કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): બરાબર સો વર્ષ અગાઉ કર્ણાટકના બેલગામમાં (Belgaum) કૉંગ્રેસ અધિવેશન યોજાયું હતું. આ એક માત્ર એવું અધિવેશન હતું જેમાં કૉંગ્રેસના (Congress) પ્રમુખ તરીકેની જવાબદારી ગાંધીજીએ (Mahatma Gandhi) સંભાળી હતી. તે પહેલાં કે પછી ગાંધીજી પછી ક્યારેય કૉંગ્રેસના પ્રમુખ ન રહ્યા. જોકે આ અધિવેશનની વિશેષતા આટલી માત્ર નથી. આ અધિવેશનમાં સ્વરાજવાદી અને નાફેરવાદીઓનો વિવાદ ચાલી રહ્યો હતા. આજે આ શબ્દો સાવ અજાણ્યા લાગે છે; પણ તે વખતે તેની ખૂબ ચર્ચા થઈ હતી; કારણ કે કૉંગ્રેસમાં રીતસરના બે ભાગ પડી ગયા હતા. એ વખતની કૉંગ્રેસ એટલે દેશના તમામ રાજકીય મત ધરાવનારાઓનો સમૂહ; તેનું મુખ્ય ધ્યેય અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવાનું અને લોકોને સામાજિક રીતે જાગ્રત કરવાનું હતું. એ વખત વાત એમ હતી કે કૉંગ્રેસમાં જેઓ અંગ્રેજો સાથે અસહકાર કરવાની માન્યતા ધરાવતા હતા તેઓ ‘નાફેરવાદી’ જૂથમાં હતા. નાફેરવાદીઓનો આગ્રહ હતો કે અસહકારના કાર્યક્રમને વળગી રહેવું જોઈએ. નાફેરવાદીઓની આગેવાની ગાંધીજી કરી રહ્યા હતા. સ્વરાજવાદીઓ ધારાસભા એટલે વિધાનસભા-સંસદમાં અંદર રહીને અવરોધો ઊભો કરવાની વાતને વરેલા હતા. અંગ્રેજો સામે બંને જૂથોને લડત આપવી હતી, પણ તેમાં ફરક આસમાન-જમીનનો હતો. આ ઉપરાંત, બેલગામ કૉંગ્રેસ અધિવેશનને હંમેશા યાદ રાખવાનું બીજું કારણ ગાંધીજીએ તે દરમિયાન આપેલાં ભાષણો છે. આ ભાષણોમાં દેશ તરીકે ભારત કેવું હોવું જોઈએ તેની ઝલક મળે છે. આ ભાષણોની સંખ્યા દસથી વધુ છે અને તેથી બધી જ ચર્ચા અહીંયા શક્ય નથી, પણ તેનો હાર્દ જાણી શકાય – એ રીતે અહીં મૂકીએ છીએ.
ગાંધીજીના જીવનનાં એકેએક દિવસની નોંધ કરનારા ચંદુલાલ ભ. દલાલે ‘ગાંધીજીની દિનવારી- ભાગ : 2’માં ઉલ્લેખ કર્યા મુજબ 20 ડિસેમ્બર 1924ના રોજ ગાંધીજી બેલગામ પહોંચ્યા હતા અને 30 તારીખ સુધી ત્યાં જ રહ્યા હતા. અહીંયા તેમણે રોજેરોજ થતી અલગ-અલગ બેઠકોમાં ભાગ લીધો હતો. બેલગામમાં તેમનું પ્રથમ ભાષણ નાફેરવાદીઓ જૂથની સમક્ષ હતું. બીજું ભાષણ તેઓ મળેલા માનપત્રોના કાર્યક્રમ દરમિયાન કરે છે. આ ભાષણમાં તેઓ કહે છે : “ભારત મુખ્યત્વે ખેતીપ્રધાન દેશ છે એટલે આપણા શહેરો પશ્ચિમના શહેરો કરતાં નાનાં હોવાથી તેમાં પ્લેગ અને બીજી મહામારીઓ ફેલાઈ શકે તેમ જ નથી. મહામારીઓ ઈશ્વર મોકલે છે એવું લોકોને કહેતા હું સાંભળું છું ત્યારે મને દુઃખ થાય છે. હું પોતે ઈશ્વરમાં માનનારો છું. પરંતુ માનવજાતિ પર આવી પડતાં દુઃખો ઓછાં કરવા માટે માનવીના પ્રયત્નોને સારો એવો અવકાશ છે. જ્યારે આપણે પોતે જ ઈશ્વરના અથવા કુદરતના કાયદાઓ તોડતા હોઈએ ત્યારે આ રોગચાળાઓનો દોષ ઈશ્વરને માથે નાંખવો બેહૂદું છે.” આ વાત લખવાનું કારણ એટલું જ કે ભારતમાં કોરાનાની મહામારી આવી તેને 30 જાન્યુઆરીના રોજ પાંચ વર્ષ પૂરા થાય છે. એક સદી પહેલાં ગાંધીજીએ દેશના શહેરોની જે સ્થિતિ જોઈને મહામારી ન આવવાની આશા વ્યક્ત કરી હતી; તે શહેરો હવે પશ્ચિમી દેશોની માફક મસમોટા થઈને બદલાઈ ચૂક્યા છે.
26 ડિસેમ્બર 1924ના રોજ પ્રમુખ તરીકે ગાંધીજીએ આપેલું ભાષણ વિસ્તૃત છે અને તેમાં તેઓ એક ઠેકાણે હિંદુ મુસલમાનના ઝઘડા-એકતા વિશે કહે છે : “છેલ્લા બે વરસમાં બંને કોમો વચ્ચે થયેલા ઝઘડાઓની તવારીખરૂપે મોજૂદ છે. ધર્મના મનમાન્યા અનર્થો કરવામાં આવ્યા છે. ધૂળ જેવી બાબતોને મહાન ધાર્મિક આદેશોનાં રૂપ અપાયાં છે જે બધી બાબતો પેલા ધર્માંધોના કહેવા મુજબ ચાહે તે ભોગે પણ પળાવી જ જોઈએ. આર્થિક તેમ જ રાજદ્વારી કારણોનો પણ આ ઝઘડાઓ કરાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો. કોહાટના કાંડમાં આ બધાની પરિસીમા થઈ.” અહીં જે કોહાટની વાત ગાંધીજી કરી રહ્યા છે તે હવે પાકિસ્તાનમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લામાં 1924ના વર્ષ દરમિયાન થયેલા રમખાણોમાં હિંદુઓ પર હુમલા થયા હતા. આ રમખાણ અંગે ગાંધીજી જે વાત કરી રહ્યા છે તેની શીખ આજે પણ લેવા જેવી છે. તેઓ કહે છે : “કોહાટના હિંદુઓ જીવ લઈને નાઠા. કોહાટમાં ઘણી મોટી વસતી મુલસાનોની જ છે. પરદેશી રાજતંત્ર[અંગ્રેજો] હેઠળ હોઈ શકે તેટલી રાજદ્વારી સત્તા તેમને જ હાથ છે. તેમને[અંગ્રેજો] છાજે કે તેઓ હિંદુઓને બતાવી આપે કે તમે અમારી વચ્ચે પોતાને તેટલા જ સલામત ગણજો જેટલા તમે જ બધા હિંદુઓ કોહાટમાં હોત તો અમે તમારી વચ્ચે હોત. અને જ્યાં સુધી એકેએક હિંદુ નિરાશ્રિતને તેઓ કોહાટ પાછો ન લાવે ત્યાં સુધી કોહાટના મુસલમાનોએ પણ સંતોષ માનવો ન જોઈએ.” આગળ આ વાતનો છેડો જ્યાં ગાંધીજી લઈ જાય છે તે આ પ્રમાણે છે : “મોટી મુસલમાન વસ્તીઓમાં હિંદુઓ તો જ રહી શકે જો મુસલમાનો તેમને પોતાની વચ્ચે રહેવા દેવા અને મિત્ર તથા સમોવડિયા તરીકે તેમની જોડે વહેવાર રાખવા રાજી હોય. તે જ પ્રમાણે જ્યાં હિંદુ વસ્તી તેટલી જ મોટી હોય ત્યાં મુસલમાનોનું. કોઈ પણ સરકાર ચોરડાકુઓથી કોઈ કોમનું રક્ષણ કરી શકે, પણ જ્યાં એક આખી કોમ બીજી કોમનો બહિષ્કાર કરવા ઊભી થાય ત્યાં તો સ્વરાજ સરકાર પણ પ્રજાનું રક્ષણ કરી શકે નહીં.”
દેશમાં સુખશાંતિ જળવાઈ રહે તે માટે આવાં ઝઘડાઓને નિવારવા ગાંધીજી કેટલાંક સમાધાન પણ આપે છે. આ સમાધાનમાં મુખ્યત્વે બહુમતિનો આપભોગની વાત તેઓ કરે છે : “આપણાં કોમી તેમ જ ફિરકાઓને લગતાં મતદાર મંડળોને જેટલાં બની શકે તેટલાં વહેલાં નાબૂદ કરવાની આપણી નેમ હોવી જોઈએ. એક જ સર્વસાધારણ મતદાર મંડળને હાથે શુદ્ધ લાયકાતની દૃષ્ટિએ પ્રજાકીય પ્રતિનિધિઓ ચૂંટાવા જોઈએ. તે જ પ્રમાણે રાજતંત્રનાં બધાં નાનાંમોટાં ખાતાંઓ સૌથી વધુમાં વધુ લાયકાતની જ દૃષ્ટિએ નિમાયેલાં સ્ત્રીપુરુષોતી જ ગોઠવવાં જોઈએ. પણ એ દિવસ આવે અને કોમી ઈર્ષ્યા દ્વેષ તેમ જ કોમી લાગવગ ગઈ ગુજરી બની જાય ત્યાં સુધી મોટી સંખ્યાવાળી કોમો પર શકની નજરે જોનારી નાની કોમોને તેઓ રાજી થાય તે રસ્તે ચાલવા દેવી જોઈએ. આ બાબતમાં મોટી સંખ્યાવાળાએ જ આપભોગનો પાઠ શીખવવો રહ્યો છે.”
આગળ તેઓ સ્વરાજની રૂપરેખા આપે છે તેમાં અદાલતોની વાત કરતાં કહે છે તેનાથી બિલકુલ વિપરીત સ્થિતિ આજે થઈ ગઈ છે. તેઓ કહે છે : “અદાલતનો ન્યાય સોંધો કરવો અને એ દૃષ્ટિએ છેલ્લામાં છેલ્લી અપીલની અદાલત લંડનમાં નહીં પણ દિલ્હીમાં સ્થાપવી. ઘણાઘરા દીવાની દાવાઓના નિકાલ પંચ મારફત કરાવવા અ લાંચરુશ્વત અગર દેખીતા ગેરઇન્સાફના દાખલા સિવાય એવાં પંચના નિર્ણયને છેલ્લા ગણવા. વચલી અદાલતોની સંખ્યા ઘટાડી નાંખવી. અગાઉ અપાયેલા ચુકાદાઓનો આધાર ટાંકવાનો કાયદો નાબૂદ કરવો અને એકંદર ન્યાયતંત્રને હળવું કરી નાંખવું. આપણે નાહકનું જડ અને જરીપુરાણી અંગ્રેજી ન્યાયપદ્ધતિનું તુચ્છ અનુકરણ કર્યું છે.”
28 ડિસેમ્બરે ગાંધીજી એક ભાષણમાં ‘ગોરક્ષાનો અર્થ’ વિસ્તૃત રીતે કર્યો છે. તે ભાષણમાં આખરમાં કહે છે : “લાલા ધનપતરાય કરીને એક ઘેલો સરખો માણસ મને લાહોરમાં મળવા આવ્યો હતો. તેણે મને કહ્યું કે તું ગોરક્ષા ચાહતો હોય તો હિંદુઓ જે પાપ કરી રહ્યા છે તેમાંથી તેમને બચાવ. તેણે કહ્યું, કોઈ હિંદુઓ ગાય ન જ વેચે તો કતલ કોણ કરે? ઈસાઈને ગાય જ આપો તો ક્યાંથી લાવે? આની અંદર આર્થિક પ્રશ્ન રહેલો છે. આપણી ગોચરની જમીન સરકારે લઈ લીધી, એટલે ગાય દૂઝણી મટી ગઈ કે તુરત હિંદુઓ તેને વેચી મારે છે. આનો ઉપાય ધનપતરાયે મને સૂચવ્યો. તેણે કહ્યું કે એવી ગાયને વેચવાની જરૂર નથી. ગાયનો બળદની જેમ ઉપયોગ શા સારું ન કરીએ? આપણા ધર્મમાં એવું નથી કે ગાયનો ભારવાહી જાનવર તરીકે ઉપયોગ ન થાય. આપણે આપણી માતાઓ ઉપર જેટલો બોજ રાખીએ છીએ તેટલો તેમના ઉપર પણ નાખીએ. ગાયને ખોરાક ખવડાવી, તેનું પ્રાતઃકાળમાં પૂજન કરી, થોડું કામ તેમની પાસે લઈ લઈએ તો શું ખોટું?”
બેલગામનું અધિવેશનમાં આવી અનેક ચર્ચા થઈ છે. ઘણી ચર્ચા તો અહીં શબ્દમર્યાદાના કારણે ન થઈ શકી, પરંતુ તે વખતે દેશના સૌથી મોટાં રાજકીય પક્ષને ચિંધવાનું કાર્ય ગાંધીજી કરી રહ્યા હતા અને તેમાં તેઓ આવાં મુદ્દા ઉપાડીને તેમાં આખરે પ્રજાનું હિત શું છે તે જોતા-સમજતા હતા. દેશના આગેવાનો આવું વિચારશે-સમજશે ત્યારે જ આપણે દેશવાસી તરીકે સાચું ગૌરવ લઈ શકીશું.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796