પ્રશાંત દયાળ (શિવા. ભાગ-8):મારી આઈ અને શિવાની (Shivani Dayal) વચ્ચે મતભેદ ખૂબ હતા, પણ બંનેમાં બહાદુરી ઠાંસી ઠાંસીને ભરી હતી. આઈની વાત મારા ગળે ઊતરી. મારો એક મિત્ર, એક જમાનાનો વિદ્યાર્થી નેતા, ચેતન પટેલ. જેને મિત્રો ‘ચેતન ગાય’ તરીકે ઓળખે છે. તે પણ મને કહેતો, દયાળ! પાંચમની છઠ કોઈ કરી શકે નહીં. હું બીજા દિવસે નારણપુરા પોલીસ (Ahmedabad Police) સ્ટેશન ગયો અને લેખિતમાં કહ્યું કે, મારે પોલીસ બંદોબસ્તની આવશ્યકતા નથી.
આ પહેલી ઘટના હતી, જેમાં હું શિવાની પર આફરીન હતો. કારણ કે તેણે આખી ઘટનાનો હિમ્મતપૂર્વક સામનો કર્યો હતો. કદાચ ત્યારથી જ હું શિવાનીની નજીક સરકવા લાગ્યો હતો! પણ બીજી તરફ અખબારના માલિકો સાથે મારા ઝઘડાઓનો સિલસિલો યથાવત્ હતો. જેના કારણે મારી કોઈપણ નોકરી આખું વર્ષ પૂરું કરે; તેવી શક્યતા બહુ ઓછી હતી. સતત નોકરી છૂટી જવાનો ક્રમ પણ યથાવત્ હતો.
મને શિવાનીએ ક્યારેય એવું ન કહ્યું કે, કેમ આવું કરો છો? હું ક્યારેક તેને પુછતો, મારી નોકરી છૂટી જાય છે; ત્યારે તને બીક નથી લાગતી? તે શરીર અને મનથી એકદમ સામાન્ય સ્ત્રી હતી. પણ તેની સમજ ગજબની હતી! મારો પ્રશ્ન સાંભળી તે કહેતી, મને તમારા પર ભરોસો છે. તમે પથ્થરમાંથી પાણી કાઢશો; પણ અમને ક્યારેય તંગી નહીં પડવા દો. બસ, મારા પરનો તેનો આ વિશ્વાસ મારામાં પ્રાણ ફૂંકતો. ત્યારે તંગી તો ઘણી હતી. અખબારમાં પગાર પણ ઓછા હતા. અમે નારણપુરામાં નાનકડાં, પચાસવારના ફ્લેટમાં સાત લોકો રહેતાં હતાં. શિવાનીને તેની આઈ સાથે છેલ્લે સુધી લગાવ રહ્યો. એટલે જ… તે થોડા મહિના થાય એટલે ભરૂચ જવાનું કહેતી. પાછા એકલાં નહીં, કારણ કે એકલાં જતાં તેને બીક લાગતી. તેથી મારે પણ સાથે જવાનું હોય.
એ મને ભરૂચ (Bharuch) આવવાનું કહે ત્યારે ખૂબ ગુસ્સો આવતો. પહેલું કારણ એ… કે પૈસા નહોતા એટલે ટ્રેનના જનરલ કોચમાં કે પછી એસ.ટી. બસમાં આવવાં–જવાનું. બીજું કારણ, ભરૂચ ગયા પછી મારે શું કરવાનું? એ પ્રશ્ન કાયમ રહેતો. કલાક–બે કલાકમાં તો મને કંટાળો શરૂ થઈ જતો. શિવાની મને ફરિયાદના સૂરમાં કહેતી, મારાં પિયરિયાં તમને ગમતાં નથી! હું કહેતો, તારાં પિયરિયાં એટલાં સરળ અને સજ્જન માણસો છે… કે કલાકમાં અમારી વચ્ચેના સંવાદ ખલાસ થઈ જાય છે.
એક વખત અમે ભરૂચ ગયાં હતાં. આકાશ વર્ષ–દોઢ વર્ષનો હશે. અમદાવાદ પાછા આવવાં અમે ભરૂચ સ્ટેશન પર આવ્યાં. મુંબઈથી આવેલી એક ટ્રેન એકદમ ભરચક હતી. જરા પણ જગ્યા નહોતી. હવે શું કરવું? મારું ધ્યાન લેડીઝ ડબ્બા તરફ ગયું. એમાં થોડીક જગ્યા હતી. મેં શિવાની અને આકાશને લેડીઝ ડબ્બામાં ચઢાવ્યાં. હું તેની આગળના ત્રણ–ચાર કોચ પછીના એક કોચમાં ચઢી ગયો. કોચમાં તો જગ્યા જ નહોતી, પણ દરવાજામાં પગથિયાંમાં બેસી શકાય એટલી જગ્યા મળી ગઈ. હું જ્યારે પણ ભરૂચ આવતો–જતો ત્યારે કોચના પગથિયાંમાં બેસીને જ પ્રવાસ કરતો. જોકે ત્યારે પગથિયાંમાં જગ્યા મળી જાય તેનો પણ આનંદ રહેતો હતો.
ટ્રેન વડોદરા ક્રોસ કરી હજી થોડીક જ આગળ વધી હતી. મહીસાગર નદીનો પુલ હજી પુરો જ થયો હતો, ત્યાં અચાનક ટ્રેનની ઇમર્જન્સી બ્રેક વાગવાની શરૂઆત થઈ. એકાદ મિનિટમાં ટ્રેન થંભી ગઈ. બ્રેક વાગવાનું કારણ કોઈને ખબર નહોતું. પણ ટ્રેનમાં રોજ મુસાફરી કરનારા લોકોનું માનવું હતું કે, કોઈએ ‘ચેઇન પુલિંગ’ કર્યું છે. તેના કારણે ટ્રેન રોકાઈ ગઈ છે. એ જ વખતે કેટલાક લોકો પાછળના કોચ તરફ દોડતા હતા. હું એન્જિન તરફના કોચ પાસે હતો. શિવાની અને આકાશ ગાર્ડની કેબિન તરફ હતાં. ગાર્ડની કેબિન તરફ મુસાફરો કેમ દોડી રહ્યા છે? તેની મને ખબર પડતી નહોતી. એવામાં કેટલાક લોકો ગાર્ડની કેબિન તરફથી પાછા આવી રહ્યા હતા. મેં તેમને પુછ્યું, “શું થયું?”
એક વ્યક્તિએ ઉડાઉ જવાબ આપતાં કહ્યું, “પાછળના કોચમાં એક સ્ત્રી અને બાળક બેઠાં હતાં. તે નદીમાં પડી ગયાં છે.”
આ સાંભળતાં જ મને ફાળ પડી! હું જે પગથિયાં પર બેઠો હતો, ત્યાંથી એકદમ નીચે કુદ્યો અને શિવાનીના કોચ તરફ દોટ મુકી. મારો શ્વાસ જાણે ધમણની જેમ ચાલી રહ્યો હતો. હું લેડીઝ કોચ સુધી પહોંચ્યો અને જોયું કે, મેં શિવાનીને જ્યાં બેસાડી હતી, ત્યાં જ શિવાની અને આકાશ સલામત બેઠાં હતાં. હું એટલો ડરી ગયો હતો કે, મેં તરત તેમને લેડીઝ કોચમાંથી ઉતાર્યાં અને કહ્યું, “ચાલો મારી સાથે.”
શિવાનીને કંઈ ખબર પડી નહીં. તેણે પુછ્યું, “શું થયું?”
હું જવાબ આપી શક્યો નહીં. મારી આંખોમાંથી દડ દડ આંસુ ટપકવાં લાગ્યાં. શિવાની અને આકાશને મારા કોચમાં લઈ આવ્યો. હાથમાં બાળક જોઈ એક મુસાફરને દયા આવી એટલે તેણે શિવાનીને બેસવા થોડી જગ્યા કરી આપી. આ રીતે સંઘર્ષમાં જીવવાની શિવાનીને ટેવ પડી ગઈ હતી; પણ એ અંગે તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. બસ, તેને મારી સાથે જીવવું હતું, ફરવું હતું. હું તો આખો દિવસ ઘરની બહાર રહેતો. હું, મારી આઈ, મારો ભાઈ મનિષ અને તેની પત્ની ઉજ્જવલા— બધાં જ નોકરીએ જતાં. ઘરમાં શિવાની એકલી હતી. જોકે મારી ગેરહાજરીમાં શિવાનીનું ધ્યાન રાખવાનું કામ રોકીનું હતું.
આમ તો રોકી મારો દોસ્ત, જે જન્મ્યો ત્યારે તેને કોઈ કોથળામાં નાખી મારાં ઘર પાસે ફેંકી ગયું હતું. તમને થશે કે, રોકી એટલે કોણ? રોકી એટલે મારો ‘દેશી’ ડૉગ હતો પણ તેને કોઈ ડૉગ કહે તે મને ગમતું નહોતું. શિવાની લગ્ન કરીને આવી ત્યારે રોકી એકદમ ખુશ થઈ ગયો. તે શિવાનીને ખૂબ વ્હાલ કરતો હતો, પણ શિવાનીને તેની ખૂબ બીક લાગતી. ધીરે ધીરે શિવાનીને સમજાયું કે રોકી તેને ખૂબ પ્રેમ કરે છે. પછી રોકી અને શિવાની વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ હતી. ભૂખ લાગે તો પણ જમવાનું શિવાની પાસે જ માગે. રાતે સૂતી વખતે પણ પથારીમાં શિવાનીના પગ પાસે જ સૂઈ જતો. શિવાની સાંજે આકાશને લઈ બહાર જતી હોય તો પણ એને રોકીથી સંતાઈને જવું પડે. કારણ કે જો રોકીને ખબર પડે કે, શિવાની બહાર જાય છે; તો શિવાનીનો પીછો શરૂ થઈ જાય. અનેક વખત એવું થયું હશે કે રોકી શિવાનીની પાછળ પાછળ ચાલતો બે–ત્રણ કિલોમીટર દૂર નીકળી ગયો હોય. જો શિવાની રિક્ષામાં બેસીને નીકળે તો પણ રોકી ઘણા લાંબા અંતર સુધી રિક્ષાનો પીછો કરતો. કદાચ રોકી એવું માનતો હશે કે, મારી ગેરહાજરીમાં શિવાનીની ચિંતા કરવાની જવાબદારી તેની છે.
આકાશ પાંચ વર્ષનો થઈ ગયો હતો. શિવાનીએ કહ્યું, “મારે કંઈક જોઈએ છે.”
મેં પુછ્યું, “શું?”
તેણે કહ્યું, “દીકરી જોઈએ છે.”
મેં તેની આંખોમાં જોયું. તે શરમાઈ ગઈ! મેં તેનો હાથ પકડતાં કહ્યું, “દીકરી જોઈએ છે એ તો સારી વાત છે. પણ દીકરી તારી કૂખે જ જન્મે; તે જરૂરી છે?”
તે મારી સામે જોઈ રહી. મેં તેને કહ્યું, “આપણા દેશમાં હજારો દીકરીઓને તેનાં માતા–પિતા કોઈને કોઈ કારણોસર જન્મ પછી તરછોડી દે છે. તો આવી કોઈ દીકરી આપણી દીકરી થાય તો ચાલશે?”
તેની આંખોમાં એકદમ ચમક આવી ગઈ. તેણે તરત કહ્યું, “ક્યારે લેવાં જવું છે?”
હું હસી પડ્યો. મેં કહ્યું, “અરે! દીકરી કંઈ તરત ન મળે. તેના માટે સરકારી વિધિ કરવી પડે.”
આમ અમે ઘરે દીકરી લાવવાનો નિર્ણય કર્યો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796