Monday, January 20, 2025
HomeGujaratAhmedabadબાંગ્લાદેશના હિંદુઓ કેમ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યા છે…

બાંગ્લાદેશના હિંદુઓ કેમ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહ્યા છે…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “આ દેશ હિંદુઓનો (Hindu) નથી, આ દેશ મુસ્લિમોનો (Muslim) નથી. જેઓ એવું વિચારે છે કે આ દેશ તેમનો છે, તે બધાનો આ દેશ છે. જેઓ આ દેશની પ્રગતિથી ખુશ છે તેમનો આ દેશ છે. આ દેશ પર દુઃખ આવી પડશે અને જેઓને પીડા થશે તેમનો આ દેશ છે. આ દેશ એમનો છે જેમણે આ દેશની આઝાદી માટે બધું જ કુરબાન કર્યું અને ભવિષ્યમાં પણ તેમ કરશે.” – બાંગ્લાદેશના (Bangladesh) સ્થાપક શેખ મુઝિબર રહેમાને પોતાના દેશની પ્રજાને વ્યાખ્યાયિત આ રીતે કરી હતી. બાંગ્લાદેશ બિનસાંપ્રદાયિક રહે અને તેમાં વિવિધ પ્રજા સુખચેનથી રહે તેવું મુઝિબર રહેમાનનું સપનું હતું. અને તેથી તેમને ‘બંગબંધુ’નું ઉપનામ મળ્યું હતું. પરંતુ 1971માં બાંગ્લાદેશ સ્થપાયું તે પછી ચાર વર્ષમાં જ બાંગ્લાદેશના નાયક શેખ મુઝિબર રહેમાનની 15 ઑગસ્ટ 1975ના રોજ હત્યા થઈ. તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ હત્યાના કાવતરામાં માર્યા ગયા. બાંગ્લાદેશમાં વર્તમાન સમયમાં જે કંઈ થઈ રહ્યું છે તેના મૂળીયા ઊંડા છે. બાંગ્લાદેશ છેલ્લા અઢી દાયકામાં આર્થિક પ્રગતિ પણ કરી, પરંતુ અનેક અહેવાલો જોતાં એવું સ્પષ્ટ થાય છે કે આ પ્રગતિ સાથે બાંગ્લાદેશમાં લઘુમતિ માટે અસલામત બનતું રહ્યું.

Dhaka University
Dhaka University

બાંગ્લાદેશમાં લઘુમતિઓની સ્થિતિ ખરાબ થઈ રહી છે અને છેલ્લા દિવસોમાં જે રીતે સમાચાર આવી રહ્યા છે તેમાં હિંદુ ધર્મ પાળનારા ટારગેટ છે. પણ આજેય બાંગ્લાદેશમાં ઇસ્લામ પછી સૌથી વધુ ધર્મ પાળનારા હિંદુ છે. બેશક આ હિંદુઓની સંખ્યા 1970ના મુકાબલે અડધો અડધ થઈ ચૂકી છે અને જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું તેનાથી તો માત્ર ચોથા ભાગના હિંદુઓ બાંગ્લાદેશમાં હવે રહ્યા છે. પણ બંગાળની સંસ્કૃતિ સાથે સ્થપાયેલા આ દેશનું જોડાણ એટલું મજબૂત હતું કે આઝાદી મળ્યા બાદ પૂર્વ પાકિસ્તાનમાં બંગાળની ઓળખની આગ સતત પ્રબળ બનતી ગઈ. હજુ તો આઝાદીને એક દાયકો પણ નહોતો પૂરો થયો ત્યારે ઢાકાના પલટન મૈદાન પર 21 મુદ્દા સાથે તેમના દેશની પાકિસ્તાનથી સ્વાયતત્તા માંગી હતી. 25 ઑગસ્ટ 1955ના બંધારણ સમિતિ સમક્ષ આપેલા વક્તવ્યમાં શેખ મુઝિબર રહેમાને કહ્યું હતું કે, “તમે જોઈ શકો છો કે તેઓ ‘પૂર્વ બંગાળ’ની બદલે ‘પૂર્વ પાકિસ્તાન’ એવો શબ્દ પ્રયોગ કરે છે. અમે અનેક વાર માંગણી કરી છે કે પાકિસ્તાનના અવેજમાં બંગાળ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. બંગાળ શબ્દનો એક ઇતિહાસ અને સંસ્કૃતિ છે. તમે એ ત્યારે જ બદલી શકો જ્યારે લોકોની સહમતિ હોય. જો તમારે તે ઓળખ બદલવી હોય તો તમારે બંગાળ જઈને લોકોને પૂછવું પડશે. અને જ્યાં સુધી આ બે ભાગને એક બનાવવાની વાત છે તે અમારા મતે યોગ્ય નથી. કેમ તમે આ મુદ્દો હાથમાં તુરંત લેતા નથી. રાજ્યની બંગાળી ભાષા વિશે તમારું શું માનવું છે? અમે એક ‘યુનિટ’[પાકિસ્તાન તરીકે દેશને]ને સ્વીકારવા આ બધી બાબત અંગે ચર્ચા ઇચ્છીએ છીએ. હું અહીં સામે પક્ષે બેસેલા મારા મિત્રોને અરજ કરું છું કે લોકોને તેમનો અભિપ્રાય આપવા દો.”

- Advertisement -

પૂર્વ પાકિસ્તાનમાં આ રીતે સતત પશ્ચિમ પાકિસ્તાન એટલે કે હાલના પાકિસ્તાનના શાસનનો વિરોધ થતો રહ્યો અને તેમાં હિંદુ-મુસ્લિમ એક થઈને સ્વાયત્ત બંગાળની માંગ કરતા રહ્યા. પરંતુ પશ્ચિમ પાકિસ્તાનથી મુક્ત થયા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ બદ્તર થતી ગઈ. ‘ધ સન્ડે ગાર્ડિયન’ અખબારમાં ચારેક વર્ષ પહેલાં લખાયેલા એક લેખમાં તો એવું મથાળું હતું કે, ‘ધેઅર મે બી નો હિન્દુસ લેફ્ટ ઇન બાંગ્લાદેશ ઇન 30 યર્સ’ મતલબ કે આવનારા ત્રણ દાયકામાં બાંગ્લાદેશમાં હિંદુઓનું અસ્તિત્વ રહેશે નહીં. લેખક વિવેક ગુમાસ્તે આ લેખમાં આવું લખે છે તેનું કારણ છે કે, 1940ના અરસામાં બાંગ્લાદેશમાં હિંદુઓની ટકાવારી 28 ટકા હતી; જે હવે ચોથા ભાગની એટલે કે સાડા સાત ટકા સુધી પહોંચી ચૂકી છે. બાંગ્લાદેશમાં આ સ્થિતિ આવી તેમાં એક કારણ આ લેખમાં આઝાદી વખતના રમખાણોનું પણ આપવામાં આવે છે, જ્યારે મોટાં પ્રમાણમાં હિંદુઓની કત્લેઆમ થઈ અને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશની સ્થિતિ ડામાડોળ રહી તેમાં પ્રથમ કારણ પશ્ચિમ પાકિસ્તાનનું શાસન હતું. તે પછી શેખ મુઝિબર રહેમાન જ્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમનું શાસન સ્થિર થાય તે પહેલાં તેમની હત્યા કરી દેવામાં આવી. શેખ મુઝિબરનો રાજકીય વારસો તેમના સૌથી મોટી દીકરી શેખ હસીનાએ સંભાળ્યો. તેમનો રાજકીય પક્ષ ‘આવામી લીગ’નો રહ્યો છે. પરંતુ શેખ મુઝિબરની હત્યા બાદ બાંગ્લાદેશના શાસક તરીકે ઝીઆર રહેમાન આવ્યા. ઝીઆર રહેમાન મૂળે સૈન્યના પદાધિકારી અને તે પછી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ પદે આવ્યા. તેમણે જે પક્ષ સ્થાપ્યો તેનું નામ ‘બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી’ છે. ઝીઆર રહેમાન પણ રાષ્ટ્રપતિ પદે હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી. ઝીઆર રહેમાનની ઉંમર તે વખતે 45 વર્ષની હતી. ઝીઆર રહેમાનનો વારસો તેમના પત્ની ખાલેદા ઝીઆએ સંભાળ્યો. નેવુંના દાયકાથી બાંગ્લાદેશના શાસનની કમાન આ બંને પાર્ટીના હાથમાં છે એટલે કે શેખ મુઝિબર રહેમાન સ્થાપિત ‘આવામી લીગ’ અને ઝીઆર રહેમાન સ્થાપિત ‘બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી’. તેમાં ખાલિદા ઝીઆનું શાસન અંદાજે દસ વરસની આસપાસ રહ્યું જ્યારે હસીના શેખનું શાસન વીસ વર્ષ સુધી રહ્યું.

‘આવામી લીગ’ના શાસનમાં બિનસાંપ્રદાયિકતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ભારત અને રશિયાના આર્થિક મોડલને સ્વીકારવામાં આવ્યું હતું. વિદેશી રોકાણકારો માટે અવસરો ઊભા કરવામાં આવ્યા હતા. માળખાકીય સુવિધા સુધારવામાં આવી હતી. જોકે પછીથી ‘આવામી લીગ’ દ્વારા પણ બહુમતિના ધર્મને મહત્ત્વ આપીને લોકપ્રિય વલણ અપનાવ્યું હતું. તેની સામે ઝીઆર રહેમાન સ્થાપિત ‘નેશનલ પાર્ટી’નું વલણ રાષ્ટ્રીયતાને સર્વોપરી મૂકી હતી. આ પાર્ટી પણ શરૂઆતમાં ધર્મ બાબતે ઉદારવાદી વલણ દાખવતી હતી, પણ સમય જતાં તેનું વલણ જમણેરી એટલે કે બહુમતિ લોકાના ધર્મનું સાચવવાનું રહ્યું છે. આમ બંને પક્ષોનો કાર્યકાળ જોઈએ તો તેમાં શરૂઆતના સમયમાં બંને પક્ષોએ બિનસાંપ્રદાયિકતાને વળગી રહેવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો, પણ સમય જતાં તેમાંથી બંને પક્ષોએ બહુમતિ લોકોની મરજીને સર્વોપરી રાખી છે. ‘બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી’નું વલણ ભારત તરફ હંમેશા શંકાનું રહ્યું છે. 1991માં વડા પ્રધાન ખાલિદા ઝીઆએ ત્યાં સુધી કહ્યું હતું કે, આપણા ક્ષેત્રમાં કોઈ પણ મોટી સત્તા ઊભી ન થવી જોઈએ. કારણ કે તેનાથી ક્ષેત્રની શાંતિ અને સંતુલન બગડશે. આ વાત તેમણે ભારતના સંદર્ભમાં કહી હતી.

- Advertisement -

આ બંને શાસનમાં હિંદુઓની સ્થિતિ સુધરી નથી. પરંતુ બાંગ્લાદેશમાં મહદંશે હિંદુઓ ‘આવામી લીગ’ના તરફદાર રહ્યા છે; કારણ કે ઘણે અંશે ‘આવામી લીગ’ હિંદુઓના હિત માટે અવાજ ઊઠાવ્યો છે અને કાયદા પણ ઘડ્યા છે. પણ આખરે આજે બાંગ્લાદેશના હિંદુઓ ભયભીત છે અને તેનો ઉલ્લેખ દિપ હલદર અને અભિષેક બિસ્વાસ લિખિત પુસ્તક ‘બિઇંગ હિંદુ ઇન બાંગ્લાદેશ’માં મળે છે. તેઓ પુસ્તકની પ્રસ્તાવનમાં બાંગ્લાદેશના હિંદુઓની સ્થિતિ વિશે લખે છે કે, “આ માટે ‘બાંગ્લાદેશ નેશનલ પાર્ટી’ અને ‘જમાત’[જમાત-એ-ઇસ્લામ – પાકિસ્તાન સાથે છેડો ફાડીને બાંગ્લાદેશ નિર્માણની વિરોધી પાર્ટી]ને જવાબદાર ઠેરવી શકાય? 2021માં હિંદુ વિરોધી જે રમખાણો થયા તે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન થયા હતા. તેમના પક્ષ અને સરકારે બિનસાંપ્રદાયિકતાના શપથ લીધા હતા.” આ અંગે પુસ્તકમાં ‘ધ ડિએનએ ઑફ હેટ’ નામે એક પ્રકરણ લખ્યું છે, જેમાં બાંગ્લાદેશમાં કેવી રીતે કટ્ટર ઇસ્લામિક તાકાત ઊભી થઈ. આ પુસ્તકમાં બાંગ્લાદેશ સંબંધિત ઘણી માહિતી આંખો ઉઘાડનારી છે. તેમાં એક વિગત એવી છે કે 632 બાંગ્લાદેશી લઘુમતિ નાગરીક સરેરાશ રોજ દેશને છોડીને જઈ રહ્યા છે. આ પુસ્તકના લેખક દિપ હલદર અને અભિષેક બિસ્વાસે હિંદુઓની સ્થિતિને લઈને આઝાદી કાળથી વર્તમાન બાંગ્લાદેશની વાત કરી છે. બાંગ્લાદેશનું વાતાવરણ કેટલું તંગ થયું છે તેનો ઉલ્લેખ કરતાં દિપ-અભિષેક એક ઘટના ટાંકે છે. તેઓ લખે છે કે, ‘13 ઑક્ટોબર 2021ના રોજ કોમિલા જિલ્લામાં એક પૂજા દરમિયાન હનુમાનજીના પગ નીચે કોઈએ કુરાનની કોપી મૂકી દીધી. કોમિલા જિલ્લાના તત્કાલિન સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ફારૂખ અહેમદે મીડિયાને પછીથી જણાવ્યું કે આની પાછળ કોઈ હિંદુનો હાથ નથી. આ કરનારા સ્થાનિક પાંત્રીસ વર્ષનો ઇકબાલ હુસૈન હતો. પરંતુ સોશિયલ મીડિયા પર આ ઘટના વાઇરલ થઈ અને બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા. અનેક મંદિરો તૂટ્યા, ઘર-દુકાનો લૂંટાઈ.’

એશિયાના મોટા ભાગના દેશોમાં લઘુમતિઓ માટે સુરક્ષા પ્રદાન કરવું મુશ્કેલ બની ચૂક્યું છે. આપણા દેશમાં પણ નાનાં-મોટા છમકલા થતા રહે છે. આખરે આ બધું રાજકીય લાભ ખાટવા થાય છે અને સામાન્ય માણસ તેમાં બધું જ ગુમાવે છે. પરંતુ વર્ષોથી ચાલી આવતી આ પોલિટિકલ પ્રેક્ટિસને હજુ સુધી પ્રજા સમજી શકતી નથી અને દર વખતે પોતાના જ દેશવાસીઓનું નુકસાન કરે છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular