Monday, June 22, 2026
HomeGujaratબસ બધું લૂંટી જ લેવું છેઃ પંચમહાલમાં 3 કરોડનું શિક્ષણ કૌભાંડ: સમગ્ર...

બસ બધું લૂંટી જ લેવું છેઃ પંચમહાલમાં 3 કરોડનું શિક્ષણ કૌભાંડ: સમગ્ર શિક્ષા અભિયાનમાં ગોટાળો, 6 સામે ગુનો નોંધાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પંચમહાલઃ પંચમહાલ જિલ્લામાં સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ઉચાપતનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાગળ પર સાધનોની ખરીદી બતાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરીને અંદાજે ₹2,79,59,816ની ઉચાપત કરવામાં આવી છે. આ મામલે બે કરાર આધારિત કર્મચારીઓ અને ચાર ખાનગી એજન્સીઓ સામે ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આમ જ્યાં ત્યાં બસ કૌભાંડો, કટકીઓ, ટકાવારીઓ, ભ્રષ્ટાચાર વગર તો કામ નહીં જાણે કે બધું લૂંટી જેવા જ બેઠા હોય તેવું તંત્ર ઠેરઠેર ચાલી રહ્યું છે.

આ કૌભાંડ વર્ષ 2024થી 2026 દરમિયાન પંચમહાલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની કચેરી, સમગ્ર શિક્ષા, જિલ્લા પંચાયત ગોધરા ખાતે આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. કચેરીના હિસાબી અધિકારી (વર્ગ-2) રણજીતસિંહ રાઠોડ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કરાર આધારિત કર્મચારીઓ પૂજનકુમાર રમેશચંદ્ર જોષી અને નિતિનકુમાર જયંતીભાઈ પટેલે સરકારી ખરીદીની નિયમિત પ્રક્રિયા વગર બનાવટી બિલો તૈયાર કર્યા હતા. આ બિલોને સાચા તરીકે રજૂ કરીને સરકારી ગ્રાન્ટમાંથી નાણાં ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાઓમાં સાધનો પૂરા પાડ્યા વગર જ આર્થિક લાભ મેળવવા માટે બદઈરાદાપૂર્વક કાવતરું રચવામાં આવ્યું હતું. આ ગોટાળામાં કુલ ₹2,79,59,816ની ઉચાપત કરવામાં આવી છે. એજન્સીઓએ કોઈ પણ સાધનો પૂરા પાડ્યા વગર માત્ર કાગળ પર વ્યવહાર બતાવી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

આ મામલે ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસે કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં પૂજનકુમાર જોષી અને નિતિનકુમાર પટેલ ઉપરાંત ગોધરાની જે.એસ. કોમ્પ્યુટર એજન્સી તેમજ રાજકોટ સ્થિત શ્રી રામ એન્ટરપ્રાઈઝ, વેદીકા એન્ટરપ્રાઈઝ અને અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સના સંચાલકોનો સમાવેશ થાય છે.

- Advertisement -

આરોપીઓ સામેના મુખ્ય આરોપોમાં ખોટા બિલો બનાવી સરકારી નાણાંની ઉચાપત કરવી, સાધનો આપ્યા વગર જ એજન્સીઓને પેમેન્ટ કરવી, ચેક રજિસ્ટરમાં છેડછાડ કરીને ખોટી એન્ટ્રીઓ કરવી અને કુલ ₹2.79 કરોડથી વધુની રકમની ગેરવહીવટ કરીને ગુનાહિત કાવતરું રચવાનો સમાવેશ થાય છે.

પોલીસે આ મામલે બી.એન.એસ.એસ.ની કલમ 316(5), 336(3), 338, 340(2) અને 61(2)(એ) હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય મોટા લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બનાવટી સહીઓ કરીને બિલો પાસ કર્યા હતા. વાઉચર અને બિલોની તપાસથી ભાંડો ફૂટે તે ભીતિથી તેઓ અધિકારી રજા પર હોય ત્યારે ખોટી સહીઓ કરીને દસ્તાવેજો તૈયાર કરતા હતા.

- Advertisement -

આ ઉપરાંત, પૂજન જોષીની બદલી થયા બાદ પણ લગભગ ₹29 લાખ જેટલી સરકારી ગ્રાન્ટની રકમ ઓનલાઇન ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર ગોટાળામાં શાળાઓ માટે કમ્પ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસ માટેના સ્માર્ટ બોર્ડ અને ફાયર સેફ્ટી સાધનોની ખરીદીના નામે બોગસ બિલો રજૂ કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આ કૌભાંડમાં વધુ સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular