નવજીવન ન્યૂઝ નેટવર્ક.જબલપુરઃ મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લામાં થયેલી ક્રૂઝ દુર્ઘટનાએ અનેક પરિવારોને ક્યારેય ન ભૂલાય એવું દુઃખ આપ્યું છે. પાણીના વિશાળ જળાશયમાં ચાલી રહેલા ક્રૂઝ પર સવાર લોકોને અચાનક બનેલી દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની ભયાનકતા એક તસવીર દ્વારા સ્પષ્ટ થઈ છે, જેમાં 4 વર્ષનો બાળક પોતાની માતાના છાતી સાથે ચોંટેલો જોવા મળે છે. આ તસવીરથી સહુના હૃદય દ્રવી ઉઠ્યા હતા. સહુ એ ક્ષણ વિશે વિચારવા લાગ્યા હતા કે કેવી ક્ષણ હશે જ્યારે સંતાનને બચાવવા અને પોતે બચવા એ માતા ઝઝૂમતી હશે.
મળતી માહિતી મુજબ, દુર્ઘટના પહેલા માતા અને બાળક અન્ય મુસાફરો સાથે બર્ગી ડેમ વિસ્તારમાં ક્રૂઝ પર આનંદ માણી રહ્યા હતા. પરંતુ અચાનક બનેલી ઘટનાએ આ ખુશીને શોકમાં ફેરવી દીધી. આ દુર્ઘટનામાં દિલ્હીની એક મહિલા અને તેના 4 વર્ષના બાળકનું મોત થયું છે.
શુક્રવાર સવારે બચાવ કામગીરી દરમિયાન બચાવ દળને માતા અને બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેના શરીર એકબીજા સાથે ચોંટેલા હાલતમાં હતા. આ દૃશ્ય પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માતાએ અંતિમ ક્ષણ સુધી પોતાના બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના જીવ બચી શક્યા નહોતા.
માહિતી અનુસાર, આ પરિવાર દિલ્હીથી પિકનિક માટે આવ્યો હતો. પરિવારમા પતિ, પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. દુર્ઘટના સમયે પિતા અને પુત્રી કોઈ રીતે બચી ગયા હતા, જ્યારે માતા અને પુત્ર ક્રૂઝની અંદર જ ફસાઈ ગયા હતા.








