Friday, April 17, 2026
HomeGujaratAhmedabadપૈસા ભરેલી બેગ લેવી તો છે, એમાં ખોટું પણ શું?: શિવાનીનો અભિપ્રાય...

પૈસા ભરેલી બેગ લેવી તો છે, એમાં ખોટું પણ શું?: શિવાનીનો અભિપ્રાય લેવાનું પ્રશાંતે નક્કી કર્યું

- Advertisement -

પ્રશાંત દયાળ (શિવા. ભાગ-14): મારી અને ભરત દેસાઈ સામે થયેલી રાજદ્રોહની ફરિયાદ તો જ પાછી ખેંચવામાં આવે એમ હતું, જો ટાઇમ્સ ઑફ ઇન્ડિયા (Times of India) મને નોકરીમાંથી રુખસદ આપે. જેના માટે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા તૈયાર નહોતું. બીજી દરખાસ્ત એવી હતી કે, મને ગુજરાત બહાર ટ્રાન્સફર આપવામાં આવે; પણ તે માટે હું તૈયાર નહોતો. મેં નોકરી છોડવાની તૈયારી બતાવી. આખરે વાત આગળ વધી નહી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ કેસ લડી લેવાનો નિર્ણય કર્યો. આખો મામલો અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પાસેથી લઈ સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો. જોકે હાઈકોર્ટે (Gujarat High Court) તપાસ ઉપર રોક લગાવી દીધી હતી.

આ ઘટના પછી અમદાવાદમાં અનેક ઘટના એક સાથે ઘટી રહી હતી. મારી એક સ્ટોરીનું હેડિંગ હતું— ‘શું ઓ. પી. માથુરના હાથમાં અમદાવાદ શહેર સલામત છે?” અમને ત્યારે ખબર નહોતી કે, અમારી શંકા આટલી જલદી સાચી પડશે! જૂન 2008માં એક સાંજે આખું અમદાવાદ ધમધમી ઉઠે છે. કારણ કે અમદાવાદના 21 વિસ્તારમાં એકસાથે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થાય છે. અમે બોમ્બ ધડાકાની સ્ટોરી કરવામાં લાગી ગયા હતા. ગુજરાતની અનેક ઘટનાઓની અસર દિલ્હીમાં થવાની હતી; તેનો કોઈને અંદાજ નહોતો.

- Advertisement -

સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટર કેસની તપાસ ગુજરાત સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાંચ પાસે હતી. સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાંચે રાજસ્થાન અને ગુજરાતના ત્રણ આઈ.પી.એસ. અધિકારીની ધરપકડ કરી લીધી હતી. ગુજરાત અને રાજસ્થાનના બે ડઝન કરતાં વધારે પોલીસ અધિકારીઓની ધરપકડ થઈ ચૂકી હતી. ગુજરાત પોલીસે જ સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ પર કહ્યું હતું કે, ગુજરાત પોલીસે બનાવટી એન્કાઉન્ટરના નામે હત્યા કરી છે. ગુજરાત સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાંચે સુપ્રીમ કોર્ટ સામે જે રિપોર્ટ સબમિટ કર્યો હતો; તેમાં સુપ્રીમ કોર્ટને ઘણા પ્રશ્ન હતા અને કોર્ટ નારાજ પણ હતી. ગુજરાત અને રાજસ્થાન પોલીસે સાથે મળી સોહરાબુદ્દીનની હત્યા કરી; તે વાત સાચી હતી, પણ હત્યાને અંજામ કેમ આપવામાં આવ્યો? તે મામલે સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાંચ ચૂપ હતી.

2010માં સુપ્રીમ કોર્ટે આ મામલે આગળની તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો નિર્ણય કર્યો. સી.બી.આઈ.ની ટીમો ગુજરાત આવી ગઈ. આઈ.જી.પી. કંદાસ્વામી અને એસ.પી. અમિતાભ ઠાકુર પણ આવ્યા હતા. તેમણે મારો સંપંર્ક કર્યો. કારણ કે વર્ષો સુધી આ વિષય પર એકધાર્યું રિપોર્ટિંગ કરનાર હું એક જ ગુજરાતી પત્રકાર હતો. સી.બી.આઈ. ઉપર સતત ગુજરાત આઈ.બી.ની નજર રહેતી. જેના કારણે હું સી.બી.આઈ.ના અધિકારીઓને મળું છું; તેવું સરકાર અને ખાસ કરી અમિત શાહને ખબર હતી. જેથી તેમની નારાજગીમાં પણ વધારો થયો હતો.

સી.બી.આઈ.નો પોતાનો પણ એક પોલિટિકલ એજન્ડા હતો. તેની મને બહુ મોડેથી ખબર પડી. સી.બી.આઈ.ને પણ સત્ય સુધી પહોંચવા કરતાં દિલ્હીમાં બેઠેલા પોતાના આકાઓને ખુશ કરવામાં વધુ રસ હતો. એ સમયે દિલ્હીમાં યુ.પી.એ.ની સરકાર હતી. તપાસની દીશા અમિત શાહ તરફ જઈ રહી હતી. અમિત શાહને તેનો અંદાજ આવી ગયો હતો. પોતે ગૃહમંત્રી હોવા છતાં તે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. સી.બી.આઈ. દ્વારા તેમને સમન્સ મોકલામાં આવ્યું. અમિત શાહના નજીકના માણસ ગણાતા આઈ.પી.એસ. અધિકારી અભય ચુડાસમાની ધરપકડ કરી લેવામાં આવી હતી. અમિત શાહના સહકારી સાથી અજય પટેલ અને યશપાલ ચુડાસમાને પણ આરોપી બનાવી દેવામાં આવ્યા હતા.

- Advertisement -

થોડા દિવસ સુધી ભૂગર્ભમાં રહ્યા પછી અમિત શાહે સી.બી.આઈ. સમક્ષ હાજર થવાનો નિર્ણય કર્યો. સી.બી.આઈ. સમક્ષ જતા પહેલાં તે અમદાવાદનાં ખાનપુરમાં આવેલાં ભાજપ કાર્યાલાય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા. તેમનો બચાવ હતો કે, રાજકીય કારણોસર તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એ પ્રેસ કોન્ફરન્સમાં હું પણ હાજર હતો. મેં અમિત શાહને એક સવાલ પુછ્યો ને તે એકદમ ઊભા થઈ ગયા. તેમણે મને ગુસ્સે થઈને કહ્યું, “પ્રશાંતભાઈ! તમે સી.બી.આઈ. જોઇન કરી લો.”

આ રીતે જાહેરમાં પહેલી વખત તેમણે મારી સામે ગુસ્સો વ્યકત કર્યો હતો. હું પણ એક સાથે અનેક મોરચે લડી રહ્યો હતો. ઘરે મારી આઈની કૅન્સરની સારવાર ચાલી રહી હતી. એક તરફ સારવાર માટેની દોડધામ હતી, બીજી તરફ મારા પગારનો મોટો હિસ્સો ખાનગી દવાખાનામાં ખર્ચાઈ જતો હતો. પણ મારી આઈ મારી જ જવાબદારી હતી. તેનાથી પાછા હટવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.

2010ની એક સાંજ હતી. મને એક પોલીસ અધિકારીનો ફોન આવ્યો. તેમણે મને પુછ્યું, “ક્યાં છો?”

- Advertisement -

મેં કહ્યું, “ઑફિસમાં.”

તેમણે પુછ્યું, “મળી શકીએ?”

મેં કહ્યું, “ક્યાં?”

તેમણે કહ્યું, “તમારી ઑફિસ નીચે આવું થોડીવારમાં.”

મેં એમને હા પાડી. થોડીવાર પછી એ પોલીસ અધિકારી મારી ઑફિસ નીચે આવ્યા. તે પોતાની કારમાં જ બેઠા હતા. મને જોતાં તેમણે ડાબી તરફનો દરવાજો ખોલ્યો. હું તેમની બાજુની સીટમાં ગોઠવાઈ ગયો. આ અધિકારી પ્રત્યે કોઈપણ કારણ વગર મને લાગણી થતી હતી; મને લાગતું કે ભલો માણસ છે. આ પોલીસ અધિકારીને એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી સાથે પણ એટલો જ ઘરોબો હતો. પહેલાં થોડી ઔપચારિક વાત કર્યા પછી મુદ્દાની વાત પર આવતાં તેમણે કહ્યું, “હમણાં સુધી તમારે જે કરવું હતું તે તમે કર્યું.”

મેં પુછ્યું, “શું કર્યું?”

તેમણે ખુલાસો કરતાં કહ્યું, “જુઓ, હું તમારા રિપોર્ટિંગની વાત કરું છું. તમે એન્કાઉન્ટરનું રિપોર્ટિંગ કર્યું અને અધિકારીઓ સહિત નેતાઓ પણ જેલમાં ગયા.”

હું સાંભળી રહ્યો હતો. અમારી વચ્ચે એકદમ સંવાદ બંધ થયો. મેં થોડો વિચાર કરીને કહ્યું, “જુઓ, કોણ જેલમાં જશે? તેના આધારે મેં રિપોર્ટિંગ કર્યું નહોતું. મેં મારું કામ જ કર્યું છે.”

તેમણે કહ્યું, “ના… ના… તમે તમારું કામ જ કર્યું છે, પણ હવે એક વિનંતી છે.”

હું જોઈ જ રહ્યો. તેમણે કહ્યું, “જુઓ, મોટા, સિનિયર અધિકારીઓ જેલમાં તો જતા જ રહ્યા છે. હવે તમે તમારું રિપોર્ટિંગ બંધ કરો તેવી વિનંતી છે.”

મેં અધિકારીની આંખમાં જોયું એટલે તેમણે કહ્યું, “બંધ કરો તેવું પણ કહેવું નથી. બસ, થોડું માઇલ્ડ કરો.”

હું કંઈ જ બોલ્યો નહીં.

તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, “પાછળ જુઓ.”

મેં કારની પાછળની સીટમાં જોયું. ત્યાં એક પ્લાસ્ટિકની બેગ પડી હતી. મેં ત્યાંથી નજર હટાવી ફરી પેલા અધિકારી સામે જોયું. તેમણે કહ્યું, “તેમાં પૈસા છે. એ લઈ લો. બસ, થોડા માઇલ્ડ થાવ; એટલી જ વિનંતી છે.”

એકસાથે મનમાં અનેક વિચાર દોડી આવ્યા. ઘરની સ્થિતિ, આઈની મોંઘી સારવાર અને આ પોલીસ અધિકારી કહી રહ્યા હતા તેમ— જેમને જેલમાં જવાનું હતું તે બધા જેલમાં તો જતાં જ રહ્યા હતા. હવે આ પોઇન્ટ ઉપર હું માઇલ્ડ થઈ જાઉં તો કોને ખબર પડવાની હતી? પૈસાની જરૂર ખૂબ હતી, પણ મનમાં એક કચવાટ પણ હતો કે, હું બરાબર નથી કરી રહ્યો!

જ્યારે આપણું મન આપણને કોઈ બાબતની ના પાડે ત્યારે આપણી ઇચ્છા એવી હોય કે, કોઈ આપણને તે કરવાની હા પાડે. મારી એક ફરિયાદ હંમેશાં રહેતી કે, શિવાની મારી સ્ટોરી ક્યારેય વાંચતી નથી. એટલે મેં મનોમન નક્કી કર્યું કે, આ પૈસા તો લેવા જ છે. પણ પૈસા લેતાં પહેલાં શિવાની (Shivani Dayal) સાથે વાત કરી લઈશ અને શિવાનીને સમજાવી દઈશ કે, આમાં ખોટું કંઈ નથી. મારા ખોટા નિર્ણયને કોઈ જસ્ટિફાય કરે તેવું હું ઈચ્છતો હતો. મેં પેલા પોલીસ અધિકારીને કહ્યું, “મને એક દિવસ આપો. આવતીકાલે આપણે ફરી મળીશું.”

એ પછી અમે છૂટા પડ્યા. રાતે હું ઘરે ગયો અને શિવાનીએ થાળી પીરસી. જમતાં જમતાં મેં એને કહ્યું, “મને ખબર છે… આઈની બીમારીને કારણે હમણાં ઘણો ખર્ચ થાય છે. તને તકલીફ પણ પડે છે.”

શિવાની મારી સામે જોઈ રહી હતી. કારણ કે આ તબક્કે હું આ વાત કેમ કરી રહ્યો છું? એની તેને ખબર પડી રહી નહોતી.

ક્રમશઃ

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular