પ્રશાંત દયાળ (શિવા. ભાગ-33): મારી પાસે બુલેટ હતું, પણ તે હવે જૂનું થયું હતું. મેં શિવાનીને (Shivani Dayal) પુછ્યું, “બુલેટનું નવું મોડલ આવ્યું છે, લેવું છે?”
તેણે મને કહ્યું, “તમને બુલેટ ગમે છે, લઈ લો.”
મેં કહ્યું, “પછી બુલેટ ઉપર ફરવા જવું પડશે.”
તે હસી. કારણ, ફરવા માટે તો અડધી રાતે તેને ઊઠાડો તો પણ તૈયાર જ હોય. મેં બુલેટનું નવું મોડલ ‘મેટિયર’ લીધું. અમે બંને અમારાં બુલેટ ઉપર ફરવા ડાંગ (Dang) ગયાં. મારાં મિત્ર રૂચિ દવે તાપીના ઉનાઈમાં રેંજ ફોરેસ્ટ ઑફિસર તરીકે ફરજ બજાવતાં હતાં એટલે ઉનાઈમાં કેમ્પ કરી અમે આસપાસનાં જંગલોમાં બુલેટ ઉપર ખૂબ ફર્યાં હતાં. તાપી અને ડાંગનાં જંગલોમાં બુલેટ ઉપર ફરવાનો મારો અને શિવાનીને પ્રવાસ યાદગાર હતો. અમે જ્યારે પણ ફરવા જઈએ ત્યારે શિવાનીનું ધ્યાન તો ઘરે જ રહેતું હતું. પ્રાર્થના અને આકાશ શું કરતાં હશે? તેવો પ્રશ્ન તેને અચૂક થતો હતો, પણ હવે શિવાનીને થોડી રાહત હતી કે, ભૂમિની અવરજવર અમારાં ઘરે રહેતી એટલે ભૂમિ બધું સાચવી લેશે તેવો તેને વિશ્વાસ હતો. તાપી જિલ્લામાં પદમડુંગરી (Padam Dungri) નામની ખૂબ સુંદર જગ્યા છે. અંબિકા નદીના કિનારે ફોરેસ્ટના ગેસ્ટહાઉસ પણ છે. શિવાનીને આ જગ્યા ખૂબ ગમતી હતી. છેલ્લાં બે વર્ષમાં અમે ચાર વખત અહીંયાં આવી ગયાં હતાં.
એક દિવસ ભૂમિ ઘરે આવી. તેનો ચહેરો થોડો ગંભીર હતો. શિવાનીએ તેને કારણ પુછ્યું ત્યારે ખબર પડી કે, ભૂમિએ હિંમત કરી પોતાનાં મમ્મી પપ્પાને વાત કરી, પણ ભૂમિને ડર હતો તેવું જ થયું. ઘરના બધા ખૂબ ગુસ્સે થયા. કારણ કે અમે પટેલ નહોતા. શિવાની મને અનેક વખત કહી ચૂકી હતી કે, ભૂમિ નાની છે. તેની વાત કોઈ ગંભીરતાથી લેશે નહીં. તમે વાત કરો તો ફેર પડે. મેં ભૂમિના પરિવારના સંપર્કમાં હોય તેવા મારા તમામ મિત્રોને વચ્ચે નાખ્યા, પણ વાત આગળ વધતી જ નહોતી. એક દિવસ શિવાનીએ મને કહ્યું, “આપણે બધાને વાત કરી, પણ ભૂમિનાં મમ્મી પપ્પા હા પાડતાં નથી. પરંતુ આપણે કષ્ટભંજન દેવને તો વાત કરી જ નથી!”
શિવાનીની વાત સાચી હતી. મને અને શિવાનીને કષ્ટભંજન ઉપર અગાધ શ્રદ્ધા. અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં નારણઘાટના કિનારે સ્વામીનારાયણ મંદિર આવેલું છે. તે મંદિરનાં કેમ્પસમાં કષ્ટભંજન દેવનું પણ મંદિર છે. હું અને શિવાની કષ્ટભંજન મંદિરમાં પહોંચી ગયાં. અમે કહ્યું, “ઈશ્વર! અમને ભૂમિ પસંદ છે. અમારી ઇચ્છા તને પણ ખબર છે. બસ, તારો આદેશ થાય તો કામ થઈ જાય.”
હું અને શિવાની આકાશ અને ભૂમિનું લગ્ન થાય તે માટે દર શનિવારે કષ્ટભંજન દેવ પાસે જવા લાગ્યાં અને અમારી માગણી આગ્રહપૂર્વક કહેવા લાગ્યાં. અમે આકાશ અને ભૂમિનાં લગ્ન થાય તેની દરખાસ્ત લઈ કષ્ટભંજનના મંદિરમાં દર શનિવારે જતાં હતાં. તે દિવસે સાતમો શનિવાર હતો. મને એક ફોન આવે છે. ફોન જનકભાઈનો હતો. જનકભાઈની અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોતાની શાળા આવેલી છે અને ગાંધીનગર પાસે આવેલાં દહેગામ નજીક ઈસનપુરમાં મોટી જમીન પણ છે. જનકભાઈ કોરોના પહેલાં નવજીવન બ્લોકમાં રહેવા આવ્યા હતા. કારણ કે નજીકમાં તેમનો બંગલો બંધાઈ રહ્યો હતો. જેના કારણે અમારી સારી મિત્રતા હતી. જનકભાઈનો ફોન લેતાં તેમણે કહ્યું, “તમે મારાં ઘરે આવી શકો? તમને કોઈ મળવા માગે છે.”
મેં પુછ્યું, “કોણ?”
તેમણે કહ્યું, “ભૂમિના નાના.”
મને આશ્ચર્ય થયું. હું કંઈ પૂછું તે પહેલાં જ તેમણે ફોડ પાડતાં કહ્યું, “તમારા આકાશને જે ભૂમિ પસંદ છે, તેના નાના ઈસનપુર રહે છે. તે મારા પરિચયમાં છે એટલે ભૂમિના નાના અને દાદા બંને તમને મળવા માગે છે.”
મેં મનોમન કહ્યું, કષ્ટભંજન દેવની જય હો! શિવાનીને ખબર પડી કે, ભૂમિનો પરિવાર મળવા તૈયાર છે ત્યારે તે ખૂબ ખુશ થઈ. હું અને શિવાની જનકભાઈનાં ઘરે ગયાં. ત્યાં ભૂમિનાં મમ્મી, પપ્પા, નાના અને દાદા મળવા આવ્યાં હતાં. તેમનાં મનમાં કેટલાક પ્રશ્નો હતા. પ્રશ્નો પણ સ્વભાવિક હતા. કારણ કે તેઓ દીકરીનાં માતા પિતા હતાં. અમે મરાઠી છીએ તે વિષયને લઈ તેમને કેટલાક પ્રશ્નો હતા. મેં તેમનાં બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું. આખરે ભૂમિનો પરિવાર લગ્ન માટે રાજી થયો. આ 2022નું વર્ષ હતું.
શિવાની અને ભૂમિએ મોટી જંગ જીતી લીધી હોય એટલી તેમને ખુશી હતી. કારણ કે હવે ભૂમિને સંતાઈને અમારાં ઘરે આવવાની જરૂર નહોતી. ત્યાર પછી બેઠકો થઈ, જેમાં અમે સ્પષ્ટ કર્યું કે અમને ભૂમિ સિવાય કંઈ ખપે નહીં. મારી અને શિવાનીની ઇચ્છા તો લગ્ન અત્યંત સદાઈથી, પાંચ–દસ માણસોની હાજરીમાં થાય તેવી જ હતી. કારણ કે 1996માં મેં અને શિવાનીએ મૅરેજ રજિસ્ટ્રારને બોલાવી માત્ર સહીઓ કરીને જ લગ્ન કર્યાં હતાં. પણ ભૂમિનો મત એવો હતો કે, પરિવારમાં તે એક માત્ર દીકરી હોવાને કારણે તેનો પરિવાર સદાઈથી લગ્ન કરવા તૈયાર થશે નહીં. ભૂમિના ભાઈ–ભાભી ઑસ્ટ્રેલિયામાં સેટલ થયાં હતાં અને ભૂમિના ભાઈને પણ પોતાની બહેનનાં લગ્ન ધામધૂમથી કરવાની બહુ ઇચ્છા હતી. આખરે મેં અને શિવાનીએ સાદાઈથી લગ્ન થવાં જોઈએ તે વિચાર પડતો મૂક્યો, પણ અમારાં ઘરે પણ ખાસ કાર્યક્રમ નહીં થાય તેવું નક્કી કર્યું.
લગ્નની તારીખ 2023ની 31મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. મારી અને શિવાનીની ના હોવા છતાં અનેક મિત્રો શિવાનીને આગ્રહ કરી રહ્યા હતા કે, આપણે મોટા કાર્યક્રમ કરવા નથી, થોડાક જ લોકોને બોલાવી જલસો કરીશું. આખરે શિવાનીએ હા પાડી. ખૂબ જ નજીકના સગાં અને આકાશ તથા પ્રાર્થનાનાં મિત્રો અને મારા થોડાક મિત્રોની હાજરીમાં બે–ત્રણ નાના કાર્યક્રમો થયા. આ કાર્યક્રમમાં મને સતત શિવાનીની ચિંતા થતી હતી. કારણ કે ડૉકટરે તેને વધુ લોકોની વચ્ચે જવાની ના પાડી હતી. બીજી તરફ શિવાનીને પણ દીકરો પરણાવવાનો અનેરો ઉત્સાહ હતો. દિવસ આખો દોડ્યા કરતી અને સાંજ થતાં એ થાકી જતી હતી. અમે નક્કી કર્યું હતું, જાનમાં ઓછામાં ઓછા લોકો લઈ જવા. જેના કારણે મારા તરફથી મારા સગાભાઈ–ભાભીનો પરિવાર અને શિવાનીના પિયરના લોકો સિવાય કોઈ સગાં નહોતાં. માત્ર મિત્રોને જ આમંત્રણ હતું.
અમે 31 જાન્યુઆરીના રોજ જાન લઈ નીકળ્યાં. શિવાની ઉત્સાહથી તૈયાર થઈ હતી, પણ તે થાકી જતી હતી. અને તે થાકી જાય ત્યારે તેને ગુસ્સો આવતો હતો. મને તેની સ્થિતિ સમજાતી હતી. આટલા બધા દિવસની દોડધામ અને આટલા બધા લોકોની વચ્ચે રહેવાને કારણે તેની તબિયત ઉપર અસર દેખાઈ રહી હતી. હવે તેને નેબ્યુલાઇઝર લેવું પડતું હતું. અમે લગ્ન માટે જાન લઈ નીકળ્યા ત્યારે અમારી સાથે અમે નેબ્યુલાઇઝર પણ લીધું હતું. કારણ કે સાંજ પડે એટલે તેને નેબ્યુલાઇઝર લેવાનો સમય થતો હતો. તેણે પાર્ટીપ્લોટમાં પણ નેબ્યુલાઇઝર લીધું.
31મી જાન્યુઆરીના રોજ ભૂમિ સત્તાવાર રીતે અમારી થઈ. અમારાં સગાં મોટી સંખ્યામાં વડોદરા રહે છે. તેમના માટે 7 ફેબ્રુઆરી 2023ના રોજ વડોદરામાં એક નાનકડું ફંક્શન રાખ્યું હતું. 7મીના રોજ અમે વડોદરા પહોંચ્યાં. ત્યાં નાનકડા પાર્ટીપ્લોટમાં વડોદરાનાં સંબંધીઓ અને થોડાક મિત્રો વચ્ચે ફંક્શન થયું. જમવાનું ચાલું હતું ત્યારે શિવાનીએ મારી પાસે આવી કહ્યું, “આપણે નીકળશું?”
મેં તેની સામે આશ્ચર્ય સાથે જોયું. તેણે કહ્યું, “મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.”
મેં પુછ્યું, “ડૉકટર પાસે જવું છે?”
તેણે કહ્યું, “ના. અમદાવાદ જઈશું.”
મેં આકાશને અને મારાભાઈ મનિષને ત્યાં આવેલા મહેમાનોનું ધ્યાન રાખવાનું કહ્યું. અમે તરત અમદાવાદ આવવા નીકળી ગયાં. આ ઘટના બહુ ગંભીર ચેતવણી સમાન હતી. આખા રસ્તામાં આગળની સીટમાં બેઠેલી શિવાની ડેશબોર્ડ ઉપર માથું રાખી પડી રહી હતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796