પ્રશાંત દયાળ (શિવા. ભાગ-35): આકાશનું લગ્ન થઈ ગયું હતું એટલે હવે શિવાનીને (Shivani Dayal) નિરાંત હતી, પણ હવે તે રોજબરોજનાં કામ કરતાં કરતાં પણ થાકી જતી હતી. હું તેને કહેતો, રહેવા દે, થાકી જાય છે તો શું કામ કરે છે? તે કહેતી, મારું ઘર જરા પણ ગંદુ હોય તે મને ન ચાલે. તેનો સતત આગ્રહ રહેતો કે, પ્રાર્થના કંઈ શીખતી નથી. હું કહેતો, પડશે એટલે શીખી જશે. તે ગુસ્સામાં કહેતી, સાસરે જશે અને કામ નહીં આવડે તો મારું નામ ખરાબ થશે. શિવાની જ્યારે પણ પ્રાર્થનાને સાસરે જવાની વાત કરે ત્યારે પ્રાર્થના ગુસ્સે થઈ કહેતી, કામ શીખવા સુધી તારી વાત બરાબર છે, પણ મારે સાસરે જવાનું તેવું તું કહીશ નહીં. આમ પ્રાર્થના અને શિવાની વચ્ચે સતત કામ શીખવાને લઈ એકબીજાં સામે તલવારો ખેંચાયેલી રહેતી હતી.
શિવાનીને અંદાજ આવી ગયો હતો કે, જ્યારે જ્યારે તે લોકોની વચ્ચે જાય છે ત્યારે તેને ઇન્ફેક્શન લાગે છે. એટલે તેણે તમામ પ્રસંગોમાં જવાનું બંધ કરી દીધું હતું. ખાસ જવું જ પડે તેવા કિસ્સામાં પણ તે મને અને બાળકોને જઈ આવવાનું કહેતી હતી. મારા મિત્ર અને નવજીવનના મૅનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈની દીકરી મન્વિતાનાં લગ્ન લેવામાં આવ્યાં હતાં. મન્વિતા અમારી સામે જ મોટી થઈ હતી, પણ હવે એટલી મોટી થઈ હતી કે તેનો સાસરે જવાનો સમય આવ્યો હતો. તેનાં લગ્નની ધૂમધામ નવજીવનમાં (Navajivan) હતી, પણ આખા પ્રસંગમાં શિવાનીએ પોતાને દૂર રાખી. વિવેકની પત્ની શિલ્પા અને મન્વિતાને મળીને કહ્યું, “મને માફ કરજો. મારી સ્થિતિ એવી નથી કે હું પ્રસંગનો હિસ્સો થઈ શકું.”
આમ ઘર આંગણે જ લગ્ન હોવા છતાં તે તેમાં આવી નહીં. તેને ખૂબ અફસોસ હતો. કારણ કે તેને આ પ્રકારના પ્રસંગો ખૂબ ગમતા હતા. આ દરમિયાન મારી ભત્રીજી અનેરીને ત્યાં પણ દીકરી આવી હતી. તેનાં નામકરણનો પ્રસંગ હતો, પણ શિવાની તેમાં પણ ન ગઈ. કારણ, હવે તેને સમજાયું કે, જીવવું હોય તો આ પ્રસંગો ટાળવા પડશે.
આખરે શિવાની કહેતી, હું નહીં હોઉં ત્યારે તમને ખબર પડશે. આકાશના લગ્નને જાન્યુઆરી 2024માં એક વર્ષ પૂરું થયું. શિવાનીએ ભૂમિને પુછ્યું, “હવે મારાં ઘરે દીકરી ક્યારે આવશે?”
ભૂમિ કહેતી, “હજી હું અને આકાશ જ નાનાં છીએ ત્યારે તું અમને ક્યાં મમ્મી–પપ્પા બનવાનું કહે છે?”
શિવાની મને ખાનગીમાં ફરિયાદ કરતી કે, મોડું કરશે પછી ઘરડા થયા પછી પણ બાળકો નાનાં જ રહેશે. હું કહેતો, બાળક ક્યારે કરવું? બાળક કરવું કે નહીં? તે તેમનો નિર્ણય હશે. શિવાનીની એક અદમ્ય ઇચ્છા હતી કે, આકાશને દીકરી જ થાય. કારણ કે તેને દીકરીઓ ગમતી હતી. અમે ઘરમાં બેઠાં હોઈએ ત્યારે શિવાની આકાશને દીકરી થશે તો કયું નામ રાખીશુ? તેની ચર્ચા અચૂક શરૂ કરે. ભૂમિ ત્યારે કહેતી, “આઈ! તું આ બધા છોકરીનાં નામ નક્કી કરે છે, પણ દીકરો આવ્યો તો?”
વાત સાંભળતાં જ શિવાની વાત કાપી નાખતાં કહેતી, ના, દીકરી જ આવશે. અને આપણે જે વિચારીએ તેવું થાય. તારે દીકરીનો જ વિચાર કરવાનો. શિવાની કહેતી, તને સારા દિવસો જતાં હશે ત્યારે તારા રૂમમાં સુંદર છોકરીઓના ફોટો લગાવી દઈશ. યાદ રાખજે, તને દીકરી જ આવશે.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત હતી. શિવાનીનાં મનમાં ફરી ફરવા ક્યાં જઈશું? તેનું પ્લાનિંગ શરૂ થઈ ગયું હતું. આમ તો અમારે દર રવિવારે ફરવા જવાનો ક્રમ નક્કી જ હતો. રવિવારે અમે અચૂક બહાર નીકળીએ. પછી તે બુલેટ ઉપર કે કાર લઈ નીકળ્યાં હોઈએ. શિવાની કહેતી, ચાલો ચક્કર મારવા જઈએ, પણ તેનો ચક્કર 50-60 કિલોમીટર કરતાં નાનો હોય જ નહીં. 22 ફેબ્રુઆરીના રોજ અમારાં લગ્નની વર્ષગાંઠ હતી એટલે બહાર જઈશું જ. તેવું વચન તેણે લઈ લીધું હતું. સાથે એવું પણ વચન લીધું હતું કે, બે–ચાર દિવસ નહીં, ઘણા દિવસ આપણે ફરવા જઈશું. મેં તેને હા પાડી હતી. મારી એક વિનંતી હતી કે, આ વખતે આપણાં લગ્નની વર્ષગાંઠ આપણે બાળકો સાથે ઉજવીએ અને 25મી ફેબ્રુઆરીએ ફરવા જઈશું. કારણ, 26મી ફેબ્રુઆરીએ મારો જન્મદિવસ હતો. તેણે હા પાડી. અમે 22મીએ અમારાં લગ્નની વર્ષગાંઠ સાથે બાળકો સાથે ઉજવી.
અમે 25 ફેબ્રુઆરીના રોજ કાર લઈ ઉજ્જૈન જવા નીકળ્યાં. શિવાનીને બહુ દૂર સુધી અને ઘણા દિવસ સુધી ફરવું હતું. અમદાવાદથી ઉજ્જૈનનો રસ્તો ખાસ્સો લાંબો હતો. લગભગ દસ કલાકનો પ્રવાસ હતો. રસ્તામાં શિવાની સૂઈ જતી હતી. મને ખબર નહોતી પડી રહી કે, તે સૂઈ જાય છે કે થાકી જાય છે? તે સૂઈ ગઈ હોય અને હું કાર ચલાવતો હોઉં ત્યારે મનમાં ડર લાગતો કે, શિવાની રસ્તામાં મરી જશે તો હું તેને એકલો કેવી રીતે અમદાવાદ લઈ જઈશ? આ પ્રકારના નકારાત્મક વિચારો ખૂબ આવતા હતા. અમે 25મીની સાંજે ઉજ્જૈન પહોંચી ગયાં હતાં. અમે એક હોટલમાં રોકાયાં. અમારો પ્લાન હતો કે, આવતીકાલે સવારે એટલે કે 26મીએ મારી વર્ષગાંઠ છે ત્યારે આપણે મહાકાલના દર્શન કરવા જઈશું.
બીજા દિવસે અમે હોટલથી એક ઑટો બુક કરી આખો દિવસ ઉજ્જૈનમાં ફરવાનો પ્લાન કર્યો. સવારે ઑટો આવી ગઈ. અમે ઑટોમાં ઉજ્જૈનના ભીડભાડવાળા રસ્તા પર થઈને મહાકાલનાં મંદિરે પહોંચ્યાં. મંદિરનાં પ્રાગંણમાં જતાં તેણે મને કહ્યું, “ભીડમાં હું અંદર આવતી નથી. તમે એક કામ કરો, હું બહાર બેસું છું, તમે દર્શન કરી આવો.”
મને ખબર હતી કે, શિવાનીએ આ ભીડમાં આવવું જોઈએ નહીં, પણ મારું મન કહેતું કે, હવે શિવાનીને સારું કરવામાં વિજ્ઞાન હારી ગયું છે. મહાકાલ કોઈ ચમત્કાર કરે ને તે બચી જાય તો! મને અને શિવાનીને ક્યારેય મોટાં મંદિરમાં મોટી ફી ચૂકવી વી.આઈ.પી. દર્શન કરવાનું ગમ્યું નથી. શિવાની કાયમ આ પદ્ધતિનો વિરોધ કરતી. તે કહેતી, ભગવાન સામે તો અમીર, ગરીબ બધા સરખા છે. તો પછી પૈસાદાર માટે અલગ લાઇન કેમ હોય છે? તે કહેતી, આમ પૈસા આપી બીજા કરતાં પહેલાં દર્શન કરો તો ભગવાનને આ દર્શન મંજૂર હોતા નથી. મેં તેને કહ્યું, “હું વી.આઈ.પી. ટિકિટ લઈ લઉં, તું પણ આવ. આપણે સાથે દર્શન કરીએ.”
તેણે મોંઢું બગાડ્યું. મેં કહ્યું, “પ્લીઝ! ચલને.”
તેની ઇચ્છા નહીં હોવા છતાં તે તૈયાર થઈ. અમે વી.આઈ.પી. ટિકિટ લઈ મહાકાલના દર્શન કરવા ગયાં. મેં હાથ જોડી ભીખ માગી કે, હે દેવોના દેવ મહાકાલ! મારી ‘શિવા’ને બચાવી લેજે! દર્શન કરી અમે બહાર નીકળ્યાં. હજી ઘણી બધી જગ્યાએ ફરવાનું હતું, પણ બપોર થતાં તેણે કહ્યું, “આપણે હોટલ પાછા ફરીશું? હવે મને થાક લાગી રહ્યો છે.”
અમે હોટલમાં પાછા ફર્યાં. અમારો બીજા દિવસનો પ્રવાસ હવે આગળ વધવાનો હતો. બીજા દિવસે અમારે ઓમકારેશ્વર જવાનું હતું. સવારે અમે ઊઠ્યાં અને તૈયાર થઈ કારમાં ગોઠવાયાં ને ઓમકારેશ્વર જવા રવાના થયાં. આ રસ્તો પણ લગભગ ચાર–પાંચ કલાકનો હતો. આમ, આ અમારા પ્રવાસનો ત્રીજો દિવસ હતો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796