કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): પ્રજાનો મત એક રહે અને તેમાં મોટા ભાગનો વર્ગ શાસક પક્ષ સાથે રહે તેવું દરેક સત્તાધીશો ઇચ્છે છે. આ માટે તેઓ કોઈ પણ ગતકડાં કરતાં અચકાતા નથી. કુંભ મેળામાં ધર્મના નામે કરોડોની ભીડ એકઠી કરવાનો ઇરાદો માત્ર લોકોની ધાર્મિક આસ્થાને પરિપૂર્ણ કરવાનો નથી; બલકે તેની સાથે માર્કેટ સંકળાયેલું છે, રાજકીય એજન્ડા પણ છે. લોકોને પોતાના તરફી કરી લેવાની એક પણ તક રાજકીય નેતાઓ ચૂકતા નથી. અને આવું ભારતમાં જ નહીં, અમેરિકા (United States) જેવા વિકસિત દેશમાં પણ થાય છે. લોકોને મોટી સંખ્યામાં એક મતે પોતાની તરફેણમાં લાવવામાં કળા અને સંસ્કૃતિ (Culture) ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. સંસ્કૃતિનો ખ્યાલ વ્યાપક છે અને તેમાં સમાજ જીવનની મહદંશે બધી બાબતોનો સમાવેશ થાય છે; કળાનો સુધ્ધા. કળા અને સંસ્કૃતિની સ્વીકાર્યતા સર્વત્ર છે અને તેની અસર વ્યાપકપણે થાય છે. તેનું એક ઉદાહરણ અમેરિકાનું બીજા વિશ્વયુદ્ધમાં સામેલ થવું – તે છે. 1940માં થયેલા જનમતના આધારે અમેરિકામાં 35 ટકા લોકોએ એમ કહ્યું હતું કે અમેરિકા યુદ્ધમાં સામેલ થાય તે માટે તેમની સંમતિ છે. તેનો અર્થ કે અમેરિકાના બાકીની ત્રીજા ભાગની વસતી બીજા વિશ્વયુદ્ધમાં સામેલ થવામાં અસંમત હતી. પણ તત્કાલિન અમેરિકાના શાસકોને યુદ્ધમાં સામેલ થવામાં મન બનાવી લીધું હતું. તે પછી અમેરિકાની સરકારે પોપ્યુલર કલ્ચરના માધ્યમથી લોકોના માનસ બદલવાનો કારસો ઘડી નાંખ્યો. પાછલાં બારણે હોલીવૂડના દ્વાર સરકારે ખટખટાવ્યા. વૉલ્ટ ડિઝની અને વૉર્નર બ્રધર્સ જેવા મોટા પ્રોડક્શન હાઉસ સાથે કરારો કર્યા અને યુદ્ધમાં અમેરિકા જોરશોરથી ભાગ લે તે માટે માનસ ઘડવા માટેની ફિલ્મો નિર્માણ કરવાની રણનીતિ ઘડી નાંખી. આવી ફિલ્મો બની. ફિલ્મોની અસર લોકમાનસ પર થઈ અને આખરે અમેરિકા યુદ્ધમાં સામેલ થયું.
પોપ્યુલર કલ્ચર (Popular culture) જેમાં કળાના બધા માધ્યમો, ધાર્મિક આસ્થા, સામાજિક વલણ અને માન્યતા બધું જ સમાવિષ્ટ થાય છે અને તેનાથી જે કંઈ પરિણામ આવી શકે તેવું અમેરિકા અગાઉ જર્મની, ઇટલીએ કર્યું હતું. અમેરિકા, ઇટલી અને જર્મની તે પછી હાલમાં તેવું આપણા દેશમાં થઈ રહ્યું છે અને તેવો દાવો કુણાલ પુરોહિત કરી રહ્યા છે. કુણાલ પુરોહિત બે દાયકાથી પત્રકાર તરીકે કાર્યરત છે. પત્રકારત્વ ક્ષેત્રમાં કુણાલે રિપોર્ટિંગ કર્યું છે, જેથી તેમને આ વિષય લખવા જેવો લાગ્યો છે અને તે વિષયના અનુસંધાને તેમને તેવી ઘટનાઓ પણ મળી છે. તેમણે આ વિગતો સમાવી છે તે પુસ્તકનું નામ છે : ‘ધ સિક્રેટિવ વર્લ્ડ ઑફ હિંદુત્વ પોપ સ્ટાર્સ’. આગળ તેમના લખાણનો સાર આ પ્રમાણે છે : ‘1930માં નાઝી પક્ષ સત્તામાં આવતા. નાઝી એટલે હિટલરનો પક્ષ જેમણે સત્તામાં આવતાંવેત સાંસ્કૃતિક તમામ બાબતોને પોતાના હસ્તક લઈ લીધી હતી. યહૂદીઓની પુસ્તકો બાળી નાંખવામાં આવી અને પોતાના તાબામાં ફિલ્મો, સંગીત, સાહિત્ય અને રેડિયો જેવા તમામ માધ્યમોને લઈને નાઝીઓએ જર્મનીઓના માનસને પોતાની રીતે ઘડવાની શરૂ કર્યું. ઇટલીમાં પણ એ રીતે ફાસીવાદી સત્તાએ પોતાના ગમતા થિયેટર પ્રોડક્શનને ભંડોળ આપવાનું શરૂ કર્યું હતું. આ નાટકોમાં ભારોભાર રાષ્ટ્રભક્તિ ઝળકતી. પોતાની મનગમતી ફિલ્મોને ભંડોળ આપવા અને તેને સબસડાઇઝ રીતે ચલાવવાનો પણ તેમાં એજન્ડા રહેતો હતો.’
છેલ્લા ઘણાં સમયથી આ દોર આપણે ત્યાં ચાલ્યો છે. રાષ્ટ્રભક્તિનો ઊભરો લાવતી ફિલ્મો, નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોરશોરથી થઈ રહ્યા છે. ઘણાં કિસ્સામાં તો યુનિવર્સિટીના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ આ એજન્ડાનો પગપેસારો થઈ ચૂક્યો છે. આવાં દાખલાઓની કોઈ કમી નથી, પણ છેલ્લામાં છેલ્લે આવું ઉદાહરણ સામે આવ્યું તે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંઘ માટે થયેલું ‘સ્કાય ફોર્સ’નું સ્ક્રિનિંગ છે.
પોપ્યૂલર કલ્ચરને લઈને પુસ્તકના લેખક કુણાલ પુરોહિત પ્રથમ પ્રકરણ ગાયિકા કવિસિંઘનું લખે છે. કવિસિંઘ ગુજરાતમાં અજાણ્યું નામ લાગે; પણ ઉત્તર ભારતમાં કવિસિંઘ જાણીતાં ગાયિકા છે અને યૂટ્યુબ ફોલોવર્સની સંખ્યા અગિયાર લાખ છે. પુસ્તકમાં કવિ સિંઘનો પરિચયની શરૂઆતમાં એક પંક્તિ ટાંકવામાં આવી છે : ‘અગર છુઆ મંદિર તો તુઝે દિખા દેંગે, તુઝકો તેરી ઔકાત બતા દેંગે’. 2019માં કવિસિંઘનું પ્રથમ ગીત રીલીઝ થયું અને તે પછી એક પછી એક અત્યાર સુધી તેમના એંસી ગીત આવી ચૂક્યા છે. તેમનો એક જ માત્ર ઉદ્દેશ્ય છે કોઈ પણ રીતે દર્શકોને રાષ્ટ્રભક્તિનો કેફ ચડાવવો. કવિસિંઘના મોટા ભાગના ગીતો હિંદુ કટ્ટરવાદના મુદ્દાને આવરે છે અને તેમને સપોર્ટ કરે છે. પુલવામાં હુમલા પછી કવિ સિંઘે એક ગીત ગાયું. આ ગીતમાં કવિસિંઘ પાકિસ્તાનના બદલે સ્થાનિક કાશ્મીરીઓને ટારગેટ કરતા ગાય છે : “દુશ્મન ઘર મેં બૈઠે હૈ, તુમ કોસતે રહો પડોસી કો, જો છૂરી બગલ મેં રખતી હૈ, તુમ માર દો ના ઉસ દોષી કો, ઇસ ધોકે કે હમલે મેં જો અપનો કા કામ નહીં હોતા, પુલવામા મેં ઉન વીરોં કા યહ અંજામ નહીં હોતા”
હવે એવુંય નથી કવિસિંઘને માત્ર ને માત્ર રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ ઊભરાયો હોય અને તેઓ ગીત ગાય છે. તેની પાછળ મસમોટો બિઝનેસ છે. પ્રોપગન્ડાનો નજીકના ગાળાના ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે જેના વિશે વાત થઈ શકે, જેમાં કોઈ એક કોમ્યુનિટીને ટારગેટ કરવામાં આવતી હોય. 1990ના અરસામાં આફ્રિકામાં થયેલાં રવાંડા જનસંહારમાં પણ બે રેડિયો સ્ટેશનની ભૂમિકા હતી. અહીંયા તુત્સી નામના મૂળનિવાસી ટારગેટ પર હતા અને તે વખતે બહુમતિ ધરાવતી હુતુઝનો અંકુશ રેડિયો ઉપર હતો. રવાંડામાં એટલી મારાકાપી થઈ કે તેમાં એંસી હજાર તુત્સી મૂળવાસી હોમાઈ ગયા. વિશ્વભરમાં ચાલી આવતા નરસંહારમાં જે-તે વિસ્તારમાં બહુમતિ ધરાવતો કોઈ ધર્મ અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા નથી દાખવતો. મ્યાનમારમાં બૌદ્ધ ધર્મીઓની વસતિ છે અને બૌદ્ધ ધર્મ અહિંસા સર્વોપરી માને છે. પરંતુ જ્યારે ત્યાં થઈ રહેલાં રોંહિગ્યા મુસ્લિમોના અત્યાચાર કોઈનાથી છૂપા રહ્યા નથી. ‘ધ સિક્રેટિવ વર્લ્ડ ઑફ હિંદુત્વ પોપ સ્ટાર્સ’ના લેખક કુણાલ મ્યાનમારનો પણ સંદર્ભ આપે છે અને તેમાં રોહિંગ્યા મુસ્લિમો સાથે થતાં અત્યાચારમાં કેવી રીતે ગીત, સંગીતે ભાગ ભજવ્યો છે તેની વાત કરે છે. અમેરિકામાં આવનારા દિવસોમાં શીખો અને હિંદુઓ વિરુદ્ધ આવું થશે તો તેમાં ભાગ્યે જ કોઈને આશ્ચર્ય થશે, કારણ કે અત્યારે આ દેશોમાં ભારતીયો ટારગેર પર છે અને કોઈક રીતે અમેરિકી સરકારનું વલણ ઇમિગ્રન્ટોની વિરુદ્ધ દેખાઈ રહ્યું છે.
ગીત-સંગીતમાં ઓકાતું ઝેરને હવે વધુ જ્વલનશીલ બનાવનારું સોશિયલ મીડિયા છે. કવિસિંઘ જેવું બીજું નામ લક્ષ્મી દુબે હિંદુસ્તાની છે. યૂટ્યુબ પર લક્ષ્મીના સબસ્ક્રાઇબરની સંખ્યા પણ સાડા ચાર લાખ વટાવી ગઈ છે. તેમનાં ગીતોમાં ધર્મ સાથે રાજકીય પ્રોપગન્ડા ભળે છે અને તેમની ગીતોની પંક્તિઓ આ રીતની હોય છે : ‘યોગી જૈસા નેતા દમદાર ચાહીએ’, ‘ફિર બીજેપી, ફિર શિવરાજ’.
જોકે અહીંયા પુસ્તકના લેખક એવું પણ કહે છે કે પોપ્યૂલર કલ્ચરમાં જે કંઈ થતું હોય તેનો હિંસા સાથે સીધોસીધો સંબંધ દર્શાવવો મુશ્કેલ છે. પણ તેમના ફોલોઅર્સની લાખોમાં સંખ્યા અને તેમના પ્લેટફોર્મ પર મૂકાતા કન્ટેન્ટથી વાત જોખમી બને છે. આવું કન્ટેન્ટ પિરસનારાઓમાં એક નામ સંદીપ દેવનું પણ અપાય છે. સંદીપ ફેસબુક પર ખૂબ એક્ટિવ છે અને સાથે સાથે તેઓ અનેક પુસ્તકોના લેખક છે. તેમના પુસ્તકોમાં ‘નિશાને પર નરેન્દ્ર મોદી : સાજિશ કી કહાની તથ્યો કી જુબાની’, ‘સ્વામી રામદેવ : એક યોગી-એક યોદ્ધા’ અને ‘રાજયોગી : ગોરખનાથ સે આદિત્યનાથ તક’. સામાન્ય રીતે અત્યાર સુધી સમાજમાં આવી બાબતની ચર્ચા વ્યાપક રીતે થતી નહોતી. પરંતુ હવે તે કરવાની થાય છે કારણ કે તેનો વ્યાપ એ રીતે પ્રસર્યો છે. કુણાલ પુરોહિતે તો અનેક કિસ્સા ટાંકીને આ વિષયને ન્યાય આપ્યો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796