કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): “26 નવેમ્બરના રોજ 9 વાગ્યા પછી મુંબઈમાં (Mumbai) જ્યારે ધડાધડ ગોળીઓ છૂટવા માંડી ત્યારે પાકિસ્તાન ખાતેના રાજદૂત સત્યબ્રતા પાલ (Satyabrata Pal)દિલ્હીમાં તત્કાલિન પાકિસ્તાનના (Pakistan) નવા વિદેશ મંત્રી મહમૂદ કુરેશીને મળવા જઈ રહ્યા હતા. તે વખતે પાકિસ્તાનના રાજદૂતનું ઘર – ‘પાકિસ્તાન હાઉસ’-માં કુરેશીએ સીએનએન-આઈબીએન ચેનલના સુહાસિની હૈદરને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. બસ ત્યારે 26-11 હૂમલાની ખબર આવી. તે પછી આ ઇન્ટરવ્યૂ ક્યારેય ટેલિકાસ્ટ ન થયો. સામાન્ય રીતે કુરેશીએ યજમાન સાથે ડિનર લેવાનું થતું હતું, પણ તત્કાલિન વિદેશ મંત્રી પ્રણબ મુખરજીએ તેમની માટે ડિનર ગોઠવ્યું નહોતું, બસ માત્ર સાથે ચા સાથેની મુલાકાત થઈ હતી. વિદેશ મંત્રી કુરેશીનો ભારત પ્રવાસ નિર્ધારીત થયા પછી પણ દિલ્હી સરકાર તરફથી તેમના સ્વાગત માટે કોઈ ડિનરનું આયોજન થયું નહોતું. તે વખતે મલિક અવારનવાર એવો કટાક્ષ કરતા કે તેમના મંત્રીને તેઓ ડરતાં ડરતા પણ ડિનર માટે લઈ જશે. જોકે પછીથી શાહિદ મલિકે એક ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં તે વખતના તત્કાલિન નેશનલ સિક્યૂરિટી એડવાઇઝર શિવશંકર મેનન અને પાકિસ્તાનમાં ભારતીય રાજદૂત સત્યબ્રાતા પાલ ઉપસ્થિત રહ્યા હતા.

કશુંક અજુગતું બનશે તેવું ભારતીય મંત્રી અગાઉથી જાણતા હોય તેમ ઘટનાક્રમ બન્યો હતો. અને તેમ થશે તો તેઓ વિચિત્ર સ્થિતિમાં મૂકાશે, જ્યારે તેઓ પાકિસ્તાનના મંત્રી સાથે ડિનર કરતા હોય અને બીજી તરફ મુંબઈમાં આંતકવાદી હુમલો થતો હોય- તેવી ખબર આવે. જોકે પ્રણવ મુખરજી બીજા દિવસે કુરેશી સાથે બપોરનું ભોજન લેવા તૈયાર થયા હતા. બંને વિદેશી મંત્રી તે બાબતે સહમત થયા કે તેમની વચ્ચે ‘સેન્ટર ફોર રિસર્ચ ઇન રુરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ’ અંતર્ગત ખેતીના સહકાર વિશે સંવાદ થાય. આ સેન્ટરની આગેવાની રાશપાલ મલહોત્રા કરી રહ્યા હતા. મનમોહન સિંઘ તે સેન્ટરના સ્થાપકોમાંના એક હતા, જેઓ બંને દેશોના પંજાબના હિસ્સાને વધુ નજીક લાવવા માંગતા હતા.”
પાકિસ્તાનમાં રાજદૂત તરીકે રહેનારા અજય બિસરીયાના પ્રકાશિત પુસ્તક ‘એન્જર મેનેજમેન્ટ : ધ ટ્રબલ્ડ ડિપ્લોમેટિક રિલેશનશિપ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન’માં આ વિગત વર્ણવી છે. આ પુસ્તક હાલમાં પ્રકાશિત થયું છે અને તેમાં કેટલીક ઇનસાઇડ વાતો બયાન થઈ છે. સામાન્ય રીતે કોઈ ઘટના બને; અને જો ઘટના મુંબઈ હૂમલા જેવી હોય તો તેને જ કેન્દ્રમા રાખીને બધું બયાન થતું હોય, પરંતુ અહીંયા અજય બિસરીયાએ તે વખતની કેટલીક અજાણી વિગત ટાંકી છે. આગળ તેઓ લખે છે : “હૈદરાબાદ હાઉસમાં તે દિવસે અગાઉ થયેલી બંને દેશો વચ્ચેની એક બેઠક સારી રહી હતી. બેઠક બાદની પ્રેસ કોન્ફરન્સમાં પ્રણવ મુખરજીએ ખુશી વ્યક્ત કરતા ક્રિકેટ સંબંધોને ફરી સ્થાપિત કરવાની વાત કરી હતી. કારમાં હોટલ પાછી ફરતી વેળાએ કુરેશી આનંદમાં હતા અને તેમણે મલિકને કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો માટેનો આ સંભવત્ સૌથી શ્રેષ્ઠ સમય છે. તેમણે સારા સમયની આગાહી થોડી વહેલા કરી દીધી હતી. હૈદરાબાદ હાઉસમાં વિદેશ મંત્રી કુરેશી મળ્યા બાદ પ્રણવ મુખરજી સીધા તેમની સાઉથ બ્લોકની ઓફિસે પહોંચ્યા હતા. રાતના નવ વાગ્યે તેમના સ્ટાફે મુંબઈ થયેલા હિંસાની ટીવી પર આવતી ખબરોથી તેમને ચેતવ્યા. પોતાની ઓફિસમાં મુખરજીએ ન્યૂઝ જોયા. જે સ્કેલ પર હૂમલો થયો હતો તે જોઈને મુખરજી ચોંકી ઊઠ્યા. અને તેઓ મધરાતે ઘરે ગયા, એક ક્ષણ પણ હું ટીવી પરથી નજર હટાવી શકતો નહોતો. દેશના લાખો લોકો ટીવી પર આ ક્રૂરતાને જોઈ રહ્યા હતા. તાજમહેલ, ઓબરોય અને અન્ય ટારગેટ થયેલી ઇમારતોમાંથી આગની વચ્ચે મૃતદેહોની સંખ્યા વધી રહી હતી.”
લેખક અને પૂર્વ ડિપ્લોમેટ અજય બિસરીયા અંદાજે સાડા ત્રણ દાયકા સુધી અતિ મહત્ત્વના પદે ફરજ બજાવી. છેલ્લે તેઓ 2020થી 2022 દરમિયા કેનેડાના રાજદૂત તરીકે રહ્યા હતા. એ અગાઉના ત્રણ વર્ષ તેઓ પાકિસ્તાનમાં રાજદૂત તરીકે ફરજ બજાવી. મૂળે જમ્મુ કાશ્મીરના અજય બિસરીયા 1999માં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં પ્રાઇવેટ સેક્રેટરીના પદે તેઓ વડા પ્રધાન વાજપેયીને અનેક બાબતોમાં સલાહકારની ભૂમિકામાં રહ્યા હતા. વિશેષ કરીને આર્થિક, સંરક્ષણ અને વિદેશી મુદ્દા અંગે. આગળ તેઓ લખે છે કે, “બીજા દિવસે થનારી ચંદીગઢની બેઠક પ્રણવ મુખરજીએ રદ કરી. પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરેશી પોતાના કાર્યક્રમમાં કોઈ ફેરફાર ન કર્યો. તેઓ જયપુર, અજમેર અને ચંદિગઢમાં ગયા. મુંબઈની હોટલ આંતકવાદીઓના તાબામાં હતી અને સુરક્ષા દળો લશ્કર-એ-તોબાના આંતકવાદીઓ સામે લડી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રીનો ભારતમાં બેઠકોનો દોર ચાલુ હતો. …બીજા દિવસે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ મનમોહન સિંઘને ફોન કોલ કર્યો અને હૂમલાને વખોડ્યો. ઉપરાંત પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ડિજી સુઝા પાસાને તપાસમાં મદદ કરવા માટે મોકલવાની પણ વાત કરી હતી. 27 તારીખે જ જ્યારે કુરેશી દિલ્હીમાં વુમન્સ પ્રેસ ક્લબમાં પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે શાહીદ મલિકને એક ફોન આવે છે તે ફોન વિદેશ મંત્રાલયમાંથી હતો. કુરેશીને તુરંત લાઈન પર આવવાનું કહેવામાં આવ્યું ત્યારે સામે ગુસ્સામાં પ્રણવ મુખરજી બોલતા હતા. તેઓ વિદેશ સેક્રેટરી મેનને તૈયાર કરેલી એક નોંધ ફોન પર બોલી ગયા : ‘શ્રીમાન મંત્રી, હાલની સ્થિતિમાં ભારતમાં રહેવાથી તમારો કોઈ ઉદ્દેશ્ય પાર પડવાનો નથી. મારી સલાહ છે કે તમે વહેલી તકે અહીંથી ચાલ્યા જાવ. મારું સત્તાવાર વિમાન તમને તમારી અનુકૂળતાએ પાછા ઘરે લઈ જશે. પણ એ ઇચ્છનીય છે કે તમે વહેલી તકે નિર્ણય લો.’”
એક તરફ મુંબઈના હૂમલાની દોડધામ હતી ત્યારે બીજી બાજુ દિલ્હીમાં ડિપ્લોમેટિક સ્તરે આ બધું બની રહ્યું હતું. તે સમયે વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન સંબંધિત વિગત જોનારા ટી.સી.એ. રાઘવન હતા. તેઓ ચારેક વાગે ઊઠ્યા અને તેમને પાકિસ્તાન એરફોર્સ દ્વારા કહેવામાં આવ્યું કે તેમનું વિમાન મંત્રીને લેવા નીકળી ચૂક્યું છે. તેમને એકાદ કલાક મંજૂરી માટે લાગવાનો હતો. દેશના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના વિદેશ મંત્રીનો પ્રવાસ વિનમ્રતાથી ટૂંકાવી દીધો. પ્રણવ મુખરજીએ તે વખતની ઘટના પછી વર્ણવી હતી : ‘હંમેશની જેમ પાકિસ્તાન હૂમલામાં પોતાની સંડોવણીની ઇનકારના મોડમાં હતું. પાકિસ્તાનના નેતાઓએ પણ એ રીતે જ કહે રાખ્યું કે આંતકવાદી તેમના કોઈ ક્ષેત્રના નથી. મારી પ્રતિક્રિયા તીવ્ર અને ઝડપી હતી. જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે, તેઓ આકાશમાંથી નથી ઊતર્યા. તેઓ નિર્ધારીત દેશમાંથી આવતા હતા. અને આ કેસમાં અમારી પાસે પુરાવા છે કે તેઓ પાકિસ્તાનના કરાચી પોર્ટથી આવ્યા છે.’
આ પુસ્તકમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ગજગ્રાહ વધારતી અનેક ઘટનાઓને સાંકળી લેવામાં આવી છે. એવી જ એક ઘટના કંદહાર-આઈસી 184ની પણ છે. નેપાળથી ત્યારે ઇન્ડિયન એરલાયન્સનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હતું. આ વિમાન હાઇજેક થયું ત્યારે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં શું ચર્ચા થઈ હતી અને કેવી રીતે એક્શન લેવાયા, તેની વિગત આ પુસ્તકમાં મળે છે. કંધહાર અપહરણને લઈને તેમાં એક ઠેકાણે લેખક લખે છે કે, “પાકિસ્તાન સ્થિત તાલિબાનોના પ્રતિનિધિઓ સાથે ભારતીય રાજદૂતે સંપર્ક સાધ્યો. તાલિબાનીઓએ કહી દીધું કે વિમાનનું છેલ્લું ઠેકાણું અફઘાનિસ્તાનનું કંધહાર છે. તાલીબાનીઓ સાથે થયેલા સંવાદમાં ભારતીય રાજદૂત કહી રહ્યા છે કે કોઈ પણ આંતકવાદીને છોડવામાં નહીં આવે. 28 તારીખે ભારતીય રાજદૂત તેમાંથી પીછેહઠ થયા અને તેમને કહેવામાં આવ્યું કે હવે આંતકવાદી સાથે વાતચીત દિલ્હીની ટીમ કરશે. તાલિબાન સાથેની આઈએસઆઈનું જોડાણ સ્પષ્ટ હતું અને હાઇજેકમાં પણ તેમની ભૂમિકા હતી, તેથી દિલ્હીથી ટીમ નીકળીને કંધહાર પહોંચી. ઇસ્લામાબાદથી કાઉન્સેલર એ.આર.ઘનશ્યામ કંધહાર પહોંચ્યા અને તેમણે જોયું કે ઉર્દૂ બોલનારો એક પાકિસ્તાની તાલિબાનીઓને નિર્દેશ કરી રહ્યો છે. તત્કાલિન પાકિસ્તાનમાં રહેલા ભારતીય રાજદૂત પાર્થસારથીએ યાત્રીઓની સુરક્ષા માટે તાલિબાનીઓ સાથે વાતચીત કરી અને ત્રણ આંતકવાદીઓને છોડવા પર સહમત થયા.” આ પ્રકારની અનેક બંને દેશો વચ્ચેના ગજગ્રાહના કિસ્સાઓ આ પુસ્તકમાં મળે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








