Monday, February 17, 2025
HomeGujaratAhmedabad… તો પ્રશાંતે લડવું જ જોઈએઃ અધધ… પગારની વાત પણ શિવાનીની હિંમતને...

… તો પ્રશાંતે લડવું જ જોઈએઃ અધધ… પગારની વાત પણ શિવાનીની હિંમતને ડગાવી ન શકી

- Advertisement -

પ્રશાંત દયાળ (શિવા. ભાગ-21): દિવ્ય ભાસ્કર સુરત એડિશનનો એડિટર પ્રણવ ગોલવલકર, જે મારો મિત્ર પણ ખરો. પણ આજે તે દિવ્ય ભાસ્કરના (Divya Bhaskar) પ્રતિનિધિ તરીકે મને સમજાવવા મારાં ઘરે રાતના બે વાગ્યે આવ્યો હતો! પ્રણવ અને હું વાત કરી રહ્યા હતા. શિવાની (Shivani Dayal) મારી બાજુમાં બેસી આખો સંવાદ સાંભળી રહી હતી. પ્રણવની દલીલ હતી કે, પહેલાં તો પગાર પંચના મુદ્દા સાથે મારે સ્નાન સૂતકનો સંબંધ નથી. બીજું, મારો પગાર પંચે નક્કી કરેલા ધોરણો કરતાં વધારે હતો અને ત્રીજો મુદ્દો એવો હતો કે, જે પત્રકારો (Journalist) માટે હું લડાઈ લડી રહ્યો છું, તે વખત આવતાં મને મૂકી નાસી જવાના છે.

મારો પક્ષ એવો હતો કે, ભલે મારે આ પ્રશ્ન સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ આપણે જે પત્રકારત્વ કરીએ છીએ; તેમાં લોકોના પ્રશ્ન સાથે પણ આપણો સીધો કોઈ સંબંધ ન હોવા છતાં આપણે લોકો માટે લડીએ છીએ. જ્યારે હમણાં જે પ્રશ્ન છે; તે તો આપણા પોતાના લોકોનો છે. તેમના માટે લડવું એ તો મારી ફરજ જ નહીં, મારી જવાબદારી પણ છે. કારણ કે ચીફ રિપોર્ટર હોવાને નાતે તેઓ મારા સાથી છે અને હું નૈતિક રીતે તેમનો નેતા પણ છું. સવાલ મારો પગાર વધારે છે; તો હું મારો પગાર ઘટાડવા તૈયાર છું. મારો પગાર ઘટાડી તમે જેમનો પગાર ઓછો છે, તેવા પત્રકારોનો પગાર વધારી દો. અને ત્રીજી વાત… જેઓ મને છોડી ભાગી જશે તેવી પ્રણવની આશંકા છે, તો જેમના માટે હું લડું છું તે પત્રકારોએ નક્કી કરવાનું છે. તેમને લડવું છે કે ભાગી જવું છે!

- Advertisement -

આમ અમારી વાત લગભગ સવારના ચાર વાગ્યા સુધી ચાલી. પ્રણવને લાગ્યુ કે, હું તેની વાત માનીશ નહીં એટલે તેણે વ્યૂહરચના બદલી. તેણે હવે ધીરે ધીરે શિવાનીને ચર્ચામાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો. છેલ્લાં બે કલાકથી શિવાની માત્ર સાંભળી રહી હતી. તે હજી સુધી એકપણ શબ્દ બોલી નહોતી. પ્રણવ ગોલવલકરે અચાનક શિવાનીને કહ્યું, “શિવાની! તને મારી વાત સાચી લાગે છેને?”

શિવાની મારી સામે માત્ર હસી. તેણે કોઈ જવાબ આપ્યો નહીં એટલે પ્રણવે શિવાનીને કહ્યું, “મને લાગે છે કે, હવે પ્રશાંતને તું જ સમજાવી શકીશ.”

પ્રણવ શિવાની તરફ જોઈ રહ્યો હતો. ટેવ પ્રમાણે શિવાનીએ થોડો વિચાર કર્યો અને પછી એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું, “હું પ્રશાંતને (Prashant Dayal) નખશીખ ઓળખું છું. તેની સાથે લગ્ન કર્યાં ત્યારથી ખબર છે, તે ખુબ જિદ્દી છે. એક વખત જે વાત પકડે તેને જલદી મુકતો નથી. એટલે એ તારી વાત માનશે નહીં અને જિદ્દ પણ છોડશે નહીં.”

- Advertisement -

પ્રણવે શિવાનીની વાત વચ્ચેથી અટકાવતાં કહ્યું, “જો એ તારી વાત માનશે નહીં, તો હું પ્રશાંતનું અપહરણ કરી તેને મારી સાથે સુરત લઈ જઈશ.”

શિવાની હસવા લાગી અને કહ્યું, “તું એને રૂમમાં પુરી રાખીશ તો પણ તે પોતાની વાત પર અડગ રહેશે.”

પ્રણવ એકમદ નારાજ થઈ ગયો. તેણે જરા નારાજગી સાથે પુછ્યું, “તને ખબર છે; આ મૂર્ખનો પગાર કેટલો છે?”

- Advertisement -

આ પ્રશ્ન સાંભળી હું થોડો મુંઝાયો. કારણ કે મેં જ્યારે પણ પગાર વધ્યો ત્યારે શિવાનીને સાચો પગાર કહ્યો નહોતો. પગાર વધારો થાય એટલે તે પૈસાની બચત કરવાની અને જિંદગીને સરળ અને ઓછી જરૂરિયાતવાળી જ રાખવી તેવું પહેલાંથી નક્કી હતું. પ્રણવનો સવાલ સાંભળી શિવાનીએ કહ્યું, “પ્રશાંતનો પગાર તો મને ખબર જ હોયને!”

હું વચ્ચે કંઈ બોલું તે પહેલાં જ શિવાનીએ કહ્યું, “પ્રશાંતનો પગાર પચાસ હજાર છે.”

આંકડો સાંભળતાં પ્રણવે આશ્ચર્ય સાથે મારી સામે જોયું. તેને ખબર પડી કે શિવાનીને મારો સાચો પગાર ખબર નથી. તેણે શિવાની સામે ઘટસ્ફોટ કરતો હોય તે રીતે પ્રશ્ન કરતાં કહ્યું, “પ્રશાંતનો પગાર પચાસ હજાર છે? તેનો પગાર સવા લાખ કરતાં પણ વધુ છે!”

પ્રણવ માની રહ્યો હતો કે આટલો મોટો પગાર સાંભળી શિવાની મને લડાઈ પડતી મુકવાની સલાહ આપશે. મને જરા પણ અંદાજ આવી રહ્યો નહોતો કે, હવે શિવાનીને જ્યારે સાચો પગાર ખબર પડી ત્યારે તેનું રિએક્શન કેવું હશે? શિવાનીએ કહ્યું, “મને કોઈ ફેર પડતો નથી. તે જે પૈસા આપે છે તેનાથી મારું ઘર બરાબર ચાલે છે. પણ જો પ્રશાંતની લડાઈથી બીજાને ફાયદો થતો હોય; તો પ્રશાંતે ચોક્કસ લડવું જોઈએ તેવું મને લાગે છે.”

હું શિવાની સામે જોતો રહ્યો. મને સમજાયું કે શિવાની કઈ માટીની સ્ત્રી છે! તેની અંદર આટલી સમજ અને જેમને અન્યાય થઈ રહ્યો છે તેમના માટે આટલી સહાનુભૂતિ ક્યાંથી આવી હશે! કારણ કે આવી તાલીમ તો મેં તેને ક્યારેય આપી જ નહોતી. પ્રણવ પણ સ્તબ્ધ હતો. પ્રણવ પોતાના બધાં પત્તા ઊતરી ગયો, પણ બાજી તેની તરફેણમાં થઈ નહીં. વહેલી સવારે પ્રણવ મારાં ઘરેથી નીકળ્યો. તેણે જતાં જતાં મને કહ્યું, “ફરી એક વખત વિચાર કરજે. તું પોતાને જ નુકસાન કરી રહ્યો છે.”

મેં કોઈ જવાબ આપ્યો નહીં. કારણ કે મેં જીવનની કોઈ ઘટનામાં ફાયદો અને નુકસાનની ગણતરી કરી જ નહોતી એટલે આ પ્રકારે વિચાર કરવાની મને ટેવ જ નહોતી. પ્રણવ મારી સાથેની મુલાકાતનો રિપોર્ટ ઑફિસમાં આપવાનો હતો. મને ખબર નહોતી કે હવે શું થવાનું છે? એક મોટું તોફાન મારી તરફ મોંઢું પહોળું કરીને ઊભું હતું. તેની હજી સુધી મને ગંધ આવી નહોતી.

ક્રમશઃ

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular