પ્રશાંત દયાળ (શિવા. ભાગ-36): મધ્યપ્રદેશના પ્રવાસે અમે નીકળ્યાં હતાં. ઉજ્જૈનનો (Ujjain) પ્રવાસ પૂરો કરી અમે ઓમકારેશ્વર પહોંચ્યાં હતાં, પણ સાંજ પડતાં તે ખૂબ થાકી ગઈ અને તેને શ્વાસ લેવામાં ફરી તકલીફ પડી. મારી પાસે દવાઓ તો હતી, પણ મને લાગ્યું કે, ડૉક્ટરે પ્રિસ્કાઇબ કરેલી કેટલીક વધુ દવાઓની તેને જરૂર પડશે. અમે જ્યાં રોકાયાં હતાં તે રિસોર્ટમાં શિવાનીને (Shivani Dayal) મૂકી હું દવા શોધવા નીકળ્યો. ઘણી મહેનત પછી મને તે દવા મળી. દવા લેતાં તેને રાહત થઈ, પણ ઓમકારેશ્વરનું વાતાવરણ એવું હતું કે, તેને નેબ્યુલાઇઝર લેવું પડતું હતું. અમે બે દિવસ ઓમકારેશ્વર ફર્યાં અને ત્યાંથી હવે અમારો પ્રવાસ ઇન્દોરનો હતો.
અમે ઇન્દોર પહોંચ્યાં અને ઇન્દોર ફરવા માટે અમે નક્કી કર્યું કે, ઇન્દોરની ભૂગોળ અને સ્થળ ખબર નથી એટલે ઑટો રિક્ષામાં ઇન્દોર ફરીશું. અમે ઇન્દોરનાં મહેલો, મંદિરો અને 56 દુકાન નામનાં માર્કેટમાં પણ ગયાં. ઘણી જગ્યાઓ એવી હતી કે, તેને પગથિયાં ચઢવાના આવે. ત્યારે તે મને કહેતી… હું બેસીશ, તમે ફરી આવો. આમ તે અનેક સ્થળોએ બેસી રહેતી. તેને હું કહેતો, કોઈ તકલીફ પડે તો મને ફોન કરજે. ઇન્દોરની 56 દુકાન માર્કેટમાં મેં જોયું કે, લીલાં નાળિયેરની મલાઈનો શેક મળતો હતો. મેં તેને ફોન કરી પુછ્યું, “અહીંયાં આવી એક આઈટમ મળે છે, તારે પીવી છે?”
તેણે કહ્યું, “ઠંડુ તો નહીં હોયને?”
મેં કહ્યું, “ના, બરફ નાખવાની ના પાડીશું.”
તેને ઠંડી અને ગળી વાનગીઓ ખૂબ ભાવતી હતી, પણ તેને ડૉકટરે ના પાડી હતી. તે ક્યારેક ગુસ્સે થઈ કહેતી, તમારે કેટલું સારું! જે ખાવું હોય તે ખાઈ શકો છો! ઇન્દોરમાં તેણે લીલાં નાળિયેરની મલાઈનો શેક પીધો. તે ખૂબ ખુશ હતી. આમ તેને નાની નાની વાતોમાં પણ આનંદ લેતાં આવડતો હતો.
આ વખતે મેં નક્કી કર્યું હતું કે, તેને પ્રવાસમાં ક્યાંય એવું નથી કહેવું કે, ચાલો ઘરે જઈશું. એટલે ઇન્દોરનો પ્રવાસ કરી હવે અમારે ગુજરાત તરફ પાછા જવાનું હતું. અમે દાહોદ હાઇવેથી ગુજરાત પાછા ફરી રહ્યાં હતાં ત્યારે મેં તેનું મન જાણવા માટે પુછ્યું, “હવે ક્યાં જઈશું?”
તેણે મારી સામે જોયું અને કહ્યું, “તમે લઈ જાવ ત્યાં.”
મેં કહ્યું, “સારું.”
તેનો અર્થ કે, તેનું શરીર થાકી ગયું હતું, પણ તેનું મન તેને ફરવાનું કહેતું હતું. હજી તેને ફરવું હતું! મેં મારી કાર દાહોદથી પાવાગઢ હાઇવે તરફ વાળી. પાવાગઢથી જાંબુઘોડા જતાં રસ્તામાં એક–બે રિસોર્ટ હતા. ખૂબ સારા હતા, પણ શિવાનીએ કહ્યું, “અહીંયાં નથી રહેવું. કારણ કે બહુ સુમસામ છે, મને ડર લાગે છે.”
મેં પુછ્યું, “તો વડોદરા જઈશું?”
તેણે હા પાડી એટલે અમે પાવાગઢથી વડોદરા આવ્યાં અને એક હોટલમાં રોકાયાં. શિવાની કાયમ મને એવી હોટલ પસંદ કરવાનો આગ્રહ કરતી હતી કે, હોટલના રૂમની બારી ખુલતી હોય. કારણ કે તેને સેન્ટ્રલ એ.સી. રૂમમાં જો બારી ન ખુલે તો ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હતી. અમે બે દિવસ વડોદરા રોકાયાં. મારા ઘણા સંબંધીઓ વડોદરા રહે છે. શિવાનીને મરાઠી ભાષી લોકો રહેતા હોય તેવી જગ્યાઓ ખૂબ ગમતી. બે દિવસ થતાં તેણે મને કહ્યું, “હવે આપણે ઘરે જઈશું.”
મેં કહ્યું, “ચાલો!”
આમ અમે પહેલી વખત દસ દિવસ એકલાં બહાર રહ્યાં હતાં. તેણે પાછા ફરતાં મને કહ્યું, “મને સારું લાગ્યું કે, તમે આ વખતે એક પણ વાર અમદાવાદ પાછા ફરવાની ઉતાવળ કરી નહીં.”
મારી પાસે તેની વાતનો ઉત્તર નહોતો; કે કેમ હું ઉતાવળ કરતો નથી! આકાશ અને ભૂમિનું લગ્ન થાય માટે તેણે ઠેર ઠેર બાધા રાખી હતી. તેમાં એક બાધા ભાવનગરનાં ખોડિયાર માતાની પણ હતી. આકાશનું પાક્કું થયું નહોતું ત્યારે હું અને શિવાની ભાવનગર ગયાં હતાં. ત્યાં અમારા મિત્ર હઠીસિંહ ચૌહાણ અને તેમનાં પત્ની કુંદનબા સાથે શિવાનીએ સારો સમય પસાર કર્યો હતો. કુંદનબા અને શિવાની વચ્ચે વાત નીકળી ત્યારે શિવાનીએ કહ્યું, “હજી ભૂમિનાં મમ્મી-પપ્પા તૈયાર નથી.”
તરત કુંદનબાએ કહ્યું, “ખોડિયાર માતાનાં દર્શન કરી લો. કામ થઈ જશે.”
એટલે હું અને શિવાની ખોડિયાર મંદિર પણ ગયાં હતાં. ત્યાં શિવાનીએ ખોડીયાર માતાને કહ્યું, “ભૂમિ અમારાં ઘરે આવે તેવું કરજે.”
હવે તો લગ્ન થઈ ગયાં હતાં એટલે શિવાનીનો આગ્રહ હતો કે, એક વખત આકાશ અને ભૂમિને લઈ ભાવનગર જવું છે, પણ કોઈક કારણે તે લંબાઈ રહ્યું હતું. આખરે માર્ચ 2024માં આકાશ અને ભૂમિને બેંકમાં બે–ત્રણ રજાઓ સાથે આવતી હતી એટલે આકાશ તૈયાર થયો અને અમે ભાવનગર ખોડિયાર માતાના દર્શન કરવાં ગયાં. બધુ જ બહુ ઝડપથી આગળ વધી રહ્યું હતું.
જૂન 2024માં મારા પત્રકાર મિત્ર ઉર્વીશ કોઠારીએ નડિયાદની લાઇબ્રેરીમાં મારું એક લેક્ચર રાખ્યું હતું. મેં શિવાનીને પુછ્યું, “તું આવીશને?”
તેણે તરત કહ્યું, “તમારી સાથે આવવાની મેં ક્યારેય ના પાડી છે?”
અમે નડિયાદના કાર્યક્રમમાં ગયાં જ્યાં ઉર્વીશની પત્ની સોનલ પણ હતી. સોનલ અને શિવાનીને સારો મેળ. મારું લેક્ચર પૂરું થતાં ઉર્વીશે કહ્યું, “હવે થોડીક વાત શિવાની કરશે.”
તેણે તરત ના પાડતાં કહ્યું, “ના ના, મને બોલતા ન ફાવે.”
આમ જાહેરમાં શિવાની એકદમ શરમાળ થઈ જતી હતી, પણ આ પ્રકારના અનેક કાર્યક્રમમાં શિવાની મારી સાથે રહી હતી. ત્યારે હું જાહેરમાં અને ખાસ કરી શિવાનીની હાજરીમાં કહેતો, મારું જે કંઈ કામ છે, તેમાં પણ ખાસ કરી પત્રકારત્વ સંબંધી; તે એટલે શક્ય બન્યું… કારણ કે મારી સાથે શિવાની અડીખમ ઊભી હતી. મારા જીવનમાંથી શિવાની કાઢી નાખો તો મારો ગ્રાફ 90 ટકા નીચે જતો રહે. હું જ્યારે જાહેર સમારંભમાં તેનાં અંગે વાત કરું અને ત્યાંથી અમે પાછા નીકળતાં હોઈએ ત્યારે તે મને એકલામાં કહેતી, “મને ખબર છે, તમે અહીંયાં સુધી પહોંચવામાં કંઈ ઓછી મહેનત નથી કરી.”
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796