આજના ભાવે ૧૨ ગ્રામ સોના થકી ભારતમાં તમે ૧ કિલો ચાંદી ખરીદી શકો
૨૦૨૫મા સોનું ૩૦૦૦ ડોલર અને ચાંદી ૪૦ ટકા વધી ૪૫ ડોલર થવાની આગાહી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આજના ભાવે ભારતમાં ૧૨ ગ્રામ સોના (Gold) થકી તમે ૧ કિલો ચાંદી (Silver) (ગોલ્ડ સિલ્વર રશિયો) ખરીદી શકો છો. ભારતીય રોકાણકારો માટે સોનું એ “સંવેદનશીલ” રોકાણ લાયક કોમોડિટી (Commodity) છે, ત્યાર પછી ચાંદીનો નંબર આવે. સોના અને ચાંદીમાં હજુ ભરપૂર તેજીના સંયોગો છે. એનાલીસ્ટો માને છે કે આગામી વર્ષ ૨૦૨૫માં સોનાના ભાવ, વર્તમાન ભાવ ૨૬૫૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)થી વધીને ૩૦૦૦ ડોલરની સપાટી કુદાવી જવાનો આશાવાદ છે. ચાંદી વર્તમાન ભાવ ૩૧.૨૫ ડોલરથી ૪૦ ટકા ઉછળીને ૪૫ ડોલરની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે.
છેલ્લા બાવન સપ્તાહમાં સોના અને ચાંદીએ રોકાણકારને ૩૦ ટકા વળતર આપ્યું છે, ચાંદી એ સટ્ટોડિયાની પ્રિયપાત્ર હોવાથી તેમાં વધુ ઉછળકુદ જોવાઈ છે. ઓક્ટોબરમાં ચાંદી ૩૫.૨૦ ડોલર, ૧૨ વર્ષની ઊંચાઈએ હતી, ત્યારે ૪૫ ટકાનું વળતર આપતી હતી. આ વર્ષે તો એવું બન્યું છે કે સોનું, ઔધ્યોગિક બેઝ મેટલ્સ અને ડોલરમા પણ મોટાપાયે વધઘટ જોવા મળી, આ બધી કોમોડીટીઓએ ચાંદીને દિશાદોર દાખવ્યા હતા.
આખા જગતના રોકાણકારોને કીમતી ધાતુ માટે વધુ પડતાં પ્રેમનો ઊભરો આવ્યો છે. અને શુકામ નહીં? આખા વિશ્વને અનેક પ્રકારની નવી નવી સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો છે. પરિણામે રોકાણકારો માટે બચતની સલામતીના સાધનો મર્યાદિત થઈ ગયા હતા, ત્યારે સોના ચાંદીએ તેમને આસરો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય ચોપાલ પર આજે એનાલિસ્ટો અર્થતંત્રમાં ધીમી પડી ગયેલી ગતિ જોઈ રહ્યા છે. ત્યારે સોનું કે ચાંદી, કયું રોકાણ સારું? તેવો સવાલ પેદા થયો છે. અહી આપણે થોડી સમજ કેળવીએ.
ઐતિહાસિક રીતે જોવા જઇ તો જ્યારે જયારે સંકટનો સમય આવે, શેરબજાર ગબડી પડે, કે ચલણનું અવમૂલ્યન થાય. ત્યારે સોના અને ચાંદી જ સંકટમોચક બને છે. આમ જોવા જઇ તો સોના ચાંદી ફુગાવાના અસરકારક સલામત માધ્યમ પુરવાર થતાં હોય છે. અન્ય કોમોડિટીની માફક કીમતી ધાતુમાં પણ તેજી અને મંદીની સાયકલ ચાલતી હોય છે. સમયકાળને અવગણીએ તો સોનું કે ચાંદી સેમાં રોકાણ કરવું તે મહત્વનો પ્રશ્ન બની જાય છે.
આપણે સદાકાળથી જોતાં આવ્યા છીએ કે સોનાની તુલનાએ ચાંદી એ છમ્મકછલ્લું ઉછળકુદ કરતી ધાતુ ગણાય છે. હાલમાં તેની જબ્બર ઔધ્યોગિક માંગ પણ છે, અખબારી અહેવાલ પ્રમાણે તેનો પુરવઠો સરેરાશ ૧ અબજ ઔંસ આસપાસ સ્થગિત થઈ ગયો છે. આનો અર્થ એ થાય કે કંપનીઓની કામગીરી અનુસાર ચાંદીની માંગમાં કુદરતી રીતે જ વધઘટ થતી રહે છે. આથી કહી શકાય કે ચાંદીનો માંગ પુરવઠો તંગદોર પર નર્તન કરે છે.
જો આની સરખામણી સોના સાથે કરી તો સોનાના ભાવે, ચાંદીની સરખામણીએ અત્યારે લગભગ સ્થિરતા ધારણ કરી છે. પણ ચાંદીની તુલનાએ સોનાને પ્રવાહી એસેટ્સ ગણવામાં આવે છે, કારણ છે અન્ય કીમતી મેટલની તુલનાએ સોનાની માંગ હંમેશા વધુ રહેતી હોય છે. અલબત્ત, સટ્ટાની જાત ચાંદીમાં જેમ વધુ જોખમ લો તેમ વધુ નફાના હક્કદાર પણ બનો અને નુકશાન પણ તમારા ખીસા કાપી નાખે. અત્યારે તો એવી સ્થિતિ છે કે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ સોના ચાંદીની તુલનાએ કોઈ નથી.
સોનું એ અસરકારક કંડકટર ગણાય છે, તેથી ઇલેકટ્રોનિક અને થર્મલ ઉધ્યોગમાં સેમી કંડક્ટરનું મૂલ્ય પણ આપોઆપ વધી જાય છે. અહી આપણે એ પણ માનવું પડે કે ભારતમાં લગ્ન સમારોહ અને ધાર્મિક તહેવારોમા સોનાને પૂજનીય કોમોડિટી ગણવામાં આવે છે. ચાંદીનો હવે ભરપૂર ઉપયોગ ઑટોમોબાઇલ, થર્મલ, દવાઓ, અને અન્ય ઉધ્યોગમાં થાય છે.
લગભગ ૬૦ ટકા ચાંદીનો ઉપયોગ ઔધ્યોગિક વપરાશમાં થાય છે. પણ કેટલાંક કારણોસર જો અર્થતંત્ર નબળા પડે ત્યારે ચાંદીના ભાવ આસમાને જતાં હોય છે. જ્યારે ભાવ તફાવત વધી જાય ત્યારે ખરીદવામાં આવતી હાજર ચાંદીનો સ્ટોરેજ પ્રશ્ન માથાના દુખાવા સમાન થઈ પડે છે. વધુમા સોનાની તુલનાએ ચાંદી વધુ બલ્કિ હોવાથી સ્ટોરેજ વ્યવસ્થા વધુ કરવી પડતી હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796