Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadસરદાર, અહમદનગર કિલ્લો અને 11 સાથીઓ….

સરદાર, અહમદનગર કિલ્લો અને 11 સાથીઓ….

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આઝાદીની લડત દરમિયાન ગાંધીજી (Mahatma Gandhi) , નેહરુ અને સરદાર (Sardar Patel) સહિત મોટા ભાગના આગેવાનો જેલ થઈ હતી. તેમના આ જેલવાસ વિશે તેઓએ પોતે જ ઘણું લખ્યું છે અને તે લખાણો પરથી ઘણાં લેખકોએ તેનું મૂલ્યાંકન પણ કર્યું છે. સરદારનું લખાણ ઓછું છે અને જેલ વિશેની તેમની એક ડાયરી છે, જે તેમણે સાબરમતી જેલવાસ દરમિયાન લખી હતી. આઝાદીની લડત દરમિયાન મહદંશે આગેવાનોનો જેલવાસ એકાંતનો રહ્યો, પણ 1942થી 1945 સુધી અહમદનગર કિલ્લા (Ahmednagar Fort) [અહમદનગર-મહારાષ્ટ્ર]માં આગેવાનોએ જેલ થઈ તેમાં દેશના ટોચના 12 આગેવાનો એક સાથે રહ્યા હતા. આ તમામ કૉંગ્રેસ કારોબારી સમિતિમાં હતા. ટેકનિકલ રીતે તેને અટકાયત કહેવી જોઈએ. આ અભૂતપૂર્વ ઘટના હતી. આ પહેલાં આટલાં આગેવાનો એક સાથે રહ્યા હોય તેવું બન્યું નહોતું. આ અંગેની માહિતી સરદાર પટેલના જીવનચરિત્રોમાં મળે છે. રાજમોહન ગાંધી અને યશવંત દોશી લિખિત સરદારના જીવનચરિત્રોમાં તેની વિસ્તૃત વર્ણન થયું છે. અહમદનગરમાં જેલવાસ દરમિયાન આ બધા આગેવાનો કેવી રીતે રહેતા હતા તે અંગે યશવંત દોશીએ ‘સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર’ ભાગ-2માં વિગતે પ્રકરણ લખ્યું છે; તેની કેટલીક રસપ્રદ વિગતો જાણીએ.

Sardar Patel
Sardar Patel

યશવંત દોશી ‘અહમદનગ કિલ્લા : 1942-45’ નામના પ્રકરણમાં શરૂઆતમાં લખે છે : “1942ના ઑગસ્ટની 9મીએ કૉંગ્રેસ કારોબારી સમિતિના 12 સભ્યોને અહમદનગરના કિલ્લામાં અટકાયત માટે લાવવામાં આવ્યા. …તેમાંથી રાજેન્દ્રપ્રસાદ બીમાર હોવાથી મહાસમિતિ(કૉંગ્રેસની સમિતિ)ની બેઠકમાં ભાગ લેવા મુંબઈ આવી શક્યા ન હતા. તેમને પટણામાં જ પકડીને ત્યાંની જેલમાં રાખેલા. એટલે સરદારની સાથે અહમદનગરના કિલ્લામાં આ 11 સાથીઓ હતા : મૌલાના અબુલ કલામ આઝાદ, જવાહલાલ નેહરુ, આચાર્ય કૃપાલાની, ગોવિંદવલ્લભ પંત, આચાર્ય નરેન્દ્રદેવ, ડૉ. પટ્ટાભી સીતારામૈયા, શંકરરાવ દેવ, ડૉ. સૈયદ મહમૂદ, પ્રફુલ્લચંદ્ર ઘોષ, અસફઅલી અને હરેકૃષ્ણ મહેતાબ. 67 વર્ષની વયના સરદાર સૌથી મોટા હતા અને 42 વર્ષના મહેતાબ સૌથી નાના. પટ્ટાભી અને પંત 60ની આસપાસના હતા અને બાકીના બધા 50ની આસપાસના.”

- Advertisement -
Ahmednagar Fort
Ahmednagar Fort

“આ કારાવાસની પ્રત્યક્ષ હકીકતો કહેતું કેટલુંક સાહિત્ય કારોબારીના કેટલાક સભ્યોએ ઉપલબ્ધ બનાવ્યું છે. કેટલાંકે એ તુરંગવાસ દરમિયાન અને કેટલાકે બહાર નીકળ્યા પછી તે દિવસોનાં સ્મરણો લખ્યાં છે. ડૉ. પટ્ટાભી સીતારામૈયાએ અટકાયત દરમિયાન ડાયરી લખેલી તે ‘ફેધર્સ ઍન્ડ સ્ટોન્સ’ નામે પ્રસિદ્ધ થઈ છે. મૌલાના આઝાદે પાછળથી 1957માં ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’ શીર્ષકથી ઉત્તર-જીવનની આત્મકથા લખી છે, તેમાં અહમદનગરનાં સ્મરણોનો સમાવેશ થાય છે. જવાહલાલ નેહરુને તુરંગવાસમાં લખેલી ડાયરી અને આ દિવસોમાં લખેલા પત્રો ‘સિલેક્ટેડ વર્ક્સ ઑફ જવાહરલાલ’ નેહરુ ગ્રંથમાળાના 13મા ગ્રંથમાં પ્રગટ થયા છે. આચાર્ય કૃપાલાનીની આત્મકથા હજી અપ્રગટ છે પણ તેની ટાઇપ પ્રતમાંથી કેટલાંક અવતરણો ક્યાંક ક્યાંક પ્રગટ થયાં છે. શંકરરાવ દેવે પણ મરાઠી સ્મૃતિકથા લખી છે.”

Ahmednagar Fort

આગેવાનોનું અહીં જે કંઈ જીવન રહ્યું તેનો ખ્યાલ મૌલાના આઝાદે આપ્યો છે. યશવંત દોશીએ તેમને ટાંકતા લખ્યું છે કે, “દરરોજ સવારે આઠ વાગ્યે બધા નાસ્તા માટે છેવાડાના ભોજનખંડમાં ભેગા થતા. અગિયાર વાગ્યે ત્યાં જમવા માટે મળતા. જમ્યા પછી મૌલાનાસાહેબ કમરામાં બે કલાક વાતો કરતા, ચર્ચા કરતા. પછી એકબે કલાક આરામ. ચાર વાગતા સૌ ચા માટે મળતા. ચાનો કાર્યક્રમ પત્યા પછી ચોગાનમાં ફરવાની અને બીજી કસરતો કરતા. વાળુનો સમય આઠ વાગ્યાનો હતો. પછી રાતના દસ સુધી ફરી ચર્ચા ચાલતી. દસ વાગ્યે સૌ પોતપોતાના ઓરડામાં ચાલ્યા જતા. રસોડાની સંભાળ અને રસોઈ પર દેખરેખ રાખવાનું કામ સરદારે માથે લઈ લીધું હતું. અગાઉના તુરંગવાસમાં પણ સરદાર એમ કરતા. પંડિત પંતે લખ્યું છે કે અહમદનગરમાં અમારી તબિયત સારી રહી હતી અને તે માટે અમે સરદારના કૃતજ્ઞ હતા. એ સ્વચ્છતાનો આગ્રહ રાખતા અને પ્રત્યેક ચીજ બરાબર બનાવવામાં આવી હોય તેનું ખાસ ધ્યાન રાખતા. ફળ સુધારવાનું કામ પણ સરદાર કરતા. 1932માં યરવડામાં ગાંધીજીને ફળ સુધારી આપવાનું કામ સરદારે જ ઉપાડી લીધેલું.”

આ પૂરા પ્રકરણમાં દરેક આગેવાનો જેલ દરમિયાન કેવી રીતે વર્તતા હતા તેનું ચિત્ર મળે છે; ઉપરાંત તેઓ સમૂહજીવન કેવી રીતે પસાર કર્યું હતું તેવી પણ ઘટના મળે છે. યશવંત દોશી આ વિશે લખે છે : “બધાએ ચોગાનમાં બગીચો બનાવ્યો. સમય પસાર કરવા અને નીરસ જીવનમાં ફૂલો ઉછેરી રસ ઉમેરવા, સૌંદર્યદર્શન કરવા, જવાહરલાલે એ સૂચન કરેલું અને સૌએ વધાવી લીધેલું. ડૉ. ગોપાલે એમ નોંધ્યું છે કે રાજકીય ચર્ચાઓથી ઊકળેલાં સૌના મન શાંત કરવા એમણે સામુદાયિક કાર્યોનું આયોજન કર્યું. તેમાં રસદાયક પ્રવૃત્તિ એમણે સૂચવેલી. ખેડુપુત્ર સરદારને તરત એમાં રસ પડ્યો. એમની સલાહ નેહરુને સારી ખપ લાગી. અહીં ક્યા છોડ વાવી શકાશે તેની સરદારને સૂઝ પડતી હતી. પૂનાથી ફૂલોનાં બી મંગાવવામાં આવ્યાં. સરદાર ક્યારા ખોદવામાં, બી વાવવામાં, પાણી પાવામાં અને વેલ ચડાવવામાં નેહરુને મદદ કરતા. બીજાઓને પણ બોલાવતા. બધાએ ભેગા મળીને એક વેળાના ઉજ્જડ ચોગાનને પુષ્પાચ્છિદિત સૌંદર્યમંડિત ઉપવન બનાવી દીધું. સરદારે પોતાના ઓરડાની આગળ ભૂરાં ફૂલોની એક સુંદર વેલ ઉગાડી હતી. સવાર-સાંજ એનાં પુષ્પોની સુવાસ વાતાવરણને ભરી દેતી. જેલવાસને અંતે સરદારે ફૂલોમાંથી બી ભેગાં કર્યા અને નેહરુએ એ બધાંની તારવણી કરી પૅકેટ બનાવ્યા. છૂટા પડતી વખતે દરેક કેદીને દરેક જાતનાં પૅકેટ ભરેલી એક બૉક્સ ભેટ આપવામાં આવ્યું. આ સમૂહજીવનનું આથી સારું સ્મૃતિચિહ્ન શું હોય?”

- Advertisement -

સરદાર પટેલ સમય કેવી રીતે પસાર કરતા હતા તેની નોંધ પણ આ આગેવાનોના દસ્તાવેજોમાંથી મળે છે. તે વિશે યશવંત દોશી લખે છે : “સમય પસાર કરવાનું સરદારનું સૌથી મોટું સાધન વાંચન હતું. એમની તબિયતને કારણે પણ એમનાથી બીજી પ્રવૃત્તિ ઓછી થઈ શકે પણ વાંચન વધારે થઈ શકે એવું હતું. દર્દ ભૂલવામાં પણ વાંચન મદદરૂપ થતું હશે. એટલે સરદાર સૌથી વધારે વખત વાંચવામાં ગાળતા. એમને કોઈ અભ્યાસ માટે કશું વાંચવું નહોતું. કોઈ ચોક્કસ વિષય વાંચવામાં રસ હોય એવું પણ નહોતું. ભૂખ્યા માણસની જેમ જે હાથમાં આવ્યું તેની ઉપર તૂટી પડતા. વર્તમાનપત્રો, દેશ-વિદેશના સામયિકો અને પુસ્તકો પુષ્કળ મળતાં અને સરદાર વાંચ્યા કરતા.”

કૉંગ્રેસની કારોબારી સમિતિના તેરમાંથી બાર સભ્યો આ કિલ્લામાં પૂરો દિવસ એકસાથે રહેતા હતા. માત્ર રાજેન્દ્ર પ્રસાદ અન્ય જગ્યાએ હતા. અહીંયા એવી અનેક ઘટનાઓ બની જેને સરદારના જીવનચરિત્ર લેખકે બયાન કરી છે. તેઓ લખે છે : “જાણે અઢી વર્ષ સુધી કારોબારીની અખંડ બેઠક ચલાવવાની સગવડ સરકારે કરી આપી હતી. સાધારણ રીતે એમ મનાય કે આ રાજકીય નેતાઓએ ટલા સમયમાં દેશના ભૂતકાળ અને વર્તમાનકાળનું ઊંડાણથી વિશ્લેષણ કરી લીધું હશે અને ભાવિનું આયોજન વિચાર્યું હશે. પણ ખરેખર આવું બનેલું જણાતું નથી. દરેક નેતાએ પોતપોતાના મનમાં રાજકારણનો વિચાર તો સતત કર્યા કર્યો હશે, બબ્બે-ત્રણ-ત્રણનાં જૂથોમાં ચર્ચા પણ કરી હશે. પણ મહેતાબ કહે છે કે બારેય સભ્યો ભેગા થઈને દેશના રાજકારણની ચર્ચા કરે એવું ઝાઝું બન્યું નહીં. દિવસમાં ચાર વખત ભોજનખંડમાં બધા ભેગા થતા હતા છતાં વર્તમાન રાજકારણની ચર્ચા ટાળતા હતા. પણ નેહરુના ચરિત્રકાર સર્વપલ્લી ગોપાલ લખે છે કે વારંવાર ગરમાગરમ ચર્ચા થતી હતી અને છૂટ્યા ત્યારે કેટલાકને તો એકબીજા સાથે બોલ્યાવહેવાર પણ માંડ રહ્યો હશે.”

યશવંત દોશી આ તારણ મૂક્યું છે પણ આગળ તુરંત તેઓ એક ફકરામાં જે વિગત લખે છે તે આ આગેવાનોના સંબંધે વધુ સટીક છે. તેઓ લખે છે : “કારોબારીના સભ્યોના મનમાં એકબીજાનો દોષ વરસતો હશે. પણ એક બાબત સ્પષ્ટ હતી. પ્રત્યેક સભ્યના પોતાના વિચારો, પોતાનું અભિમાન, બીજાઓ વિશેનું પોતાનું મૂલ્યાંકન ભિન્ન હોવા છતાં સૌ જાણતા હતા કે દરેક સભ્ય દેશભક્ત છે, દેશને ખાતર ગમે તે ભોગ આપવા તત્પર છે. વળી, સૌ મોટી વયના પીઢ કાર્યકર્તાઓ હતા અને કેટલાંયે વર્ષોથી સાથે કામ કરી રહ્યા હતા. એટલે મતભેદો હોવા છતાં સાથે જીવવાનું તેમને ફાવી ગયું હતું. રોજિંદા જીવનવ્યવહારમાં તેઓ પ્રેમથી એકબીજાને નભાવી લેતા હતા.”

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular