પ્રશાંત દયાળ (શિવા. ભાગ-40): 28મી ડિસેમ્બર સુધી મારો આત્મવિશ્વાસ તૂટ્યો નહોતો. કારણ કે શિવાનીની (Shivani Dayal) જિજીવિષા એટલી પ્રબળ હતી કે, તેની બીમારીને તે માત આપશે જ; તેવી મને પાક્કી ખાતરી હતી. પણ હવે લાગી રહ્યુ હતું કે, હું હારી રહ્યો છું. મારા નવજીવનના (Navajivan) સાથી મિલન, કિરણ, સોનુ, જયંત અને તેની પત્ની કિંજલ રોજ આવતાં. શિવાનીએ તેમને એકલામાં કહ્યું હતું, “તમારા દાદા (પ્રશાંત) બહુ ઢીલા માણસ છે. મને કંઈ થવાનું નથી. તેમને કહેજો કે, હું સાજી થઈ જઈશ.”
મને ખબર નથી કે, શિવાની મોતના દરવાજે ઊભી રહી આવી હિંમત મને કેવી રીતે આપી રહી હતી? પણ તેણે મારી દીકરી પ્રાર્થનાને કહ્યું, “ઘરમાં સૌથી મજબૂત તું છે. તારો ભાઈ આકાશ ઢીલો છે અને હું ગઈ તો તારા બાબા એકલા પડી જશે. તારા ભાઈ અને બાબાને સાચવી લેજે.”
મારો એક મિત્ર સમીર હિરાણી ઓસ્ટ્રેલિયા રહે છે. તેણે શિવાની માટે પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલાવ્યું હતું. શિવાનીએ તેને ફોન કરી કહ્યું, “સમીર, અહીંયાં ઠંડી ખૂબ પડે છે તો મારા માટે જેકેટ પણ મોકલાવજે.”
સમીરે મોકલાવેલું જેકેટ પહેરી તે મારી સાથે થારમાં ફરવા પણ આવી હતી. રોજ શિવાનીને મળવા આવતા મારા મિત્ર વિવેક દેસાઈએ મને કહ્યું, “શિવાનીનાં મમ્મી–પપ્પાને બોલાવી લે.”
મને તેનો અર્થ સમજાતો હતો, પણ શિવાનીની ઇચ્છા એવી હતી કે, આવી સ્થિતિમાં જો મારાં મમ્મી–પપ્પા મને જોશે તો તેમને બહુ ખરાબ લાગશે. એટલે હમણાં સુધી શિવાનીની ના હોવાને કારણે જ મેં ભરૂચ, તેના પિયરમાં જાણ કરી નહોતી. 1 જાન્યુઆરીએ મેં ભરૂચ જાણ કરી હોવાને કારણે શિવાનીનાં મમ્મી-પપ્પા અને ભાઈ–ભાભી આવી ગયાં. ઘરમાં હું અને પ્રાર્થના જ હતાં. મેં શિવાનીને જાણ કરી નહોતી કે, તેનાં મમ્મી–પપ્પા આવવાનાં છે. મને હતું કે, તેનાં મમ્મી–પપ્પાને જોઈ તે ખુશ થશે. તેનાં મમ્મી તો શિવાનીની હાલત જોઈને ડરી જ ગયાં. કારણ કે આટલી દુબળી પાતળી શિવાનીને તેમણે ક્યારેય જોઈ જ નહોતી. સાથે તેનાં નાકમાં ઓક્સિજનની નળીઓ નાખેલી હતી. શિવાનીની મમ્મી તેને જોઈ રડવા લાગી. શિવાનીએ એમની સામે જોયું, પણ તેના ચહેરા પરના કોઈ હાવભાવ બદલાયા નહીં. જાણે તેને કોઈ ફેર જ પડતો નથી, તેવો તેના ચહેરાનો ભાવ હતો.
સપ્ટેમ્બર પહેલાં તો શિવાની અને તેની મમ્મીનું ફિક્સ હતું કે, સાંજે પાંચ વાગ્યે એટલે એક કલાક તેમની ટેલિફોનિક ગોષ્ઠી ચાલે. શિવાનીની આઈ તેને લાડમાં ‘મુન્ના’ કહેતી. તે શિવાની પાસે ખુરશીમાં બેસી રડતી હતી. તેણે કહ્યું, “મુન્ના! મારી સાથે વાત તો કર.”
પોતાની આઈને રડતી જોઈને પણ શિવાનીના ચહેરા પર કોઈ ફેર પડ્યો નહીં. બસ તે એટલું જ બોલી, “શું વાત કરું તારી સાથે?”
તેની આઈએ કહ્યું, “મુન્ના! હું આટલા દૂરથી તને મળવા આવી છું. તો મારી સાથે વાત નહીં કરે?”
શિવાનીએ તેને કોઈ જવાબ આપ્યો નહીં. શિવાનીએ થોડીવાર સુધી આઈ સામેથી નજર હટાવી લીધી. પછી ફરી રડતી આઈ સામે જોતાં કહ્યું, “તને ખબર છે? ભગવાન માની પ્રાર્થના પહેલી સાંભળે છે. તું મારી આઈ છેને? તો રડીશ નહીં. મારા માટે પ્રાર્થના કર કે, હું સાજી થઈ જાઉં.”
મને સમજાઈ રહ્યું હતું કે, શિવાની હવે બધા સંબંધોથી પોતાને અલિપ્ત કરી રહી છે. સાંજે મેં પ્રાર્થના અને આકાશને કહ્યું, “શિવાની હવે પોતાને મુક્ત કરી રહી છે.”
તે જ સાંજે હું પહેલી વખત શિવાની પાસે ગયો અને તેનો હાથ પકડી રડવા લાગ્યો. રડતાં રડતાં કહ્યું, “હું તને ખૂબ પ્રેમ કરું છું. આટલાં વર્ષોના આટલાં સંબંધમાં મેં તને અનેક વખત પીડા પણ આપી હશે. તો આજે તું મને માફ કરજે. મારી તમામ ભૂલોને એટલે માફ કરજે… કારણ કે હું તને પ્રેમ કરું છું. મને ખબર છે, તું પણ મને એટલો જ પ્રેમ કરે છે.”
હું રડતાં રડતાં તેને બધું કહી રહ્યો હતો. મેં તેને કહ્યું, “મને ખબર છે, તારી વિદાયનો સમય આવ્યો છે. તું જઈશ તો હું એકલો પડી જઈશ તેની પણ મને ખબર છે. છતાં તારો સમય થયો છે! આપણે કાયમી છૂટાં પડતાં નથી. આપણે આવતા જન્મે ફરી મળીશું તેની મને ખબર છે.”
આમ હું તેની સામે પહેલી વખત રડ્યો, મારા પ્રેમનો આખરી એકરાર કર્યો અને જાણે અજાણે થયેલી ભૂલોની માફી પણ માગી. શિવાની કંઈ જ બોલી નહીં. તેણે મારો પંજો મજબૂત રીતે પકડી રાખ્યો હતો. કદાચ તે બોલ્યા વગર મને કહી રહી હતી કે, મને સમજાય છે તમારી લાગણી!
મારા આ વ્યવહારને કારણે આકાશ અને પ્રાર્થના નારાજ થયાં. તેમનો મત એવો હતો કે, મારે તેની પાસે બેસી રડવાની અને આવી બધી વાતો કરવાની જરૂર નહોતી. પણ મને લાગી રહ્યું હતું કે, જ્યારે તે જઈ જ રહી છે; ત્યારે હું તેને પ્રેમ કરું છું તેનો અહેસાસ શબ્દોમાં આપવો જરૂરી હતો. કારણ કે આપણે ગુસ્સો તરત વ્યક્ત કરી છીએ, પણ પ્રેમ વ્યક્ત કરવામાં મોડું કરીએ છીએ.
શિવાનીને હૉસ્પિટલનો ડર લાગતો હતો એટલે મેં અને આકાશે નક્કી કર્યું હતું કે, તેને હૉસ્પિટલ લઈ જઈ પીડા અને ડર આપવો નથી. તે જેવી છે તેવી આપણે પાસે રહેશે તો કદાચ થોડા દિવસ તેના સારા પસાર થશે. તે પથારીમાંથી ઊઠી પણ શકતી નહોતી એટલે ફેમિલી ફિઝિશીયન પાસે પણ લઈ જવી શક્ય નહોતી. મને યાદ આવ્યું, મારા એક ડૉક્ટર મિત્ર દુર્ગેશ મોદી છે. મેં તેમને બોલાવવાનો નિર્ણય કર્યો. ડૉ. દુર્ગેશ મોદી મારી વિનંતીને કારણે તરત આવી ગયા. તેમણે શિવાનીના રિપોર્ટ જોયા અને સ્થિતિ પણ જોઈ. તેમણે મને કહ્યું, “તમારી પાસે બે વિકલ્પ છે. એક તો હૉસ્પિટલમાં દાખલ કરો અને બીજો કે, ઘરે તેમની ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ શરૂ કરો.”
રિપોર્ટ પ્રમાણે શિવાનીને હેવી ઇન્ફેક્શન થઈ ગયું હતું. મેં વિચાર્યું કે, શિવાનીને હવે ફરી આઈ.સી.યુ.માં દાખલ કરશો તો તે ડરમાં મરી જશે. એટલે આપણે જે કંઈ કરવું છે તે ઘરે જ કરીએ. બાયપૅપની સાથે હવે પાંચ લિટર ઓક્સિજન પણ આપવો પડતો હતો. ડૉક્ટર મોદીનું કહેવું હતું કે, હવે બાટલાની સાથે ઇન્જેક્શન શરૂ કરીએ તો 48 કલાકમાં તેની અસર દેખાય. તરત ડૉ. મોદીના કહેવા પ્રમાણે કિંજલે ટ્રીટમેન્ટ આપવાની શરૂ કરી હતી. કિંજલ ટ્રેઇન્ડ નર્સ હતી.
હું, આકાશ, પ્રાર્થના અને ભૂમિ રોજ શિવાની પાસે બેસતાં. અમે તેની સાથે જૂની જૂની વાતો કરતાં હતાં. આકાશ નાનો હતો ત્યારે શું થયું હતું; આપણે ઓછા પગારમાં પણ કેવી મજા કરતાં હતાં… અમારો પ્રયાસ હતો કે, તેનું મન બીમારીના વિચારોમાંથી બહાર આવે. જ્યારે હું તેને જૂનાં સંસ્મરણો કહું ત્યારે તે ખૂબ ખુશ થતી અને તરત જૂની વાતો કરવા લાગતી હતી. બસ, આવી વાતો વખતે જ તેના ચહેરા ઉપર ચમક આવતી હતી. છોકરાઓ જ્યારે અમારા રૂમમાં ન હોય ત્યારે તે મને કહેતી, “તમે તો મારું ધ્યાન રાખો છો, પણ આપણાં છોકરાઓ પણ સારા છે.”
પછી તરત ઉમેરતી, “ભૂમિ પણ.”
તે આવું કહેતી ત્યારે મને લાગતું કે, સારું છે! તે કોઈ કડવાશ વગર જશે.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796