પ્રશાંત દયાળ (શિવા. ભાગ-15): મને સમજાઈ રહ્યું હતું કે હું જીવનના એક એવા ત્રિભેટે ઊભો છું, જ્યાં મારી પ્રમાણિકતાની કિંમત હવે મારો પરિવાર ચૂકવી રહ્યો છે! શિવાનીએ (Shivani Dayal) ક્યારેય મને એવું કહ્યું નથી કે, તમે જે પૈસા આપો છો; તેમાં તો ઘર કેવી રીતે ચાલે? ક્યારેય તેણે કોઈ મોજશોખની માગણી કરી નહોતી. બીજી તરફ મારી આઈ કૅન્સર સામે લડી રહી હતી. તે નિવૃત્ત સરકારી કર્મચારી હતી. જો સરકારી હૉસ્પિટલમાં લઈ જાઉં તો સારવાર તો મફત થવાની હતી; પણ સરકારી હૉસ્પિટલની સારવાર ખાનગી કરતાં સારી હોવા છતાં ત્યાંના સ્ટાફનો રૂક્ષ વ્યવહાર અને ભીડ વચ્ચે મારી આઈ ડરી જશે તેવું મને લાગતું હતું. જેથી તેની સારવાર હું ખાનગી દવાખાનામાં કરાવતો હતો.
અમે જ્યારે પણ હૉસ્પિટલ જઈએ, ત્યારે એ મને પુછતી, મુન્ના! કેટલા પૈસા થયા? ત્યારે હું કહેતો, તારે શું કામ છે? એ કહેતી, મને ખબર છે; તારે ખૂબ ખર્ચ થાય છે. આ સ્થિતિમાં મારી પાસે એક પોલીસ અધિકારી પૈસા લઈને આવે છે. શરત એટલી જ હતી કે, હવે મારે એન્કાઉન્ટર કેસમાં અગ્રેસિવ રિપોર્ટિંગ નથી કરવાનું. હું માનસિક રીતે તો પૈસા લેવા તૈયાર જ હતો. એટલે જ મેં શિવાની તરફ મારી દરખાસ્તનો બોલ ફેંક્યો હતો. કારણ કે શિવાની મારી આર્થિક સ્થિતિથી વાકેફ હતી. મને પાક્કી ખાતરી હતી કે શિવાની મને કહેશે, કંઈ વાંધો નહીં.
મેં જમતાં જમતાં પોલીસ અધિકારી તરફથી આવેલી દરખાસ્તની વાત શિવાનીને કરી. એ થોડી વાર મારી સામે જોઈ જ રહી. મને પાક્કી ખાતરી હતી કે, તે ક્યારેય અખબાર વાંચતી નથી એટલે તે મારી ઇચ્છા પ્રમાણેનો જ જવાબ આપશે. તેણે મને વિચાર કરી પુછ્યું, “તમે સોહરાબુદ્દીન કેસની વાત કરો છોને?”
મેં કહ્યું, “હા.”
તરત તેણે કહ્યું, “જેમાં તેની પત્ની ઉપર બળાત્કાર થયો અને પછી તેને મારીને સળગાવી દેવામાં આવી; તેવી વાત બહાર આવી હતી. એ જ કેસની તમે વાત કરો છો?”
મને થયું, શિવાની અખબાર વાંચતી નથી; તેવું હું માનતો હતો. પણ તેને તો કેસની બધી વિગત ખબર હતી! મેં હા પાડી. તરત તેનો ચહેરો ગંભીર થયો. તેણે એક ક્ષણ વિચાર કરી મને પુછ્યું, “આવતીકાલે મારા ઉપર બળાત્કાર થાય અને મને પણ કોઈ મારી સળગાવી નાખે તો તમે તેની પાસેથી પણ પૈસા લઈ લેશોને?”
હું સ્તબ્ધ થઈ ગયો. હું કંઈ જ જવાબ આપી શક્યો નહીં. તેણે મને કહ્યું, “જો તમે મારી સાથે આ પ્રકારનું હીન કામ કરનાર પાસેથી પૈસા લઈ શકતા હોવ; તો પૈસા લઈ લેજો.”
હું અવાક્ થઈ ગયો. પછી શિવાનીએ એકદમ શાંતિથી કહ્યું, “આપણને પૈસાની તકલીફ છે તેની ના નથી, પણ કોઈ સ્ત્રીનાં મૃત્યુ બાદ, જે સ્ત્રીને આજે પણ ન્યાય નથી મળ્યો, તેના પૈસા લઈએ તો કુદરત આપણને ક્યારેય માફ ન કરે.”
શિવાનીએ જે કહ્યું, તે પછી મારી પાસે કોઈ શબ્દો જ નહોતા. મારી પાસે દરખાસ્ત લઈ આવેલા અધિકારી બીજા દિવસે ફરી મને મળવા આવ્યા. શિવાનીએ જે વાત કરી હતી, એ મેં તેમને કહી. ત્યારે તેમણે કહ્યું, “તમારી વાત એકદમ સાચી છે. તમારે આ પૈસાને ન જ અડવું જોઈએ.”
આ રીતે મારા જીવનનો એક મોટો નિર્ણય લેવામાં શિવાની કારણ બની હતી. ખબર નહીં, શિવાની પાસે આટલી સાદી અને સરળ સમજ ક્યાંથી આવી હશે! મને લાગે છે, જ્યાં સુધી ઘરની સ્ત્રી પતિને અપ્રમાણિક થવાની છૂટ આપતી નથી, ત્યાં સુધી કોઈ પુરુષ અપ્રમાણિક થઈ શકતો નથી.
મેં પૈસા લેવાની ના પાડી. મારું અગ્રેસિવ રિપોર્ટિંગ યથાવત્ હતું. જેલમાં જનારા અધિકારીઓ માની રહ્યા હતા કે, મારી સ્ટોરી તેમને જેલ સુધી લઈ ગઈ છે. પણ હું માની રહ્યો હતો કે, સ્ત્રી હત્યાનું પાપ તેમને ત્યાં સુધી લઈ ગયું છે. સોહરાબુદ્દીન (Sohrabuddin Sheikh) તો ગુંડો પણ હતો; પણ તેની પત્ની કૌસરનો તો કોઈ ગુનો જ નહોતો! તેની પણ હત્યા કરી દેવામાં આવી હતી. મારાં રિપોર્ટિંગને કારણે પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓનું નારાજ થવું સ્વભાવિક ઘટના હતી.
આ દરમિયાન મને એક એવી જાણકારી મળી, જે સાંભળી હું ધ્રૂજી ગયો! આમ તો મને અનેક વખત ધમકીઓ મળી ચૂકી હતી. એટલે બીજા કોઈ કરતાં ધમકી સહન કરવાની ક્ષમતા મારી અંદર વધારે હતી; પણ આ વખતે ધમકી નહોતી. મારી પાસે ઠોસ જાણકારી હતી કે, મારો કાંટો કાઢી નાખવાનું નક્કી થયું છે. તેના માટે પોરબંદરના (Porbandar) એક કુખ્યાતને કામ સોંપવામાં આવ્યું છે. આખો પ્લાન એ પ્રકારનો હતો કે, મારી હત્યા એક રોડ અકસ્માત હોય તેવું જ બધાને લાગે. તે પ્રકારનો પ્લાન ઘડાઈ ચૂક્યો હતો.
હું ચિંતામાં પડી ગયો. કારણ કે મને મળેલી માહિતી બહુ મજબૂત હતી. ઘરની સ્થિતિ મારી નજર સામે હતી. આઈને કૅન્સર હતું, આકાશ 14 વર્ષનો અને પ્રાર્થના નવ વર્ષની હતી. શિવાની બહાદુર હતી, પણ મારી ગેરહાજરીમાં તે કઈ રીતે આખી ઘટનાનો સામનો કરશે? તે એકલી કેવી રીતે બાળકોને મોટાં કરશે? તેવા અનેક પ્રશ્નો હતા. આ માહિતીએ મને બેચેન બનાવી દીધો હતો. હું રાતે ઘરે આવ્યો, પણ મોડી રાત સુધી પડખા ફેરવી રહ્યો હતો. મને કંઈ સમજ પડી રહી નહોતી. જો મને ધમકી મળી હોત; તો હું પોલીસ ફરિયાદ પણ કરતો. પણ મને તો ધમકી પણ મળી નહોતી! માત્ર મારી પાસે આવી માહિતી છે; તેના આધારે મને કોણ મદદ કરે? સતત વિચારોને કારણે મોડી રાત સુધી મને ઊંઘ આવી રહી નહોતી. રાતના બે વાગી રહ્યા હતા.
મારી પાસે રહેલી શિવાનીએ મારો હાથ પકડ્યો અને ધીમા અવાજે પુછ્યું, “શું થયું? કેમ ઊંઘ આવતી નથી?”
મને થયું, શિવાનીને કહું કે નહીં? જો હું શિવાનીને કહીશ કે, તારા પ્રશાંતનું મર્ડર પ્લાન થયું છે; તો એ ડરી જશે! મેં કંઈ કહ્યુ નહીં. બાળકો પોતાના રૂમમાં સૂઈ રહ્યાં હતાં. તેણે બેડ પાસે રહેલી લાઇટની સ્વિચ ઑન કરી અને પથારીમાં બેઠી થઈ. તે મારી આંખોમાં જાણવાનો પ્રયત્ન કરી રહી હતી કે, શું મામલો છે? હજી મનમાં અવઢવ હતી કે, શિવાનીને વાત કરું કે નહીં? બીજી તરફ એવો પણ ડર હતો કે, મને કંઈ થાય તો ખરેખર શું બન્યું છે? તેની કોઈને ખબર જ નહીં પડે. મેં થોડો વિચાર કર્યો. મને લાગ્યું કે, આખરે શિવાનીને તો ખબર હોવી જ જોઈએ કે, સત્ય શું છે?
મેં તેને એક પછી એક ઘટનાઓ કહેવાની શરૂઆત કરી. તે ધ્યાનથી મને સાંભળી રહી હતી. હું તેને કહી રહ્યો હતો કે, મારું મર્ડર પ્લાન થયું છે. મેં જોયું, તેના ચહેરાના હાવભાવમાં કોઈ ફેર પડી રહ્યો નહોતો. તે મારી વાત એકદમ સ્વસ્થતાથી સાંભળી રહી હતી. રાતના બે વાગ્યે પણ તેના ચહેરા પર એક પ્રકારની નીરાંત હતી. મેં આખી વાત તેની સામે મૂકી દીધી. તેણે થોડો વિચાર કરી મને પુછ્યું, “તમે જે પ્રકારનું રિપોર્ટિંગ કરો છો; તેના કારણે જ તે લોકો તમને મારી નાખવા માગે છે?”
મે કહ્યું, “હા.”
તેણે મારો હાથ પકડ્યો અને પુછ્યું, “હું એક વાત પુછું?”
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








