નવજીવન ન્યૂઝ, વડોદરા : પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીકથી પસાર થતાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર એક જીવલેણ અકસ્માત (Fatal accident in Panchmahal district) સર્જાતા એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટ્યા છે. અજાણ્યા વાહન સાથે કાર ટકરાતા માતા-પિતા અને પુત્રનું મોત નિપજ્યું છે. જ્યારે પુત્રી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાઈ છે. અકસ્માતની ઘટનાના પગલે વેજલપુર પોલીસ (Vejalpur Police Panchmahal) સ્થળ પર પહોંચી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત (Surat) થી કાર મારફતે પોતાના વતન મુડાવડેખ જઈ રહેલો પરિવાર જ્યારે ગોધરાના ભાટપુરા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર અકસ્માત (Mumbai-Delhi Expressway accident) માં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કરુણ ઘટનામાં માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે પરિવારની પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી છે.








