પ્રશાંત દયાળ (શિવા. ભાગ-41): મારો એક સ્વભાવ રહ્યો છે, જ્યારે હું મુશ્કેલીમાં હોઉં ત્યારે હું મારી મુશ્કેલી કે પીડા કોઈની સામે વ્યક્ત કરી શકતો નથી. એટલે શિવાની બીમાર છે અને તેની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે, તેની ખબર બહુ ઓછા લોકોને જ હતી. મારા સગાં ભાઈ–ભાભીને પણ આ અંગે મેં જાણ કરી નહોતી. 4 જાન્યુઆરીએ મારા ભાભી ઉજ્જવલાનો અચાનક ફોન આવ્યો. તેણે મને પુછ્યું, “વહિનીને કેમ છે?”
મેં કહ્યું, “સારું નથી.”
તેણે કહ્યું, “હું ઘરે આવું છું.”
થોડીવારમાં ઉજ્જવલા ઘરે આવી. તે શિવાનીને (Shivani Dayal)જોતાં જ ભાંગી પડી. બેડ ઉપર જાણે નાનું બાળક સૂતું હોય એટલું જ શરીર રહ્યું હતું. ઉજ્જવલાએ મને રડતાં રડતાં કહ્યું, “ભાભીની સ્થિતિ આટલી ખરાબ છે, તમે મને કહ્યું પણ નહીં?”
ઉજ્જવલાએ તરત જ મારા ભાઈ મનિષને ફોન કરી બોલાવ્યો. મારો સ્વભાવ ગંભીર પ્રકારનો, પણ મનિષ સતત જોક કરી બધાને હસાવતો એટલે મનિષ આવે ત્યારે શિવાની ખુશ થઈ જતી હતી. તે મને ઘણી વખત કહેતી કે, મનિષ કેમ મસ્ત રહે છે; તમે તો સતત ટેન્શનમાં જ જીવો છો. મનિષ આવ્યો એટલે મનિષ તેનો હાથ પકડી બેઠો. મનિષ શિવાની સાથે વાત કરતો હતો. શિવાનીનાં મોઢા ઉપર બાયપૅપ હતું. તેથી તે ખાસ બોલતી નહીં. મજા એ વાતની હતી કે, શિવાનીને બાયપૅપ લગાવ્યું હોય ત્યારે તે કંઈક વાત કરે તો મને, આકાશ કે પ્રાર્થનાને તેની કોઈ વાત સમજાતી નહોતી. શિવાની મરાઠીમાં જ વાત કરતી. તેની મરાઠી માત્ર ભૂમિને જ સમજાતી હતી એટલે શિવાની કંઈ પણ બોલે એટલે તે શું કહેવા માગે છે? તે સમજવા અમારે તરત ભૂમિને બોલાવી પડતી હતી.
ઘરમાં આકાશ અને પ્રાર્થના ભૂમિ સાથે ગુજરાતીમાં જ વાત કરે. જ્યારે હું અને શિવાની ભૂમિ સાથે કાયમ મરાઠીમાં જ વાત કરીએ અને ભૂમિ ગુજરાતીમાં જવાબ આપે. શિવાનીની એક ફરિયાદ રહી કે, આટલાં વર્ષ થયા પણ ભૂમિ મરાઠી બોલતી નથી. ઉજ્જવલાએ અનેરીને પણ ફોન કર્યો, અનેરી મારી ભત્રીજી. તેનું લગ્ન વડોદરા થયું છે. અનેરીને ખબર પડી કે, કાકીની તબિયત ખરાબ છે એટલે તેનાં પતિ અક્ષય અને દીકરી નુરવી સાથે આવી. શિવાની નુરવીને જોતાં એકદમ ખુશ થઈ ગઈ. નુરવી તેને ગમતી, કદાચ આકાશની પણ આવી દીકરી હશે! તેવું તેનાં મનમાં હતું. ડૉ. દુર્ગેશ મોદીએ આપેલી દવાઓ ચાલું હતી. બાયપૅપ અને ઓક્સિજન પાંચ લિટર ચાલું હતાં, પણ તેની તબિયતમાં સુધારો નહોતો. સ્થિતિ બગડી રહી હતી. તે આંખ ખોલી જોતી, વચ્ચે વચ્ચે વાત પણ કરતી હતી.
શિવાનીનો સ્વભાવ આમ ખૂબ શરમાળ. રોજ સવારે હું તેને કહેતો, આઈ લવ યુ. તે કોઈ જ જવાબ આપતી નહીં. હું કહેતો, કંઈક તો બોલ. તે કહેતી, કેમ? તમને ખબર નથી કે હું તમને પ્રેમ કરું છું? તેમાં કહેવાનું શું હોય? ક્યારેક હું તેને મારી નજીક ખેંચી આલિંગન આપું તો કહે, દૂર હટો. કોઈ જોઈ જશે. હું કહેતો, તું મારી પત્ની છે. તો કહેતી કે, તો શું? પ્રદર્શન કરવાનું છે? પણ 5મી જાન્યુઆરીનો દિવસ અને બપોરનો સમય હતો. મારી ભાભી ઉજ્જવલા શિવાની પાસે બેઠી હતી. હું પણ તેની બાજુમાં જ હતો. શિવાનીનાં મોઢા ઉપર બાયપૅપ હતું. તેણે મારો હાથ પકડ્યો અને મને કહ્યું, “મારું માથું તમારા ખોળામાં લોને.”
મને આશ્ચર્ય થયું. કારણ કે ઉજ્જવલા બેઠી હતી તો પણ તેણે મને માથું ખોળામાં લેવાનું કહ્યું. મેં તેનું માથું મારા ખોળામાં લીધું. તેનાં માથા ઉપર હાથ ફેરવતો રહ્યો. મેં ભારે હૃદયે કહ્યું, “શિવાની! હું તને મુક્ત કરું છું.”
મને ખબર નહીં કે, તે મને સાંભળી રહી હતી કે પછી મારા ખોળામાં માથું મૂકી ઘસઘસાટ સૂઈ ગઈ હતી? લગભગ દોઢ કલાક તે મારા ખોળામાં રહી હશે. સાંજે હું જોઈ રહ્યો હતો કે, બાયપૅપ ચાલું હતું અને ઓક્સિજન પાંચ લિટર જઈ રહ્યો હતો, પણ ઓક્સિમીટરમાં તેનું ઓક્સિજન લેવલ હવે 85 કરતાં આગળ વધી રહ્યું નહોતું. મેં સાંજે ફરી તેનાં માથા ઉપર હાથ મૂકી કહ્યું, “શિવાની! મને તારી ખૂબ જરૂર છે. તારા વગર એકલો થઈ જઈશ એ પણ મને ખબર છે. છતાં હું તને મુક્ત કરું છું. તું પણ મને હવે મુક્ત કર.”
તે મારી સામે જોઈ રહી હતી. મેં આકાશને બોલાવ્યો, તેને વાત કરી. તેણે આઈનો હાથ પકડતાં કહ્યું, “તને પ્રાર્થનાની ચિંતા થતી હશે, પણ હું તેનો ભાઈ છું. તેનું ધ્યાન રાખીશ.”
આ લખવું કે કહેવું કદાચ સહેલું લાગે, પણ મારા, આકાશ, પ્રાર્થના અને ભૂમિ માટે બહુ અઘરું હતું. કારણ કે જેણે અમને જીવાડવા માટે પ્રાણ રેડી દીધો; તેને અમે કહી રહ્યાં હતાં કે, તને મુક્ત કરીએ છીએ! મોડી સાંજે મેં અને આકાશે નક્કી કર્યું કે, તેનું બાયપૅપ હટાવીએ. કારણ કે હવે કોઈ સારવાર તેને અસર કરી રહી નહોતી. છેલ્લા બે દિવસથી તે જમી પણ નહોતી. તેનો ઓક્સિજન ચાલું રાખી તેનું બાયપૅપ હટાવ્યું. શિવાનીને ભૂમિએ પુછ્યું, “તારે જમવું છે?”
તેણે હા પાડી એટલે ભૂમિએ પુછ્યું, “શું જમવું છે?”
શિવાનીને કાયમ ભૂમિના હાથની ગુજરાતી ખીચડી ખૂબ ભાવતી. તેણે કહ્યું, “ખીચડી ખાવી છે.”
ભૂમિએ તરત ખીચડી બનાવી તેને જમાડી. જમ્યા પછી આકાશે પુછ્યું, “તારે આઇસક્રીમ ખાવો છે?”
તેને આઇસક્રીમ ખૂબ ભાવતો. પણ શિવાનીએ કહ્યું, “કફ થઈ જશે તો?”
આમ તે સંપૂર્ણપણે ભાનમાં હતી. આકાશે કહ્યું, “કંઈ નહીં થાય.”
તે થોડો આઇસક્રીમ લઈ આવ્યો અને ચમચી ભરી તેનાં મોઢામાં મૂક્યો. જેમ નાનું બાળક ખુશ થાય તેમ તે ખુશ થઈ. રાત થઈ હતી. શિવાનીને મળવા ઘણા બધા આવી રહ્યા હતા. મારી મિત્ર લક્ષ્મી પણ આવી. લક્ષ્મી તો અનાયસે જ આવી હતી. લક્ષ્મી કાયમ શિવાનીને— મારી સૌતન છે. તેવું મજાકમાં કહેતી હતી.
મોડી રાત થઈ એટલે શિવાનીએ ભૂમિને કહ્યું, “બધાને રૂમની બહાર મોકલી દે. મારે આરામ કરવો છે.”
રૂમમાં હવે હું અને શિવાની જ હતાં. તેનો ઓક્સિજન ઘટી રહ્યો હતો. તે કંઈક બબડી રહી હતી. મેં તેનાં માથા ઉપર હાથ મૂકી કહ્યું, “હવે બોલીશ નહીં. સૂઈ જા.”
તેણે બોલવાનું બંધ કર્યું. અમે બંનેએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. ખબર નહીં, ક્યારે મારી આંખ લાગી ગઈ? અચાનક મારી આંખ ખુલી, મેં ઘડિયાળ સામે જોયું તો પરોઢના ત્રણ વાગી રહ્યા હતા. મેં શિવાની સામે જોયું. તે જોરથી શ્વાસ લઈ રહી હતી. તે જ વખતે આકાશ પણ અમારા રૂમમાં આવ્યો. મેં શિવાનીની આંગળી ઉપર ઓક્સિમીટર લગાવ્યું. કોઈ રીડિંગ આવ્યું નહીં. આકાશે બીજું ઓક્સિમીટર લીધું અને બીજા હાથની આંગળી ઉપર લગાવ્યું. ત્યાં પણ કોઈ રીડિંગ આવ્યું નહીં. તેનો અર્થ કે, તેના પલ્સ હવે ખૂબ ડાઉન ગયા હતા, પણ તેનો શ્વાસ જોરથી ચાલી રહ્યો હતો. મેં શિવાનીનાં માથા ઉપર હાથ મૂકયો અને કહ્યું, “શિવા! મને ખબર છે, તારે અમને મૂકીને જવું નથી. પણ અત્યારે તારો જવાનો સમય આવ્યો છે, તું જા. અમે તારી રાહ જોઈશું અને તું ભૂમિના પેટે તેની દીકરી થઈ પાછી આવીશ તેની મને ખબર છે.”
મેં તેને આ કહ્યું પછી તેના શ્વાસની ગતિ ધીમી પડવા લાગી. પંદર–વીસ મિનિટ પછી ખરેખર તે મને એકલો મૂકી અનંતયાત્રાએ ચાલી નીકળી. ખબર નહીં, તે ભૂમિની દીકરી થઈ પાછી આવશે કે નહીં? પણ હું તેની રોજ રાહ જોઈ રહ્યો છું. મને તે કહેવામાં જરા પણ સંકોચ નથી કે, શિવા! તારાં વગર મને ગમતું નથી અને હું એકલો પડી ગયો છું.
(શિવાનીનાં જીવન આધારિત ‘શિવા’ લખવાની શરૂઆત મેં શિવાનીની હાજરીમાં જ કરી હતી. તે મારી બાજુમાં સૂતી હોય ત્યારે હું તેની કથા લખતો હતો અને રોજ એક હપ્તો તેને વાંચી સંભળાવતો. તો પણ લખતાં લખતાં મને રડવું આવતું એટલે તેની હાજરીમાં સાત હપ્તા જ લખી શક્યો હતો. આજે છેલ્લો હપ્તો લખ્યો ત્યારે જોગાનુજોગ છે, તા. 22મી ફેબ્રુઆરી છે અને 1996માં આ જ દિવસે લગ્ન કરી હું તેને ભરૂચથી અમદાવાદ લઈ આવ્યો હતો. આજે શિવા નથી, પણ તેનાં વગર જીવી શકાય એટલી સારી તેની યાદો મારી પાસે છે.)
સમાપ્ત
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796