Monday, September 7, 2026
HomeGujaratSurat : રિલાયન્સ કંપનીની બહાર નીકળેલી પ્લાસ્ટીકના દાણા ભરેલી ટ્રક લૂંટી ચાલકની...

Surat : રિલાયન્સ કંપનીની બહાર નીકળેલી પ્લાસ્ટીકના દાણા ભરેલી ટ્રક લૂંટી ચાલકની હત્યા કરનારો આરોપી 12 વર્ષે સુરત PCB ના હાથે ઝડપાયો

- Advertisement -

Surat PCB team arrests absconding accused in robbery with murder case : વર્ષ 2014માં સુરતના હજીરા ખાતે રિલાયન્સ કંપનીના (Reliance Industries Limited) ગેટ પાસેથી 19.93 લાખની કિંમતના પ્લાસ્ટીકના દાણા ભરેલી ટ્રકની લૂંટ ચલાવી પરપ્રાંતીય ટોળકીએ ચાલકની હત્યા કરી નાંખી હતી. લૂંટ વીથ મર્ડરના આ કેસમાં છેલ્લાં 12 વર્ષથી હજીરા પોલીસ (Hazira Police) ના ચોપડે ફરાર આરોપી વિરેશ શર્માને સુરત પ્રિવેન્શન ઑફ ક્રાઈમ બ્રાંચની ટીમે (Surat PCB Team) મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. સુરત શહેર પોલીસ (Surat City Police) અગાઉ લૂંટ વીથ મર્ડર કેસમાં સંડોવાયેલા આરોપીઓ તેમજ લૂંટનો માલ ખરીદનારા શખસોને ઝડપી ચૂકી છે. આ કેસમાં હજુ પણ એક આરોપી લલ્લા બેનવંશી ફરાર છે.

શું હતી લૂંટ વીથ મર્ડરની ઘટના ?

- Advertisement -

સુરતના હજીરા ખાતે આવેલી રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટીકના દાણા ભરીને નીકળેલી એક ટ્રક ગુમ થઈ જતાં કંપનીના મેનેજરે ફરિયાદ આપી હતી. જે મામલાની તપાસ દરમિયાન સુરત પોલીસને ટ્રક ચાલકની હત્યા કરી તેની સચિન ઓવરબ્રિજ નજીક ગટરમાં ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ કેસમાં વધુ તપાસ કરતા ઉત્તરપ્રદેશના વિરેશ શર્માએ ટ્રક ચાલકને ગળે ટૂંપો આપી હત્યા કરી લૂંટી લીધેલા પ્લાસ્ટીકના દાણા સેલવાસા ખાતે વેચી દીધા હોવાની માહિતી મળતા તબક્કાવાર રીતે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા હતા. જ્યારે ટ્રક ચાલકની હત્યા કરી લાશને ફેંકી દેનારા વિરેશ શર્મા અને લલ્લા બેનવંશી પોલીસની પકડથી દૂર હતા.

ત્રણ વર્ષની મહેનત બાદ હત્યારો પકડાયો

પ્લાસ્ટીકના દાણા ભરેલી ટ્રક લઈને રિલાયન્સ કંપનીમાંથી નીકળેલા ચાલકનો પરિચિત વિરેશ શર્મા હત્યા અને લૂંટને અંજામ આપવા પહેલેથી જ ટ્રક કેબિનમાં બેસી ગયો હતો. ટ્રક ચાલકની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલો વિરેશ શર્મા છેલ્લાં 12 વર્ષથી ગુજરાતમાં આવવાનું ટાળતો હતો. આરોપી તેના ગામમાં રહેવાના બદલે ઉત્તરપ્રદેશના ઈટાવા ખાતે રહી ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાની માહિતી સુરત પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી (Ashok Luni HC Surat PCB) ને મળી હતી. વિરેશ શર્માને ઝડપી લેવા છેલ્લાં ત્રણેક વર્ષથી પ્રયત્ન કરી રહેલાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીને એક મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો. વિરેશ શર્મા ઉત્તરપ્રદેશથી ટ્રકનો ફેરો કરવા મહારાષ્ટ્ર ખાતે આવતો હોવાની જાણકારી મળતા રાતોરાત પીસીબી પીઆઈ રાજેશ એસ. સુવેરા (R S Suvera PI)એ એએસઆઈ સહદેવભાઈ, હસમુખભાઈ અને હે.કો. અશોકભાઈને આરોપીને પકડવા રવાના કર્યા હતા. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા તાલુકાના મોહીદે હવેલી ખાતે આવેલા IOC ના પેટ્રોલ પંપ ખાતેથી વિરેશ શર્માને સુરત પીસીબી ટીમે ઝડપી લઈ હજીરા પોલીસને સોંપ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular