પ્રશાંત દયાળ (શિવા. ભાગ-34): વડોદરામાં (Vadodara) આકાશ અને ભૂમિનું રિસેપ્શન, જે અમારાં ખૂબ નજીકનાં સગાં અને મિત્રો માટે રાખવામાં આવ્યું હતું. તે અધૂરું છોડી અમારે અમદાવાદ (Ahmedabad) નીકળવું પડ્યું. કારણ કે શિવાનીની (Shivani Dayal) તબિયત બગડી રહી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અમે અમદાવાદ પાછા આવી ગયાં. ડૉ. તુષાર પટેલની દવા તો ચાલુ જ હતી, પણ બે–ચાર દિવસ થયા તોય શિવાનીને કોઈ ફેર પડ્યો નહીં એટલે અમે અમારાં ફેમિલી ફિઝિશીયન ડૉ. હિતેન અમીન પાસે ગયાં. તેમણે શિવાનીની સ્થિતિ જોઈ કેટલાક રિપોર્ટ કરાવવાનું કહ્યું. એક્સ–રે પણ કરાવ્યો. પછી કહ્યું, “હું દવા આપું છું. તેમનું ધ્યાન રાખજો.”
ડૉ. હિતેન અમીનનો મત હતો કે, હવે શિવાનીને જે બ્રૉન્કાઇટિસની બીમારી હતી; તે આગળ વધી લંગ્સ ઉપર ફાઇબ્રોસિસમાં ફેરવાઈ ગઈ છે. આ બીમારીની કોઈ જ દવા નથી. જે દવા આપી છે, તે તેની બીમારી ધીમી પાડવાની જ દવા છે. હું ત્યાં કંઈ બોલ્યો નહીં. કારણ, મારી સાથે શિવાની હતી. મને લાગે છે શિવાની હજી પોતાની બીમારીની ગંભીરતા સમજી નહોતી. તે માનતી હતી કે, દવા લેશે એટલે તે ફરી ઊભી થશે અને દોડવા લાગશે. શિવાનીનો આત્મવિશ્વાસ કદાચ તેને બળ આપી રહ્યો હતો, પણ મને હવે ગંભીરતા સમજાઈ ગઈ હતી. અમે ઘરે આવ્યાં પછી હું એકલામાં ખૂબ રડ્યો. કારણ કે શિવાનીની બીમારીની કોઈ જ દવા નથી તેવું ડૉકટરે કહ્યું હતું. તેનો અર્થ કે, હવે વિજ્ઞાન પણ હારી ગયું હતું! મેં શિવાનીને તેનો અણસાર આવવા દીધો નહીં. મેં આકાશ, પ્રાર્થના અને ભૂમિ સાથે વાત કરી, પણ તેમણે મને કહ્યું, “આઈને કંઈ થશે નહીં.”
હવે શિવાની મારાથી દૂર જઈ રહી હોય તેવું મને દેખાઈ રહ્યું હતું. પરંતુ શિવાની હારી પણ નહોતી અને ડરી પણ નહોતી. મને નિરાશ જોઈ તે મને કહેતી, “મને કંઈ થશે નહીં, હજી તો મારે પ્રાર્થનાનું લગ્ન કરાવવાનું છે.”
શિવાનીની અંદર એક એવી તાકાત હતી કે, તે પોતાના મૃત્યુની ચર્ચા પણ જાતે કરી શકતી હતી! તેને મરવાની કંઈ ઉતાવળ નહોતી. હા… તે ચોક્કસ હતું કે, તે મારી ઉપર એટલી બધી નિર્ભર હતી કે તે મને કહેતી, “તમે મારા કરતાં પહેલાં જતા નહીં. કારણ કે તમે પહેલાં તો જશો તો મારું જીવવું અઘરું થઈ જશે. એટલે તમારા કરતાં પહેલાં તો મારે જ જવું છે.”
શિવાની જ્યારે મને મારા કરતાં પહેલાં જવાની વાત કરતી ત્યારે હું ખૂબ ડરી જતો. મનમાં કહેતો— તું જઈશ તો હું એકલો પડી જઈશ. એટલે મેં ડરતાં ડરતાં જૂન 2023માં મારાં ફેસબુક પર એક પોસ્ટ લખી હતી…
તું મારી આદત બની ગઈ છે!
હું ઘરની ડોરબેલ વગાડું અને મારી પત્ની શિવાની દરવાજો ખોલી તરત ઊંધી ફરી ચાલવા લાગે એટલે મારે સમજી જવાનું કે, ઘરનું તાપમાન અમદાવાદનાં તાપમાન કરતાં પાંચ ડિગ્રી ઊંચું જઈ રહ્યું છે. આ સ્થિતિમાં એક–બે વખત પૂછવાનો પ્રયત્ન કરવાનો અને તેના મોંઢે તાપમાન ઊંચું જવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવાનો. આમ તો મને ખબર જ હોય છે કે, કયાં વિવિધ કારણસર ગ્લોબલ વૉર્મિંગની અસર થઈ છે… છતાં પચાસ વર્ષની ઉંમરે ભોળા થવાની પણ મજા હોય છે!
સામાન્ય રીતે આ સ્થિતિમાં તેને કંઈપણ પૂછો એટલે જવાબ જ ન આપે, પણ ક્યારેક કહી દે, “કેમ ઘરે આવ્યા? ભાઈબંધોએ જમાડ્યા નહીં? મને ફોન કર્યો હોત તો આકાશ(દીકરો) સાથે ટિફિન મોકલાવી દેતી.”
કોઈ મને પૂછે કે, તારી પાસે અઢળક માત્રામાં શું છે? તો હું ઊંઘમાંથી જાગીને પણ તરત કહી શકું કે, મિત્રો છે. ખૂબ જ મિત્રો. અને તે પણ કારણ વગર પ્રેમ કરનારા! એટલે સ્વભાવિક છે કે, સવારથી સાંજ સુધી મારો લોકસંપર્ક અને મિત્રસંપર્ક અન્ય કરતાં લાંબો ચાલે. શિવાનીની મારી સામેની અનેક ફરિયાદોમાં એક ફરિયાદ એવી છે કે, મારે મિત્રો ખૂબ જ છે. તે મૂડમાં હોય ત્યારે કહે છે, “તમે ગોળનો ગાંગડો છો અને પેલા મકોડાંની જેમ તમને ચોંટી રહે છે.”
છતાં મારા જે મિત્રો મને છોડતા નથી તે અચાનક ઘરે આવી ચઢે તો શિવાની એક સારા એક્ટરની જેમ પોતાના ચહેરા પર તેમના તરફ કોઈપણ પ્રકારનો ગુસ્સો દર્શાવ્યા વગર ચ્હા લઈ હાજર થઈ જાય છે. અમારાં લગ્નને 25 વર્ષ થયાં. તે દરમિયાન તેની નાદુરસ્ત તબિયતનો ગાળો લાંબો ચાલ્યો. સતત દવાઓ અને સારવારને કારણે તે થાકી પણ જાય છે, પણ તે થાકી જાય ત્યારે કહે, “હજી મારાં બાળકો નાનાં છે. તેમના માટે તો મારે જીવવું પડશે.”
આવું તે ઘણી વખત કહ્યાં કરે. અનેક વખત અમારી વચ્ચે કોઈપણ કારણ વગર એવી ચર્ચા નીકળે કે, આપણાં બંનેમાંથી કોણ પહેલું જશે? ત્યારે તે તરત કહે, “મારે જ પહેલાં જવું છે. તમારા વગર મને કંઈ જ ખબર પડતી નથી.”
25 વર્ષ પહેલાં શિવાની લગ્ન કરી ભરૂચથી અમદાવાદ આવી ત્યારે તેના ચહેરા પર કોઈક અજાણી જગ્યા ઉપર આવી ગયાનો ડર મેં જોયો હતો. તે જ ડર આજે પણ ઘરની બહાર નીકળે ત્યારે હું તેના ચહેરા પર જોઉં છું. તેનાં પિતા પોલીસમાં હોવાને કારણે તે લગ્ન પહેલાં પોલીસલાઇનમાં રહેતી હતી. અમદાવાદ આવી એ પહેલાં ક્યારેય તે રેસ્ટોરન્ટમાં ગઈ નહોતી. એ ત્યારે જેટલી સરળ હતી, એટલી જ આજે પણ છે. તેનામાં ખાસ કોઈ ફેર પડ્યો નથી. મોટી હોટલોમાં અને મોટા લોકો વચ્ચે જતાં આજે પણ કહે છે, “મને ડર લાગે છે.”
તેને હું કહુ કે, બૅંકમાં જઈ આવીશ? તો તરત કહે, “ના, મને બહુ બીક લાગે. મને નહીં ફાવે.”
મારી દીકરી કહે, “મમ્મી! તું મને સ્કૂટર ઉપર સ્કૂલે લેવા આવીશ?”
તો તે કહે, “ના, ટ્રાફિકની મને બીક લાગે.”
તેને તેનાં બે સંતાનો,પતિ અને ઘરે ભૂમિ આવી… તેમનાં સિવાય ક્યાંય સુરક્ષાનો અહેસાસ થતો નથી. તેનું વિશ્વ એટલે ઘરની ચાર દિવાલો અને ચાર માણસો! અહીંયાંથી તેની દુનિયાની શરૂઆત થાય અને અહીંયાં જ અંત આવે છે. તે મને કહે છે, “માની લો કે તમે મારી પહેલા જશો… તો મારું શું થશે? મને કંઈ જ આવડતું નથી.”
તેને બાળકો મોટાં થાય ત્યાં સુધી તો રોકાવું છે, પણ મારે પહેલાં જવું છે! એવું તે કહ્યાં કરે છે. ખબર નથી, કોની બાજીમાં કેટલાં પત્તાં છે? મારા સ્વભાવ અને દેખાવમાં રૂક્ષતા હોવા છતાં તે જવાની વાત કરે ત્યારે અંદરથી એક પ્રકારની ધ્રુજારી છુટી જાય છે. મિત્રો સાથે લાંબો સમય બેઠો હોવું અથવા રાતે મોડું થાય ત્યારે પણ મનમાં તો સતત શિવાનીના વિચાર જ ચાલ્યા કરતા હોય છે. તે નારાજ થઈ હશે, ઘરે જઈશ એટલે ગુસ્સો કરશે, તેને સાચું લાગે તેવું કયું ખોટું બહાનું ઊભું કરવાનું? વગેરે… પણ શિવાની નહીં હોય ત્યારે મારે ઘરે કેમ જવાનું? એ વાત જ મને ડરાવી મૂકે છે. કારણ કે બંને સંતાનો પોતાનાં રસ્તે જતાં રહ્યાં હશે. કોઈ ઘરે રાહ જોનારું નહીં હોય. કોઈ નારાજ પણ થશે નહીં.
આજે ક્યારેક શિવાનીના ગુસ્સાનો મને ગુસ્સો આવે છે, પણ તે મારી આદત બની ગઈ છે! પણ પછી તેની ગેરહાજરીમાં મારે કોઈને મનાવવા નહીં પડે! તે વધુ અકળાવનારી વાત થઈ જવાની છે. શિવાની મારી પહેલાં જશે તેનો ડર મને જેટલો લાગે છે, એના કરતાં… હું પહેલો જઈશ અને તે એકલી પડી જશે તેનો ડર મને વધુ લાગે છે. મને ખબર છે, મારા વગર તે જીવી તો જશે, પણ તેનાં જીવનમાં પ્રાણ નહીં હોય! એટલે જ ક્યારેક એવું મનોમન બોલી જવાય છે… જો પ્રાર્થના સાંભળે તો તેની સાંભળજે!
શિવાની આજે પણ ઊંઘમાં ઝબકી જાય છે. અને જ્યારે પણ ઝબકે ત્યારે મારો હાથ પકડી લે છે. પછી શિવાનીની યાદ હશે પણ મારો હાથ પકડનાર કોઈ નહીં હોય! મારો હાથ પકડવાથી તેનો ડર જતો રહે છે, પણ પછી તે મારો હાથ નહીં પકડે. તેનો ડર મને આજે સતાવી રહ્યો છે. કારણ, તે મારી આદત બની ગઈ છે.
શિવાની સાથે થતાં સંવાદ પછી મેં આ પોસ્ટ લખી હતી, પણ શિવાનીને ડૉ. હિતેનની સલાહ બરાબર યાદ રહી ગઈ હતી એટલે તેણે પોતાની જાતને ભીડથી દૂર રાખવાની શરૂઆત કરી હતી. શિવાનીને દિવાળીના તહેવાર દરમિયાન ખાસ તકલીફ પડતી હતી. કારણ કે ફટાકડા ફૂટે અને તેનો ધુમાડો થાય એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ વખતે અમે નક્કી કર્યું હતું કે, દિવાળીમાં શહેરથી ક્યાંક દૂર જતાં રહીશું.
મારો એક પોલીસ અધિકારી મિત્ર છે, આમ તો મારા નાના ભાઈ જેવો છે. તેને શિવાનીની તબિયતની ખબર હતી એટલે તેણે સૂચન કર્યું, રાજપીપળા પાસે મારું ગામ છે, ખડગદા. ખૂબ ઓછી વસ્તી છે, ત્યાં એક નાનો રિસોર્ટ પણ છે, ત્યાં જતો રહો. એટલે 2023ની દિવાળીમાં ખડગદા પાંચ દિવસ રહ્યાં હતાં. ખુલ્લી હવા અને ખુલ્લાં વાતાવરણમાં શિવાનીને ખૂબ સારું લાગ્યું હતું. તેણે કહ્યું, “બસ, આ રીતે જ આપણે હવે સાચવીશું અને દરેક દિવાળીએ અમદાવાદ છોડી દેવાનું.”
ત્યારે મને ખબર નહોતી, શિવાની અમદાવાદ જ નહીં; મને પણ છોડી દેશે! તેનો મને જરા પણ અણસાર આવી રહ્યો નહોતો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796