નવજીવન ન્યૂઝ, ડેસ્ક : વર્ષ 2025માં વિશ્વભરમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારા દેશોની યાદીમાં ભારત પાંચમાં સ્થાને રહ્યું છે. ઑપરેશન સિંદૂર બાદ ભારતનો લશ્કરી ખર્ચ વધ્યો (India’s military spending increased after Operation Sindoor) છે. વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતની હિસ્સેદારી 3.2 ટકા છે. વર્ષ 2025માં આખી દુનિયાનો સૈન્ય ખર્ચ વધીને 2,887 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર USA, ચીન, રશિયા અને જર્મની આ લિસ્ટમાં ટોચ પર 4 દેશો છે. વર્ષ 2025માં ભારતનો સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 8.9 ટકા (India increases military spending) વધુ છે. જેમાં મોટું કારણ પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદૂર હતું. આ સૈન્ય અભિયાન દરમિયાન સેનાને યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવા સશસ્ત્ર દળોએ તાત્કાલિક ધોરણે હથિયારો અને સાધનસામગ્રીની ઘણી મહત્વપૂર્ણ ખરીદીઓ કરી હતી. ભારતના પાડોશી દેશોએ પણ પોતાની સેના પર ખર્ચ વધાર્યો છે. દુનિયામાં બીજો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતા ચીને સંરક્ષણ બજેટમાં 7.4 ટકાનો વધારો કર્યો છે. જેનાથી તેનો કુલ ખર્ચ 336 અબજ ડોલર થઈ ગયો છે. જ્યારે પાકિસ્તાનને આર્થિક પડકારો હોવા છતાં સૈન્ય ખર્ચમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. માત્ર 11.9 અબજ ડોલરના ખર્ચ સાથે પાકિસ્તાન આ 40 દેશોની યાદીમાં 31માં સ્થાને છે.








