પ્રશાંત દયાળ (શિવા. ભાગ-29): શિવાનીને મારા સમાચાર, પોલીસ, ગુંડાઓ સાથે કોઈ નિસ્બત નથી— તેવું હું વર્ષો સુધી માનતો રહ્યો હતો, પણ મારી જાણબહાર શિવાની (Shivani Dayal) મારી નાની નાની દરેક બાબતોમાં સામેલ હતી. જેની ખબર નહોતી. ગુજરાતના વંચિત અને પછાત વર્ગના લોકો માટે મિત્તલ પટેલ જે કંઈ કામ કરે છે, તેનાથી હવે કોઈ અજાણ્યું નથી. મિત્તલ પટેલે વિચરતી જાતિના લોકો અને ખાસ બનાસકાંઠામાં (Banaskantha) આવેલાં વાડિયા ગામમાં ખૂબ કામ કર્યું. વાડિયા (Vadiya) ગામ દેહવ્યાપાર કરનારી સ્ત્રીઓને કારણે જાણીતું છે. મિત્તલ પટેલે આ ગામની મહિલાઓ દેહવ્યાપાર છોડી સ્વમાનભેર બીજો કોઈ વ્યવસાય કરે તેના માટે ખૂબ મહેનત કરી અને પોતાનો પ્રાણ પણ રેડ્યો. ઘણી બધી સ્ત્રીઓની જિંદગીમાં બદલાવ પણ જોવા મળ્યો. જોકે ગામના પુરુષોને આ બદલાવ પસંદ નહોતો. કારણ, જો સ્ત્રીઓ દેહવ્યાપાર છોડે તો પુરુષોને કામ કરવું પડે. એટલે જ આ ગામની સ્ત્રી ગામબહાર લગ્ન કરે તે તેમને હરગિજ મંજૂર નહોતું. આમ છતાં મિત્તલ પટેલને કારણે આવી રહેલા બદલાવમાં ગામની અનેક યુવતીઓ જોડાઈ રહી હતી. જેમાં એક યુવતીએ વાડિયાની બહારના યુવક સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કારણ કે તે આ યુવકના પ્રેમમાં હતી.
વાડિયામાં દેહવ્યાપાર કરતી કોઈ યુવતીને પ્રેમ થાય અને તે લગ્ન કરવા માટે ગામ છોડી ભાગે; તેવી આ પહેલી ઘટના હતી. આ યુવતી અને યુવક લગ્ન કરવાં માટે ભાગ્યાં અને અમદાવાદ આવી ગયાં હતાં. તેમણે અમદાવાદ આવી મિત્તલનો સંપર્ક કર્યો… પણ ત્યારે જ મિત્તલને જાણકારી મળી કે, વાડિયાના લોકો આખી ઘટનાથી બહુ નારાજ થયા છે અને જીપો ભરી તેઓ અમદાવાદ તરફ આવી રહ્યા છે. જો વાડિયાના લોકોના હાથમાં યુવક અને યુવતી આવી જશે તો મારી નાખશે! તેવો પણ ડર હતો. આખી ઘટના ચિંતાજનક હતી. સવારે જ મિત્તલ પટેલનો મને ફોન આવ્યો. એણે કહ્યું, “પ્રશાંતભાઈ! આવી સ્થિતિમાં શું કરીશું? જો મારે ત્યાં રાખીશ તો મારા સરનામાની બધાને ખબર છે, તેઓ મારા સુધી આરામથી પહોંચી જશે.”
મેં થોડીક ક્ષણ વિચાર કર્યો. મને થયું કે જો આ યુવક અને યુવતી પ્રેસ કૉન્ફરન્સ કરે તો પોલીસ અને વહિવટી તંત્રનું ધ્યાન દોરી શકાય અને તંત્ર દ્વારા મદદ પણ મળે. મેં મિત્તલ પટેલને મારો વિચાર કહ્યો. મિત્તલનો પહેલો પ્રશ્ન હતો કે, પ્રેસ કૉન્ફરન્સ કરવા માટે સલામત સ્થળ કયું? કારણ કે ત્યાં જો ગામના લોકો પહોંચી જાય તો મુશ્કેલી થાય. મેં કહ્યું, “થોડોક સમય આપો. વિચાર કરીને કહું.”
મિત્તલનો ફોન ચાલતો હતો ત્યારે શિવાની મારી બાજુમાં જ હતી. ફોન પૂરો થતાં તેણે મને પુછ્યું, “શું થયું?”
મેં આખી ઘટના કહી. તેણે એક ક્ષણનો વિચાર કર્યાં વગર કહ્યું, “અરે! આ ક્યાં મોટો પ્રશ્ન છે? બોલાવી લો છોકરીને આપણાં ઘરે; પ્રેસ કૉન્ફરન્સ પણ આપણાં ઘરે જ કરો. જોઈએ, કોણ હિંમત કરે છે આપણાં ઘરમાં ઘુસવાની!”
હું તેની સામે જોઈ જ રહ્યો. એકદમ પાતળો દેહ, હું મોટેથી બોલું તો પણ તેની આંખ ભીની થઈ જાય, પણ આવા પ્રસંગે તે વાઘણ બની જતી! જે સ્ત્રીને ઘરે બોલાવવાની વાત હતી તે દેહવ્યાપાર કરનારી હતી. તેને શોધવા નીકળેલા લોકો જો ઘર સુધી પહોંચી જાય તો મુશ્કેલી પણ થાય એમ હતું. તો પણ શિવાનીએ કહ્યું, “વિચાર કરશો નહીં. મિત્તલને કહી દો, છોકરીને લઈ આપણાં ઘરે આવી જાય અને પ્રેસ કૉન્ફરન્સ આપણા ઘરે જ કરે.”
મેં તરત મિત્તલને ફોન કર્યો અને કહ્યું, “છોકરી અને છોકરાને લઈ મારાં ઘરે આવી જાવ. હું પત્રકારોને બોલાવી લઉં છું.”
પેલી છોકરી અમારા ઘરે આવી અને પ્રેસ કૉન્ફરન્સ પણ અમારાં ઘરે જ થઈ. આમ આવી વિકટ સ્થિતિમાં ખબર નહીં, એનામાં સમજ અને હિંમત ક્યાંથી આવી જતી હતી? મારી દિકરી પ્રાર્થના, જે મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની છે. તે મને કહે છે, “આઈ ભરુચ જેવાં નાનાં ટાઉનમાંથી આવી, તેનું પિયર ધર્મની બાબતમાં રૂઢીચુસ્ત, નાનાં ગામનાં પોતાના કેટલાક પ્રશ્નો હોય. જેમ કે દલિત અને મુસ્લિમ પ્રત્યેની માન્યતા, સ્ત્રીસ્વતંત્રતા માટેના નિયમો… પણ આ બધાની વચ્ચે તે અમદાવાદ આવી અને તમારી સાથે રહી. તેણે બહુ ઝડપથી સુધારાવાદી વલણ અપનાવ્યું. કદાચ સ્ત્રીઓ આટલી ઝડપથી પોતાને બદલી શકતી નથી. ખાસ કરી તેઓ દલિતો, મુસ્લિમો, સ્ત્રીઓ અને વંચિતા માટે બહુ કરુણા રાખવા લાગી હતી! તે દરેક સ્થિતિમાં પોતાને મૂકી, સામેની વ્યકિતનો પ્રશ્ન સમજવા પ્રયત્ન કરતી હતી.
2016માં અમે નવજીવન બ્લોકમાં રહેવા તો આવી ગયાં હતાં, પણ જે મૂળ પ્રશ્ન હતો, શિવાનીની તબિયત; તે માટે હવે કોઈ મોટા ડૉકટરને બતાવવું જરૂરી હતું. મારો સાથી રિપોર્ટર મેહુલ જાની મેડિકલ રિપોર્ટિંગ કરતો હતો એટલે ડૉકટરો સાથે તેને સારો પરિચય. તેણે મને સૂચન કર્યું, “ભાભીને ડૉ. તુષાર પટેલ પાસે લઈ જઈએ.”
મેહુલે સમય લઈ આપ્યો અને અમદાવાદમાં જાણીતા ફેફસાંના ડૉકટર તુષાર પટેલ પાસે શિવાનીની દવા શરૂ કરવામાં આવી. અમે દરેક મહિને તુષાર પટેલ પાસે જતાં હતાં. વચ્ચે થોડાક મહિના સારું થઈ જાય, પાછી તબિયત બગડતી હતી. શિવાનીને દવાની સાથે પંપ પણ લેવા પડતા હતા. પણ જો શ્વાસ લેવાની તકલીફ થાય તો નેબ્યુલાઇઝર પણ લેવું પડતું હતું. ઘણી વખત તો એવું થતું કે, શિવાનીની તબિયત ખરાબ થાય એટલે હું અને શિવાની ડૉ. તુષાર પટેલની હોસ્પિટલ જઈએ અને શિવાનીને જોતાં ડૉ. તુષાર પટેલ ગંભીર થઈ જતા. તેઓ સામેથી પુછતાં, “બોલો શિવાનીબહેન, કઈ દવા આપું?”
આમ શિવાનીની બીમારી આગળ વધી રહી હતી છતાં અનેક શારીરિક કષ્ટો વચ્ચે પણ તેની પાસે ખુશ રહેવાની આવડત હતી! એક વખત ડૉ. તુષાર પટેલ સૂચક વાત કહી ગયા પણ તેની ગંભીરતા મને ત્યારે સમજાઈ નહીં. ડૉ. તુષારે કહ્યું, “આપણે દવા તો કરીએ છીએ પણ તમે કોઈ બીજી રેમેડીનો પણ વિચાર કરજો. જેમ કે આયુર્વેદિક કે પછી બીજી કોઈ.”
શિવાનીને આઇસક્રીમ અને ગળ્યું ખાવાનો ખૂબ શોખ, પણ તેની સ્થિતિને કારણે જે ગમતું હતું તેની જ પાબંદી હતી. એક દિવસ તેણે ડૉકટરને ફરિયાદ કરતાં કહ્યું, “તમે મને કંઈ ખાવા દેતા નથી તો પણ મારી તબિયતમાં તો કોઈ સુધારો થતો નથી. તો પછી મને ખાવા દોને!”
ડૉ. તુષાર પટેલે કહ્યું, “સાચી વાત છે. જો આઇસ્ક્રીમ નથી ખાતાં છતાં કફ થાય તો ખાઈને તો મરી જ જઈએ! ખરુંને?”
શિવાની સહિત બધાં હસી પડતાં હતાં. શિવાનીને ખૂબ ફરવું હતું. હું, શિવાની અને બાળકો ક્યારેય પ્લેનમાં બેઠાં નહોતાં. તેવી જ રીતે મરાઠીભાષી હોવાં છતાં અમે ક્યારેય મુંબઈ જોયું નહોતું. શિવાની જ્યારે એવો સવાલ પૂછે કે, ક્યાં ફરવા જવું છે? એટલે સમજી જવાનું કે તેની તબિયત સારી છે.
મેં 2017માં ફરવા જવાનું પ્લાનિંગ કર્યું. હું, શિવાની, આકાશ અને પ્રાર્થના જીવનમાં પહેલી વખત મુંબઈ ફરવા ગયાં. 2017 સુધી ‘અમે મુંબઈ જોયું નથી.’ તેવું કહીએ તો લોકો અમારી ઉપર હસતાં હતાં. પહેલાં તો મરાઠી થઈ મુંબઈ જોયું નથી? તેવો પ્રશ્ન થતો હતો. પણ અમે કોને કહીએ કે, અમારા સંજોગો જ એવા હતા; અમે હજી મુંબઈ જોયું જ નથી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796