પ્રશાંત દયાળ (શિવા. ભાગ-32): કોરોનાનો (Coronavirus) બીજો તબક્કો ખૂબ વિકરાળ હતો. તેમાં મારા અનેક મિત્ર પણ મોતને ભેટ્યા હતા. ઘણા બધા પત્રકારો પણ હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહ્યા હતા. ખરેખર તો મને કોરાના થયો પછી હું કોઈ ડૉકટર પાસે જવું અથવા મને કોઈ તપાસે તેવી સ્થિતિ પણ નહોતી. મેં મારા એક મિત્રને ફોન કર્યો. તેને કોરોના થયો હતો ત્યારે ડૉકટરે તેને દવાઓ લખી આપી હતી અને એ દવા લઈ તે સાજો થયો હતો. મેં પણ તેના જ પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે દવા લીધી હતી. આમ દિવસે દિવસે મારી સ્થિતિ બગડી રહી હતી. મારી ચિંતાની સાથે મને શિવાનીનો પણ ડર લાગી રહ્યો હતો. કારણ કે જો તેને કોરાનાની અસર થઈ તો તેને બચાવવી અઘરી હતી. હું રૂમમાં બેઠો બેઠો મારા પરિચિત ડૉકટરોને ફોન કરી રહ્યો હતો, પણ તેઓ એટલા વ્યસ્ત હતા કે કોઈ મારો ફોન લેતા નહોતા.
શિવાનીની (Shivani Dayal) સાથે આકાશ પણ ચિંતામાં આવી ગયો હતો. તેને યાદ આવ્યું, તેણે મારા નેચરોથેરપિસ્ટ મિત્ર મૂકેશ પટેલને ફોન કર્યો અને હું કઈ કઈ દવા લઈ રહ્યો છું તેની જાણકારી આપી. મૂકેશ પટેલે આ બધી જ દવા ચાલું રાખવાની સાથે મને કેટલીક આયુર્વેદિક દવા આપવા કહ્યું. આકાશે તરત તેવું કર્યું અને મને તેનો ચમત્કારિક ફાયદો થયો. બીજા દિવસથી મારો તાવ ઉતરવા લાગ્યો હતો. આમ બે–ત્રણ દિવસમાં હું પણ કોરાનામાંથી બહાર નીકળ્યો. ખરેખર એ કુદરતનો ચમત્કાર હતો કે, જેનાં ફેફસાં સૌથી નબળાં હતાં તેવી શિવાનીને કોરાના થયો જ નહીં! ઉપરાંત આકાશ, પ્રાર્થના અને મારા જેવાં કોરાનાના દર્દીઓની તેણે સારવાર કરી હતી, તેણે અમને સાજા કર્યાં હતાં. કોરાનાનો બીજો તબક્કો હળવો થયો, એ આછો હતો છતાં જોખમ તો એટલું જ હતું.
આ દરમિયાન એક ઘટના ઘટે છે. હું મેરાન્યૂઝ (Meranews)પોર્ટલમાં કામ કરતો હતો. સૂરતના એક વેપારી આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરતાં પહેલાં તે એક ચીઠ્ઠી છોડી જાય છે. જેમાં વેપારીનો આરોપ હતો કે, પોતાની આત્મહત્યા પાછળ સૂરતના સ્થાનિક પોલીસ અધિકારીઓ અને એક પત્રકાર કારણભૂત છે. આ ઘટના મારા ધ્યાનમાં આવી ત્યારે મેં તે ઘટનાનું રિપોર્ટિંગ કર્યું. પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ સમજાયું કે, જે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેમાં કંઈક ગરબડ કરી રહ્યા છે. એટલે તેના સમાચાર પણ મેં લખ્યા. આ સમાચાર પછી મને એક આઈ.પી.એસ. અધિકારીનો ફોન આવે છે. તે સમાચારને લઈ મારી સામે નારાજગી વ્યકત કરે છે. મને ફોન કરનાર આઈ.પી.એસ. અધિકારી શિફતપૂર્વક એક રમત રમે છે. આ આઈ.પી.એસ. અધિકારીના જે સિનિયર અધિકારી હતા, તે મને પસંદ કરતા નહોતા. કારણ કે ભૂતકાળમાં મેં તેમના અંગે કેટલાક સમાચાર લખ્યા હતા. એટલે આઈ.પી.એસ. અધિકારી પોતાના સિનિયર પાસે જઈ મારી વિરુદ્ધ રજૂઆત કરે છે. ત્યાર પછી એક પ્લોટ ઘડવામાં આવે છે, પણ જો ઇરાદા નેક હોય તો ઈશ્વર પણ અજાણી મદદ મોકલતો હોય છે.
મારા સામાચારને લઈ પોલીસ અધિકારીઓએ નક્કી કર્યું કે, મને કોઈ સાચા–ખોટા કેસમાં અંદર કરી દેવો. તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. કાયદાના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી કે, આ સમાચારને કારણે મારી ઉપર કયો કેસ થાય? એક તબક્કે માની લઈ કે, મારા સમાચાર ખોટા છે; તો વધુમાં વધુ બદનક્ષીનો કેસ થાય, પણ તે જામીનપાત્ર ગુનો હતો. એટલે એવા કારણો ઊભા કરવા કે, મને જામીન મળે જ નહીં.
આ આખી ઘટનાથી હું અજાણ હતો. મને એક વ્હૉટ્સેપ કોલ આવે છે. ફોન કરનાર મદદગાર મને જાણકારી આપે છે કે, સજાગ રહેજો. તમારી સામે કેસના કાગળો તૈયાર થઈ રહ્યા છે! હું એ મદદગારનો આભાર માનું છું. નક્કી એવું થયું હતું કે, કેસના કાગળો તૈયાર કરી દેવાના પણ ત્યાં સુધી ગુનો નોંધવાનો નહીં, જ્યાં સુધી હું પોલીસની કસ્ટડીમાં આવું નહીં. કારણ કે જો પહેલાં ગુનો નોંધાઈ જાય તો મને આગોતરા જામીન લેવાનો સમય મળી જાય એટલે પહેલાં મને ઉપાડી લેવાનો પછી તરત ગુનો નોંધવાનો પ્લાન હતો.
બીજા દિવસે બપોરનો સમય હતો. મને જે મદદગારે ફોન કર્યો હતો તેણે મને બીજો ફોન કર્યો. હવે તમે તરત ઘરેથી નીકળી જાવ. કારણ કે સૂરતથી પોલીસ અધિકારીઓની એક ટીમને રવાના કરવામાં આવી છે. તે તમને આવીને ઉપાડી લેશે પછી ગુનો નોંધવામાં આવશે. મને ધરપકડની ચિંતા નહોતી પણ માહોલ કોરોનાનો હતો. ધરપકડ પછી જામીન મળે નહીં ત્યાં સુધી જેલમાં રહેવાનું હતું અને જેલની સ્થિતિ વધારે ખરાબ હતી. કારણ કે જેલની બેરેકમાં ખૂબ લોકો હોય. તેવી સ્થિતિમાં કોરાનાથી બચવું મુશ્કેલ હતું.
મદદગારની સૂચના પ્રમાણે મેં તરત ઘર છોડી દીધું. આકાશે તરત આખી ઘટના અંગે ફોન કરી ગોપી મણિયાર અને ઉજ્જવલ ઓઝાને જાણ કરી. તેઓ ઘરે આવી ગયાં હતાં. મેં પત્રકાર દિલીપ પટેલ અને સઈદખાનને ફોન કરી ઘટનાથી વાકેફ કર્યા. તેની સાથે મેં ભાજપના નેતા સી. આર. પાટીલને ફોન કર્યો. તેમણે મને ખાતરી આપી કે, “સંબંધિત અધિકારીઓ સાથે વાત કરું છું.”
પોલીસ અમલદાર નિયમ પ્રમાણે તમારી સામે મોરચો માંડે તો વાંધો નથી. પણ જો નિયમોને મારી મચેડી ગુનો નોંધે તો આપણા માટે લડાઈ મુશ્કેલ થઈ જાય. મેં ઘર છોડી દીધું અને એક સેફ હાઉસ પસંદ કર્યું હતું. પોલીસ કઈ રીતે મને શોધી શકે? તે બધા રસ્તાઓની મને ખબર હોવાને કારણે પુરતી કાળજી લીધી હતી. પણ હું ક્યાં છું? તેની જાણ શિવાની અને આકાશ પાસે તો હતી. હું ઘર છોડી નીકળ્યો તેમાં સૌથી વધુ નારાજ શિવાની હતી, પણ હું નીકળ્યો ત્યારે તે કંઈ બોલી નહીં. પણ પછી મેં તેને ફોન કર્યો ત્યારે તેણે મને પહેલો સવાલ પુછ્યો, “ઘરે ક્યારે આવો છો?”
મેં કહ્યું, “આ વિષય પૂરો થાય પછી.”
તે એકદમ ગુસ્સે થઈ ગઈ. તેણે મને કહ્યું, “તમને ખબર છે, આ પ્રકારે તમે ડરીને જતા રહો એ મને જરા પણ પસંદ નથી! પોલીસ પકડે તો જેલમાં જવાનું પણ આ રીતે તમે જતા રહો તે મને સારું લાગતું નથી.”
મેં કહ્યું, “હા… હા, હું ઘરે જલદી આવીશ.”
તેણે મને ધમકી આપતાં કહ્યું, “જુઓ! જલદી નહીં આવો તો યાદ રાખજો, હું પોલીસને લઈ તમારે ત્યાં આવીશ અને કહીશ, પકડી લો મારા ઘરવાળાને.”
મને થયું, ગજબ છે આ સ્ત્રી! તેને કોઈ વાતનો ડર લાગતો જ નથી! જોકે સી. આર. પાટીલે સંબંધિત અધિકારીઓને ફોન કર્યો હતો. તેનું પરિણામ પણ આવ્યું અને મને લેવા નીકળેલી પોલીસની ટીમ અડધા રસ્તેથી પરત ફરી હતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796