પ્રશાંત દયાળ (શિવા. ભાગ-7): મને કલ્પના પણ નહોતી કે, મારા બાબા આવી રીતે અચાનક જતા રહેશે. મારાં જીવનનું સૌથી પ્રિય પાત્ર મારા બાબા હતા. આટલો સરળ માણસ મેં મારી જિંદગીમાં આજ સુધી જોયો નથી. તેમની જિંદગી ઘડિયાળના ટકોરે ચાલતી હતી. એ વખતે મારી ઉંમર ત્રીસ વર્ષ હતી. મને પહેલી વખત એવો અહેસાસ થયો કે, હું એકલો પડી ગયો!
આકાશ સવા મહિનાનો થતાં શિવાની (Shivani Dayal) અને આકાશને હું મારા ઘરે— અમદાવાદ (Ahmedabad) લઈ આવ્યો. શિવાની અમદાવાદ તો આવી; પણ તેને લાડ કરનાર, તેની નાની નાની બાબતોનું ધ્યાન રાખનાર અને શિવાનીનો પક્ષ લઈ મને ઠપકો આપનાર બાબા હવે નહોતા! બાબાના જવાનો આઘાત મારા માટે બહુ મોટો હતો. મારું મન સતત મને ડંખ્યાં કરતું હતું. મને મનમાં સતત થતું કે, મેં ક્યારેય મારા બાબાને સુખ આપ્યું જ નહીં! બાબાએ મને જિંદગી જીવવાની સ્વતંત્રતા આપી, પણ તેમાંય હું સ્વચ્છંદ થઈ ગયો! બાબા ગયા પછી તેજ ગતિએ દોડી રહેલી મારી જિંદગીને થોડી બ્રેક વાગી; પણ મારી જિંદગી મારા નિયંત્રણમાં તો નહોતી જ!
આકાશ એકાદ વર્ષનો થયો હશે ને મારી નોકરી બદલાઈ. હું ‘સંદેશ’ અખબારમાં નોકરીએ લાગ્યો. મારી જિંદગીની જેમ મારું રિપોર્ટિંગ પણ બેફામ હતું. મેં કરેલી એક સ્ટોરીને કારણે મોટી બબાલ થઈ. એક સમાજ ખૂબ નારાજ થયો. મારો વિરોધ કરવા માટે અમદાવાદના આશ્રમરોડ પર એ સમાજની એક મોટી રેલી નીકળી. આ બધું ચાલતું હતું ત્યારે એકવાર મોડી રાતે મારાં ઘરે પોલીસનો કાફલો આવ્યો. મારા ભાઈ મનિષે મને ઊંઘમાંથી ઉઠાડી પુછ્યું, “શું થયું છે?”
મને પણ ખબર નહોતી કે, શું મામલો છે? મારાં ઘરે આવેલા પોલીસ અધિકારીએ કહ્યું, “ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટની સૂચના છે કે, તમે જે સમાજ અંગે સ્ટોરી લખી છે; તેમણે તમારી સોપારી આપી છે. તમારા પર હુમલો થઈ શકે એમ છે તેથી છ એસ.આર.પી. જવાન ચોવીસ કલાક તમારાં ઘરે બંદોબસ્તમાં રહેશે. તમારી સાથે એક પર્સનલ સિક્યુરિટી ઑફિસર પણ રહેશે. હવે તમે પોલીસ વગર એકલા બહાર જઈ શકશો નહીં.”
મારા માટે પણ આ પહેલો જ અનુભવ હતો. હું ત્રીજા માળે આવેલાં પચાસ વારના ઘરમાં રહેતો હતો અને હવે મારા ઘરે પોલીસ બંદોબસ્ત હતો! મારું સ્ટેટસ અચાનક બદલાઈ ગયું. પરંતુ મારા જીવને ખતરો છે; તેવું પહેલી વખત બન્યું હતું!
હું અંદરથી થોડોક ડરી પણ ગયો હતો. કારણ કે હવે બાબા નહોતા એટલે ઘરમાં સૌથી મોટો હું જ હતો. ઘરમાં આઈ, શિવાની, આકાશ, મારો નાનો ભાઈ મનિષ, મારી ભાભી ઉજ્જવલા અને અમારી લાડકી અનેરી— જે મનિષની દીકરી છે. ત્યારે એ બે વર્ષની હતી. હવે આ તમામની જવાબદારી મારી હતી. આ સમયમાં મારી સાથે કંઈક ઘટે તો શું થશે? તેવી ચિંતા પણ થઈ. રાતે આ બધું ચાલી રહ્યું હતું; પોલીસનો કાફલો ઘર નીચે ઊભો હતો; એસ.આર.પી.ના જવાનો તંબુ નાખી રહ્યા હતા; આ બધું જ શિવાની શાંતિથી જોઈ રહી હતી. મને ખબર નહોતી કે, તેને આખો મામલો સમજાયો છે કે નહીં?
બીજા દિવસે સવારે હું સ્કૂટર લઈ ઑફિસ જવા નીકળ્યો એટલે તરત એક સબઇન્સપેક્ટર મારી પાસે આવ્યો અને કહ્યું, “સાહેબ, હું પણ તમારી સાથે આવીશ.”
હું કંઈપણ જવાબ આપું તે પહેલાં તે મારા સ્કૂટર પર ગોઠવાઈ ગયો. હું ક્યાંય પણ જવું, મારી સાથે પોલીસ સબઇન્સપેક્ટર રહેતો હતો. રાતે હું ઘરે આવ્યો; શિવાનીએ મારી થાળી પીરસી હતી; મેં જમવાની શરૂઆત કરી; મારા હાથમાં પહેલો જ કોળિયો હતો અને શિવાનીએ કહ્યું, “આજે તમારા માટે પાંચ–છ ફોન આવ્યા હતા.”
મારા ઘરે ત્યારે લૅન્ડલાઇન ફોન હતો. મેં આશ્ચર્ય સાથે પુછ્યું, “કોના ફોન હતા?”
તેણે અત્યંત સહજતાથી કહ્યું, “તમને ધમકી આપવા માટે ફોન હતા. મને કહેતા હતા કે તારા ઘરવાળાને મારી નાખીશું.”
હું એકદમ ધ્રુજી ગયો. તેણે ચહેરા પર સ્મિત લાવીને કહ્યું, “મેં એ બધાને કહ્યું કે, મારા ઘરવાળાને મારવા માટે તો તમારે મારાં ઘરે તો આવવું પડશે. ચાલો, મારું એડ્રેસ લખી લો…”
મારા હાથમાં રહેલો કોળિયો થાળીમાં પાછો મૂકાઈ ગયો. મને થયું કે, શિવાનીનું ફરી ગયું છે? જે સ્ત્રીને અમદાવાદના મોટા રસ્તાની બીક લાગે; અમદાવાદ આવી દોઢ વર્ષ થઈ ગયું હોવા છતાં એકલી રસ્તો ક્રોસ નથી કરતી; તે સ્ત્રીને કોઈ કહે કે તારા પતિને મારી નાખવાનો છે. તો તે કહે છે, ચાલ, મારું એડ્રેસ લખી લે!
પહેલાં તો મને ગુસ્સો આવ્યો… કોઈ મને મારવાની વાત કરે, એને આપણું એડ્રેસ આપવાનું! આ કેવી સ્ત્રી છે? મારાં મનમાં ચાલતી ગડમથલ શિવાની સમજી ગઈ. તેણે મને કહ્યું, “જમી લો. મને ખબર છે કે, તમને કંઈ જ થવાનું નથી.”
ત્યારે પહેલી વાર મેં તેના ચહેરા પર એક ગજબનો આત્મવિશ્વાસ જોયો હતો. એ સમસ્યા કેટલી ગંભીર છે? મારી સામે કોણ છે? એ વિશે તેને કંઈ જ ખબર નહોતી. તેણે તો મારી સ્ટોરી સુધ્ધાં વાંચી નહોતી! છતાં તેનો વિશ્વાસ મને કહી રહ્યો હતો કે, મને કંઈ જ થવાનું નથી.
શિવાની મને સાવ સામાન્ય સ્ત્રી લાગતી હતી. ભરૂચ જેવાં નાનાં ટાઉનમાંથી આવેલી છોકરી; જેણે કૉલેજ અધૂરી છોડી દીધી હતી. એ સમયે મને કોઈ એમ પુછે કે, શિવાની સાથે લગ્ન કેમ કર્યું? તો મારી પાસે તેનો કોઈ જ જવાબ નહોતો. કોઈ બહુ આગ્રહ કરે તો હું કહી દેતો કે આઈ અને ભાઈનો આગ્રહ હતો એટલે. બસ! તેના કરતાં વધારે કંઈ જ નહીં. પણ આજની ઘટના પછી મને પહેલીવાર લાગ્યું કે, એકદમ પાતળા બાંધાની આ છોકરીમાં દમ છે! તેની આંતરિક શક્તિ ગજબની હતી! એ રાતે હું ટેન્શનમાં હતો છતાં મનમાં એક અલગ પ્રકારની નિરાંત હતી. મને પણ વિશ્વાસ થઈ રહ્યો હતો કે, કોઈ મારું કંઈ બગાડી શકશે નહીં.
પોલીસ બંદોબસ્તમાં હું ફરવા લાગ્યો હતો. કારણ વગર હું વી.આઈ.પી. બની ગયો હતો. ઘરે જે એસ.આર.પી. જવાનો હતા તેમને સરકારી ટિફિન તો બે ટાઇમ આવી જતાં, પણ આ જવાનો માટે શિવાની બે ટાઇમ ચ્હા બનાવતી. મારું ઘર ત્રીજા માળે હતું એટલે ચ્હા આપવા શિવાની નીચે આવતી હતી. ત્યારે આકાશ તો એક જ વર્ષનો હતો. શિવાની નીચે આવે એટલે ત્યાં રહેલા જવાનો શિવાની પાસેથી આકાશને તેડી લેતા. પછી આકાશ કલાક–બે કલાક પોલીસવાળા સાથે રહેતો, રમતો. આમ કરતાં કરતાં બે ત્રણ મહિના થઈ ગયા. એક દિવસ મારી આઈએ મને સવાલ પુછ્યો, “મુન્ના, તને મરવાનો ડર લાગે છે?”
મને લાગ્યું, કેવો વિચિત્ર સવાલ છે? મરવાની તો કોઈને પણ બીક લાગે જ ને! મેં પુછ્યું, “કેમ આવો સવાલ પુછે છે?”
તેણે કહ્યું, “રોજ આમ પોલીસવાળા વચ્ચે તું જીવે છે. તને કંટાળો નથી આવતો?”
મેં કહ્યું, “મારા જીવને જોખમ છે. શું કરું?”
આઈએ કહ્યું, “તેનો અર્થ કે, તને ડર લાગે છે. જ્યારે તમને ડર લાગે ત્યારે સમજવું કે ત્યારથી જ તમારા મૃત્યુની શરૂઆત થાય છે! મારો દીકરો રોજ મરે તે મને મંજુર નથી. તું એક દિવસ મરી જાય તો રડી લઈશ, પણ તું આમ ડરી ડરીને જીવીશ નહીં.”
મને થયું, મારી આઈમાં આ તાકાત ક્યાંથી આવી હશે? જે પોતાના દીકરાને બહાદુર જોવા માગે છે, પાછી તેમાં હું મરી જાઉં; એટલી મોટી કીંમત પણ ચુકવવા તૈયાર છે!
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796