Monday, September 7, 2026
HomeGujaratજહાજી નુર પાંચ વર્ષની નવી ઉંચાઈએ: પેસિફિક ચક્રવાત નુરબજારની તેજીને ભડકાવશે

જહાજી નુર પાંચ વર્ષની નવી ઉંચાઈએ: પેસિફિક ચક્રવાત નુરબજારની તેજીને ભડકાવશે

- Advertisement -
  • આખી દુનિયાનાં કોમોડીટી બજારમાં આવેલો તેજીનો રેલો માલવાહક જહાજી નુરબજારમાં આવી લાગ્યો
  • આયર્ન ઓર નિકાસ માટેની કેપ્સાઈઝ જહાજો મેળવવા નુરબજારમાં સ્પર્ધા જામી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): આખી દુનિયાનાં કોમોડીટી બજારમાં આવેલો તેજીનો રેલો, જથ્થાબંધ માલવાહક જહાજી નુરબજારમાં પણ આવી લાગ્યો. અનાજ, કોલસો અને આયર્ન ઓર જેવી બલ્ક કોમોડીટીનું મોંઘુ આંતરિક પરિવહન, આખરે જહાજ માલિકોના ખીસામાં મોટા નફા તરીકે જમા થવા લાગ્યું છે. જગતના તમામ મહત્વના દરિયાઈ માર્ગો પર જહાજી નુર આસમાને ગયા છે. હવામાનની અસ્તવ્યસ્તા, લાંબા જહાજી માર્ગો પર નૂરની વધુ માંગ, જેવા કારણોએ પણ આ તેજીમાં ઉમ્બાડીયા કર્યા છે. જહાજી બલ્ક નૂરનો બેન્ચમાર્ક બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ શુક્રવારે ૪ સપ્ટેમ્બરે ઉછળીને ઓક્ટોબર ૨૦૨૧ પછીની નવી ઉંચાઈએ ૩૬૨૮ પોઈન્ટ મુકાયો હતો. આ ઇન્ડેક્સ છેલ્લા એક સપ્તાહમાં ૧૩.૯ ટકા, એક મહિનામાં ૧૮.૪૫ ટકા અને વર્તમાન વર્ષના આરંભથી અત્યાર સુધીમાં ૭૭ ટકા વધ્યો હતો.

૧.૫ લાખ ટન માલનું વહન કરતા કેપ્સાઈઝ જહાજનો ઇન્ડેક્સ ૬.૪ ટકા વધીને ૬૪૨૭ પોઈન્ટ મુકાયો હતો. શુક્રવારે સુપ્રામેક્સ ઇન્ડેક્સ વધીને ૧૬૭૫ પોઈન્ટ, જ્યારે પનામેક્સ ૦.૪ ટકા ઘટીને ૨૪૪૮ પોઈન્ય રહ્યો હતો. પેસિફિક મહાસાગરમાં ઉદભવેલા ઉનાળુ વાવાઝોડાએ મેરીટાઈમ ઓપરેટરોને દુવિધામાં મૂકી દીધા હતા. કેટલાંક જહાજ માલિકોએ તેમના જહાજનું નિકાસકારો માટેનું અસરકારક ટનેજ (માલ વહન કરવાની ક્ષમતા) ઘટાડી નાખ્યું હતું. સાથેજ જહાજો ગંતવ્યસ્થાને મોડા પહોચ્યા હતા. ઓસ્ટ્રેલીયન આયર્ન ઓર ખાણોમાં વાર્ષિક સારસંભાળ કાર્યક્રમ પૂર્ણ થતા, માલના થપ્પા લાગવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલીયાના ગુઈન્સ જેવી ધરખમ ખાણોમાંથી કાચામાલનો પ્રવાહ વેગવાન બનતા, જહાજી કાર્યક્રમો અસ્તવ્યસ્ત થયા હતા.

- Advertisement -

કેટલાંક શીપ બ્રોકર એનાલીસ્ટોએ ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે ઇન્ડેક્સ ટેકનીકલ બ્રેકાઉટ નજીક પહોચી ગયો છે ત્યારે, જહાજી નુરબજારમાં તેજીનો જબ્બર વંટોળ સર્જાયો છે. એક તરફ બજારમાં જહાજોની ઉપલબ્ધી ઘટી છે, બીજી તરફ તમામ જહાજવાડામાં નૂરની માંગ સતત વધવા લાગી છે. ભૂ-રાજકીય અથડામણોને પગલે દુર દરિયાઈ માર્ગો રુંધાયા છે, ત્યારે લાંબાઅંતરના માર્ગો પર કોલસો અને આયર્ન ઓર વહન માટે જહાજોની માગ સખ્ત બની છે. નિકાસકારોને તેમની ડીલીવરીઓ નીપટાવવાની ઉતાવળ છે, બરાબર એ જ સમયે ખાસ કરીને કેપ્સાઈઝ જહાજોની ઉપબ્ધી ઘટી ગઈ છે.

પેસિફિક અને એટલાન્ટીક માર્ગો પર વાવાઝોડાનું પ્રમાણ વધવાથી, આયર્ન ઓર નિકાસ માટેની કેપ્સાઈઝ જહાજો મેળવવા નુરબજારમાં સ્પર્ધા જામી છે. પેસિફિકના જહાજવાડાઓ એક તરફ માલ ભરાવો અને બીજી તરફ જહાજો નહિ મળતા પોર્ટ ઓપરેટરોની મુશ્કેલીમાં વધારો થયો છે. જહાજી નુર વધવા સાથે ડ્રાય બલ્ક કેરિયર કંપનીઓના શેર ભાવ પણ વધી ગયા હતા. આટલુંજ નહી ઓઈલ ટેન્કર ઓપરેટરોને મળતા નફા કરતા મોટો નફો, અત્યારે બલ્ક કેરિયરને મળવા લાગ્યો છે. ડ્રાય બલ્ક શીપીંગ રિસર્ચર વિલાસન વિરાવાન કહે છે કે ચક્રવાતી પવનો આગામી દિવસોમાં ખાસ કરીને પેસિફિક મહાસાગરમાં વધુ પ્રવૃત થવાને કારણે, ચોથા ત્રિમાસિકમાં જહાજી નુર આસમાને જવાની સંભાવના વધી ગઈ છે. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે આવા ચ્ક્ર્વાતોને લીધે એક તરફ જહાજોની ઉપલબ્ધી ઘટશે, બીજી તરફ તેની ઉપલબ્ધી ઘટતા, અસરકારક નુર ટનેજ વધુ ચુકવવાની તૈયારી રાખવી પડશે. કેપ્સાઈઝ જહાજોને તો અત્યારથીજ લાંબાગાળાના નુર વધુ ઓફર થવા લાગ્યા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular