જયારે ડીએનએ ટેસ્ટ મેચ થયો આમ ઘટનાનો ઈન્કાર કરનાર વસંત રાઠોડ જ આરોપી હોવાનું સ્પષ્ટ થતાં તેની પુછપરછ શરૂ થઈ.

વસંત રાઠોડે પહેલા તો ઈન્કાર કર્યો પણ જયારે તેની સામે મેડીકલ રીપોર્ટ મુકવામાં આવ્યો ત્યારે ભાંગી પડયો અને તેણે કબુલ્યુ કે બનાવના દિવસે તેણે આ દિકરીને સીમ તરફ જતા જોઈ હતી, વસંતની પત્ની ઘણા સમયછી પિયરમાં હતી જેના કારણે દિકરીને જોતા તેણે માનસીક સમતુલન ગુમાવ્યુ અને તે સીમમાં દિકરી પાછળ ગયો અને કપાસના ખેતરમાં તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખી હતી આમ 85 દિવસ પછી ભરૂચ પોલીસ આરોપીને શોધવામાં સફળ રહી હતી. પોલીસે વસંતની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરશે અને સાત દિવસમાં આ કેસનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવાની પોલીસની તૈયારી છે, આમ આખી ઘટનામાં નજરે જોનાર કોઈ સાક્ષી નહીં હોવા છતાં ભરૂચ પોલીસ ડીએનએના આધારે આરોપીને શોધી કાઢયો હતો.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular